Last Update : 19-September-2012, Wednesday

 

પથ્થરની લકિર જેવી જીદ માટે જાણીતા દીદી માટે હાલના સંજોગો જોતાં દાદાગીરી આસાન નથી
મમતા વિ. મનમોહનઃ અબ રાહ કૌન સી જાયે દેશ?

વાતવાતમાં ત્રાગાં કરવાની મમતાની ટેવ આ વખતે તેમના ખુદના જ ગળાનું હાડકું બની છે. એક પલડાંમાં ધાર્યું કરવાની આદત છે તો બીજા પલડામાં મૌન રહીને યોગ્ય તકની રાહ જોવાનું રાજકીય શાણપણ છે. જોકે મમતા માટે બીજા પલડે બેસવું અશક્ય નહિ તોય મુશ્કેલ તો છે જ
રાહ કૌન સી જાઉં મૈં!

 

આમ તો આ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી રચિત કવિતા છે પરંતુ તેનો એક-એક શબ્દ હાલમાં ભાજપના કટ્ટર વિરોધી અને હવે કોંગ્રેસ સામે પણ એટલી જ તીવ્રતાથી સામે પડેલા મમતા બેનર્જીને લાગુ પડે છે. બાળહઠ, યોગીહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ એ ચાર પ્રકારની હઠ, એ ચાર જીદ સામે સતર્ક રહેવા ભારતીય પુરાણો સૂચવે છે. હાલ કોંગ્રેસની કઠણાઈની એ છે કે તેણે એક જ વ્યક્તિમાં સ્ત્રીહઠ અને રાજહઠ એવી બે જીદનો સામનો કરવાનું આવ્યું છે.
શાસક યુપીએ ગઠબંધનના મહત્વના ઘટક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના ત્રાગા સહન કરવાની કોંગ્રેસ માટે કોઈ નવાઈ નથી રહી. પરંતુ તાજેતરનો ઘટનાક્રમ જરા અલગ છે. આ વખતે વધુ એક વાર મમતાનો ટેકો યુપીએ સરકારની સ્થિરતા માટે આવશ્યક છે. મમતાની હાજરીથી સરકારની રાજકીય કુંડળી પણ સંતુલિત થાય છે. પરંતુ મમતાની હાજરી અનિવાર્ય નથી. આ સંજોગોમાં છૂટક વેપારમાં વિદેશી રોકાણને મંજૂરી આપવાના મુદ્દે ત્રાગે ચઢેલા મમતા માટે ય હવે બોલ્યું પાળવું કે થૂંકેલું ચાટવું એવી વિમાસણ સર્જાઈ ગઈ છે.
સમય અને તક મુજબ રાજકીય સોગઠી ફેરવવાને બદલે ભાવનાત્મકતાને જ રાજકીય હથિયાર બનાવવામાં માહેર મમતા ક્યારેક તેમના જડ વલણને લીધે રાજકીય તક ગુમાવતાં પણ રહ્યા છે તો ક્યારેક જડ વલણને લીધે જ તેમની મક્કમ છબી જ તેમને જનમાનસમાં બંગાળી વાઘણ જેવી આક્રમક છબી પણ આપતી રહી છે. આજે તો મમતા બેનર્જી અને તેમના તૃણમૂલ કોંગ્રેસના ૧૯ સાંસદોનું સંખ્યાબળ યુપીએ સરકાર માટે મહત્વપૂર્ણ છે પરંતુ જ્યારે મમતાનું ખાસ રાજકીય વજન ન હતું ત્યારે પણ તેઓ ધાર્યું કરાવવા માટે મક્કમ જીદ પર ઉતરી ચૂક્યા છે. ૧૯૮૯માં પ. બંગાળ કોંગ્રેસના એક પ્રાદેશિક હોદ્દેદાર તરીકે પણ તેમણે મુર્શિદાબાદ જિલ્લાના કલેક્ટરના કથિત ભ્રષ્ટાચાર સામે ઘેરાવ કરીને કલેક્ટરને ચૌદ કલાક સુધી રસ્તા વચ્ચે રોકી પાડયા હતા અને છેવટે ડાબેરી સરકારના પ્રધાને ઘટનાસ્થળે પહોંચીને તપાસ પંચ નીમવાની જાહેરાત કરી ત્યારે જ કલેક્ટરનો છૂટકારો થયો હતો.
જીદ એ મમતાનું એવું બ્રહ્માસ્ત્ર છે જે ક્યારેક તેમના વિરોધીઓને ચત્તાપાટ કરી દે છે તો ક્યારેક પોતાના જ બ્રહ્માસ્ત્રની ધાર તેમને પોતાને પણ ઘાયલ કરી જાય છે. ૧૯૯૪માં મમતા કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા ત્યારે નદિયા જિલ્લાની કોઈ મહિલા પર બળાત્કાર થયો અને તેમાં ડાબેરી પક્ષના કોઈ ટોચના હોદ્દેદાર સંડોવાયા હોવાની આશંકાથી પોલીસમાં તેની ફરિયાદ લેવાતી ન હતી. મમતા જાતે જ એ પીડિતાને લઈને રાઈટર્સ બિલ્ડિંગ (પ.બંગાળ સરકારના સચિવાલય)માં પહોંચી ગયા. મમતાના ઉગ્ર તેવરને જરાક પણ ભાવ આપવા ન માંગતા તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ મમતાને મળવાની દરકાર ન કરી એટલે ઉશ્કેરાયેલા મમતા રાઈટર્સ બિલ્ડિંગમાં જ ધરણા પર બેસી ગયા. સાત કલાકના ધરણા પછી મોડી રાતે પોલીસે તેમને બળજબરીપૂર્વક ઊભા કર્યા અને લોકઅપમાં બંધ કરી દીધા ત્યારે મમતાએ જનતાના આદેશ વગર કદી પણ રાઈટર્સ બિલ્ડિંગમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞાા લીધી હતી અને અઢાર વર્ષ સુધી તેનું પાલન કર્યું હતું.
પરંતુ તાજેતરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મમતાને પોતાની જ જીદ રાજકીય દાવપેચમાં નડી પણ ગઈ હતી. પ્રણવ મુખર્જી સામેના અંગત વિરોધને લીધે તેમણે મુલાયમની હૈયાધારણાનો સહારો લઈને નોંખો ચોકો માંડવા પ્રયાસ કર્યો ત્યારે એ ચેષ્ટા બૂમરેંગ થઈ અને મમતા માટે નીચાજોણું થયું એ હાલનો તાજો ઈતિહાસ છે. હવે મનમોહન સરકારે રિટેઈલ સેક્ટરમાં એફડીઆઈની મંજૂરી આપી ત્યારે મમતાનો વિરોધ અપેક્ષિત મનાતો હતો. પૂર્વે મમતાએ આ મુદ્દે પોતાનું ઉગ્ર વલણ સ્પષ્ટ કરી જ દીધું હતું. આમ છતાં મમતાના વિરોધને ગણકાર્યા વગર કે તેમને વિશ્વાસમાં લીધા વગર સરકારે મંજૂરી આપી દેતાં હવે મમતા માટે 'આર યા પાર' જેવી સ્થિતિ ઊભી થઈ છે.
દરેક પ્રાદેશિક નેતાઓની માફક મમતા માટે પણ પોતાના પ્રાંતથી વિશેષ કશું મહત્વનું પણ નથી અને અન્ય પ્રાંતમાં તેમનાં રાજકીય વજનનું ખાસ વજૂદ પણ નથી. આમ છતાં એ પણ હકીકત છે કે મમતાની વોટબેન્ક અને જનાધાર કોંગ્રેસથી ખાસ અલગ નથી. ડાબેરીઓના ૩૪ વર્ષના શાસનને હટાવ્યા પછી મમતાને પ.બંગાળનું મુખ્યમંત્રીપદ મળ્યું છે પરંતુ વારસામાં ખાલીખમ તિજોરી અને અઢળક સમસ્યાઓ પણ મળી છે. નાદારી નોંધાવતી આર્થિક પેઢી જેવી બંગાળની હાલત હોય ત્યારે મમતા માટે કેન્દ્ર સરકારની મદદ વગર પાંચ વર્ષ શાસન કરવું અને પાંચ વર્ષ પછી ફરી ચૂંટાવું એ સ્હેજપણ આસાન નથી.
આ દરેક ગણતરી સાથે જ મમતાએ યુપીએ ગઠબંધનમાં સામ, દામ, દંડ અને ભેદ વાપરતા રહીને બંગાળ માટે તોતિંગ આર્થિક સહાય મેળવતા રહેવાનું વલણ જારી રાખ્યું છે. હાલમાં બંગાળ માટેના રૃ. ૧૮,૦૦૦ કરોડના વિશેષ સહાયતા પેકેજ અંગેના કરારો આખરી તબક્કામાં છે ત્યારે હવે મમતા ટેકો પાછો ખેંચવાની ધમકી આપી નહિ શકે તેમ ધારીને રિટેઈલમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. યુપીએ ચેરપર્સન તરીકે સોનિયાએ રાજકીય શતરંજ પર મમતાને આપેલી આ બીજી મ્હાત છે.
હજુ બે મહિના પહેલાં જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારના મુદ્દે મમતા આડા ફાટશે જ તેવી ગણતરી સામે કોંગ્રેસે અગાઉથી જ દાવપેચ ગોઠવી રાખ્યા હતા. મમતાની પડખે ચઢેલા મુલાયમને ય મનાવી લઈને કોંગ્રેસે મમતાને નોંધારા કરી દીધા હતા. રિટેઈલમાં એફડીઆઈનું સમર્થન મમતા માટે તેમનાં હોમગ્રાઉન્ડમાં બહુ મોટી સમસ્યા બની શકે તેમ છે. મધ્યમવર્ગિય જનતામાં લોકપ્રિયતા ધરાવતા મમતા બંગાળમાં વખતોવખત પોતે શહીદ થઈ જશે પણ રાજ્યમાં વિદેશી કંપનીઓનો આવવા નહિ જ દે એવી બૂમરાણ પણ મચાવી ચૂક્યા છે. હવે જ્યારે ખરેખર એવો વખત આવ્યો છે ત્યારે મમતા માટે ક્યા કરે, ક્યા ન કરે જેવી અસમંજસ સર્જાઈ છે.
યુપીએ સરકારને ટેકો પાછો ખેંચવો એ રાજકીય હારાકીરી જેવો નિર્ણય છે. સ્વયં તૃણમૂલના વરિષ્ઠ પ્રધાનો પણ કેન્દ્ર સરકારની આર્થિક મદદ વડે હાલમાં યેનકેન પ્રકારે રાજ્યમાં બેઠા થવાને પ્રાધાન્ય આપે છે પરંતુ મમતાની ધાક એવી છે કે કોઈ જાહેરમાં એવો મત વ્યક્ત કરવાની હિંમત દાખવતું નથી અને મમતાના રણગીતોમાં સૌ કમને સૂર પૂરાવતા રહે છે. અન્યથા તૃણમૂલના વરિષ્ઠ નેતા સૌગત રાય એવું વિધાન કરી ચૂક્યા છે કે, બંગાળનું સીધું હિત જોખમાતું ન હોય એવા નિર્ણય માટે અમારો વિરોધ ફક્ત સૈદ્ધાંતિક જ હોવો જોઈએ. મતલબ કે, સમગ્ર રાષ્ટ્રને અસર કરતાં હોય તેવા નિર્ણયમાં તૃણમૂલે નાહકની બાંયો ચઢાવવાની જરૃર નથી.
પરંતુ મમતા માટે એ શક્ય નથી. છંછેડાઈ જવાના કારણો શોધતી તેમની પ્રકૃતિને જ એવું રાજકીય શાણપણ માફક આવે તેમ નથી. 'મેં એકવાર ના પાડી તોય કેમ કર્યું' એવો વઢકણી સાસુ જેવો મિજાજ ધરાવતા મમતા યુપીએ સાથીપક્ષો, ખાસ કરીને કોંગ્રેસ દ્વારા સતત તેમની થઈ રહેલી અવહેલના હવે સાંખી શકે તેમ નથી. એટલા માટે જ તેમણે વિરોધના પ્રથમ પગથિયા તરીકે ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપી દીધું. પરંતુ એ અલ્ટિમેટમ પૂરું થાય એ પહેલાં જ સરકારે તો પોતાનું મક્કમ વલણ સ્પષ્ટ કરી જ દીધું છે. હવે જીદનો દડો સામો ઉછળીને મમતા તરફ ફેંકાઈ ચૂક્યો છે ત્યારે મમતા હાલ ચૂપ રહીને યોગ્ય સમયની રાહ જોશે કે પછી રાજકીય હારાકીરી કરીને ય જીદ પર અડગ રહેવાનું આત્મઘાતી વલણ દાખવશે?
હાલ તો એ બંને વિકલ્પ મમતા માટે જ હાનિકારક વર્તાઈ રહ્યા છે.

Share |
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved