Last Update : 18-September-2012, Tuesday

 

વિદેશી માધ્યમોમાં આલોચના થયા પછી જ સરકાર સફાળી જાગે એવો ક્રમ મનમોહને પહેલી ટર્મમાં પણ દાખવ્યો હતો
મનમોહનને ઓચિંતુ શૂરાતનનું ઈંજેક્શન કેમ વાગ્યું?

નિંભરતા, નિષ્ક્રિયતા અને મીંઢાઈ માટે વગોવાઈ રહેલી સરકારે સુદર્શન ચૂર્ણ કરતાં ય વધુ કડવા નિર્ણયો લઈને અચરજ પેદા કર્યું છે. ગાઢ નિદ્રામાં પોઢેલો કુંભકર્ણ અચાનક સો મીટરની દોડમાં યુસૈન બોલ્ટનો સામનો કરવા લાગે તેનાં જેવું આ આક્રમક વલણ આખરે ક્યા કારણથી પ્રેરિત છે?

 

બાર વરસે બાવો બોલ્યો હોય અને એ પણ 'જા બચ્ચા અકાલ પડેગા' જેવી કાળવાણી હોય ત્યારે એમ થાય કે આનાં કરતાં તો એ ચૂપ હતો એ વધુ સારૃં હતું. નિંભર નિષ્ક્રિયતા અને મીંઢા મૌન માટે વિપક્ષો અને પ્રસાર માધ્યમોના હાથે ડફણાં ખાતી યુપીએ સરકાર અચાનક જ સફાળી જાગી અને કડવી દવા જેવા નિર્ણયો લઈ લીધા એ જોતાં સરકાર નિષ્ક્રિય હતી એ વધુ સારું હતું કે કેમ એવો સવાલ થઈ આવે. કેટલાક દૃષ્ટિકોણથી મનમોહન સિંહના વડપણ હેઠળની સરકારે નિર્ણયો લેવામાં રાજકીય મક્કમતા દર્શાવી હોવાનું પ્રતીત થાય છે. કેટલાંક મુદ્દા એવા છે જે સરકારની મજબૂરી છતી કરે છે જ્યારે કેટલીક બાબતોમાં સરકાર 'આર યા પાર'નો આક્રમક મિજાજ દાખવીને હાર્યા જુગારીની માફક બમણું રમી લેવાની વૃત્તિ દર્શાવે છે.
ડિઝલમાં ભાવવધારો અને રાંધણ ગેસમાં નિયત ક્વોટા પછીનો ભાવવધારો એ નિર્ણય ખરેખર તો સરકારની મજબૂરી છે. ખનીજતેલની આયાતમાં ઓઈલ કંપનીઓનો ખો નીકળી રહ્યો છે અને વિદેશી હુંડિયામણનું તગડું ખિસ્સું કપાઈ રહ્યું છે એ જોતાં આ ભાવવધારો થવો અપેક્ષિત હતો જ. તાજેતરમાં નામ સંગઠનોની તહેરાન ખાતે યોજાયેલી બેઠકમાં ભારતે અમેરિકાને નારાજ કરવાનો ભય છતાં ઈરાનની પીઠે હાથ પસવાર્યો ત્યારે માંડ ઈરાન ભારતને રાહત દરે ખનીજતેલ પૂરું પાડવા સંમત થયું છે પરંતુ એ રાહત પ્રતિ બેરલ ૮૦ શિલિંગ જેટલી માંડ છે અને ચણા-મમરા જેટલી રાહત આપ્યા પછી પણ ઈરાને ભારતને આપવાના થતાં ક્વોટા (રોજના ૮૦૦૦ બેરલ)માં તો વધારો નથી જ કર્યો. વૈશ્વિક સ્તરે વધતા ભાવો પછી હવે સ્થિતિ એવી છે કે, ડિઝલમાં પ્રતિ લીટર રૃ. ૧૪થી ૧૬નો વધારો કર્યા વગર સરકારને આરો જ ન હતો. આ સંજોગોમાં રૃ. ૫નો ભાવવધારો કરવો એ નિર્ણય કડવો હોવા છતાં અનિવાર્ય પણ હતો. સાથોસાથ બીજી સચ્ચાઈ એ છે કે, આ નિર્ણય કડવો હોવા માત્રથી સરકારનું હિંમતભર્યું પગલું નથી બની શકે તેમ. જો સરકારે ડિઝલ કાર પર લક્ઝરી ટેક્સ નાંખ્યો હોત અથવા તો ડિઝલની કિંમતમાં જ આવશ્યક વધારો કર્યો હોત તો એ જરૃર હિંમતવાન અને દેશની તિજોરીને અનુકૂળ નિર્ણય બન્યો હતો. પરંતુ ચૂંટણીલક્ષી પરિણામો અને રાજકીય તડજોડના ભયથી મનમોહન સરકાર તેમાં ઉણી ઉતરી છે.
સામા પક્ષે, રિટેઈલમાં એફડીઆઈનો નિર્ણય સરકારનો કેસરિયા કરીને નીકળતા મધ્યયુગના લડાકુ જેવો 'એક, બે ને સાડા ત્રણ' પ્રકારનો મિજાજ સૂચવે છે. ગુ્રપ ઓફ મિનિસ્ટર્સમાં પ્રસ્તાવ મૂકાયા પછી સંસદના કુલ સાત સત્રો ટાળ્યા બાદ સરકાર અચાનક જ આ નિર્ણય લેવા પ્રેરાઈ છે. આ નિર્ણય યુપીએ ગઠબંધન અને છેવટે સરકાર માટે પણ જોખમી બની શકે તેમ હતો આમ છતાં લોકસભામાં બહુમતિના ગણિત, સાથીપક્ષોની ગરજ અને વિપક્ષની નબળાઈ સહિતના મુદ્દાઓનો સઘન અભ્યાસ કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો હોવાનું છેલ્લા બે દિવસના રાજકીય ઘટનાક્રમમાં ફલિત થાય છે.
ઘટક પક્ષો પૈકી જેમનો સૌથી વધુ વિરોધ હતો એ મમતા બેનર્જી તેમની પ્રકૃતિ મુજબના અલ્ટિમેટમ આપવા છતાં બંગાળી વાઘણના તેમને મળેલા બિરુદને સાર્થક કરતી ત્રાડ નાંખી શક્યા નથી. બંગાળ એ તેમનો મુખ્ય અગ્રતાક્રમ છે અને કેન્દ્રની સરકાર સામે શિંગડા ભરાવીને આર્થિક સહાયનો માતબર સ્રોત તેઓ ટાળી શકે એમ નથી. બીજી બાજુ, આર્થિક સહાય ગુમાવ્યા પછી યુપીએથી અલગ થયા બાદ કોઈ મોટો રાજકીય ફાયદો તેમને મળી શકે તેમ નથી. કારણ કે ત્રીજા મોરચામાં મમતા કરતાં મુલાયમ વધુ મજબૂત છે અને રાજ્યમાં તેમના સૌથી મોટા હરિફ એવા ડાબેરીઓ પણ ત્રીજા મોરચામાં આગળની હરોળમાં બેસતાં હોય ત્યાં મમતા માટે યુપીએ છોડીને ત્રીજા મોરચામાં જવું એ રાજકીય હારાકીરી સાબિત થાય તેમ છે. પરિણામે, રિટેઈલમાં એફડીઆઈના મુદ્દે મમતાનો વિરોધ બોલકો હોય તો પણ અણિયાળો તો નહિ જ રહે.
લોકપાલ મુદ્દે સરકારે દાખવેલી ભીષણ નિષ્ક્રિયતા, કોલસા કૌભાંડમાં સરકારે દાખવેલી બેશરમ નિંભરતા અને મોંઘવારીના પ્રશ્ને સરકારનું અકળાવનારૃં મૌન જ્યારે ચારે દિશાએથી બરાબર વગોવાઈ રહ્યું હતું ત્યારે સરકારનું આ વલણ ગાઢ નિદ્રામાં પોઢેલો કુંભકર્ણ અચાનક સો મીટરની દોડમાં યુસૈન બોલ્ટનો સામનો કરવા લાગે તેનાં જેવું અચરજપ્રેરક છે.
ગઠબંધન સરકારના શંભુમેળામાં સ્વાભાવિક રીતે જ મહત્વના સાથીપક્ષોને વિશ્વાસમાં લીધા વીના અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંજૂરી વગર આટલા અઘરા નિર્ણયો ન જ લેવાયા હોય. આમ છતાં આ દરેક નિર્ણયો આર્થિક બાબતોને લગતાં તેમજ વિદેશોમાં સરકારની છબીને ઉજાળવાનો પ્રયાસ હોય તેવાં હોવાથી નિર્ણય માટેના પ્રેરકબળ અને ચાલકબળ કંઈક જુદાં હોવાનું વર્તાય છે. ભારતીય માધ્યમોએ લોકપાલ મુદ્દે, ૨-જી સ્પેક્ટ્રમ મુદ્દે અને તાજેતરમાં કોલસાકૌભાંડમાં સરકારની કડક આલોચના કરી છે તેમ છતાં સરકારના પેટનું પાણી સુદ્ધાં હલ્યું ન હતું પરંતુ ટાઈમ મેગેઝિને દોઢ મહિના પહેલાં મનમોહનની નિષ્ક્રિયતાની આલોચના કરી અને પછી ટાઈમના પગલે વોશિંગ્ટન પોસ્ટે પણ (ભલે ચોરાઉ પણ સાચી વિગતો ટાંકીને) મનમોહનને નિશાન બનાવ્યા.
આ પૂર્વે વડાપ્રધાનપદના પોતાની પહેલી ટર્મમાં પણ મનમોહન વિદેશી માધ્યમોની આલોચનાથી ચલિત થઈ ચૂક્યાના ઉદાહરણો મોજુદ છે. એ વખતે અમેરિકા સાથેની પરમાણુ સંધિ અંગે ડાબેરી પક્ષોના દબાણને લીધે સરકાર નિર્ણય લઈ શકતી ન હતી ત્યારે ટેલિગ્રાફ અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં મનમોહન નબળા વડાપ્રધાન હોવાના અહેવાલો (બે મહિનામાં અલગ અલગ પ્રસંગે કુલ ચાર વખત) છપાયા ત્યારે અચાનક જ મનમોહને ડાબેરીઓને સમર્થન ન કરવું હોય તો ન કરે પણ પરમાણુ કરાર તો થશે જ એવું દૃઢ વલણ દાખવી નાંખ્યું હતું અને આ વખતે પણ એવું જ બની રહ્યું છે. તો શું ખરેખર મનમોહન વિદેશી માધ્યમોમાં થતી આલોચના અને વૈશ્વિક સ્તરે સરકારની બગડતી છબીને આટલું બધું પ્રાધાન્ય આપે છે?
આ સવાલનો જવાબ એટલો આસાન નથી આમ છતાં યુપીએ સરકારે હાલ જે પગલાં લીધા છે તેની લાંબા ગાળાની દિશા જોતાં જવાબ હકારમાં હોવાનું જણાય છે. રિટેઈલમાં એફડીઆઈનો મુદ્દો સ્વાભાવિક રીતે જ વોલમાર્ટ જેવી ગંજાવર વ્યાપ ધરાવતી અમેરિકી કંપનીઓને સાંકળે છે. ડીઝલના ભાવમાં વૃદ્ધિ કરીને સબસીડી ઘટાડવા અંગે આઈએમએફ, વર્લ્ડ બેન્ક સહિતના વિદેશી પરિબળો સરકાર પર દબાણ લાવી ચૂક્યા છે અને સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે તિજોરીની વધી રહેલી ખાધને લીધે જ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે એ જોતાં આ બંને નિર્ણયો કડવા, આવશ્યક હોવા છતાં સરવાળે તો વિદેશોમાં સરકારની છબી સુધારવાના પ્રયાસ જેવા છે.
સામા પક્ષે બીજા એવા અનેક પ્રશ્નો છે જે મનમોહનના વડપણ હેઠળની સરકારને નિષ્ક્રિય અને નિસ્તેજ સાબિત કરે છે. જેમ કે, પાંચ વર્ષથી ઓછી વયના શિશુઓમાં કુપોષણને લીધે થતાં મૃત્યુનો દર ભારતમાં સૌથી ઊંચો છે. કન્યા કેળવણીની બાબતમાં ભારત હજુ પણ યુરોપના વિકસિત દેશો તો છોડો, એશિયાના કેટલાંક દેશોની સરખામણીએ પણ પાછળ છે. શૌચાલય, વીજળી અને કાચા રસ્તા જેવી પાયાની સુવિધાઓ પણ હજુ ય ૨૩ ટકા ભારતીય વિસ્તારોમાં દુર્લભ ગણાય છે. ખેતીલાયક જમીનના ધોવાણનો દર સમગ્ર એશિયા ખંડમાં ભારતમાં સૌથી વધુ છે. આ ઉપરાંત સરકારી, વહીવટી સ્તરે વ્યાપક ભ્રષ્ટાચાર અને પારદર્શિતાના અભાવની ફરિયાદો તો છે જ. મનમોહને આ દિશામાં એકપણ નિર્ણય લીધો નથી. આર્થિક સુધારાની તંદુરસ્તી જાળવી રાખવા આવા નિર્ણયોની કડવી દવા જો આવશ્યક હોય તો આ દરેક સમસ્યાઓ પણ ઓછી મહત્વની નથી. વિદેશી માધ્યમોની સરકાર પરની ધાક જોતાં આશા રાખીએ કે વોશિંગ્ટન પોસ્ટ બહુ જલ્દી ભારતની આ સમસ્યાઓ પર કોઈક સ્ટોરી કરે. કદાચ અમેરિકા બૂમ પાડે તો જ આ સરકારના કાન સરવા થાય છે.

Share |
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved