Last Update : 15-September-2012,Saturday

 

ઘેરા મહેમાનને ઘેર બોલાવવાની મોસમ આવી ગઈ છે અને સૌને પ્રિય એવા આ પ્રસન્ન મુદ્રા, આનંદી દેવનું પ્રિય ભોજન એટલે મોદક.
સંસ્કૃત ભાષામાં મોદનો અર્થ થાય છે આનંદ એન મોદક એટલે આનંદ આપનાર.
પરંપરાગત મોદક બનાવવામાં માવો, કોપરું, ખડી સાકર, ખસખસ અને ખારેક આ પંચખાદ્ય વપરાતાં હતાં.
હવે જોકે ગણરાયાના આ પ્રિય આહારમાં સેંકડો વરાયટીઝ ભળી છે. જેવો જેમનો શોખ અને આવડત.
આમ તો બજારમાં અનેક પ્રકારના તૈયાર મોદક મળે છે. પરંતુ આ વખતે ઘરમાં જાતે બનાવવાની ઇચ્છા થાય તો એમાં મદદરૂપ થવા અહીં થોડી રેસિપીઝ આપી છે.
બાય ધ વે, પરફેક્ટ મોદકમાં ૨૧ ધાર (કે પાસા) હોવા જોઈએ. ટ્રાય કરજો, પણ ન થાય તો વાંધો નહીં, ગણપતિ બહુ ઉદારદિલ દેવ છે. ભાવનાભૂખ્યા છે. તમને આવડે એવા મોદક બનાવીને પ્રેમપૂર્વક એમને ધરજો.

મોહક મનોહર મોદક વરાયટી

 

ચોખાના લોટના શ્વ્વેત મોદક
સામગ્રી ઃ એક લીલું નાળિયેર, દોઢ વાટકી, સાકર અથવા ગોળ, બે ચમચી ખસખસ, સાત-આઠ એલચી, ચાર-પાંચ પેંડા, બે વાટકી ચોખાનો લોટ, બે ચમચા ઘી, થોડુંક મીઠું.

 

રીત ઃ લીલા નાળિયેરનું છીણ કરી તેમાં ગોળ અથવા સાકર, જે ગળપણ નાખવું હોય તે મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. તેમાં ખસખસ, એલચીના દાણા, સૂકી દ્રાક્ષ, માવો અથવા પેંડાનો ભૂકો નાખી હલાવો. ધીમા તાપે સતત હલાવતાં રહો, નહીં તો મિશ્રણ વાસણમાં ચોંટી જવા લાગશે. મિશ્રણને બરાબર ઘટ્ટ બનાવવું. ઢીલું રહેશે તો મોદક બનાવ્યા પછી મોદક બહારથી ચીકણા થઈ જશે. આ મિશ્રણ એકાદ-બે દિવસ અગાઉ પણ
બનાવીને ફ્રિજમાં રાખી શકાય. જેથી મોદક બનાવવાના દિવસે દોડાદોડી ન થાય.
એક તપેલામાં બે વાટકી પાણી લઈને ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો. હવે તેમાં ધીરે ધીરે ચોખાનો લોટ નાખતા જાવ. પછી ઢાંકણ ઢાંકી થોડી વાર સીઝવા દો. તાપ એકદમ ધીમો રાખવો. થોડી વાર પછી બઘું પાણી લોટમાં ચુસાઈ જાય ત્યારે આંચ પરથી તપેલું ઉતારી લઈ એક થાળીમાં લોટ કાઢી લઈ હાથ પર ઘી લગાવી ગરમ ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા-લૂવા બનાવતા જવા. તેના વચ્ચે ખાડો કરી ઉપર બતાવેલું પૂરણ ભરી (કચોરી ભરીએ તે રીતે) મોદકના આકારમાં ગોળા બંધ કરતા જાવ. આમ બધા ગોળામાં પૂરણ ભરાઈ જાય પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકવું. ત્યાર બાદ એના પર એક ચારણીમાં પાતળું સ્વચ્છ કપડું પાથરી એના પર તૈયાર કરેલા બધા ગોળા મૂકી ૧૦થી ૧૫ મિનિટ સુધી બાફી લેવા. ચોખાના લોટના મોદક તૈયાર.

 

રવાના મોદક
સામગ્રી ઃ એક લીલા નાળિયેરનું ખમણ, દોઢ વાટકી સાકર અથવા ગોળ, ૨ ચમચી ખસખસ, સાત-આઠ એલચી, સૂકી દ્રાક્ષ એક ચમચી, સો ગ્રામ માવો, ચાર-પાંચ પેંડા અને બહારના કવર માટે બે મોટા વાટકા બારીક રવો, સવા બે વાટકા પાણી, એક ચમચી તેલ, ચપટીભર મીઠું.

 

રીત ઃ આગળ જણાવ્યા મુજબ નાળિયેર, સાકર, માવો, પેંડા, ખસખસ, દ્રાક્ષ અને એલચીમાંથી પૂરણ બનાવો. હવે એક જાડી તપેલીમાં સવા બે વાટકા પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં મીઠું તથા તેલ નાખો. હવે તેમાં રવો નાખી ધીમી આંચ પર ઢાંકણ લગાવી બાફી લો. રવો જ્યારે પાણી સૂચી લે ત્યારે ગેસ બંધ કરી લોટ મસળીને ગૂંદી લેવો અને આગળ બતાવ્યા મુજબ તેમાં માવો ભરી મોદક બનાવી લેવા અને પંદરેક મિનિટ વરાળમાં બાફી લેવા.

 

રવાના સ્વાદિષ્ટ મોદક તૈયાર.
ઉપવાસી ચોખાના મોદક

સામગ્રી ઃ પૂરણ માટેની સામગ્રી આગળ બતાવ્યા મજુબ છે. ફક્ત બહારના કવર માટે ઉપવાસી ચોખાનો લોટ (મોરૈયો) લેવો. આ લોટને પણ આગળ બતાવ્યા મુજબ ગરમ ઉકળતા પાણીમાં બાફી લઈ ગૂંદી લેવો અને આગળ જણાવ્યા મુજબ મોદક બનાવી, બાફી તૈયાર કરી લેવા.
આ મોદક ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.

 

જુવારના લોટના મોદક
સામગ્રી ઃ પૂરણ માટેની સામગ્રી એ જ રહેશે. ફક્ત કવર માટેનો લોટ જુવારનો રહેશે. આ માટે જુવાર ધોઈ, સ્વચ્છ કપડાં પર સૂકવી લેવી. ત્યાર બાદ એને પિસાવી લઈ એ લોટ આગળ જણાવ્યા મુજબ બાંધી લઈ પૂરણ ભરી, બાફી લઈ મોદક તૈયાર કરવા.
કેરીના રસના મોદક

 

રીત નં. ૧
સામગ્રી ઃ- પૂરણ માટે એક લીલા નાળિયેરનું ખમણ, દોઢ વાટકી સાકર, સાત-આઠ એલચી, બે ચમચી ખસખસ, એક ચમચી સૂકી દ્રાક્ષ, સો ગ્રામ માવો અથવા ચાર-પાંચ પેંડા, બે કેરીનો રસ, બહારનું કવર બનાવવા માટે કોઈ પણ લોટ (ચોખાનો, રવો, ઉપવાસી ચોખાનો લોટ, વગેરે).
રીત ઃ અગાઉ બતાવ્યા મુજબ પૂરણ તૈયાર કરવું. તેમાં કેરીનો રસ મિક્સ કરી ઘટ્ટ બનાવી લેવું. જો તૈયાર કેરીનો રસ વાપરવો હોય તો સાકર થોડી ઓછી નાખવી. આગળ જણાવ્યા મુજબ મનપસંદ લોટના ગોળા બનાવી તેમાં પૂરણ ભરી મોદક બનાવી વરાળથી બાફી લઈ મોદક તૈયાર કરવા.

 

રીત નં.-૨
સામગ્રી ઃ પૂરણ માટે સોપ્રથમ રીતમાં બતાવેલી રીત મુજબ જ પૂરણ તૈયાર કરવું. ફક્ત લોટ બાંધવા માટે બે વાટકી ચોખાનો લોટ, ચપટી મીઠું, બે ચમચી તેલ, એક વાટકી કેરીનો રસ.
રીતઃ કેરીનો રસ કાઢી લો. હવે એક તપેલામાં પાણી ઉકળવા મૂકો ત્યારે એની સાથે જ કેરીનો રસ પણ ઉમેરી દો અને ઉકળવા દો. ઉકળવા લાગે ત્યારે તેમાં જ ચોખાનો લોટ ઉમેરી દઈ ધીમા તાપે ઢાંકણ ઢાંકી સારી રીતે લોટ બફાવા દો અને લોટ બરાબર બફાઈ જાય પછી આંચ પરથી ઉતારી ઘીવાળો હાથ કરી ગરમ લોટ બરાબર મસળી ગૂંદી લો. તેમાં પૂરણ ભરી મોદક બનાવો. વરાળમાં બાફી તૈયાર કરી લો.

 

તળેલા મોદક
સામગ્રી ઃ પૂરણ માટેની સામગ્રી આગળ બતાવ્યા મુજબ. કવર માટે એક વાટકી મેંદો, અડધી વાટકી રવો, દૂધ, મીઠું, તળવા માટે તેલ અથવા ઘી.

 

રીત ઃ રવો અને મેંદો તેમાં ચપટીભર મીઠું નાખી ચાળી લો. હવે તેમાં ગરમ તેલ અથવા ઘીનંુ મોણ નાખી દૂધ અથવા પાણીથી એકદમ કઠણ લોટ બાંધી લો અને ઢાંકીને એક-દોઢ કલાક મૂકી રાખો. પછી એને પથ્થર અથવા દસ્તાથી બરાબર કૂટી લઈ થોડો નરમ બનાવો. એમાંથી નાના નાના લૂવા બનાવી લઈ તેમાં પૂરણ ભરી મોદકના શેપમાં વાળી લો. હવે ગરમ તેલ અથવા ઘીમાં ધીમા તાપે તળી લો. ઠંડા થયા બાદ એરટાઈટ કન્ટેનરમાં ભરી લો, જેથી મોદક નરમ ન પડે.
જો કલર્ડ મોદક બનાવવા હોય તો લોટ બાંધતી વખતે તેમાં ખાવાનો કલર મિક્સ કરો. બસ, તૈયાર છે તળેલા મોદક.

 

ઘઉંના લોટના મોદક
સામગ્રી ઃ પૂરણની બધી સામગ્રી લઈ આગળ જણાવ્યા મુજબ પૂણ બનાવી લો અને મેંદા-રવાના લોટને બદલે ઘઉંનો લોટ એ જ પ્રમાણે બાંધી લો.

 

રીત ઃ તળેલા મોદકની રીતે જ બધી વિધિ કરવી. ફક્ત તળવાના બદલે આ મોદકને પણ વરાળથી બાફી લઈ બનાવવા. આ મોદક ગરમ ગરમ જ ખાવાના ઉપયોગમાં લેવા. આ મોદક ચણાની દાળનું પૂરણ (પૂરણપોળીમાં બનાવાતું પૂરણ) ભરીને પણ કરી શકાય છે.
નાગપંચમીના દિવસે મહારાષ્ટ્રીયન લોકો આવા બાફેલા મોદક બનાવે છે.

 

સૂકા નાળિયેરના તળેલા મોદક
સામગ્રી ઃ બે વાટકા સૂકા કોપરાની છીણ, એક વાટકી પીસેલી સાકર, બે ચમચા ખસખસ, સાત-આઠ એલચી, બે ચમચી સૂકી દ્રાક્ષ, કાજુના ટુકડા, રવો તથા મેંદો આગળ જણાવેલી રેસિપી મુજબ.

 

રીત ઃ સૂકા કોપરાની પાછળનો બ્રાઉન ભાગ કાઢી લઈ ફક્ત સફેદ ભાગને બારીક છીણી લેવો. હવે એક કડાઈમાં ધીમી આંચ પર આ કોપરાના છીણને શેકી તેમાં ખસખસ, કિસમિસ (સૂકી દ્રાક્ષ), એલચીના દાણાનો પાઉડર, કાજુના દાણા, દળેલી સાકર નાખી સરખું મિક્સ કરવું અને પૂરણ તૈયાર કરી લેવું. ત્યાર બાદ આગળ જણાવ્યા પ્રમાણે મોદક માટે લોટ બાંધી લઈ તેમાં પૂરણ ભરી મોદક વાળી લઈ ગરમ ઘી અથવા તેલમાં ધીમા તાપે તળી લેવા. ઠંડા થયા બાદ ઍરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

 

માવાના મોદક
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

 

કાજુ મોદક
માવાના મોદક પ્રમાણે બધી વસ્તુ લો અને એજ રીતે માવો બનાવો. ફક્ત તેમાં ૭૫ ગ્રામ કાજુ લઈ શેકી તેનો ભૂકો કરી માવામાં ભેળવી દો. કાજુ એસેન્સનાં બે ટીપાં નાખવાં અને સાંચા (મોલ્ડ)માં ભરી કાજુ મોદક બનાવી લો.

 

પિસ્તા મોદક
કાજુ મોદકની માફક કાજુને બદલે પિસ્તાનો ભૂકો માવામાં ભેળવી પિસ્તા એસેન્સનાં બે ટીપાં નાખી મોલ્ડમાં ભરી મોદક વાળી લો. તમારા મનભાવન પિસ્તા મોદક તૈયાર.

 

પનીર માવા મોદક
સામગ્રી ઃ એક વાટકી પનીર, એક વાટકી માવો, એક વાટકી સાકર, સાત-આઠ એલચી, કેસર.

 

રીત ઃ પનીર અને માવાને અલગ અલગ વાસણમાં બારીક મસળી લો. કણી ન રહે તેનું ઘ્યાન રાખો. નહીં તો મોદક છુટ્ટા થઈ જશે. એક વાટકી સાકરની ચાસણી બનાવવા માટે તે જ વાટકી અડધી ભરીને પાણી લેવું. હવે એક તપેલીમાં સાકરની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવા અને પનીરનો બારીક ભૂકો નાખવો. આંચ એકદમ ધીમી કરી લઈ મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બેધ કરી તેમાં એલચીનો ભૂકો અને કેસર નાખી હાથેથી સારી રીતે મસળી લેવું. હવે મોદકના મોલ્ડમાં ભરી મોદક બનાવી લેવા. આ જ પ્રમાણે દૂધીના હલવાના, ગાજરના કે રવાના શીરાને પણ મોદકના મોલ્ડમાં ભરી મોદકનો શેપ આપી શકાય છે. ત્યાર બાદ તેને ફ્રિજમાં ઠંડા કરી સરસ કડક કરી ડિશમાં સજાવી રંગબેરંગી મોદક સર્વ કરી શકાય છે.

 

રતાળુની કચોરી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ રતાળુ, ૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ, ૨૫૦ ગ્રામ ઘી, જોઈતા પ્રમાણમાં મીઠું, તેલ, આદું-મરચાં, કોપરું, લાલ દ્રાક્ષ, તલ, લીંબુ.

 

રીત ઃ રતાળુને છોલી તેના નાના ટુકડા કરી થોડું ઘી મૂકી ધીમે તાપે રતાળુને ચડવા દેવું. બરાબર ચડી જાય એટલે તેને છૂંદી તેમાં મીઠું, આદુ-મરચાં, ખમણેલું કોપરું, લીંબુ, ખાંડ, લાલ દ્રાક્ષ, તલ જોઈતા પ્રમાણમાં નાખવા અને બઘું ભેગું કરવું. રાજગરાના લોટમાં પાણી નાખીને બાંધવું ને પુરી વણવી. એમાં તૈયાર કરેલ રતાળુનો મસાલો મૂકી કચોરી બનાવવી. તે પ્રમાણે બટાટાની સૂરણની કે શક્કરિયાની કચોરી થઈ શકે છે.

 

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved