Last Update : 15-September-2012,Saturday

 

સરકારના નિર્ણયો માટે સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા, 'આપણે તો માનતાં હતાં કે વડાપ્રધાન અર્થશાસ્ત્રી છે!'
મોંઘવારીનો મારઃ ખાંડણિયામાં માથું ને મનમોહનના ઘા

ડિઝલમાં ૧૬ રૃપિયાનો ભાવવધારો પ્રસ્તાવિત હતો ત્યારે ૫ રૃ.નો વધારો થવાથી શૂળીનો ઘા સોયથી ટળ્યા જેવું લાગે પરંતુ એકધારા અનેક દિશાએથી મોંઘવારીના ગડદા-પાટુ ખાઈ રહેલી જનતાને તો હવે સોયનો ઘા પણ સાંબેલા જેવો લાગશે

સૂનમૂન બેઠેલા માણસને ચેતનવંતો કરવા માટે સતત ઘોંચપરોણા કરતાં રહો અને અચાનક એ ઝબકે પછી બાઘાની જેમ કંઈપણ વર્તન કરવા લાગે કંઈક અંશે એવા લક્ષણો અત્યારે સરકાર દર્શાવી રહી છે.
છેલ્લા બે દિવસમાં સરકારે દાખવેલી ત્વરા અને જલદ નિર્ણયો લેવા માટે દર્શાવેલી હિંમત એ વિપક્ષો, માધ્યમોના આક્રમણથી બઘવાયેલી સરકારની ક્રિયા છે કે એક પછી એક કૌભાંડમાં ફસાયેલી સરકારની પ્રતિક્રિયા છે એ નક્કી કરવું હાલના તબક્કે અશક્ય છે. આમ છતાં, ડિઝલમાં ભાવવધારો, રાંધણગેસમાં ક્વોટા, છુટક વેપારમાં અને એવિએશન સહિતના પીએસયુમાં વિદેશી રોકાણની મંજૂરી જેવા લાંબા સમયથી અટવાયેલા વિવાદી નિર્ણયો લઈને મનમોહન સરકારે આક્રમક તેવર દર્શાવ્યા છે એ તો સ્વીકારવુ જ રહ્યું.
હજુ હમણાં સુધી મૌનીબાબા જેવા વડાપ્રધાન અને બટકબોલા પ્રધાનમંડળને લીધે યુપીએ સરકાર વિપક્ષો અને પ્રસાર માધ્યમોની આકરી ટીકાનો ભોગ બનતી હતી ત્યારે સફાળી જાગેલી સરકારે એસિડ રેઈન જેવા નિર્ણયો વરસાવીને હલચલ મચાવી દીધી છે. ડિઝલમાં ભાવવધારો ક્યારનો તોળાતો હતો.
પેટ્રોલની માફક ડિઝલ પણ અંકૂશમુક્ત કરવાની વાતો હવામાં ક્યારની ઘૂમરાતી હતી. રાંધણગેસમાં સરકારે લીધેલો નિર્ણય શરદ પવારની કોઠાસૂઝને આભારી હોવાનું કહેવાય છે. વાર્ષિક છ સિલિન્ડરનો રાહતદરનો ક્વોટા અને પછી પ્રત્યેક સિલિન્ડરે મુક્તબજારના ભાવ એ વિચાર જેમનો પણ હોય, સરકારે એ રીતે જનતાના રોષને એટલા પૂરતો તો અટકાવ્યો છે એ સ્વીકારવું જ રહ્યું. આમ છતાં સરકારનું બે દિવસનું વલણ કેસરિયા કરીને નીકળેલા મધ્યયુગના લડવૈયાની માફક 'જો ભી હોગા દેખા જાયેગા' પ્રકારનું છે.
ડિઝલમાં ૧૨થી ૧૬ રૃપિયાનો ભાવવધારો લાગુ કરવાના પ્રસ્તાવ સામે સરકારે ૫ રૃ.નો વધારો કર્યો છે એટલે હાલ તુરત તો શૂળીનો ઘા સોયથી ટળ્યા જેવું લાગે પરંતુ એકધારા અનેક દિશાએથી મોંઘવારીના ગડદા-પાટુ ખાઈ રહેલી જનતાને તો હવે સોયનો ઘા પણ સાંબેલા જેવો લાગે તેવી હાલત છે. ડિઝલમાં થયેલો ભાવવધારો એ સરકારની કઠણાઈ છે. આજે યુપીએ સરકાર છે, આવતીકાલે એનડીએ હોય કે એબીસી, એક્સવાયઝેડ સરકાર હોય, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં વૈશ્વિક સ્તરે સર્જાઈ રહેલી કટોકટી જોતાં ભાવ વધતાં જ રહેવાના છે એ સુદર્શન ચૂર્ણ જેવી કડવી છતાં દીવા જેવી સાફ હકીકત છે.
પેટ્રોલિયમ પ્રોડક્ટનો ભાવવધારો સાવ અકારણ કે સાવ ખોટુ પગલું તો કહી શકાય તેમ નથી. આપણે ખનીજતેલના વપરાશમાં સ્હેજપણ આત્મનિર્ભર નથી અને કુલ વપરાશના ૮૦ ટકા જેટલું પેટ્રોલ, ડિઝલ આપણે આયાત કરવું પડે છે. સામા પક્ષે ડિઝલમાં થયેલો ૫ રૃ.નો ભાવવધારો રેલવેના નૂરભાડાથી માંડીને તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર બેવડાવશે એ પણ હકીકત છે.
ભારતની કુલ પેટ્રોલિયમ આયાતમાં ડિઝલનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. માલવાહક વાહનોથી માંડીને ખેતરોમાં કૂવા પર લગાવેલા પમ્પ અને રેલવેથી માંડીને ફેક્ટરીઓના એન્જિન સહિત બધે ડિઝલનો વ્યાપક વપરાશ હોય ત્યારે ડિઝલમાં થતો ભાવવધારો જીવનજરૃરી દરેક ચીજોના ભાવને અસર કરે.
એમાં પણ હવે જ્યારે ડિઝલના ભાવને આંતરરાષ્ટ્રીય ભાવ સામે તરલ બનાવવાની વેતરણ થતી હોય ત્યારે મોંઘવારીનો દર ક્યાં પહોંચે તેનું અનુમાન પણ હાજાં ગગડાવવા પૂરતું ગણાય.
ડિઝલના ભાવ સાથે થતી છેડછાડ એ શાંત જળમાં પથ્થર ફેંકવા જેવું છે. એક વમળ બીજા અનેક વમળ ખડાં કરે અને પછી આખા તળાવમાં એ ખલેલ ફરી વળે. સરકારની લાચારી એ છે કે આ સ્થિતિને પહોંચી વળવા હાલ કશું થઈ શકે તેમ નથી. ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટે, સરકાર પર સબસીડીનો બોજ ઘટે અને ગ્રાહકોને મોંઘવારીનો માર થોડો ઓછો લાગે તેવા કેટલાંક રસ્તાઓ છે. જેમ કે, ડિઝલ વાપરતા માલવાહક વાહનો, રેલવે વગેરેને લીધે સરકાર ડિઝલને સબસીડી આપે છે પરંતુ એ જ સબસિડાઈઝ્ડ ડિઝલ પાંચ-પચ્ચીશ લાખની મોંઘીદાટ ગાડીઓમાં ય વપરાય છે. મોબાઈલ ટાવર્સના સર્વર્સના કૂલન્ટ તરીકે પણ એ જ ડિઝલ વપરાય છે અને ઈન્ડસ્ટ્રીઝમાં પણ વપરાય છે. સરકાર સામે એક પ્રસ્તાવ એવો હતો કે આવા નોન પર્પઝ્ડ યુઝર્સને મળતાં ડિઝલને અંકુશમુક્ત કરવામાં આવે અને એ સિવાયના ઉપયોગમાં આવતાં ડિઝલ પર સબસીડી જારી રાખવામાં આવે. પરંતુ સરકાર એ કદમ ઊઠાવવામાં હજુ ય ગેંગેંફેંફેં થાય છે.
કેરોસિન તેમજ રાંધણગેસના ઔદ્યોગિક વપરાશમાં પૂરતી કિંમત વસૂલવા તેને કલર કોડિંગ થયું હતું. કેરોસિનમાં બ્લ્યૂ કલર ઉમેરાયો અને રાંધણગેસના બાટલાના રંગ પણ બદલવામાં આવ્યા. આ રીતે ડિઝલનું કલર કોડિંગ ટેક્નિકલી મુશ્કેલ હોવાનું કહેવાય છે તો બીજો વિકલ્પ એ છે કે, ડિઝલ એન્જિન ધરાવતી ગાડીઓ પર એડવાન્સ્ડમાં જ લક્ઝરી ટેક્સ વસૂલી લેવામાં આવે, જે એક ગાડી તેની આવરદા દરમિયાન વાપરી શકતાં ડિઝલ અને તેમાં વપરાતી સબસીડી જેટલો હોય. આ વિકલ્પથી સરકારને ડિઝલ પર અપાતી સબસીડીનો અમૂક હિસ્સો વસૂલવાની તક મળે છે.
એ જ રીતે જ્યાં ડિઝલનો વપરાશ અનિવાર્ય મનાય છે તેવા મોબાઈલ ટાવર સહિતના ઔદ્યોગિક હેતુઓમાં પણ સરચાર્જ વસૂલી શકાય અને જે ઉદ્યોગ સરચાર્જ ચૂકવવાનો ઈનકાર કરે તે ડિઝલ ન વાપરવાની બાંહેધારી આપે. આ વિકલ્પમાં આપણી પ્રકૃતિ મુજબ, ભ્રષ્ટાચારનું વધુ એક દ્વાર ખૂલવાના આસાર રહેલા છે પરંતુ ખાંડણિયામાં માથું હોય ત્યારે ધીમે ધીમે ફટકા ખાવાના ન હોય. ત્યારે તો એક ઘાને બે કટકાનો જ ખેલ હોઈ શકે. સરકાર આ દરેક વિકલ્પો અજમાવીને આમજનતાને મોંઘવારીનો ભીષણ માર ખાવામાં થોડીક રાહત આપી શકે તેમ છે.
પેટ્રોલિયમ પેદાશોની તંગી સામે દેશની તિજોરીને પડતી ખેંચ વિશે નાણા મંત્રાલય દ્વારા ગત ડિસેમ્બરમાં એક સઘન અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં આયાતને લીધે ખર્ચાતા વિદેશી હુંડિયામણ, સબસીડી પછી અન્ય રીતે વાળવો પડતો કરબોજ દરેક બાબતોને ધ્યાનમાં લીધા પછી નાણામંત્રાલયની સમિતિએ કાર પરના લક્ઝરી ટેક્સને હાલ પૂરતો વ્યવહારુ ઉકેલ ગણાવ્યો હતો. એ વિશે હજુ આગળ કંઈ વિચારણા થાય અને એ વિકલ્પ અમલમાં આવે એ પહેલાં તો કાર ઉત્પાદકો અને વિક્રેતાઓએ બૂમરાણ મચાવી દીધી અને કારના વેચાણ પર ગંભીર અસર પડવાની શક્યતા દર્શાવતા મસમોટા આંકડાઓ, તેને લીધે ઊભી થતી બેરોજગારી અને મૂડીરોકાણ પર થતી અસરોના બિહામણા ચિત્રોની ચર્ચાઓ શરૃ થઈ ગઈ.
આ વર્ષના જાન્યુઆરી, ફેબુ્રઆરીના અખબારો, સામયિકો, ચેનલો તપાસો. દરેકમાં ક્યાંક ઓટોમોબાઈલ સેક્ટરમાં આવી શકતી મંદી વિશે અચૂક ચર્ચા થઈ હશે. એ પછી કોઈક ભેદી કારણથી ડિઝલ કાર પર લક્ઝરી ટેક્સ લાદવાની વિચારણાનું બાષ્પીભવન થઈ ગયું છે.
છુટક વેપારમાં સીધા વિદેશી રોકાણની મંજૂરી પણ નેવુના દાયકામાં મુક્ત અર્થતંત્રની નીતિ લાગુ કરતી વખતે થયેલા વ્યાપક વિરોધની યાદ અપાવે છે. વોલમાર્ટ જેવી મહાકાય કંપનીઓના આગમનથી દેશમાં રિટેઈલ સેક્ટરમાં ૧ કરોડ નવી નોકરી ઊભી થશે. વચેટિયાઓ નાબુદ થવાથી ખેડૂતોના ગજવામાં જ ફાયદો જશે અને હરીફાઈનું સ્તર વૈશ્વિક થવાથી સરવાળે ગ્રાહકોને પણ ઓછી કિંમતે વધુ ગુણવત્તા મળશે એવી દલીલ સરકાર પક્ષે આ નિર્ણયના સમર્થનમાં થઈ રહી છે.
પરંતુ શું વોલમાર્ટ જેવી કંપની ભાવનગર, અમરેલી કે સતારા, આસનસોલ જેવા મધ્યમ કક્ષાના શહેરોમાં જશે ખરી? એ તો મેટ્રો અને મેગા સિટીના તૈયાર માર્કેટમાં જ પગપેસારો કરશે. સરવાળે રોજગારી વધવાની વાત થાય છે એ તો શહેરીકરણની સમસ્યાને વધુ ખરાબ રીતે વકરાવશે. વળી, ૧ કરોડ રોજગારીની વાતમાં પણ દમ નથી કારણ કે વોલમાર્ટ સહિતની માંધાતા કંપનીઓનું ૭૫ ટકા કામકાજ નિયત સોફ્ટવેરના સહારે કમ્પ્યૂટરાઈઝ્ડ હોય છે. એ સંજોગોમાં જે નોકરીની તકો હશે એ પણ ચણા-મમરા જેવા પગારે અનસ્કિલ્ડ લેબર માટે હશે.
મનમોહન જેવા ટોચના ગણાતા અર્થશાસ્ત્રી જે સરકારના વડા હોય એ સરકાર આવા અર્ધદગ્ધ (છેતરામણા), અસંતુલિત અને અતાર્કિક નિર્ણયો લે એ સમજવું સાચે જ મુશ્કેલ છે. એ માટે સોશિયલ મીડિયા પર આબાદ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં લોકો આઘાત વ્યક્ત કરે છે, આપણે તો યાર એમ માનતાં હતાં કે વડાપ્રધાન નિષ્ણાત અર્થશાસ્ત્રી છે!

Share |
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved