Last Update : 13-September-2012, Thursday

 

સેટેલાઈટ લોન્ચિંગના વાર્ષિક અઢી અબજ ડોલરના બજારમાં ભારતના પ્રવેશ સામે ચીન રોડાં નાંખે છે
અવકાશનું રાજકારણઃ ચીનને કેમ પેટમાં દુઃખે છે?

સેટેલાઈટ કે સ્પેસ જેવા અઘરાં, વૈજ્ઞાાનિક શબ્દો આવે એટલે પાનું પલટાવી દેવાનો નિયમ આજે કોરાણે મૂકો. સ્પેસમાં ભારતની આગેકૂચ સામે ચીનનો વિરોધ રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય સન્માન સાથે પણ ગંભીરતાથી સંકળાયેલો છે

એ સમાચારને માધ્યમોમાં જોઈએ એટલું વજુદ નથી મળ્યું એટલે બુધવારથી શરૃ થયેલા બખેડાને જરાક બાજુ પર મૂકીએ.
બન્યું છે એવું કે, રવિવારે ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ પોતાનું ૧૦૦મું અંતરિક્ષ યાન સફળતાપૂર્વક અવકાશમાં તરતું મૂક્યું. ઈસરોની સફળતાની આ સદીના સમાચાર જરાક જેટલી પ્રસિદ્ધિ પામ્યા પરંતુ સફળતાની સદી ઉપરાંત પણ આ અવકાશયાનની સફળતા બીજી ઘણી રીતે મહત્વની હતી તેની નોંધ ભાગ્યે જ ક્યાંય ભાવિ અંદાજ સાથે લેવાઈ.
રવિવારે અંતરિક્ષની દિશામાં સફળતાપૂર્વક રવાના કરાયેલા ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી) સી-૨૧ના ૨૩૦ ટનના રોકેટ સાથે ફ્રાન્સ અને જાપાન એ બે દેશોના ઉપગ્રહો અંતરિક્ષમાં રમતાં મૂકાયા. ફ્રાન્સનો ઉપગ્રહ સ્પોટ ૭૧૫ કિલોગ્રામ વજનનો હતો અને સંદેશા વ્યવહારના હેતુથી બનાવાયેલો હતો જ્યારે જાપાની ઉપગ્રહનું વજન તો ફક્ત ૧૫ કિલોગ્રામ હતું જેનો હેતુ હવામાનની આગાહીને લગતો હતો. રસપ્રદ બાબત એ છે કે, આ બંને દેશો સેટેલાઈટ ક્લબના ભારત કરતાં જૂના અને વધુ માતબર ગણાતા સભ્યો છે તેમ છતાં તેમના ઉપગ્રહ લોન્ચ કરવાનું ભાડું ભારતને મળ્યું. ઈસરોની ૧૦૦મી સફળતા ઉપરાંત બિરદાવવા જેવી આ બાબતને જરાક વિસ્તારથી સમજવા જેવી છે.
ઉપગ્રહ લોન્ચિંગની ટેક્નિકલ જટિલતાને જરાક વાર માટે બાજુ પર મૂકો તો એ કંઈક અંશે શટલ રિક્ષા જેવું છે. લાલ દરવાજાથી પાલડી જતી શટલ રિક્ષા એ આખા રૃટ પરના પેસેન્જરને ભરતી જાય અને ગંતવ્ય સ્થાને ઉતારતી જાય. બદલામાં પેસેન્જર રિક્ષાવાળાને અંતરના હિસાબથી ભાડું ચૂકવે. અંતરિક્ષ યાનનો વ્યવસાય પણ કેટલીક રીતે આવો જ છે. શટલ રિક્ષા અને અંતરિક્ષ યાન વચ્ચે ફરક માત્ર એટલો કે અહીં ઉપગ્રહને અવકાશમાં ચડાવવાનું વૈશ્વિક બજાર વાર્ષિક અઢી અબજ ડોલરનો બિઝનેસ ગણાય છે અને આગામી એક દાયકામાં એ વધીને વાર્ષિક ૧૦ અબજ ડોલર સુધી પહોંચી શકે તેમ છે. યાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર ધકેલતો ગંજાવર ધક્કો જેનાંથી વાગે છે એ રોકેટ ટેક્નોલોજીના મામલે ભારતે પ્રચંડ સફળતા મેળવી છે.
એ સફળતાની કહાની શરૃ થાય છે ૨૦૦૭થી. એ વર્ષે ભારતે ઈટાલિના એજાઈલ નામના ઉપગ્રહને તેના વજન અને તેની ભ્રમણકક્ષા મુજબનું ભાડું વસૂલીને અંતરિક્ષમાં ચડાવ્યો એ સાથે અવકાશ ક્ષેત્રે ભારતની હરણફાળનો નવો અધ્યાય શરૃ થયો હતો. ભારતની એ સિદ્ધિથી ચીન અને અમેરિકાના પેટમાં તેલ રેડાયું હતું, જેનો ભડકો આ વખતની સફળતામાં વર્તાઈ રહ્યો છે. પીએસએલવી રોકેટની ક્ષમતા મહત્તમ ૧૨૦૦ કિલોગ્રામના ઉપગ્રહને અંતરિક્ષ સુધીની લિફ્ટ આપી શકે છે. ૨૦૦૭માં ભારતે મેળવેલી સફળતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું તેનું કારણ એ હતું કે ઈટાલિયન ઉપગ્રહ એજાઈલનું વજન ફક્ત સાડા ત્રણ કિલો હતું.
સાધારણ રીતે એવું ધારી લેવાય કે પચાસ કિલો વજન ઊંચકી શકતાં પહેલવાન માટે પાંચ કિલોની ઘઉંની બોરી ઊંચકવી ડાબા હાથનો ખેલ ગણાય. પરંતુ ઉપગ્રહ અને રોકેટ ટેક્નોલોજીનો હિસાબ તેનાંથી અલગ છે. રોકેટને તેની ક્ષમતાથી ઓછુ વજન ઊંચકવાનું હોય ત્યારે તેની ડિઝાઈનમાં કેટલાંક ફેરફાર કરવા પડે અને એ ફેરફાર એવા હોવા જોઈએ જે વધુ ક્ષમતા ઊંચકતી વખતે ફરીથી બદલી પણ શકાય. એજાઈલને લઈ જતાં રોકેટમાંથી સોલિડ ફ્યુઅલ બુસ્ટર્સનું માળખું ફ્લેક્સિબલ બનાવીને ઈસરોએ કમાલ સફળતા મેળવી એથી ત્યારે જ ચીનને મરચાં લાગ્યા હતા, જે તાજેતરની ઈસરોની સફળતા વખતે પેટનો દુઃખાવો બનીને સામે આવી રહ્યા છે.
અગાઉ કહ્યું તેમ, સેટેલાઈટ લોન્ચિંગ સર્વિસનું બજાર વાર્ષિક અબજો ડોલર રળી આપે છે. હાલમાં અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને ચીનની તેમાં મોનોપોલી છે. ફ્રાન્સ છેલ્લાં ચાર વર્ષથી અવકાશ કાર્યક્રમો બંધ કરી ચૂક્યું છે અને રશિયાનું સ્પેસ શેડયુલ ૨૦૧૫ સુધી લિફ્ટિંગ માટે ફ્રી નથી. એ સંજોગોમાં અમેરિકા અને ચીન અવકાશ ક્ષેત્રે 'તારૃં-મારૃં સહિયારૃં' કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૦માં ચીને સ્પેસ લિફ્ટિંગમાં ૬૫ લાખ ડોલરનો બિઝનેસ અંકે કર્યો હતો અને ગત વર્ષે એ આંકડો ૯૦ લાખ ડોલરને પાર કરી ગયો હતો.
આ રીતે હવે ભારત પણ જો આવી કમાલ દાખવતું થઈ જાય તો ધંધામાં ભાગ પડે એવા ડરથી તાજેતરમાં ભારતે બે વિદેશી ઉપગ્રહો તરતા મૂક્યા એટલે તરત ચીને સ્પેસ કાઉન્સિલમાં ભારતે તેની ભ્રમણકક્ષા બદલી હોવાની કાગારોળ મચાવી છે અને ભારત જ્યાં સુધી પોતાની નિયત ભ્રમણકક્ષા જાહેર ન કરે ત્યાં સુધી તેના પીએસએલવી પ્રોજેક્ટને પ્રતિબંધિત જાહેર કરવા માંગ કરી છે. સફળતાની સદી પછીના ખરા સમાચાર આ છે પરંતુ આમાં બહુ બધી કડાકૂટ સમાયેલી હોવાથી અને આપણને યુવરાજસિંઘની વાપસીથી માંડીને પૂનમ પાંડેની નવી ટ્વિટ જેવા સમાચારોમાં વધુ રસ પડતો હોઈ આ સમાચાર પણ માધ્યમોની નજર બહાર છટકી જાય તે શક્ય છે.
વાસ્તવમાં, સ્પેસ લિફ્ટિંગના આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં બધું દેખાય છે એટલું રૃપાળુ નથી. સેટેલાઈટ જાસૂસીનો બહુ મોટો કારોબાર આ ધંધામાં સંકળાયેલો છે. જાસુસ એટલે માથે ફેલ્ટ હેટ પહેરીને મોંમાં ચિરૃટ ભેરવતો કોઈનો પીછો કરતો ફરે એવી ફિલ્મી કલ્પના ય હવે તો ક્યારની જૂની થઈ ગઈ. જાસુસી હવે અવકાશમાં ગોઠવેલા ઉપગ્રહોથી થાય છે અને આ મામલે અમેરિકા સૌથી વધુ બદનામ છે પરંતુ ચીને જ્યારથી અવકાશ ક્ષેત્રે ડાંફ ભરવાનું ચાલુ કર્યું છે ત્યારથી અમેરિકાને પણ હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.
ત્રણ વર્ષ પહેલાં ઈરાનના પ્રમુખ અહેમદીનિજાદે હુંકાર કર્યો હતો કે અમે કોઈપણ હિસાબે અણુબોમ્બ બનાવીશું જ, અમેરિકા થાય તે કરી લે. અમેરિકાએ ખરેખર તેનાંથી થતું હતું એ બધું જ કરી લીધું. ન્યુક્લિયર બોમ્બની ટેક્નોલોજીથી માંડીને વૈજ્ઞાાનિક સંસાધનો સહિત બધી જ બાબતો માટે ઈરાન પર વૈશ્વિક પ્રતિબંધ લાદી દીધો. એમ છતાં ય ખુદ અમેરિકાએ જ ગત વર્ષે જાહેર કર્યું કે ઈરાને અણુબોમ્બનું સફળ પરિક્ષણ કરી લીધું છે. વેલ, સ્વયં ઈરાન નનૈયો ભણતું હતું તોય અમેરિકાને એ ખબર કેવી રીતે પડી? તેનો જવાબ છે સેટેલાઈટ જાસુસી.
સેટેલાઈટ જાસુસી હવે એટલી વકરી ચૂકી છે કે અવકાશમાં મંડરાતા ઉપગ્રહો માટે હવે લોકોના ઘરના બેડરૃમમાં પ્રવેશીને શૂટિંગ કરવું પણ અશક્ય રહ્યું નથી. એવા સંજોગોમાં એકપણ રાષ્ટ્ર એકપણ બાબતમાં સલામત નથી. હવે જો મુદ્દો સમજાયો હોય તો એ જાણી લો કે, હેતુ વગર અવકાશમાં છોડાયેલા અને ડાહ્યોડમરો હેતુ જણાવાયા પછી ભળતું-સળતું કામ કરતાં ઝડપાયેલા તમામ ઉપગ્રહો મુખ્યત્વે જાસુસીનું જ કામ કરી રહ્યા છે અને તેમાં સિંહફાળો છે અમેરિકા, રશિયા અને ચીનનો.
ચીનને બીજો ડર એ છે કે, અન્ય દેશોના ઉપગ્રહમાં ભારત જાસુસી ઉપકરણો ગોઠવીને એશિયાઈ દેશોના નવા દબંગ તરીકે ઊભરે તો ચીનની પીપુડી કોણ સાંભળે? પરિણામે, ચીન સ્પેસ કાઉન્સિલમાં અમેરિકાની મદદથી એવાં રોડાં નાંખે છે કે ભારતનો પીએસએલવી પ્રોજેક્ટ સંદેશા વ્યવહાર જેવા રૃપકડાં, મજાનાં, નિર્દોષ કારણથી આગળ વધી શકતો નથી અને પરિણામે પાડોશી દેશોને ભારત કરતાં ચીનની ગરજ વધુ રહે છે.
હવે પછીના યુદ્ધમાં જાસુસી ઉપગ્રહો જ ચાવીરૃપ ભૂમિકા ભજવવાના છે. શાંતિકાળમાં જાસુસી એ જ યુદ્ધકાળમાં વિજયની ચાવી બને છે અને હાલ એ ચાવી અંતરિક્ષમાંથી મંડરાતા ઉપગ્રહના હાથમાં છે. કમનસીબે ઉપગ્રહ પડે છે ત્યારે સઘળું નથી પડતું. કેટલાંય રહસ્યો એમ જ દટાઈ જાય છે.
મલ્ટિનેશનલ કંપનીઓએ પીવડાવેલું અફીણ પીને આપણે ભલે સુપર પાવર અને મેરા ભારત મહાનની ગુલબાંગો ગાંગરતા રહીએ પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ ક્ષેત્રે આપણી હાલત દાવ આવે તેની આશામાં ને આશામાં સતત ફિલ્ડિંગ ભર્યા કરતાં ગભરૃ-બિચારા છોકરા જેવી છે અને દબંગ દેશો રમ્યા કરે છે... હજુ ય રમ્યા જ કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved