Last Update : 12-September-2012, Wednesday

 

ચૂંટણીની ભેંસ હજુ ભાગોળે ક્યાંય ભાંભરતી નથી ત્યાં એનડીએના ઘેર વડાપ્રધાનપદની ધમાધમ
મૈં ભી PM: ખયાલી પુલાવનો આટલો મઘમઘાટ?

વડાપ્રધાનપદ ખયાલી પુલાવ હોય તો પણ તેની સોડમ વહેતી કરવાથી અનેક રાજકીય ગઠજોડ થતી અટકી જાય છે અથવા તો અટકેલી ગઠજોડ બંધાઈ પણ શકે છે. નામો વહેતાં કરવાના રાજકારણનો હેતુ કંઈક આવો હોય છે.

ચાણક્યનીતિ કહે છે, યે ચ દીર્ઘદૃષ્ટાણાં વે સ રાયઃ અર્થાત જે દીર્ઘદૃષ્ટિ ધરાવે છે એ જ શાસનનો અધિકાર મેળવી શકે છે. નીતિવિષયક બાબતોમાં કે પ્રજાની સુખાકારી અને રાષ્ટ્રની સમસ્યાઓના ઉકેલ જેવી બાબતોમાં આપણે નેતાઓ માટે આવું કહેવાનું કદાચ પસંદ ન કરીએ તો પણ રાજકીય તડજોડ અને બદલાતા પવનની રૃખ પારખીને પોતાના પતંગની દિશા બદલવામાં ભારતીય નેતાલોગ પૂરતી દીર્ઘદૃષ્ટિ ધરાવે છે એ તો સ્વીકારવું જ રહ્યું. હજુ લોકસભાની ચૂંટણીને ખાસ્સી વાર છે, મધ્યસત્ર ચૂંટણીના પણ ખાસ કોઈ એંધાણ નથી આમ છતાં અત્યારથી જ નવા ગઠબંધન અને નવા સમીકરણોની માંડણી થવા લાગી છે. વડાપ્રધાનપદે સુષ્મા સ્વરાજ શ્રેષ્ઠ હોવાનું શિવસેનાએ ફાડી આપેલું પ્રમાણપત્ર તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.
સૌથી પહેલાં તો રાષ્ટ્રીય ગણતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની જ વાત માંડવી પડે, કારણ કે એક વ્યક્તિને સમાવી શકતાં વડાપ્રધાનપદ માટે અહીં આખા પ્રધાનમંડળ જેટલાં દાવેદારો ટાંપીને બેઠા છે. ભારતીય રાજકારણ અને ઘટનાક્રમથી સદંતર અજાણ કોઈ વિદેશી છેલ્લાં પંદર દિવસના અખબારો વાંચે તો તેના મનમાં પહેલી છાપ એવી જ પડે કે, એનડીએ લોકસભામાં બહુમતિ મેળવી ચૂક્યું છે અને હવે બસ, વડાપ્રધાન પસંદ થાય એટલી જ વાર છે! શરૃઆત ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીથી થઈ. વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ ઉદ્યોગજૂથોએ મોદીના નામે વડાપ્રધાનપદનું નાળિયેર ફોડયું ત્યારથી મોદી એક નહિ તો બીજા મુદ્દે પ્રાઈમ મિનિસ્ટરશીપની લાઈમલાઈટમાં ઝળકતા રહ્યા છે. પરિણામે, મોદીનો કોઈપણ પ્રકારનો ઝળકાટ જરાક પણ સાંખી ન શકતાં તેમના વિરોધી જૂથે, જાણે બે-ચાર ઉદ્યોગપતિઓના કહેવાથી જ મોદી વડાપ્રધાન બની જવાના હોય તેમ, મોદી શા માટે વડાપ્રધાન ન બની શકે તેમજ મોદી સિવાય પણ એનડીએ પાસે કોણ-કોણ સક્ષમ નેતા છે તેની યાદી ગણાવવા માંડી. બસ, મોદી નામના કાગને બેસવું અને વડાપ્રધાનપદની ડાળને પડવું, ત્યારથી એનડીએમાં જાતભાતના નામો ઉછળવાના શરૃ થઈ ગયા છે.
મોદીની દાવેદારી સામે પહેલું નામ જનતા દળ (યુ)ના આક્રમક નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનું ચર્ચામાં આવ્યું. જ.દ.(યુ)ના ગળે બંધાયેલો બિનસાંપ્રદાયિકતાનો પટકો સલામત રહે એ માટે મોદીની સાંપ્રદાયિક છબીનો છાશવારે વિરોધ કરતાં રહેલા નીતિશકુમાર મગનું નામ મરી પાડતાં નથી, 'અભી તો બિહાર મેં ભી બહોત કામ બાકી હૈ' જેવા નમ્ર બયાનો આપતાં રહે છે પરંતુ લાગ મળે નોર્થ બ્લોકની સોગઠી મારી લેવાની તેમની મન્શા જરાય અછતી રહેતી નથી. ગઠબંધન સરકારમાં વડાપ્રધાનનું પદ મેળવવું એ એકેય રીતે ખાવાના ખેલ નથી. રાષ્ટ્રીય છબી અને મજબૂત જનાધાર ઉપરાંત સાથી પક્ષોનો વિશ્વાસ પણ હોવો જરૃરી છે. એ પૈકી કેટલાંક મામલે મોદી મજબૂત છે તો કેટલાંક મુદ્દા નીતિશની તરફેણમાં છે. ટીડીપીના ચંદ્રાબાબુ, તામિલનાડુના જયલલિતા, પંજાબના બાદલ સાથે જો મોદીને ઘનિષ્ઠ સંબંધો છે તો નીતિશકુમાર કાશ્મીરી ઓમર અબ્દુલ્લા, પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના મુલાયમ સાથે પણ એટલી જ ઘનિષ્ઠતા ધરાવે છે. એ સંજોગોમાં ધારો કે, આગામી ચૂંટણીમાં એનડીએ બહુમત મેળવે તો મોદી વિ. નીતિશનો જંગ કાંટો કી ટક્કર સાબિત થાય તેમ છે. પણ આપણે જ્યાં 'ધારો કે' ત્યાં રાજકીય પક્ષોએ તો મનોમન ધારી જ લીધું છે કે બહુમતિ એનડીએને જ મળી ગઈ છે. કમ સે કમ, હાલ ચાલી રહેલી ખેંચતાણ જોતાં તો એવું જ લાગે. ભાજપના વરિષ્ઠ અડવાણી ૮૫એ પહોંચ્યા પછી ય 'પીએ ઈન વેઈટિંગ'માંથી બહાર નીકળવા તૈયાર જણાતા નથી. નરેન્દ્ર મોદી પોતાની રીતે અને પોતાની સ્ટાઈલથી હવાને વેગ આપતા રહે છે ત્યાં ભાજપ છાવણીમાંથી વડાપ્રધાનપદની રેસમાં ત્રીજું નામ સુષ્મા સ્વરાજનું વહેતું મૂકવામાં આવ્યું છે.
સોમવારે શિવસેનાના મુખપત્ર 'સામના'માં બાળ ઠાકરેએ સુષ્માને પૂરતાં પ્રમાણમાં ફૂલડાં ચઢાવીને જો વડાપ્રધાન જ બનાવવા હોય તો સુષ્માથી ઉત્તમ બીજું કોણ હોઈ શકે એવો સ્પષ્ટ મત વ્યક્ત કરી દીધો. વાસ્તવમાં, બાળાસાહેબની આ ચેષ્ટા સાવ અકારણ નથી. ચૂંટણીના હજુ ઠેકાણા ન હોય, ગઠબંધન પણ નવેસરથી રચાય તેવા સ્પષ્ટ અણસાર હોય, બહુમતિ મળવાની કોઈ ગેરંટી ન હોય એવા અધ્ધરતાલ સંજોગોમાં બાળ ઠાકરે જેવા ખેલાડી અમસ્તા કોઈનું નામ રમતું મૂકે એવા નાદાન હરગિઝ નથી.
બાળ ઠાકરેએ સુષ્માના કપાળે પસંદગીનું તિલક કર્યું તેમાં બદલાતી રાજકીય ધરીનો સંકેત છે. ધરતીના પેટાળમાં કશીક મોટી ઉથલપાથલ સર્જાઈ રહી હોય, ભૂસ્તરિય પ્લેટ અરસ-પરસ પલટો મારી રહી હોય ત્યારે સપાટી પર હળવા આંચકા કે અન્ય કોઈ રીતે કુદરત ઉથલપાથલના સંકેતો આપતી હોય છે. રાજકીય નેતાઓના નિવેદનો પણ આવી રહેલી ઉથલપાથલના સંકેત જેવા હોય છે. હાલમાં મોદીને બાળ ઠાકરે-ઉદ્ધવ ઠાકરે ઉપરાંત ઠાકરે પરિવારના માંહ્યલા શત્રુ રાજ ઠાકરે સાથે પણ એટલાં જ ઘનિષ્ઠ સંપર્કો છે. એક હવા એવી છે કે, રાજ અને ઉદ્ધવના વધી રહેલા મેળાપીપણાને લીધે શિવસેના-મનસેનું એકીકરણ થઈ રહ્યું છે પરંતુ રાજ ઠાકરે જે ઝડપથી પોલિટિકલ માઈલેજ મેળવી રહ્યા છે એ જોતાં તેઓ મજબૂત બની રહેલો પાયો સાવ સસ્તામાં તો ન જ વિખેરી નાંખે. રાજ અને કોંગ્રેસની યુતિ, રાજ અને એનસીપીના સંબંધો હવે એવા મુકામ પર પહોંચી ચૂક્યા છે કે મહારાષ્ટ્રમાં સરકાર કોઈપણ બનાવે, રાજ ઠાકરેનો મત તેમાં મહત્વનો નિવડે. આ સંજોગોમાં મનસે ફરીથી શિવસેનામાં વિલિન થઈ જાય એ માનવું હાલના સંજોગોમાં વધુ પડતું છે.
પરિણામે, સંસદમાં બહુમતિ કે વડાપ્રધાનપદ ખયાલી પુલાવ હોય તો પણ તેની સોડમ વહેતી કરવાથી અનેક રાજકીય ગઠજોડ થતી અટકી જાય છે અથવા તો અટકેલી ગઠજોડ બંધાઈ પણ શકે છે. નામો વહેતા કરવાના રાજકારણનો હેતુ કંઈક આવો હોય છે. બાળ ઠાકરે હાલ સુષ્માના નામને વહેતું મૂકીને મોદીને સ્પષ્ટ સંકેત આપે છે. એ સંકેત રાજ ઠાકરે સાથેના સંબંધો ઘટાડવાનો પણ હોઈ શકે. બીજી તરફ, હાલ નીતિશકુમાર અને રાજ ઠાકરે બિહારીઓના મુદ્દે સામસામે બાંયો ચઢાવીને ઊભા છે અને આ બયાનબાજીમાં નીતિશે રાજ ઉપરાંત સમગ્ર ઠાકરે પરિવારને આંટીએ લઈ લીધો છે. આ પરિસ્થિતિમાં સુષ્માનું નામ વહેતું મૂકીને સેના સુપ્રીમો નીતિશ માટે ય હરીફાઈ કફોડી બનાવવાની વેતરણમાં હોય તે શક્ય છે.
આ તો હજુ એનડીએની જ વાત થઈ, સ્વયં કોંગ્રેસ અને યુપીએમાં પણ વડાપ્રધાન બનવાની છૂપી હોડ ક્યારની જામી ચૂકી છે. બીજી ટર્મની સરિયામ નિષ્ફળતા પછી મનમોહનને ત્રીજી ટર્મ નહિ જ મળે એ સ્પષ્ટ બનવા છતાં રાહુલ હજુ વડાપ્રધાન પદ માટે તૈયાર છે કે નહિ તે નક્કી નથી. પક્ષમાં મોટી જવાબદારી હજુ ય તેઓ ટાળે છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની ધોધમાર નિષ્ફળતામાં માથાબોળ નાહી નાંખ્યા પછી રાહુલે એકાદ મહત્વની સફળતાથી કોરા થવાનું હજુ બાકી છે. ધારો કે, મનમોહન પણ નહિ અને રાહુલ પણ નહિ તો? એ સંજોગોમાં પી. ચિદમ્બરમથી માંડીને એન્ટની સુધીના કોંગ્રેસીઓ વડાપ્રધાન બનવા ગઠજોડનો થનગનાટ પાછલા બારણે ચાલુ કરી ચૂક્યા છે.
ભાજપ, કોંગ્રેસ કરતાં ય પ્રાદેશિક પક્ષોનો થનગનાટ વધારે બુલંદ છે. તૃણમૂલના મમતા, સપાના મુલાયમ, બસપાના માયાવતી તો ક્યારના પોતાને વડાપ્રધાનપદના દાવેદાર માને છે. ન કરે નારાયણ અને ચૂંટણી પરિણામ તદ્દન વિપરિત આવે, એકપણ ગઠબંધન સ્પષ્ટ બહુમત ન મેળવે તો એ સંજોગોમાં મારે તેની સોગઠીના ન્યાયે મમતા, માયા, મુલાયમ સહિત કોઈપણ દાવ મારી શકે છે. વડાપ્રધાનના નામોની સૂચિમાં દેવ ગોવડા, ઈન્દ્રકુમાર ગુજરાલ જેવાના લખાયેલા નામો તેની ગવાહી પૂરે છે.
કહેવાય છે કે આભ (વરસાદ) અને ગાભ (માતાના પેટમાં રહેલો ગર્ભ)ની આગાહી કરવી મુશ્કેલ. પરંતુ વિજ્ઞાાન હવે બેયની સચોટ આગાહી કરવા માંડયું છે. હવે નહેરુ, ઈન્દિરા અને ઈવન રાજીવનો યુગ આથમી ગયો છે ત્યારે વડાપ્રધાનની ખુરશી એક એવી ભેદી જણસ બની ચૂકી છે કે તેની આગાહી કરવી સર્વથા અશક્ય છે. એટલે જ, સુષ્માનું નામ વહેતું થયા પછી જનતા દળ (યુ)ના અધ્યક્ષ અને આખાબોલા બિહારી નેતા શરદ યાદવે કહ્યું હતું કે, 'વડાપ્રધાનપદ તો પકોડી બન ગયા હૈ, હર કોઈ ખાને લગા હૈ'!
Share |
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved