Last Update : 11-September-2012, Tuesday

 

'ઉજલે તન પર માન કિયા ઔર મન કી મૈલ ન ધોઈ' જેવી લોકશાહીનો ઠાલો ગર્વ
કાર્ટૂનિસ્ટ પર રાજદ્રોહઃ વિરોધ કરવો એ જ વાંક?

સરકાર સામે વખતોવખત શિંગડા ભરાવી ચૂકેલા અસિમ ત્રિવેદીમાં એ બધું જ છે, જે નવી પેઢીના ભાવનાશાળી યુવાઓમાં જોવા મળે છે. એ જ આક્રોશ, એ જ ભડભડિયો રોષ, અભિવ્યક્તિની ધાર પણ એ જ.

તીવ્ર કટાક્ષ માટે જાણીતા કથાકાર સઆદત હસન મન્ટોની એક મજાની વાર્તા છે, ટિટવાલ કા કુત્તા.
ભારત અને પાકિસ્તાનની સરહદ પર ટિટવાલ નામના નાનકડા કસ્બા પાસે બેય દેશોની ચોકી છે. અહીં અથડામણ થાય એવા કોઈ જ સંજોગો નથી પણ ઉપરથી આદેશ હોવાને લીધે બેય દેશના સૈનિકોએ દિવસ-રાત નાછૂટકે ફરજ બજાવવી પડે છે. તદ્દન નિષ્ક્રિય રહીને કંટાળેલા સૈનિકો છેવટે પહાડીઓનું નિશાન લઈને થોડા-થોડા સમયે ફોકટનો ગોળીબાર પણ કરી લે છે. એવામાં એક કૂતરો પાકિસ્તાની ચોકીની દિશાએથી ભારતની ચોકી તરફ આવે છે. નવરા પડેલા ભારતીય સૈનિકો તેને પાક. છાવણીનો સંદેશાવાહક ધારીને મોટેમોટેથી ગાળો આપે છે. થોડીવાર રહીને એ કૂતરો પાક. ચોકી તરફ જાય એટલે પાક. સૈનિકોય તેની સાથે એવું જ વર્તન કરે. કૂતરાને બિચારાને તો શું ભારત અને શું પાકિસ્તાન, પણ તોય એ બેય દેશના સૈનિકોની નાહકની ગાળો ખાતો છેવટે ભૂખ્યો-તરસ્યો દમ તોડી દે છે.
અત્યારે સત્તાનો વિરોધ કરનાર, ભિન્ન મત પ્રકટ કરનાર હરકોઈની હાલત ટિટવાલના કુત્તા જેવી છે. પહેલાં સંસદમાં શંકરના દાયકાઓ જૂના કાર્ટૂનના મામલે દરેક પક્ષો રાજકારણ બાજુ પર મૂકીને સૌ કોઈ વિરોધના 'હેઈસ્સા-હેલ્લારા'માં જોડાઈ ગયા. સ્વયં આંબેડકર અને નહેરુની હયાતિમાં એમના વિશે જ દોરાયેલું કાર્ટૂન અચાનક છ દાયકા પછી રાજકારણીઓને જાતિભેદનું પૂરસ્કર્તા હોવાનું લાગ્યું અને ધમાલ મચી ગઈ. એ પછી મમતા બેનર્જીએ અસહિષ્ણુતાનો ડંડો પછાડયો અને મોતની ધમકીના ગુનાસર કાર્ટૂનિસ્ટ પ્રોફેસરને જેલ ભેગા કરી દીધા. હવે અસિમ ત્રિવેદી નામના કાર્ટૂનિસ્ટ પર દેશદ્રોહનો ડાઘિયો છોડી મૂકાયો છે... અને, બશીર બદ્રના અશઆરમાં કહીએ તો, હંગામા તો છોડો ગુનગુનાહટ તક નહિ હૈ !
અસિમ ત્રિવેદી નામ એટલું જાણીતું નથી અને સાવ એમ અજાણ્યું પણ નથી. તેમની કાર્ટુનકળા લક્ષ્મણ, શંકર કે સુધિર તેલંગ કક્ષાની કદાચ ન હોય તો પણ આજે જ્યારે બહુધા રાજકીય વ્યંગકાર પોતાના ધર્મથી વટલાઈને રાજકીય ભાટાઈની કંઠી પહેરી ચૂક્યા છે ત્યારે અસિમ ત્રિવેદીએ 'જોયું એવું કિધું-લાગ્યું એવું લખ્યું'ના સર્જકધર્મને જાળવી રાખ્યો છે. સરકાર સામે વખતોવખત શિંગડા ભરાવી ચૂકેલા અસિમ ત્રિવેદીમાં એ બધું જ છે, જે નવી પેઢીના ભાવનાશાળી યુવાઓમાં જોવા મળે છે. એ જ આક્રોશ, એ જ ભડભડિયો રોષ, અભિવ્યક્તિની ધાર પણ એ જ. પોલિટિકલ સેટાયર યાને રાજકીય કટાક્ષ માટે કેટલાંક આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવી ચૂકેલા અસિમ સત્તાવિરોધી મિજાજ માટેનો વૈશ્વિક પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે.
હજુ હમણાં સુધી સર્જનાત્મક કૌશલ્ય ધરાવતા કોઈપણ વ્યક્તિએ અખબારો, ટીવી ચેનલ જેવા પરંપરાગત માધ્યમો પર આધાર રાખવો પડતો હતો. સંપર્કક્રાંતિના આ જમાનાનો જવાન હવે કોઈનો ઓશિયાળો નથી રહ્યો. અસિમ ત્રિવેદી તેનું ઉદાહરણ છે. તેમના કાર્ટુન સત્તાધારી તત્વો અને તેમના બેમર્યાદ ભ્રષ્ટાચાર સામે એવી ધારદાર અણી ધરતા હતા કે ભાગ્યે જ કોઈ મુદ્રિત માધ્યમ તેને સ્થાન આપીને સિંહાસનનો રોષ વ્હોરી લેવાનું પસંદ કરે. એ સંજોગોમાં અસિમે પોતાની વેબસાઈટનો ઉપયોગ શરૃ કર્યો. વેબસાઈટને 'રાષ્ટ્રહિત ભડકાવનારી' ગણાવીને પ્રતિબંધિત કરી દેવાઈ તો અસિમે બ્લોગ શરૃ કર્યો. બ્લોગ પણ અંકુશ હેઠળ મૂકાયો તો તેમણે ફેસબુક અને ટ્વિટરનો સહારો લીધો.
અણ્ણા હઝારેના આંદોલન સાથે તેમને પ્રત્યક્ષ કોઈ સંબંધ ન હતો પરંતુ તેમણે ભ્રષ્ટાચાર વિરોધમાં ખડા થયેલા આ મંચ પર પોતાના ભ્રષ્ટાચાર વિરોધી કાર્ટુન્સ વ્યાપક પ્રમાણમાં મૂક્યા. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં અણ્ણાની સભા વખતે તેમણે ચોપાનિયા સ્વરૃપે વહેંચેલા કાર્ટુન્સ એટલાં લોકપ્રિય થયા કે લોકોએ પોતાના ખર્ચે તેના બેનર્સ લગાવ્યા અને એ ચોપાનિયા સ્કેન કરીને સ્વયંભૂ સોશિયલ મીડિયા પર વહેતા કર્યા. ઈન્ટરનેટ પર સરકારી અંકૂશ લાવવાના પ્રસ્તાવ સામે પણ તેમણે વ્યાપક વિરોધ ચલાવ્યો છે અને અભિવ્યક્તિની આ એકમાત્ર સ્વતંત્રતા જાળવી રાખવા મજબૂત મંચ પૂરો પાડયો છે. ગત એપ્રિલમાં તેમણે ઈન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયાને બાનમાં લેવા માંગતા માહિતી પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલ સામે આક્રમક ઝૂંબેશ ચલાવી હતી અને ૧ એપ્રિલે તેમને 'ફૂલ ઓફ ધ યર'ના સિરપાવ સબબ દેશવ્યાપી કાર્ટુન સ્પર્ધા યોજી.
બસ, ત્યાંથી એમના પર સત્તાધારી ડંડાનો પ્રહાર શરૃ થયો છે. શરૃઆતમાં તેમને પોલીસ તપાસના નામે ચાર દિવસ અટકાયતમાં રાખવામાં આવ્યા. એ અટકાયત ગેરકાયદે હોવાની બૂમરાણ મચી એટલે તેમને છોડી દેવાયા પરંતુ બીજા જ દિવસે તેમના પર ભાદરવાના ભીંડા જેવા કોઈ રાજકીય કાર્યકર્તાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી એટલે ફરીથી અસિમની ધરપકડ થઈ. હવે ખુદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી કહે છે કે, અસિમના કિસ્સામાં તપાસ પૂર્ણ થઈ ચૂકી હતી અને તેમને હિરાસતમાં લેવાની કોઈ જરૃર જ ન હતી તેમ છતાં દેશદ્રોહના આરોપસર ૧૬ સપ્ટેમ્બર સુધી તેમને પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે.
આઘાતજનક વાત એ છે કે, એક કાર્ટુનિસ્ટને દેશદ્રોહી ઠરાવવાના સરકારી પગલા સામે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન માર્કંડેય કાત્જુ સહિતના અગ્રણીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જસ્ટિસ કાત્જુના મતે, અસિમના કાર્ટુન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું પ્રતીક માત્ર છે. એ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની ટ્રેઈનના એન્જિનમાં ચિદમ્બરમને બેસાડે અને ગાર્ડના ડબ્બામાં સોનિયા, મનમોહનને દોરે તો શું એ રાષ્ટ્રદ્રોહ છે? વરિષ્ઠ કાર્ટુનિસ્ટ સુધિર તેલંગે તો આ દિવસોમાં તેઓ જર્મનીમાં હોવા છતાં અત્યંત રોષભરી ભાષામાં સરકારના આ પગલાનો વિરોધ કર્યો છે. દાયકાઓ સુધી રાજકીય કટાક્ષચિત્રો દોરતા રહેલાં તેલંગના મતે અસિમ પર આવો આરોપ મૂકીને સરકાર દરેક પોતાને જ દેશદ્રોહી સાબિત કરી રહી છે. કાર્ટુનકલા એ જેટલી નિર્દોષ અભિવ્યક્તિ છે એટલી જ અસરકારક પણ છે. દુનિયાભરના દરેક લોકતંત્રમાં કાર્ટુનના વ્યંગને આવકાર્ય અને સન્માનનીય ગણાયા છે. અમેરિકાના બેય મુખ્ય રાજકિય પક્ષો રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સના બિનસત્તાવાર ચિહ્ન જેની કલમે સર્જાયા એ થોમસ નેસ્ટ પોતાના ધારદાર કાર્ટુન્સ વડે સત્તાધારી પ્રમુખોની ઊંઘ હરામ કરી દેવા માટે વિખ્યાત હતો. જેની લોકશાહી પ્રણાલિને આપણે અપનાવી એ બ્રિટનમાં આજ સુધી કોઈ કાર્ટુનિસ્ટને રાજદ્રોહ જેવા ગંભીર અપરાધ હેઠળ આરોપીના કઠેડામાં ઊભો કરાયો નથી. આપણે ત્યાં આ બનાવ એકલદોકલ હોત તો પણ તેને કામચલાઉ ભીરુતા ગણીને ભૂલી શકાયો હોત પરંતુ છેલ્લાં આઠ-દસ મહિનામાં સત્તાની આંખે ચડેલો આ ત્રીજો કાર્ટુનિસ્ટ છે. આજે કાર્ટુનિસ્ટનો વારો પડયો છે, આવતીકાલે કોલમિસ્ટ અને પરમદિવસે કથાકાર અને એ પછીના દિવસે નાટયકાર પણ અડફેટે ચડી શકે છે.
શંકરનું કાર્ટુન હોય કે અસિમ ત્રિવેદીનું, દરેક વખતે તેમને રદ કરતું કારણ તો એક જ રહ્યું છે કે આ કાર્ટુન ભાવનાત્મક ઠેસ પહોંચાડે છે. આ એક એવો શબ્દ છે જેને ઈચ્છો ત્યારે ચાહો એ પ્રમાણે અર્થમાં વાપરી શકાય. કારણ કે, ભાવનાત્કમ ઠેસ કોને કહેવી, એ ક્યારે વાગે, કોને એ ન વગાડી શકાય તેના વિશે કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી. હકિકત એ છે કે, જે અસુરક્ષિત છે, જેને પોતાના પર જ ભરોસો નથી એને આવી ઠેસ વારંવાર વાગતી રહે છે.
આપણે એક તરફ સંસદના છ દાયકાના અને લોકશાહીના ૬૫ વર્ષના ગુણગાન ગાઈએ છીએ પરંતુ સત્તા પર બેઠેલા આપણા જ નેતાઓને એ સંસદ પર, બંધારણ પર અને લોકશાહીના પાયા પર વિશ્વાસ નથી. હું એટલે ગુજરાત, હું એટલે દિલ્હી અને મારો વિરોધ એટલે રાષ્ટ્રનો વિરોધ એવી તર્જ વહેતી કરીને આપણે કોઈપણ અવાજને ભાવનાત્મક ઠેસના નામે 'ટિટવાલનો કુત્તો' બનાવી દેવાનો પ્રયાસ સરાસર જુઠ્ઠો અને કાયર છે.
થેન્ક ગોડ, સઆદત હસન મન્ટો એક સદી પહેલાં થઈ ગયો. ભલે એ જમાનામાં ય એ સત્તા સામે, સ્થાપિત હિતો સામે બાખડી ચૂક્યો હતો પરંતુ આ જમાનામાં તો એ બિચારો પોતે જ ટિટવાલનો કુત્તો બની ગયો હોત.
Share |
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved