Last Update : 10-September-2012, Monday

 

ત્રાસવાદી સંગઠન હક્કાની નેટવર્કને અમેરિકાએ મોસ્ટ ડેન્જરસ જાહેર કર્યું એ ભારત માટે 'ફિલગુડ' નિશાની છે
હક્કાની મુદ્દે પાકિસ્તાનનો દાવ લેવાની મોંઘેરી તક

હક્કાની સામેના અમેરિકન અભિયાનને ભારત મક્કમતાથી સમર્થન આપતું રહે તો ત્રાસવાદી રાષ્ટ્ર હોવાનો મુદ્દો છેવટે પાકિસ્તાનને ભીંસમાં મૂકે. આવી તક તિલક કરવા આવી છે ત્યારે આપણા નેતાલોગ તટસ્થતાના કૂવે મોંઢું ધોવા ન જાય એવું ઈચ્છીએ

જગતનું સર્વોચ્ચ ગણાતું સન્માન નોબેલ પ્રાઈઝ મેળવનારાઓમાં યહુદીઓ બહુમતિ ધરાવે છે. એ જ રીતે, હાથના કર્યા હૈયે વગાડવાના પરાક્રમ સબબ જો કોઈ ઈનામ-અકરામ કે ઈલ્કાબ આપવાનો ધારો હોય તો એમાં અમેરિકા નોબેલ પ્રાઈઝ માટેના યહુદીઓના આંકડાને ક્યાંય પાછળ રાખી શકે. જેની વરસી નજીક આવી રહી છે એ ૯-૧૧ના કારસ્તાનીઓ અને અલ-કાયદા પોતે છેવટે તો અમેરિકાની જ પેદાશ હતા. અમેરિકાએ પેદા કરેલો એ ભસ્માસુર છેવટે વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરને અને એ રીતે અમેરિકાની આબરૃને જ ભરખી ગયો. હવે લેટેસ્ટ ન્યૂઝ એવા છે અમેરિકાએ પાકિસ્તાન સ્થિત કુખ્યાત હક્કાની ગુ્રપને આતંકવાદી જાહેર કર્યું છે એટલું જ નહિ, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના હિટલિસ્ટમાં ટોચ પર મૂકીને અલ કાયદા પછી હવે હક્કાનીને નશ્યત કરવાનો મક્કમ ઈરાદો દર્શાવ્યો છે. અમેરિકા માટે ફજેતીની વાત એ છે કે આજે તેમને જે હક્કાની ગૂ્રપ ખુંખાર અને માનવજાત તેમજ જગતની શાંતિ માટે જોખમી લાગે છે એ જ હક્કાનીઓને બે દાયકા પહેલાં અમેરિકાએ જ થાબડભાણા કર્યા છે.
૯-૧૧ની વરસી નજીક હોય ત્યારે જ અમેરિકા હક્કાની માટે 'શૂટ એટ સાઈટ' જેવું કડક ફરમાન કાઢે તેના સૂચિતાર્થો ઘણા છે અને એ પૈકી કેટલાંક ભારતને પણ અસર કરે તેવા છે પરંતુ તેની જફા માંડતાં પહેલાં હક્કાની અને અમેરિકાના સંબંધોના તાણાવાણા અને તેમાં ફસાયેલી આપમતલબ સમજવા જેવી છે. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી વિજેતા બ્રિટન આર્થિક રીતે ખુવાર થઈ ચૂક્યું હતું અને પરાજિત જર્મની બેહાલ હતું. અણુબોમ્બનો કારમો ઘા ખાધા પછી લડાકુ જાપાન પણ ઢિંચણભેર ફસકાઈ પડયું હતું. પોણું વિશ્વ હાંફી રહ્યું હતું એવા માહોલમાં જગફોજદારનો રેઢો પડેલો દંડો ઊઠાવીને હાક જમાવવાના હોશ કોઈને ન હતા. એ વખતે અમેરિકા અને રશિયા વચ્ચે સુપ્રિમ પાવર બનવાની રેસનો આરંભ થયો, જેને ઈતિહાસ કોલ્ડ વોર (શીત યુદ્ધ) તરીકે ઓળખે છે.
શીત યુદ્ધનું રણમેદાન હવે પરંપરાગત ન રહેતાં અવકાશની ચડસાચડસીથી માંડીને ઓલિમ્પિકના મેદાન સુધી લંબાયું હતું. બધે જ મોરચે અમેરિકા અને રશિયા એકમેકને પાડી દેવાની ફિરાકમાં રહેતા હતા. પ્રોક્સી વોરની એ લડાઈમાં મૂડીવાદ વિ. સામ્યવાદનો તાયફો ચાલતો હતો અને વધુને વધુ દેશોને અમેરિકા-રશિયા પોતાના સમર્થનમાં ખેંચતા જતા હતા. એ ક્રમ હેઠળ એંશીના દાયકામાં રશિયાએ અફઘાનિસ્તાનના બંજર પહાડી સરજમીન પર આંખ માંડી અને ત્યાં પહેલાં સ્થાપિત રાજાશાહી વિરુદ્ધની ચિનગારી પ્રગટાવી. પછી એ ચિનગારી ભડકો બની એટલે સામ્યવાદની વિચારધારાનું આડું લઈને પોતાનું લશ્કર મોકલ્યું.
બસ, એ પછી રશિયાએ ત્યાં કાયમી પગદંડો જમાવવાનો આરંભ કરી દીધો. સ્વાભાવિક રીતે જ અમેરિકા કંઈ અફઘાનિસ્તાન નામનું કોળુ રશિયાની થાળીમાં પિરસાઈ જતું જોઈને બેસી ન રહે. એટલે અમેરિકાએ તેના એશિયન ઉપખંડના પીઠ્ઠુ પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનના માથાફરેલા પઠાણો, વઝીરીઓ અને આફ્રિદી કબીલાઓને ભડકાવ્યા. એ કબીલાઓએ રશિયન લશ્કર સામે મોરચો માંડયો. એ વખતે જલાલુદ્દિન હક્કાની અને સિરાજુદ્દિન હક્કાની નામના બે ભાઈઓનું જૂથ વધુ ખુંખાર અને હિંસક હતું. આજે રશિયા પોતાના જ બે છેડા ભેગાં કરવામાં કમરમાંથી ભાંગી ચૂક્યું છે અને ચીની ડ્રેગનને હજુ રાક્ષી દાંત ફૂટી રહ્યા છે ત્યારે એ જ હક્કાની નેટવર્ક આજે અમેરિકાની જ દાઢીમાં હાથ નાંખીને એક-એક વાળ બેરહેમીથી તોડી રહ્યું છે.
અત્યાર સુધી રશિયા સામેની લડાઈ વખતે અમેરિકાએ જ હક્કાનીઓને પાળ્યા-પોષ્યા છે. પાકિસ્તાનની કુખ્યાત ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ની મધ્યસ્થીમાં હક્કાનીઓને શસ્ત્રો, નાણાભંડોળ અને તાલીમ સુદ્ધા આપ્યા પછી આજે રશિયાથી નવરા પડેલાં હક્કાનીઓ અમેરિકા અને નાટો સૈન્ય સામે એ તાકાત વાપરી રહ્યા છે. ૨૦૦૨માં નાટો દળ પર પશ્ચિમી વઝિરિસ્તાન પ્રાંતમાં થયેલા આતંકી હુમલામાં ૨૨ સૈનિકો માર્યા ગયા હતા અને ૨૦૦૬માં ૪૭ સૈનિકોને મોતને ઘાટ ઉતારાયા હતા. હક્કાની આતંકવાદી સંગઠન સાથે નેટવર્ક એવો શબ્દ વપરાય છે તેનું મુખ્ય કારણ એ છે કે આતંકી સંગઠનોના કુલ ચૌદ ફિરકાઓનું એ છત્ર સમાન છે.
હાલ હક્કાની નેટવર્કનું પંજાબી તાલિબાન ગૂટ સૌથી વધુ સક્રિય અને હિંસક ગણાય છે. બીજો ક્રમ ઉત્તરીય અફઘાનોના જૂથનો આવે છે. આ બંને જૂથનો છૂપો કારોબાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ભેંકાર પહાડી સરહદ વઝિરિસ્તાનમાં ચાલે છે એવું જાણ્યા પછી અમેરિકાએ ૨૦૧૧માં અહીં ભીષણ બોમ્બમારો કર્યો હતો, જેમાં ઉગ્રવાદીઓને છુપા વેશે, ખોટા નામે તાલીમ આપતાં કેટલાંક પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. એ પછી પાકિસ્તાની ઉગ્રપંથીઓમાં અમેરિકા સામે વ્યાપક વિરોધ ઊઠતાં પાકિસ્તાને નાટો દળો માટે સીધું-સરસામાન લઈ જતી ટ્રકોને પોતાનો રૃટ આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. ઘરઆંગણાના ધર્મઝનૂનીઓને રાજી રાખવા હક્કાની નેટવર્કને પણ આઈએસઆઈ દ્વારા મદદનું પ્રમાણ લાદેનના મોત પછી વધી ગયું હોવાનું અમેરિકાનું તારણ છે. એ જોતાં શનિવારે અમેરિકાએ જાહેર કરેલા નવા હિટલિસ્ટના સૂચિતાર્થો અનેક છે.
સૌ પહેલી વાત તો એ કે, હક્કાની સામે સાણસો વધુ મજબૂત ભીડવવાની અમેરિકાની જાહેરાતથી સ્વાભાવિક રીતે જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે. પાક સરકાર માટે 'આગે ખાઈ, પીછે કૂઆ' જેવી સ્થિત સર્જાશે. અમેરિકાનો વિરોધ નહિ કરે તો દાઝે ભરાયેલા ઘરઆંગણાના ઝનૂનીઓ સરકાર સુદ્ધાં ઉથલાવી શકે. પાક સરકાર જો અમેરિકાનો વિરોધ કરે તો અમેરિકા અત્યાર સુધીના ભેગા થયેલા પાકિસ્તાનના તમામ વટાણા વેરીને તેને વૈશ્વિક સ્તરે ત્રાસવાદના સમર્થક તરીકે જાહેર કરી દે. સૌથી અંગત દોસ્ત જ્યારે દુશ્મન બને ત્યારે સૌથી વધુ નુકસાન થાય. કારણ કે અંગત હોવાના નાતે એ દરેક કબાડાનો રાઝદાર હોય. પાકિસ્તાન માટે કફોડી હાલત આ દૃષ્ટિએ થવાની છે. ભારત માટે અમેરિકાનું આ પગલું મક્કમતા (હજુ ય જો બચી હોય તો) બતાવવાની આલબેલ પોકારે છે. ખુદ અમેરિકાએ જાહેર કરેલા ડોઝિયર મુજબ, અજમલ કસાબ ફેઈમ મુંબઈ હુમલામાં આતંકીઓને તાલીમ આપનારા તરીકે નૂરતક જહાંગીરનું નામ છે, જે હક્કાનીનો ઈસ્ટર્ન કમાન્ડ સંભાળે છે. સંસદ પર હુમલો કરનારા આતંકીઓને જે નાણાભંડોળ મોકલાયું હતું એ હક્કાનીના માધ્યમથી લશ્કર-એ-તૈયબાને મળ્યું હતું. એટલે, હક્કાનીનો તાપ માત્ર અમેરિકાને જ નહિ, ભારતને પણ વારંવાર દઝાડતો રહ્યો છે. આ સંજોગોમાં અમેરિકાના નિર્ણયનું ભારત વૈશ્વિક મંચ પર જોરશોરથી સમર્થન કરે એ જરૃરી છે. શક્ય છે કે ભારતના બરાડા બંધ કરી દેવા પાકિસ્તાન કંઈક નવું અટકચાળું કરે, ચીનને વધુ જોરથી ભેટવા દોડે, કાશ્મીરના જરાક શાંત પડેલા ઉગ્રવાદીઓને ઉશ્કેરે પરંતુ ભારત જો મક્કમતા દાખવે એ લાંબા ગાળાની વિદેશનીતિ, સંરક્ષણ નીતિને અનુરુપ રહે તેમ છે.
અમેરિકા ગમે તેટલા ભસ્માસુર પેદા કરે પરંતુ ઈતિહાસ ગવાહ છે કે, એ ભસ્માસુર જ્યારે અમેરિકાના જ માથે હાથ મૂકવાના ચાળે ચડયો છે ત્યારે અમેરિકાએ પોતાની સલામતી સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. સદ્દામ હુસૈન, કર્નલ ગદ્દાફી, સ્વયં ઓસામા બિન લાદેનની ઢળી પડેલી લાશો તેના પૂરાવા છે. સાંઠના દાયકામાં અમેરિકાએ પાકિસ્તાનના ખભે હાથ મૂકીને દોસ્તીના ગલગલિયા કરાવ્યા કારણ કે એ વખતે ભારત નહેરુની આંખે સમાજવાદના રૃપાળા શમણામાં રમમાણ હતું પરંતુ હવે ભારતની માનસિકતા સદંતર બદલાઈ ચૂકી છે. વાસ્તવિકતાના બોધિવૃક્ષ નીચે બેસીને ભારતીયોની નવી પેઢીને બરાબર બ્રહ્મજ્ઞાાન લાધી ચૂક્યું છે એ અમેરિકા ય સમજે છે. આ સંજોગોમાં હાલ હક્કાની અને પછી પાકિસ્તાનને જ નાગચૂડમાં ભેરવવાની ભારત માટે મજાની તક તિલક કરવા આંગણે આવીને ઊભી રહી છે.
આશા છે કે આપણા નેતાલોગ ટાંકણે જ બિનજોડાણવાદના કૂવે મોંઢું ધોવા ન જાય.

Share |
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved