Last Update : 06-September-2012,Thursday

 

પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળને ૧૨૦૦ મેગાવોટ વીજળીની ખેરાત ક્યા મોંઢે થઈ રહી છે?
અંધારામાં આળોટતું ભારત પાડોશીને વીજળી આપશે!

ભારતનાં ૨૨ રાજ્યોના ૮થી ૩૪ ટકા વિસ્તાર હજુ ય વીજળી વિહોણા છે, વીજળીનું શકોરું લઈને ઊભેલા પાક.-બાંગ્લાદેશ પોતે જ આપણા વીજપ્લાન્ટ આયોજનમાં રોડાં નાંખે છે ત્યારે 'મોટા ભાઈ' થવાનો આ કેવો અભરખો?

'ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો' એ કહેવત શબ્દાર્થ અને ગૂઢાર્થમાં એકસરખી રીતે સાચી પડી રહી છે. અમેરિકા ખાતે ભારતના રાજદૂત નિરુપમા રાવે સંયુક્ત રાષ્ટ્રસંઘના એનર્જી કોન્ક્લેવમાં કરેલી જાહેરાત મુજબ, ભારત પાડોશી દેશ પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ, નેપાળને કુલ ૧૨૦૦ મેગાવોટ વીજળી આપશે. આ દરેક દેશોએ કોન્ક્લેવમાં વીજળીની સમસ્યા, ઉત્પાદનના ગતિરોધ અને પૂરવઠા કરતાં અનેકગણી માંગ જેવી સમસ્યાઓ રજૂ કરતાં દ્રવી ઊઠેલા નિરુપમાએ કઈ સત્તાના આધારે આવો પાડોશીધર્મ બજાવી લીધો એ સવાલ હજુ અનુત્તર છે.
પાડોશી દેશોને વધુ ૧૨૦૦ મેગાવોટ આપવાની જાહેરાત કરી રહેલા નિરુપમા રાવે કોન્ક્લેવમાં રજૂ કરેલા આંકડા અનુસાર ઓગસ્ટ, ૨૦૧૦થી ભારત પાકિસ્તાનને ૪૦૦ મેગાવોટ અને બાંગ્લાદેશને ૧૭૦ મેગાવોટ વીજળી રાહતદરે આપી જ રહ્યું છે. વૈશ્વિક સ્તરે સુપરપાવર બનવાની ખ્વાહિશનું આ પરિણામ છે. એશિયામાં પોતે મોટાભાઈની ભૂમિકાએ હોવાનો નહેરુના જમાનાનો ખયાલી પુલાવ હજુ ય આપણે ચાટયા કરીએ છીએ એ નિરુપમા રાવની ખેરાતથી સાબિત થઈ રહ્યું છે.
સંસદ હાલ કોલસા કૌભાંડના મામલે રાજનીતિ ખેલવામાં વ્યસ્ત છે એટલે બસપા, તૃણમૂલ અને ભાજપના કેટલાંક સાંસદોએ નિરુપમાની આ જાહેરાત સામે ઊઠાવેલો વિરોધ હાલ તુરત દબાઈ ગયો છે. હજુ હમણાં જુલાઈના અંતમાં પાવરગ્રીડ ફેઈલ જવાથી સમગ્ર ઉત્તરભારતમાં અંધારપટ છવાઈ ગયો હતો અને જનજીવન ખોરવાઈ ગયું હતું. એ વખતે કેન્દ્રીય ઉર્જા મંત્રી સુશિલકુમાર શિંદેએ માંગ અને પૂરવઠાના કટોકટ પ્રમાણ તેમજ વીજ વહેંચણીના ટાંચા સાધનોને દોષ આપીને ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા જેવા રાજ્યો વધુ પૂરવઠો ખેંચી લેતા હોવાનું દોષારોપણ કર્યું હતું. ઉર્જામંત્રીને ત્યારે તો આ પતલી ગલીમાંથી છટકી ગયા હતા પરંતુ સમગ્ર ભારત જ્યારે અભૂતપૂર્વ વીજસંકટની ધાર પર આવીને ઊભું છે ત્યારે પાડોશીઓને ખૈરાત કરવાની સરકારની નીતિ ઘણા સવાલો ખડા કરે છે.
ભારતમાં વીજ સમસ્યાને સૌથી વધુ વકરાવતો મુદ્દો પાવરગ્રીડની મનમાની વહેંચણીનો હોવાનું તાજેતરના વીજસંકટમાં સાબિત થઈ ગયું છે. એક તરફ આપણે સુપરપાવર બનવાના હવાતિયાં મારીએ અને બીજી તરફ દેશવાસીઓના ચહેરા ઉજાળતા ખરા પાવર (વીજળી)ના ય ફાંફા છે એ આખી દુનિયાએ જોઈ લીધું છે. તાજેતરના વીજસંકટ વખતે જે કેટલીક ખામીઓ બહાર આવી છે તેમાં પાવરગ્રીડની ટેક્નોલોજીની દૃષ્ટિએ જરીપૂરાણી વ્યવસ્થા અને વહેંચણીની ધડમાથા વગરની, અતાર્કિક નીતિ કારણભૂત છે. આઝાદી વખતે ભારતમાં ૧૩૭૨ મેગાવોટ જેટલું વીજઉત્પાદન માંડ થતું હતું અને દેશના ૬૩ ટકા વિસ્તારને અપૂરતી વીજળી મળતી હતી એ માહોલમાંથી હાલ આપણે ૧,૭૦,૦૦૦ મેગાવોટના ઉત્પાદન સુધી પહોંચી ચૂક્યા છીએ પરંતુ તેમ છતાં હજુ ય આપણે ત્યાં માથાદીઠ વીજખપત આંતરરાષ્ટ્રીય આંકડાઓની સરખામણીએ ગરીબ રાષ્ટ્રોથી સ્હેજપણ ખોંખારો ખાવા જેટલી વધુ નથી. દુનિયાભરમાં માથાદીઠ વીજવપરાશની સરેરાશ ૨૪૨૯ યુનિટ છે જે ભારતમાં ૭૩૪ યુનિટ છે. પ્રદુષણ અને કુદરતી સંસાધનોના વ્યય સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી પણ એ તો સ્વીકારવું જ રહ્યું પાવર એ જ વિકાસનું ગ્રોથ એન્જિન છે. એ જોતાં અપૂરતી વ્યવસ્થા, ટાંચા સાધનો, પાંખી ટેક્નોલોજી અને અણઘડ વહિવટને લીધે આપણું ગ્રોથ એન્જિન હજુય ગોથા ખાય છે. પાવરગ્રીડની રચના અને ત્યાં જમા થતી વીજળીની વહેંચણી કંઈક અંશે ડેમ જેવી હોય છે. ડેમમાં જેમ પાણી જમા કરવામાં આવે અને પછી નહેરો મારફત અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવે એ રીતે પાવરગ્રીડ એ વીજળીનો સંગ્રહ કરતો ડેમ છે અને અહીં જમા થયેલી વીજળી હાઈટેન્શન લાઈન દ્વારા અન્યત્ર પહોંચાડવામાં આવે છે. ગત જુલાઈના વીજસંકટના કારણ તરીકે એવું જાણવા મળ્યું હતું કે, હાઈટેન્શન લાઈન મારફત વીજળી ખેંચતા રાજ્યો પૈકી કેટલાંક રાજ્યોએ તેમના માટે નિયત થયેલા મેગાવોટ કરતાં લગભગ બમણી વીજળી ખેંચી લીધી. ડેમની આઠ-દસ નહેર પૈકી કોઈ બે-ચાર નહેરમાં બધુ પાણી વહી જાય તો સરવાળે ડેમ તળિયાઝાટક થઈ જાય અને બાકીની નહેર સૂકાઈ જાય. કંઈક એવો જ ઘાટ પાવરગ્રીડમાં સર્જાયો અને સરવાળે આખું ઉત્તરભારત વીજસંકટ હેઠળ મૂકાઈ ગયું.
પાડોશીધર્મ નીભાવવાની ભારતની ઉતાવળને સંદેહાત્મક અને મુત્સદ્દીપણાની નાદારી જેવી સાબિત કરતી બીજી બાબત એ છે કે, હાલમાં નોધર્ન અને ઈસ્ટર્ન સર્કલમાં વીજઉત્પાદન છેલ્લા આઠ વર્ષથી સતત ઘટતું જાય છે. આ ઘટ પૂરી કરવા માટે ભારતે લેહ-લદ્દાખ અને સિયાચિન સહિતના નોધર્ન સેક્ટરમાં વિન્ડ પાવર પ્લાન્ટ નાંખવાનું આયોજન કર્યું છે. જો બધું સમુંસૂતરું પાર પડે તો આગામી ત્રણ વર્ષમાં આશરે ૧૮૦૦ મેગાવોટ વીજળી અહીં પેદા થઈ શકે તેવી ગણતરી છે. પરંતુ પાકિસ્તાન જેવા પાડોશી હોય ત્યારે કશું સમુંસૂતરું પાર પડે એ વાતમાં માલ નહિ. ભારતે હજુ પ્રસ્તાવ તૈયાર કર્યો અને મોજણી શરૃ કરી એ જ વખતથી પાકિસ્તાન એ સૂચિત પ્લાન્ટની જગ્યાને વિવાદી ગણાવીને વિરોધ કરી રહ્યું છે. આ સંજોગોમાં આપણી પાસે વીજળી માંગવા શકોરું લઈને ઊભેલા પાકિસ્તાનનું બાવડું આમળવાનું હોય કે વડીલપણું બતાવીને ગઈ ગુજરી વિસરી જવાની હોય?
પાકિસ્તાન અને ચીનના રવાડે ચડેલું બાંગ્લાદેશ પણ અળવિતરા કરવામાં જરાય ઉણું ઉતરે તેમ નથી. નદીની જળવહેંચણીના મુદ્દે હજુ હાલમાં જ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વયં વડાપ્રધાનની સાથે એક મંચ પર બેસવાનું ટાળ્યું હતું. બ્રહ્મપુત્રા અને ગંગાના પ્રવાહને નાથીને ભારતે ત્યાં કુલ ૧૩૦૦ મેગાવોટના હાઈડ્રોપાવર પ્લાન્ટનું આયોજન કર્યું છે એમાં બાંગ્લાદેશને પણ ૧૦૦ મેગાવોટ વીજળી આપવાની શરત મંજૂર રાખવામાં આવી છે આમ છતાં યોજનાની જગ્યા ભારતની, ખર્ચ ભારત કરે, વિસ્થાપિતોની સમસ્યા ય ભારત ઉકેલે અને પોતાને અડધોઅડધ એટલે કે ૬૫૦ મેગાવોટ વીજળી મળે એવી અતાર્કિક અને બેહુદી માંગણી પર બાંગ્લાદેશ અક્કડ વલણ રાખી રહ્યું છે. પરિણામે અઢી વર્ષ પછી હજુ પણ એ પ્લાન્ટ કાર્યરત થઈ શક્યો નથી.
તાજેતરની વીજ કટોકટી પછી ઉર્જા મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, હાલમાં ૧,૭૦,૦૦૦ મેગાવોટનું વીજઉત્પાદન હોવા છતાં સાંજે સાતથી રાતના અગિયાર દરમિયાન દેશના ૫૬ ટકા વિસ્તારોને તેમની માંગ કરતાં ૧૦ ટકા વીજળી ઓછી આપી શકાય છે અને વીજ વપરાશના આ પ્રાઈમ ટાઈમ સિવાયના સમયમાં પણ એ ઘટ ૭ ટકા તો હોય જ છે. આઝાદીના ૬૫ વર્ષેય હાલત એવી છે ભારતના ફક્ત ૯ રાજ્યો જ સરકારી સ્તરે વીજળીની વ્યવસ્થા સંપૂર્ણપણે કરી શક્યા છે જ્યારે બાકીના રાજ્યોમાં ૮ ટકાથી લઈને ૩૭ ટકા સુધીના વિસ્તારો હજુ ય ચોવીશ કલાકની વીજળીથી વંચિત છે.
ઉદ્યોગો અપૂરતી વીજળીની ફરિયાદ કરે છે. ખેડૂતો દર વખતે વાવણીના સમયે જ વીજળી માટે રડતા હોય છે અને આમ નાગરિક ભર ઉનાળે કે દિવાળીના દિવસે જ મીણબત્તીના અજવાળે કોસતો હોય છે એ સંજોગોમાં વૈશ્વિક સ્તરે સુપર પાવરની રોશનીમાં પોતાનો ચહેરો ઉજાળવાને બદલે ખરા પાવરથી નાગરિકોના ઘર ઉજાળવા એ પ્રાથમિક કાર્ય હોવું ઘટે.

Share |
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved