Last Update : 05-September-2012,Wednesday

 

ઉંમરના તકાજા અને મનના અભરખા વચ્ચે રમતા સચીનના ફૂટવર્કનું અવલોકન
નવી રાષ્ટ્રીય ચિંતાઃ સચીન કેમ સતત બોલ્ડ થાય છે ?

ક્રિકેટનો ભગવાન ઉંમરના એવા પડાવ પર પહોંચી ચૂક્યો છે જ્યાંથી અલવિદા કહેવાની સીમા શરૃ થતી હોય?ઃ છેલ્લી ૩૧ ઈનિંગ પૈકી ૧૪ વખત સચીન સીધા દડાને પારખવામાં થાપ ખાઈ ગયો છે

'સચિન હવે સાંસદ બની ગયો છે. મેદાનને ય સંસદ જ સમજે છે. થોડીક વાર હાજરી પૂરાવો, બે-ચાર બરાડા પાડો અને સંસદ બરખાસ્ત કરીને ચાલતી પકડો'
***
'હવે આ રીતે આઉટ થાય તો તેને પેવેલિયનને બદલે આઈ સ્પેશ્યાલિસ્ટ પાસે મોકલજો. સચિન અંકલને જરૃર બાયફોકલ્સ (બેંતાળા) આવ્યા હોવા જોઈએ.'
***
'શટ અપ સુનિલ, ઉંમરની અસર તો તમને થઈ લાગે છે. ગાવસ્કર સઠિયા (સાઠી બુદ્ધિ નાઠી) હો ગયેલા'
***
ક્રિકેટનો ભગવાન રનનો પ્રસાદ આપવામાં નિષ્ફળ જાય ત્યારે કેવો રાષ્ટ્રીય કોહરામ મચી જાય તેની ઝલક દર્શાવવા માટે ટ્વિટર પરથી લીધેલા ઉપરના ત્રણ અભિપ્રાયો પૂરતા છે. ફેસબુક અને ટ્વિટર પર ચર્ચાનું રમખાણ મચ્યું છે, ટીવી ચેનલ્સ પર વિશેષજ્ઞાો સચિનના આઉટ થવાની ક્ષણોને રિવાઈન્ડ કરી-કરીને સમજાવે છે અને જાડા ફોન્ટમાં વચ્ચે વચ્ચે ચમકતું રહે છે પ્રોગ્રામનું ટાઈટલ, 'સચિન કો હુઆ ક્યા હૈ?'
વાત ફક્ત આટલી છે, ન્યૂઝિલેન્ડ સામે સોમવારે પૂરી થયેલી બે ટેસ્ટની શ્રેણીના ચાર દાવમાં સચિન તેંડુલકર સળંગ ત્રણ વખત લગભગ એકસરખી રીતે ફેંકાયેલા બોલમાં એકસરખી ભૂલ કરીને ક્લિન બોલ્ડ થયો. બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં ન્યૂઝિલેન્ડના ઝડપી બોલર બ્રેસવેલે ફેંકેલો ફૂલ લેન્થ બોલ ટપ્પો ખાઈને મીડલ અને ઓફ સ્ટમ્પ વચ્ચે ધસ્યો. સાધારણ રીતે કોઈ એવરેજ બેટ્સમેન હોય તો ડાબો પગ સ્હેજ આગળ ખસેડે. કોણી, બેટ અને પેડનું અભેદ ક્વચ બનાવે અને સ્ટમ્પની દિશામાં ધસતા બોલને રોકી લે. બહુ તરવરિયો બેટ્સમેન હોય તો આવા બોલને પુલ કરીને બાઉન્ડ્રીની બહાર પણ મોકલી દે. સચિને પોતે ય સેંકડો વખત વીજળીના ઝબકારા જેવા પુલશોટ્સ માર્યા છે. પરંતુ આ વખતે તેનો પગ જરાક હલ્યો પણ આગળની તરફ ન મૂકાયો. કોણી પણ થોડીક વળી અને બેટ આગળ ધરે એ પહેલાં તો બેટ અને પેડ વચ્ચેથી દડો સ્ટમ્પમાં ઘૂસી ગયો.
એ વખતે સુનિલ ગાવસ્કર અને સંજય માંજરેકર કોમેન્ટ્રી આપી રહ્યા હતા. માંજરેકરે પૂર્વે પણ સચિન આ રીતે આઉટ થયો હતો તેનો ઉલ્લેખ કરીને સચિનના બદલાયેલા ફૂટવર્ક માટે ચિંતા વ્યક્ત કરી ત્યારે ગાવસ્કરે તેને ઉંમરની અસર ગણાવી. જાવેદ મિંયાદાદ પણ કારકિર્દીના આખરી દિવસોમાં આવી જ રીતે બોડી મૂવમેન્ટનો યોગ્ય તાલમેલ જાળવી શકતો ન હતો તેનો ઉલ્લેખ કરીને ગાવસ્કરે પ્રમાણપત્ર ફાડી નાંખ્યુંઃ સચિન શૂડ ગો ઓન ધ વે ટૂ રાહુલ એન્ડ લક્ષ્મણ.
આ વિધાન પછી દેશભરમાં ચકચાર જગાવતું કોલ-ગેટ કૌભાંડ વિસરાઈ જવું સ્વાભાવિક હતું. પહેલી બહસ તો એ જ છેડાઈ ગઈ કે સચિનને નિવૃત્ત થવાનું કહેનાર ગાવસ્કર છે કોણ? ઉશ્કેરટા જરાક શમ્યો પછી આંકડાબાજી ચાલી. ક્રિકેટના નિષ્ણાતોએ ય અભિપ્રાયો ફેંકવા માંડયા. અજીત વાડેકરે કહ્યું કે, ઉંમરની અસર હેઠળ બોડી રિફ્લેક્સિસ નબળા પડે એ સમજી શકાય છે પરંતુ સચિનનો કેસ મને એવો લાગતો નથી. સૈયદ કિરમાણીએ પણ સચિનને બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો. તેણે કહ્યું કે, સચિન જે રીતે આઉટ થયો એ ચોક્કસપણે આઉટ થવાની બહુ જ શર્મનાક રીત છે. બટ કમ ઓન યાર, આવું તો દરેક ખેલાડી સાથે કારકિર્દી દરમિયાન ક્યારેક થતું જ હોય છે. કિરમાણીએ તો ગાવસ્કર પર જ સીધું નિશાન તાક્યું. ઈંગ્લેન્ડ સામેની કોઈ શ્રેણીમાં ગાવસ્કર પણ ઈયાન બોથમના દડાને ઓળખવામાં આમ જ થાપ ખાઈ જતો હતો.
અભિપ્રાયોના પિષ્ટપેષણ પછી આંકડાબાજીના આયનામાં સચિનને મૂકીએ તો પલ્લુ ગાવસ્કરના અભિપ્રાયનું નમતું જણાય છે. છેલ્લી ૩૧ ઈનિંગમાં સચિન કુલ ૨ વાર નોટઆઉટ રહ્યો છે જ્યારે ૨૯ વાર આઉટ થયો તેમાં ૧૪ વાર કેચઆઉટ થયો અને ૬ વાર બોલ્ડ, ૮ વાર એલબીડબલ્યૂ થયો છે. મતલબ કે તેને આઉટ કરનાર દડા પૈકી પચાસ ટકા દડા એવા હતા જે સીધા સ્ટમ્પ પર ફેંકાયા અને સચિન તેને ઓળખી ન શક્યો. સીધો અર્થ એ થયો કે સચિન ફૂલ લેન્થ બોલ પારખવામાં નબળો પડી રહ્યો છે. યા તો તેને આંખની સીધમાં આવતાં દડા દેખાવામાં વિલંબ થાય છે અથવા તો એવા દડાનો સામનો કરવા જતાં તેના શરીરનો લય જળવાતો નથી.
વેલ, હવે ઘડીક ક્રિકેટને બાજુ પર મૂકીને માનવશરીરશાસ્ત્રની વાત કરીએ. શરીર પ્રતિક્રિયા કેવી રીતે આપે તેનો મેડિકલ સાયન્સની ભાષામાં જવાબ એ છે કે, સામેથી ફેંકાતા દડાની ગતિ અને દિશા પારખવાનું કામ આંખ કરે. આંખે પારખેલી ગતિ અને દિશાનો ક્યાસ ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે. આંખના સંદેશા પ્રમાણે મગજ હાથ, પગ, કમરને યોગ્ય પોશ્ચર ધારણ કરવા ફરમાન કરે અને એ દરેક અંગો મગજની સૂચનાનું પાલન કરે. આ સઘળી પ્રતિક્રિયા માટે મિલિસેકન્ડનો ય સમય વધી પડે. અજાણતા દિવાની ઝાળ પર આંગળી મૂકાઈ જાય તો જેમ પહેલાં એ દાઝેલો હાથ કોણીમાંથી પાછળની તરફ ખસે, પછી તરત બીજો હાથ ઘાયલ આંગળી પર ભીંસાઈ જાય અને એ સાથે જ મોંમાંથી સિસકારો ય આપમેળે નીકળી જાય, બિલકુલ એનાં જેવી જ આ પ્રતિક્રિયા હોય.
હવે જો શરીરને યોગ્ય સમયે યોગ્ય આદેશ મળતો ન હોય તો એ મગજની સક્રિયતાની ખામી છે અને જો મગજ દ્વારા આદેશ મળવા છતાં શરીર જો ત્વરિત પ્રતિક્રિયા નથી આપતું તો એ સ્નાયુઓએ લચીલાપણું ગુમાવ્યાની નિશાની છે. સામેથી પૂરપાટ વેગે બાઈક આવતું જોવા છતાં વડીલો ઝડપથી રસ્તો ક્રોસ કરી શકતાં નથી કારણ કે, તેમને બાઈક દેખાય છે અને મગજે 'ભાગો' એવું પગને કહી પણ દીધું છે પરંતુ પગમાં એવી ત્વરિત ગતિ પકડવાની ક્ષમતા નથી. મગજ અને શરીર વચ્ચેનો આ તાલમેલ ખોરવાય તેને એજિંગ પ્રોસેસ યાને ઉંમરનું વધવું કહેવાય.
હવે આ દરેક તર્ક અને દલીલોની વચ્ચે ફરીથી સચિનને બેસાડીએ. તેનું મગજ આજે ય સાબુત છે અને તેના અનેક પ્રમાણો છે. સફળતાની ઊંચાઈ પર હોવા છતાં તેની નમ્રતા યથાવત છે. આખો દેશ જ્યારે તેને ભારતરત્ન આપવા માટે જીદે ચડે છે અને તેના માટે બંધારણિય જોગવાઈમાં પણ સુધારો થાય છે ત્યારે તે નમ્રતાપૂર્વક કહી દે છે કે, મારા પૂર્વેના ભારતરત્નોની યાદી મેં જોઈ. મેં એમના જેવું કશું જ કર્યું નથી. તેને રાજ્યસભામાં મોકલવામાં આવ્યો અને સચિને ન જવું જોઈએ એવો મત વ્યક્ત થયો ત્યારે તેણે ઠાવકાઈથી કહ્યું કે, હું કોઈ રાજકારણી નથી પરંતુ રાષ્ટ્રપતિ મારી પસંદગી કરે ત્યારે એ સ્વીકારી લેવામાં મારું સન્માન છે. એ પછી તેને જ્યારે સાંસદ હોવાના નાતે રાહુલ ગાંધીની પડોશમાં બંગ્લો ફાળવાયો ત્યારે તેણે એમ કહીને સવિનય અસ્વિકાર કર્યો કે, હું સંસદની કામગીરી વખતે હાજરી આપવા માટે હોટેલમાં રહેવું પસંદ કરીશ. કાયમી બંગ્લાની મને જરૃર નથી.
હવે રહી વાત બોડી રિફ્લેક્સિસની. યાર, આ એ જ માણસ છે જેણે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. ક્રિકેટના મોટાભાગના રેકોર્ડ્સ તેના નામે બોલે છે. અઢી દાયકાથી એ યશ, પ્રતિષ્ઠા અને સંપત્તિના નવા-નવા માપદંડો સર કરતો રહ્યો છે અને છતાંય તેના પગ ધરતી પર ચોંટેલા રહ્યા છે. પ્રસિદ્ધિની ઝાકમઝોળ વચ્ચે રહેવા છતાં કદી તેણે તોછડાઈ, ઉદ્ધતાઈ કે આછકલાઈ કરી નથી. ઉંમર કોઈને છોડતી નથી, સચિન પણ તેમાંથી બાકાત નહિ જ હોય પણ એ પૂરતો શાણો છે. હવે તેણે કશું જ સાબિત કરવાનું બાકી રહ્યું નથી. લક્ષ્મણની નિવૃતિ જાહેર થઈ એ દિવસે ૩૦ ઓગસ્ટે કેસ્ટ્રોલ પૂરસ્કાર મેળવ્યા પછી સચિનને તેની નિવૃત્તિ વિશે પૂછાયું ત્યારે તેણે કહ્યું હતું, હું જવાબ આપું તેના કરતાં સ્કોરબોર્ડ જવાબ આપે એ વધુ ઠીક રહેશે. એન્ડ આઈ થિન્ક, ઈટ્સ સ્ટિલ સ્પિકિંગ. યસ માસ્ટર બ્લાસ્ટર, વી બિલિવ યુ. તારૃં સ્કોરબોર્ડ હજુ ય બોલે છે અને ત્યાં સુધી અમે તને મેદાન પર જોવા માંગીએ છીએ.

Share |
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved