Last Update : 04-September-2012, Tuesday

 

દિગ્વિજય અને નીતિશના મોં ખોલીને રાજ ઠાકરેએ પોતાનો એજન્ડા પાર પાડયો છે
'રાજ'નીતિઃ બેફામ બોલવું અને માઈલેજ મેળવવું

રાજ ઠાકરે અને બાળ ઠાકરે પોતે પણ પોતાના વાણીવિલાસની ફોકટતા જાણે છે પરંતુ લાઈમલાઈટમાં રહીને પોલિટિકલ માઈલેજ મેળવવામાં તેઓ માહેર છે. લાગે છે કે, ઠાકરે પરિવાર ફરીથી એક થઇ રહ્યો છે

આઠમા-નવમા ધોરણમાં ગુજરાતીના પ્રશ્નપત્રમાં મુદ્દા પરથી વાર્તા બનાવવાનો પ્રશ્ન પૂછાય છે. વિદ્યાર્થીની સર્જનાત્મક અભિવ્યક્તિ ચકાસવાનો આ પ્રયાસ રાજનીતિમાં ય હંમેશા કારગત નીવડયો છે. ઉદારણ તરીકે રાજ ઠાકરે. કાકા બાળ ઠાકરે જોડે છેડો ફાડીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામથી નોંખો ચોકો જમાવી ચૂકેલા રાજ મુદ્દા ઓળખવામાં અને મુદ્દા આધારે લોભામણી વાર્તા ઘડી કાઢવામાં કાકા કરતાં ચાર ચાસણી ચઢે તેવા માહેર છે. તાજેતરમાં વધુ એકવાર તેમણે બિહારીઓને નિશાન બનાવીને જૂના મુદ્દા પર વાર્તાની નવી ધાર ચઢાવી છે.
બેફામ બોલવું, બોલતી વખતે કાનૂન, બંધારણ, સામુદાયિક હિત, રાજકીય જવાબદારી જેવી નૈતિક બાબતોને અભેરાઈ પર ચઢાવી દેવી અને આક્રમકઢબે વધુમાં વધુ લોકરંજક બોલતાં રહેવું એ ઠાકરે પરિવારની તાસિર રહી છે. સચિન તેંડુલકર સળંગ બીજી ઈનિંગમાં ય સસ્તામાં ક્લિન બોલ્ડ થઈ જાય અને પાનના ગલ્લે ઊભેલા 'નિષ્ણાતો' સ્ટાઈલિશ રોષ પ્રગટ કરતાં બોલી નાંખે કે, 'સચિયાને તો હવે મારતાં-મારતાં આખા આશ્રમરોડ પર ફેરવવો જોઈએ' તો એમની આવી 'એક્સપર્ટ કમેન્ટ'નું પૈસાભાર વજુદ હોતું નથી. બોલનારાને ય આગળ-પાછળના તથ્યોનું ભાન ન હોય અને સાંભળનારાને ય એવી કોઈ પરવા ન હોય એટલે આવો વાણીવિલાસ મનોરંજન પૂરતો ચાલ્યા કરે.
પરંતુ રાજ ઠાકરે એ હાથમાં મસાલો મસળતા કોઈ ટાઈમપાસ ફેંકુ નથી. તેઓ જ્યાં બોલે છે એ પાનનો ગલ્લો નથી અને તેમના વિધાનો ગંભીર અસરો નીપજાવી શકે તેવા વજુદપૂર્ણ હોય ત્યારે તેમણે આવા બેફામ વાણીવિલાસને બદલે જવાબદારીપૂર્ણ વર્તન કરવું જોઈએ. પરંતુ રાજ ઠાકરે પાસેથી આ પ્રકારની અપેક્ષા રાખવી અસ્થાને છે. મહારાષ્ટ્રનું અને ખાસ કરીને ઠાકરે પરિવારનું રાજકારણ જોતાં રાજ ધારે તોય એવું શિસ્તબદ્ધ અને સમજદારીભર્યું વર્તન કરી શકે તેમ નથી. સાંઠના દાયકામાં 'આમચી મુંબઈ' આંદોલન વડે ગુજરાતીઓને નિશાન બનાવવાથી રાજનીતિના મેદાનમાં ઉતરેલા બાળ ઠાકરેએ પછી પવન પ્રમાણે હિન્દુવાદની દિશામાં સઢ ફેરવ્યો એ પછી લગાતાર ત્રણ દાયકા સુધી મુંબઈ શિવસેનાનો ગઢ બની રહ્યું.
શિવસેનાથી છૂટા પડયા પછી રાજ ઠાકરેએ મુંબઈમાં ઉત્તરભારતીયોની સતત વધતી સંખ્યાને મુદ્દો બનાવી તેમના કારણે મુંબઈના સુખ-શાંતિ હણાઈ રહ્યા હોવાનું બ્યૂગલ વગાડયું છે. શિવસેનાની જૂની તર્જ પર બેફામ બોલવું અને કાયદો ય હાથમાં લઈ લેવો એ પ્રકૃતિ રાજ ઠાકરેએ પણ યથાવત રાખી છે. ભૂતકાળમાં બિહારી ટેક્સી ડ્રાઈવર્સને થયેલી મારપીટ તેનું ઉદાહરણ છે. હાલ બનેલી ઘટનાઓ દોડવા માટે તત્પર રાજ ઠાકરેને આબાદ ઢાળ પૂરો પાડી રહી છે.
આસામના કોમી તોફાનોનો વિરોધ કરવા માટે આઝાદ મેદાનમાં યોજાયેલી સભા પૂરી થઈ કે તરત મુંબઈમાં ભેદી રીતે તોફાનો ચાલુ થઈ ગયા. એ વખતે શહિદ સ્મારકની તોડફોડ કરી રહેલાં બે મુસ્લિમ તરુણો કેમેરામાં ઝડપાઈ ગયા. એ પૈકીનો એક આરોપી બિહારમાંથી પકડાયો એટલે રાજ ઠાકરેને ફાવતું જડી ગયું છે. 'મુંબઈ મેં ગુનાહ કરનેવાલા હર આદમી બિહાર હી ક્યૂં ભાગતા હૈ?' જેવો અણિયાળો સવાલ કરીને તેઓ શાંતિપ્રિય મુંબઈગરાઓનું સમર્થન મેળવવાની વેતરણમાં છે અને હવે તો હિન્દી ચેનલોને પણ 'ભૈયાલોગોં કા ખુમચા' કહીને બંધ કરાવી દેવાની ધમકી ઉચ્ચારી રહ્યા છે. પ્રત્યેક ભારતીય નાગરિક દેશભરમાં ગમે ત્યાં વ્યવસાય કે વસવાટ કરવાનો હક ધરાવે છે એવી દલીલ તેમની સમક્ષ જ્યારે જ્યારે થઈ છે ત્યારે તેમનો નિંભર જવાબ રહ્યો છે કે 'મેરી સોચ મેં મહારાષ્ટ્ર હી રાષ્ટ્ર હૈ. મેરે લિયે ભારત સીમા મહારાષ્ટ્ર કી સીમા તક હી સિમિત હૈ.' રાજ્ય સરકારના સમર્થક પક્ષના નેતા આવી માન્યતા બિન્ધાસ્ત વ્યક્ત કરતા હોય ત્યારે વધુ કંઈ કહેવાની જરૃર રહેતી નથી.
હવે રાજ ઠાકરેના વાણીવિલાસ સામે બિહારીઓના સમર્થનમાં નીતિશકુમારે પણ ઝૂકાવ્યું છે અને બેફામ બોલવામાં ઠાકરે જેવી જ માસ્ટર ડીગ્રી ધરાવતા દિગ્વિજય સિંહ પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. રાજ ઠાકરેની આ જ તો 'રાજ'નીતિ છે.
દિગ્વિજયસિંહ સાથેના વાક્યુદ્ધને લીધે સોમવારનો આખો દિવસ નેશનલ ન્યૂઝમાં ઠાકરેને વેઈટેજ મળતું રહ્યું છે. તેમને બરાબર ખબર છે કે બુદ્ધિજીવીઓ તેમની આવી ઝૂંબેશને સમર્થન આપવાના નથી અને ઠાકરેને એ જોઈતું પણ નથી. તેમનો એજન્ડા ક્લિયર છે. નિમ્નમધ્યમવર્ગિય મરાઠીઓની પરંપરાગત રીતે શિવસેનાની મનાતી મતબેંકમાં શક્ય તેટલા ગાબડાં પાડતાં જવા અને સત્તાધારી કોંગ્રેસનું સમર્થન કરીને વધુમાં વધુ ફાયદો મેળવતા જવો.
ગત મહિને ઉદ્ધવ ઠાકરે અને પછી બાળ ઠાકરેની માંદગી વખતે રાજ જે રીતે ખડે પગે હાજર રહ્યા હતા અને માતોશ્રીમાં તેમને જે રીતે આવકાર મળ્યો હતો એ પછી ઠાકરે પરિવાર પુનઃ એકજૂટ થઈ રહ્યો હોવાની માન્યતા પણ પ્રસરી હતી. હાલ શિવસેના અને ઉદ્ધવ ઠાકરે ઓળખ જાળવી રાખવા મરણિયા બન્યા છે. જે મુદ્દાઓ પર દાયકાઓથી શિવસેનાની હથોટી ગણાય એ દરેક મુદ્દાઓ રાજ ઠાકરે ઊઠાવી જાય છે અને પછી શિવસેના માટે આક્રમકતા દર્શાવવા માટે ઠાલા ખોંખારાથી વિશેષ કંઈ બચતું નથી. આ સંજોગોમાં શિવસેના અને મનસેનું એકીકરણ બંને પક્ષના પાયાના કાર્યકરો આવકાર્ય ગણે છે પરંતુ ધારો કે એવું થાય તો પણ જે મુદ્દા પર રાજ ઠાકરે અલગ થયા હતા એ મુદ્દો તો ઊભો જ રહે છે. બાળ ઠાકરેના ઉત્તરાધિકારી કોણ એ સવાલના જવાબમાં ઉદ્ધવ પ્રસ્થાપિત થઈ શક્યા નથી. તેમનો પુત્ર આદિત્ય યુવા શિવસેનાના માધ્યમથી પરચૂરણ બખેડા કરવા સિવાય હજુ ખાસ કાઠુ કાઢી શક્યો નથી. એ જોતાં રાજ ઠાકરેમાં બાળાસાહેબને કટોકટીનો ઉદ્ધાર દેખાતો હોય તે શક્ય છે. હાલમાં પણ દિગ્વિજયના વિધાનની સામે ઠાકરે પરિવાર એકજૂટ થઈને આક્રમણ કરી રહ્યો છે એ જોતાં શિવસૈનિકોના મલકાતા ચહેરા ખીચડીમાં જ ઘી ઢોળાવનો અંદાજ મૂકી રહ્યા છે.
ઠાકરે પરિવાર જે રીતે મહારાષ્ટ્રને મરાઠીઓ માટે સિમિત કરી દેવા અથવા તો મરાઠીઓને પ્રાધાન્ય મળે એવી ઝૂંબેશ ચલાવી રહ્યો છે એવી જ સ્થિતિ આસામમાં પણ પ્રવર્તી રહી છે. પરચૂરણ કહી શકાય એવા છમકલામાંથી શરૃ થઈ ગયેલા ભીષણ કોમી રમખાણો પછી હવે આસામમાં પુનઃ બોડો અલગતાવાદીઓ સક્રિય થઈ ચૂક્યા છે અને માંડ છેલ્લા અઢી દાયકાથી શાંત પડેલું આંદોલન હવે નવેસરથી અને વધુ ઉગ્રતાથી આકાર લઈ રહ્યું છે. પ. બંગાળમાં શાંત પડેલા ગોરખાલેન્ડના સમર્થકો હવે નેપાળના માઓવાદીની મદદથી વધુ આક્રમક બની રહ્યા છે. તેલંગણાની માંગણી માટે લોહી રેડાવાનું હજુ બંધ થયું નથી ત્યાં આંધ્રમાં જગન રેડ્ડી સંવેદનશીલ અને ભાવુક આંધ્રવાસીઓના મનમાં અલગતાવાદનું ઝેર ભરી રહ્યા છે.
ભારતમાં મુઘલ સલ્તનતે પોતાના પાયા મજબૂત કર્યા એ પૂર્વે ગુલામ, તુઘલક અને લોદી વંશના શાસન સમયે સ્થિતિ એવી હતી કે દિલ્હીની ગાદી પર બેઠેલો સુલતાન જ્યારે જ્યારે નબળો પડયો ત્યારે પ્રાંતોના સુબાઓ પોતાને સ્વાયત્ત જાહેર કરીને સ્વતંત્ર સુલતાન બની બેસતા હતા.
હાલની સ્થિતિ તેનાંથી જરા પણ અલગ નથી. કેન્દ્ર સરકાર પોતાના કૌભાંડોના વમળમાં ફસાયેલી છે, વિપક્ષ ભાજપને સંસદ ખોરવવા સિવાય બીજી કોઈ લાંબાગાળાની નીતિ સૂઝતી નથી એ સંજોગોમાં અલગતાવાદી પરિબળોને પોતાની રાજકીય રોટલી શેકવા માટે પૂરતો અગ્નિ મળી રહે છે.

Share |
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved