Last Update : 02-September-2012, Sunday

 

રાજવીના ઝભ્ભા પર થીગડું જોયું છે ?
પ્રજા ઝંખે છે મહારાજા ભગવતસિંહજી જેવા શાસકો !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ
 

 

મનનું પંખી ભૂતકાળની દિશામાં દોડે છે. ક્યારેક વર્તમાન પરિસ્થિતિથી વિક્ષુદ્ધ ચિત્તને અતીતની યાદમાંથી દિલાસો મેળવવાનું મન થાય છે.
ભેખધારી નેતાઓએ જીવન સમર્પણ કરીને દેશને આઝાદીને આરે લાવીને મૂક્યો, પરંતુ આઝાદી પછી દેશની આગેવાનીને કોઈ લૂણો લાગ્યો છે.
જે નેતાઓ પ્રજાના સેવક હતા, તે હવે પ્રજાને પોતાની સેવક માનવા લાગ્યા છે !
જેમના માટે સત્તા સેવાનું માધ્યમ હતી, એમને માટે હવે સેવા એ સત્તાનું સાધન બની ગઈ છે ! દેશના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા સત્તાધીશોનો ભ્રષ્ટાચાર હૃદયને વલોવી નાખે છે. પ્રજાની સંપત્તિને ખોબે ખોબે લૂંટનારા પ્રધાનોની કલંકિત ગાથા દેશને માટે લાંછનરૃપ બની રહી છે.
નેતાની નમ્રતાએ હવે દેશવટો લીધો છે અને એ નેતાઓ ક્ષણિક સત્તાના તોરમાં અને પ્રભુત્વના અહંકારના દોરમાં ચાલી રહ્યા છે.
પહેલા વિચારસરણીનું યુદ્ધ હતું, હવે માત્ર સત્તાપ્રાપ્તિનો જંગ ખેલાય છે.
એક સમયે રાજકીય મંચ પર લડતા બે વિરોધી નેતાઓ વચ્ચે વિચારધારાની લડાઈ ચાલતી, પરંતુ એમના દિલમાં એકબીજાને માટેની દોસ્તી અને દિલાવરી હતા. આજે સત્તાપ્રાપ્તિની લડાઈ ચાલે છે અને એમાં વિરોધીનો વિરોધ જ કરવાનો નહીં, બલ્કે એનો કાંટો કાઢી નાખવાનો દાવ અજમાવાય છે. દેશ તરક્કી અને સમૃદ્ધિના માર્ગે ભલે આગળ વધતો હોય, પણ એનું રાજકારણ વધુને વધુ પીછેહઠના માર્ગે પતન પામે છે.
દુઃખ અને દર્દના આ દિવસોમાં દિલને કોઈ ભૂતકાળની યાદ સતાવે તેમ ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું સ્મરણ જાગે છે. મનને એમ થાય છે કે એ રાજવી જેવા નેતાઓ આપણી પાસે હોત, તો દિલને કેટલી ટાઢક મળી હોત! આજે ચોતરફ પ્રજાનો પૈસો વેડફાઈ રહ્યો છે. મોટી મોટી યોજનાઓનો લાભ ભ્રષ્ટાચારને કારણે પ્રજાને સાંપડતો નથી, સત્તાસ્થાને બેસનારાઓ પ્રજાનાં દુઃખદર્દનું નિવારણ કરવાને બદલે ભવ્ય આયોજનોમાં ડૂબી ગયા છે, એ સમયે ગોંડલના મહારાજા ભગવતસિંહજીની સાદાઈ અને કરકસરનું સ્મરણ થાય છે.
એ જમાનામાં એક પૈસાની પેન્સિલ મળતી. એ પેન્સિલ મહારાજા એમના કર્મચારીઓને આપતા અને સાથોસાથ તાકીદ કરતાં કે આ પેન્સિલ નિશ્ચિત સમય સુધી ચાલવી જોઈએ. કર્મચારીઓ રાજવીની કરકસરની ભાવનાને બખૂબી જાણતા હતા, કારણ કે ખુદ આ રાજવી પણ એ નિયમનું પાલન કરતા હતા અને એક પૈસાની પેન્સિલ નિશ્ચિત સમય સુધી ચલાવતા હતા.
આજે તો કોઈ પ્રધાન પ્રધાનપદ મેળવે કે તરત જ પહેલું કામ પોતાને મળેલા રાજના બંગલાની મરામત કરવાનું કરે છે. રૃઆબ છાંટે એવા ફર્નિચર અને રંગરોગાન કરાવે છે, જ્યારે મહારાજા ભગવતસિંહજીએ પોતાનો બંગલો જેવો હતો એવો જ રાખ્યો, તેના પર કોઈ ખર્ચ નહીં. એની દિવાલો પર માત્ર ચૂનો લગાવવા સિવાય બીજો કોઈ ખર્ચ ક્યારેય થતો નહીં.
એમની મહેમાનગતિ કહો કે મિજબાની - પણ ઘણી કરકસરભરી રહેતી. એ જમાનામાં સામાન્ય ધનિક પણ પોતાના ઝભ્ભા પર સોના-રૃપાનાં બટન લગાવતો હતો. ત્યારે ગોંડલના આ રાજવી સોના-રૃપાને બદલે પોતાના લાંબા ઝભ્ભા પર કાપડમાંથી બનાવેલા બટન ટંકાવતા હતા. સમર્થ રાજવી હોવા છતાં એમનાં વસ્ત્રોમાં સાદાઈ પ્રગટતી હતી. એક વર્ષમાં કેટલાં વસ્ત્રોની જરૃર પડશે, એનો પહેલેથી જ અંદાજ મેળવી લેતા અને એ 'બજેટ' મુજબ જ પોતાનાં વસ્ત્રો સીવડાવતા હતા. એમનું 'એક વર્ષનું બજેટ' હતું બે પાઘડી, ચાર ચોરણી અને અંગરખા જેવાં ચાર ખમીસ! ખમીસ કોઈ કારણસર ફાટી જતું, તો એને કાઢી નાખવાને બદલે, એના પર થીગડું મારીને વર્ષભર ચલાવતા હતા.
કોઈ રાજવી થીગડાંવાળું વસ્ત્ર પહેરે તે કેવું ? અને તે ય કાઠિયાવાડના અત્યંત પ્રગતિશીલ અને સતત સમૃદ્ધ થતા ગોંડલ રાજ્યના મહારાજા !
સમૃદ્ધિ વિશે મહારાજા ભગવતસિંહજીનો ખ્યાલ જુદો હતો. સમૃદ્ધ રૈયતને એ પોતાની સાચી સમૃદ્ધિ માનતા હતા. એ કહેતા કે હીરા-માણેકના ઝળહળતા શિરપેચો, ચમકતાં મોતીઓની માળાઓ કે અત્યંત મૂલ્યવાન વસ્ત્રો એ રાજાની શોભા નથી. રાજાની ખરી શોભા એની પ્રજાના સુખમાં સમાયેલી છે અને તેથી પોતે હંમેશાં સફેદ સાદાં વસ્ત્રો જ પહેરતાં. કોઈ અલંકાર ધારણ કરતા નહીં અને વર્ષો સુધી એમણે એક જ પ્રકારનો પોશાક પહેર્યો. પ્રજાના સુખ અને કલ્યાણનાં કાર્યો કરીને એ પોતાને અલંકૃત અને સમૃદ્ધ માનતા હતા અને લોકહિતનાં કાર્યોની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરીને પોતાને સમૃદ્ધિવાન માનતા હતા.
એ જમાનામાં નાનકડાં રાજના રાજવી પણ કોઈ મહાનગરમાં કે દરિયાકિનારા પર પોતાનો મહેલ બંધાવાતા તો વળી કોઈ સિમલા જતા, તો કોઈ ગ્રીષ્મઋતુમાં ગિરિમથક પર જતાં. વળી, એ આવા સ્થળે જાય ત્યારે સાથે પોતાનો આખો કાફલો લઈને જતા. એક અર્થમાં કહીએ તો દૂર આવેલા રાજનું આખુંય તંત્ર કોઈ હવાખાવાના ગિરિમથક પર કે દરિયાકિનારાના મહેલમાં ચાલતું હતું. ખર્ચાની તો ક્યાં કોઈને ચિંતા હોય !
ગોંડલના રાજવી ભગવતસિંહજીને આવી ભવ્ય, દમામભરી મુસાફરી પસંદ નહોતી. પોતાના પ્રવાસનું ખર્ચ ઓછામાં ઓછું થાય એનો ખ્યાલ રાખતા. આને પરિણામે એ દેશમાં હોય કે વિદેશ યાત્રામાં હોય, પણ એમની સાથે રસોઈયાની ફોજ કે પટાવાળાનું ટોળું રહેતું નહીં. બીજા રાજવીઓ કારભારીઓ અને વહીવટદારોનો કાફલો લઈને ઘૂમતા હતા, ત્યારે ભગવતસિંહજી દેશમાં તો ઠીક, પરંતુ વિદેશમાં પણ પોતાના અંગત સચિવ, તબીબ કે કોઈ પણ નોકર-ચાકરને સાથે રાખતા નહીં. ખુદ રાજવી જ જ્યારે હવાફેર માટે ઉનાળાના દિવસોમાં ગોંડલના ધોમધખતા તાપમાં રહેવાનું પસંદ કરતા હતા, તે જોઈને એમના કુટુંબીજનો પણ કોઈ સહેલગાહના ખુશનુમા વાતાવરણમાં જવાને બદલે ગોંડલમાં જ રહેતા.
આવા પારસમણિ જેવા રાજવી જે રાજને સ્પર્શે, તેને સામે ચાલીને સમૃદ્ધિ મળે. મહારાજા ભગવતસિંહજીએ ૧૮૮૪માં જ્યારે રાજ્યધૂરા સંભાળી, ત્યારે રાજ્યની આવક ૧૪ લાખ રૃપિયાની હતી અને એ સમયે વર્ષાસન તરીકે એક લાખ અને ચુમ્માલિસ હજાર રૃપિયા લેતા હતા. એ પછી રાજની પ્રગતિ કૂદકે ને ભૂસકે થતી ગઈ. આવકના આંકડાઓ ખૂબ ઊંચે ગયા.
આજે તો આવકના આંકડાઓ નીચે જાય તો પણ લોકસભા કે ધારાસભામાં બેઠેલા 'પ્રજાના સેવકો' પોતાના માસિક વેતન અને ભાડાભથ્થામાં સર્વાનુમતે સતત વધારો કરતા રહે છે !
મહારાજાના ૫૦ વર્ષના શાસન દરમિયાન ૧૪ લાખની આવક પાંચ ગણી થઈ ગઈ, છતાં પોતાના અંગત ખર્ચ માટે આખાય વર્ષમાં એક લાખ અને ચુમ્માલિસ હજાર રૃપિયા જ લેતા રહ્યા અને તેમાંથી પણ એ બચત કરતા અને એવી રીતે બચત કરીને એકઠાં કરેલા લાખો રૃપિયા એમણે લોકકલ્યાણનાં કાર્યોમાં વાપર્યાં.
ગુજરાતના મહાન કવિ શ્રી ન્હાનાલાલ ૧૯૩૧માં ગોંડલ ગયા હતા અને અહીં એમણે એક સમારંભમાં કહ્યું, 'વિશ્વયુદ્ધ પછી રાજાઓ અને એમના નોકરોને સાલિયાણામાં વધારો મળ્યો છે, ત્યારે ગોંડલ નરેશ ૫૦ વર્ષ પહેલાં નક્કી કરેલી રકમ જ લે છે. આજે અન્ય પ્રદેશની પ્રજા રાજ્યને લખલૂંટ ખર્ચ કરતાં અટકાવી સિવિલ લિસ્ટ રખાવવા માગણી કરે છે, ત્યારે ગોંડલનરેશે ૫૦ વર્ષ પહેલાં એ ધોરણ નક્કી કર્યું છે. આજે જગતમાં કરકસર કરવાની વિચારણા થાય છે, ત્યારે ગોંડલનરેશને ૨૭ વર્ષ થયાં હું એ જ પોશાકમાં જોઉં છું.'
આવી હતી મહારાજાની સાદાઈ. એ જોઈને બિલખાના દરબાર રાવતવાળા બોલી ઊઠયા હતા, 'અમે નાના દરબારો ખોટી મોટાઈમાં ડૂબી ગયા છીએ. અમારા જેવા નાના દરબારોને ત્યાં પણ વીસ-ત્રીસ મોટરોનો કાફલો ખડકાયેલો હોય છે, જ્યારે મહારાજા પાસે માત્ર એક કે બે મોટર જ છે અને તેનો તેઓ ફક્ત બહારગામ જાય, ત્યારે જ ઉપયોગ કરે છે.'
રાજની તિજોરીમાંથી કોઈ રાજકુમારને પૈસાની જરૃર પડે તો તે પોતે જાતે જઈને પૈસા લઈ શકતા નહીં. એને માટે પહેલા એમને વહીવટદાર પાસે જવું પડે, પોતાની જરૃરી રકમની માગણી મૂકવી પડે અને પછી વહીવટદાર એ રાજકુમારની જરૃરી રકમ એમને આપતા, પણ એની સાથોસાથ રાજકુમારે કરેલા ઉપાડની રકમ પણ ચોપડામાં નોંધી રાખતા.
આવા મહારાજા પાસે મોટર હોય તે સ્વાભાવિક ગણાય, પરંતુ ગોંડલમાં ક્યારેય મહારાજા પોતાની મોટરમાં નીકળતા નહીં. આની પાછળનો એમનો આશય એવો હતો કે આવી રીતે બંધ મોટરમાં જઈએ તો પ્રજાની પરિસ્થિતિનો સાચો તાગ મળે નહીં. આથી તેઓ ખુલ્લી બગીમાં ગોંડલના રસ્તાઓ પરથી નીકળવાનું પસંદ કરતાં, કારણ કે બગી ધીમે ધીમે ચાલતી હોવાથી એ ચોપાસની પરિસ્થિતિનું સંપૂર્ણ નીરિક્ષણ કરી શકતા હતા. એમને રસ્તાની હાલતનો ખ્યાલ આવતો, પ્રજાની સ્થિતિનો અંદાજ મળતો અને ગામ વચ્ચેથી મહારાજા નીકળે એટલે લોકો આસાનીથી પોતાના દુઃખદર્દ કહી શકતા. ગરીબમાં ગરીબ વ્યક્તિને ત્યાં એ નિઃસંકોચ જતાં એટલું જ નહીં પણ એમને ત્યાં રોટલો, શાક કે છાશ જે કંઈ મળે તેનું ભાવથી ભોજન કરતા.
આમ, અઢળક લક્ષ્મી, દ્રઢ સત્તા અને અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં આવી સત્તા અને સમૃદ્ધિની વચ્ચે રહીને એમણે જળકમળવત્ નિર્લેપ જીવન ગાળ્યું. એ જમાનામાં રાજવીઓ પરદેશ જતાં અને પરદેશથી કેટલીયે મોંઘી વસ્તુઓ ખરીદીને લાવતા હતા. એનાથી પોતાના મહેલનાં વિશાળ ખંડોને શણગારતા હતા, એટલું જ નહીં, ઈટલી અને ઈંગ્લેન્ડની વસ્તુઓ મહેમાનોને બતાવીને પોતાના ધન અને ગર્વનું પ્રદર્શન કરતા હતા. મહારાજા ભગવતસિંહજીને ક્યારેય પરદેશી વસ્તુઓ માટે મોહ જાગ્યો નહીં, પોતે વિદેશ જાય તો પણ પોતાને માટે કે બંગલાની શોભા માટે કશું લાવતા નહીં.
કેવો હશે આ પ્રજાવત્સલ મહારાજાનો દરબાર ! એમની ઓફિસ ગોંડલના દરબારગઢની ઓસરીમાં બેસતી હતી. સાવ સામાન્ય ખુરશી અને એક ટેબલ ગોઠવી દઈને સાદા પોશાકમાં સજ્જ એવા મહારાજા ભગવતસિંહજી મોડી રાત સુધી પ્રજાનાં કામોમાં ડૂબેલા રહેતા. એ સમયે પ્રજાને મળવાનો કોઈ દિવસ કે સમય નક્કી નહોતો. કોઈ પણ પીડિત પ્રજાજન પોતાની સમસ્યા લઈને મહારાજાને મળવા આવી શકતો. વળી, મહારાજા એના પ્રશ્નની નોંધ કરતા અને પછી તાત્કાલિક નિવારણ કરતા. મહારાજાએ કોઈને મળવાનો સમય આપ્યો હોય, ત્યારે એમાં સહેજે વિલંબ ન થાય તેનું ધ્યાન રાખતા. દરેક કાર્યમાં નિયમિતતાનો એમનો આગ્રહ રહેતો. વળી કાર્ય પૂર્ણ થયે તરત જ એ વ્યક્તિને કોઈ બીજી વાતો કરીને રોકી રાખતા નહીં. તેઓ પોતે સતત ઉદ્યમવંત રહેતા અને એને કારણે જ તેઓ લોકકલ્યાણ, સાહિત્યસેવા અને રાજ્યની સુખાકારીનાં ઘણાં કાર્યો કરી શક્યા. તેઓ માનતા કે એક મિનિટ પણ ગુમાવવી તે ગુના સમાન ગણાય.
આજે દેશમાં રાજાશાહી નથી, પણ લોકશાહીમાં પણ આવા રાજવી હોય તેવી ઝંખના દિલમાં રહે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 

 

 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved