Last Update : 01-September-2012,Saturday

 

બદલાયેલા વૈશ્વિક પરિદૃશ્યમાં બિનજોડાણવાદી સંગઠન હવે અપ્રસ્તુત બની રહ્યું છે
નામ તેનો નાશ, તો પછી NAMનો મોહ કેમ?

મોટાભા થવાના બીજા ઘણા રસ્તા છે. ઘર બાળીને વિશ્વશાંતિનું તીરથ કરવા ન જવાય એવું કોઠાસૂઝનું રાજકારણ કહે છે

શેક્સપિયરનો એ જાણીતો સંવાદ 'નામમાં શું બળ્યું છે?' એ અત્યારે તહેરાનમાં પૂછાઈ રહ્યો છે. ૧૨૦ દેશોના ટોચના નેતાઓ અને વિદેશી બાબતોના અધિકારીઓ અત્યારે ઈરાનના યજમાનપદે મળી રહેલા નોન એલાઈન્ડ મૂવમેન્ટ (નામ)ના સદસ્ય દેશોનું સંમેલન આમ જુઓ તો વૈશ્વિક તાયફાથી વિશેષ કશું જ નથી અને બીજી તરફ એક નવા પ્રગતિશીલ મંચની રચના થવાના સંકેતો પણ વર્તાઈ રહ્યા છે. નામ સંગઠન તેની ધાર ગુમાવી ચૂક્યું છે એ નિર્વિવાદ છે પરંતુ તેમ છતાં ય ભારતની ભૂમિકા આ સંગઠનમાં આજે ય વડીલ તરીકેની છે ત્યારે નામ સંગઠન અને તેને સાંકળતી ગતિવિધિ ભારતની વૈશ્વિક છબી માટે મહત્ત્વની બની રહે છે.
પાંચ દાયકા પહેલાં યુગોસ્લાવિયાના પાટનગર બેલગ્રેડમાં બિનજોડાણવાદી દેશોના સમૂહ તરીકે આ સંગઠનની સ્થાપના થઈ ત્યારે વિશ્વ સ્તરે જે હવામાન હતું તેમાં આ પાંચ દાયકામાં ખાસ્સો બદલાવ આવ્યો છે અને નવા માહોલમાં આ સંગઠન સભ્ય દેશો માટે કે સંગઠનના વાલી થવા મથતા ભારત માટે ખાસ કોઈ ફાયદાકારક કે હેતુપ્રેરક રહેતું નથી. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી જગફોજદાર થવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે હોડ જામી અને શીતયુદ્ધનો પ્રારંભ થયો. એ વખતે દુનિયાના લગભગ દરેક દેશ યા તો અમેરિકાના તરફદાર હતા અથવા તો રશિયાનું સમર્થન કરી રહ્યા હતા.
સાંઠના દાયકાના આરંભે ભારતમાં જવાહરલાલ નહેરુની વિચારધારાનું વ્યાપક વર્ચસ્વ હતું. નહેરુ પોતે યેનકેન પ્રકારે વિશ્વભરમાં પોતાની શાંતિદૂત તરીકેની છબી ઉજાળવા મથતા હતા. બિનજોડાણવાદ એવો શબ્દ જ નહેરુની દેણ હતો. પરિણામે જ્યારે રશિયા ય નહિ અને અમેરિકા ય નહિ, અમારા માટે બધા સરખા એવી નીતિ સાથે બિનજોડાણવાદી દેશોના સંગઠનનો વિચાર જન્મ્યો ત્યારે સ્વાભાવિક રીતે જ શાંતિદૂત થવા મથતા નહેરુએ તેમાં અગ્રેસર ભૂમિકા નીભાવી.
અમેરિકા અને રશિયા બંને વચ્ચેની શસ્ત્રદોડ, અવકાશ પર પ્રભુત્વ મેળવવાની ગળાકાપ હરીફાઈ અને મૂડીવાદ-સામ્યવાદ તરફ વધુમાં વધુ દેશોને ઢાળવાની હોડના એ દિવસોમાં નામ દેશો ત્રીજા વિશ્વયુદ્ધને ટાળનારો બફર ઝોન બની રહેશે એવો આશાવાદ આ સંગઠનની રચના વખતે દેખાતો હતો. ભારત, ઘાના, ઈજિપ્ત, યુગોસ્લાવિયા અને ઈન્ડોનેશિયા એ પાંચ દેશોના વડપણ હેઠળ રચાયેલા આ સંગઠનમાં બહુ ઝડપથી એશિયા અને આફ્રિકાના દેશો પણ જોડાતા ગયા. નામ દેશોની પહેલી ભૂમિકા ક્યૂબન મિસાઈલ ક્રાઈસિસ વખતે આવી હતી. રશિયાએ ક્યૂબાના સાગરકાંઠે તૈનાત કરવા માટે મિસાઈલ મોકલી અને અમેરિકાએ એ મિસાઈલ લઈને આવતા જહાજને મધદરિયે ફૂંકી મારવાની ચિમકી ઉચ્ચારી એ વખતે સમગ્ર જગતના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. નામ સંગઠને એ સમગ્ર મડાગાંઠમાં મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી હતી પરંતુ અમેરિકા કે રશિયા બેમાંથી કોઈએ નામની અપીલ કે મધ્યસ્થીના પ્રસ્તાવને ગણકાર્યા ન હતા. નામ સંગઠનની બિનઅસરકારકતા એ ઘડીએ જ છતી થઈ ચૂકી હતી.
એ પછી પણ નામ દેશો ઘણી વખત પાણી નાંખેલી છાશ જેવા મોળા સાબિત થયા છે. ૧૯૬૬માં રશિયાએ અવકાશમાં સેટેલાઈટ તરતા મૂકવાની મર્યાદા (સ્પેસ રિટેઈરિંગ ઓરબિટ) પોતાની મેળે આંકી લીધી અને એ રીતે બીજા દેશોને એ ભ્રમણકક્ષામાં સેટેલાઈટ મૂકવાની પાબંદી ફરમાવી દીધી ત્યારે અમેરિકા અને તેના સમર્થક દેશોએ પોતાની રીતે બીજી ભ્રમણકક્ષા સજાવી લીધી. એ વખતે બિનજોડાણવાદી સંગઠન તરીકે નામની કસોટી હતી. એ વખતે જો નામ સંગઠને અમેરિકા અને રશિયાને આ રીતે કુલડીમાં ગોળ ભાંગી દેતાં રોક્યા હોત તો પણ આ સંગઠનનો હેતુ સિદ્ધ થયો હોત. પરંતુ એ વખતેય ંબંને માંધાતા દેશોએ કોઠું આપ્યું ન હતું.
પરિણામે નામ સંગઠનના નામનું ખાલી પાટિયું જ રહ્યું અને દરેક દેશોએ પોતપોતાની રીતે પાછલા બારણે કોઈ એક માંધાતાના પડખે બેસી જવાની નીતિ અપનાવી લીધી. જેની શરૃઆત ઈન્દિરા ગાંધીએ કરી હતી. એક રાજકારણી તરીકે ઈન્દિરા ગાંધીના કર્તૃત્વ વિશે ચોક્કસ બેમત હોઈ શકે પરંતુ કુટબુદ્ધિ અને મુત્સદ્દીપણામાં તેમણે અનેક વખત વૈશ્વિક માંધાતાઓને છક્કડ ખવડાવી છે. નામ દેશોનું વડપણ જારી રાખવા છતાં તેમણે રશિયા સાથે પંદર વર્ષના મૈત્રીકરાર કરીને સુરક્ષાક્વચ મેળવ્યું હતું. ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતને દબડાવવા અમેરિકાએ એન્ટરપ્રાઈઝ નામનું યુદ્ધજહાજ રવાના કર્યું ત્યારે એ મૈત્રીકરારના નાતે જ રશિયાએ અમેરિકન જહાજને માપમાં રાખ્યું હતું.
પરંતુ આજે હાલત તદ્દન પલટાઈ ચૂકી છે. રશિયાના વિઘટન પછી શીતયુદ્ધનો દૌર સમાપ્ત થયે ત્રણ દાયકા થવા આવ્યા છે. સમગ્ર વિશ્વને સામસામે ઊભેલી બે લશ્કરી છાવણીમાં વહેંચી દેતી વોર્સો સંધિ પણ હવે ઈતિહાસ બની ચૂકી છે ત્યારે હવેના વિશ્વ સામેના પડકારો તદ્દન અલગ છે. હવે નામ સંગઠને જો પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો સંગઠનના હેતુ અને નીતિમાં ધડમૂળથી બદલાવ લાવવો પડશે. હવે આંતરરાષ્ટ્રીય આતંકવાદ, આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકિકરણ અને મંદી જેવા પડકારો છે. પીવાલાયક પાણીના ઘટતા પ્રમાણ, ઉર્જાક્ષેત્રની કટોકટી, ગ્લોબલ વોર્મિગ સહિત પર્યાવરણની જાળવણી જેવા મુદ્દાઓ ભાવિ પેઢી માટે વધુ મોટા પ્રાણપ્રશ્નો બની રહેશે.
સિમાડામાં બંધાયેલી રાષ્ટ્રની વ્યાખ્યા હવે ક્રમશઃ ફક્ત વ્યવસ્થાનો ભાગ બની રહે એટલી હદે વૈશ્વિકિકરણ થઈ રહ્યું છે ત્યારે નવી પેઢીની જિંદગીમાં પ્રશ્નો પણ અલગ હોવાના. ગઈ સદીમાં એક-મેક પર હુમલા કરીને સરહદો દબાવવાની અને કબજો મેળવવાની મધ્યયુગથી ચાલી આવતી પ્રણાલિ હવે નવી સદીમાં અપ્રસ્તુત થઈ જશે એવી ધારણા છે. તેની સામે આતંકવાદ છેલ્લા ચાર દાયકાથી સમગ્ર જગત માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આ દરેક સંજોગોમાં નામ જેવા સંગઠનની ભૂમિકા દહીંમાં પણ નહિ અને દૂધમાં પણ નહિ એવી રહે તો એ સંગઠનનો કોઈ હેતુ સરતો નથી.
હાલ વિશ્વમાં બે પ્રકારના સંગઠનો અસ્તિત્વમાં છે. એક સંગઠન નાટો-સિઆટો જેવા કરાર હેઠળ રચાયેલા દેશોનું છે, જેનો હેતુ લશ્કરી મદદનો છે. બીજો પ્રકાર યુરોઝોન કે બ્રીક સંગઠનનો છે, જેમાં પરસ્પર આર્થિક અને વ્યાપારી જોડાણનો હેતુ છે. નામ સંગઠનનું બંધારણ જોતાં આ બંને પૈકી એકપણ પ્રકાર તેને માફક આવે તેમ નથી. એ સંજોગોમાં નામ સંગઠન પાસે અત્યારે સૌથી મોટી શક્યતા વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન સાધતા મંચ તરીકે ઊભા રહેવાનો છે. ગ્લોબલ વોર્મિંગ એવો પ્રશ્ન છે જે ચીનને નડે છે એટલો જ નાઈજિરિયા કે વેનેઝુએલાને નડે છે. આતંકવાદ આખી દુનિયામાં એકસમાન નડે છે. ડ્રગ્ઝની ચૂંગાલમાં સમગ્ર વિશ્વનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. મંદીનો રાક્ષસ ડાચું ફાડે છે ત્યારે અમેરિકાથી લઈને ફિલિપાઈન્સ સુધીનું વિશ્વ એકસરખું થરથરે છે. આ દરેક સમસ્યાઓના સુચારુ હલ શોધવા એ નામ સંગઠનનો હવે પછીનો ઉદ્દેશ હોવો ઘટે. બાકી હાલમાં ભારત નામ સંગઠનના મંચ પર 'જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફઈ'ની માફક હસું-હસું થઈ રહ્યું છે એ લાંબા ગાળાની વિદેશનીતિને અનુરુપ ન હોઈ શકે. યજમાન ઈરાન નામ સંમેલનના આયોજન વડે અમેરિકા વિરોધી હોવા છતાં પોતે વિશ્વનું સમર્થન ધરાવે છે એવું અમેરિકાને બતાવી દેવા માંગે છે. આવા સંજોગોમાં ભારતની હોંશ અમેરિકાની અકારણ નારાજગીનું નિમિત્ત પણ બની શકે છે. અમેરિકાના વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટને નામ સંમેલન અંગે પ્રતિક્રિયા આપતાં આ સંગઠન અપ્રસ્તુત ગણાવી વિલિન કરી દેવાનો મત દર્શાવ્યો હતો. એ વખતે સંગઠનનો સત્તાવાર પ્રતિભાવ આવે એ પહેલાં ભારતીય વિદેશમંત્રી એસ.એમ.ક્રિષ્ણાએ જવાબ આપી દીધો કે, જો એવું જ હોય તો નાટો સંગઠન પણ અપ્રસ્તુત છે. પહેલાં એ વિલિન કરો તો નામ પણ વિલિન કરી દઈશું. આ ફોકટનો વાણીવિલાસ છે. મોટાભા થવાના બીજા ઘણા રસ્તા છે. ઘર બાળીને વિશ્વશાંતિનું તીરથ કરવા ન જવાય એવું કોઠાસૂઝનું રાજકારણ કહે છે.
પરંતુ જે નહેરુને ન્હોતું સમજાયું એ એકવીશમી સદીના ભારતીય સત્તાધારીઓને ય નથી સમજાતું. પાંચ દાયકા પછી દુનિયા ગમે તેટલી બદલાઈ હોય તો પણ આપણે તો ઠેરના ઠેર જ છીએ.

Share |
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved