Last Update : 31-August-2012,Friday

 

સબ્ર કરો, કસાબના શ્વાસ ઘણાં લાંબા ચાલવાના છે

કસાબ પાસે હજુ ય કાનૂની જોગવાઈના ત્રણ વિકલ્પો છે. દયાની અરજી કરે તો પણ રાષ્ટ્રપતિ સમક્ષ તેની દયાની અરજીનો ક્રમ સત્તરમો થશે. એ ઉપરાંત ભારતની જેલોમાં સત્તાવાર ફાંસીગર એકપણ નથી

એ આપણી ન્યાયિક વિશેષતા ગણો કે ઈરાદાઓની નબળાઈ, બાકી જે વ્યક્તિ ખુલ્લેઆમ અને અકારણ મોતનું તાંડવ ખેલીને ૧૬૬ નિર્દોષ લોકોની હત્યામાં સંડોવાયેલો હોય તેને ય સજા કરવામાં ચાર-ચાર વર્ષ લાગી જાય એ વૈશ્વિક સ્તરે તો આપણા પોચકવેડામાં જ ખપે છે. મુંબઈ હુમલાના પકડાયેલા એકમાત્ર ફિદાયિન મહમ્મદ અજમલ કસાબની ફાંસીની સજા સર્વોચ્ચ અદાલતે બરકરાર રાખી એ અપેક્ષિત હતું. સર્વોચ્ચ અદાલતના એ ચુકાદા પછી ત્વરિત ફાંસી આપવા અંગે રાજકીય પક્ષોની માંગ પણ અપેક્ષિત હતી પરંતુ ફાંસીના માંચડે કસાબને લટકતો જોવાની દેશવાસીઓની ઈચ્છા પૂર્ણ થાય એ નજીકના ભવિષ્યમાં એટલું અપેક્ષિત ન હોવું ઘટે.
અજમલ કસાબ એ ભારતનો મોસ્ટ હેટેડ પ્રિઝનર છે અને તેમ છતાંય હવે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી ય તે ફાંસીના માંચડાથી ખાસ્સો દૂર છે. કસાબને ફાંસી અપાવામાં વિલંબ થવાના અનેક કારણો છે. સૌથી પહેલાં તો ભારતીય કાયદાની લાંબી-ચૌડી પ્રક્રિયા કસાબના ફેફસાંમાં શ્વાસ પૂરી રહી છે. નીચલી અદાલત, વિશેષ અદાલત, સર્વોચ્ચ અદાલત એવા ચક્રવ્યૂહમાંથી પસાર થયા પછી અને દરેક અદાલતે તેને ફટકારેલી ફાંસીની સજા યથાવત રાખ્યા પછી હજુ ય કસાબને ફાંસીના ગાળિયા તરફ ધકેલવાના ત્રણ કાનૂની પગથિયા વટાવવાના બાકી છે. હજુ તે સર્વોચ્ચ અદાલતના આદેશ સામે રિવ્યૂ પિટિશન દાખલ કરી શકે છે. એ રદબાતલ થયા પછી ક્યૂરેટિવ અરજી કરવાનો વિકલ્પ પણ ઊભો છે અને તેમાં નિષ્ફળ ગયા પછી તે રાષ્ટ્રપતિને દયાની અરજી પણ કરી શકે છે.
ત્રીજું કાનૂની પગથિયું કસાબના આયખામાં મહિનાઓ ઉમેરનારૃં બની શકે છે. બુધવારના અદાલતી ચૂકાદા પછી લગભગ દરેક રાજકીય પક્ષોએ દેશવાસીઓની લાગણીને ધ્યાનમાં રાખીને કસાબને ત્વરિતપણે ફાંસીએ લટકાવી દેવાની માંગણી કરી છે અને યુપીએ સરકારે પણ 'ઘટતું' કરવાની ખાતરી આપી છે પરંતુ એ 'ઘટતું' કરવા માટે ઈરાદાઓની બુલંદી જરૃરી છે, જે સરકારના અત્યાર સુધીના વલણમાં વર્તાતી નથી. કસાબ રાષ્ટ્રપતિને દયાની અરજી પાઠવે એ સાથે નવા કાનૂની દાવપેચનો આરંભ થશે. હાલ રાષ્ટ્રપતિ પાસે ફાંસીની સજા પામેલા કુલ ૧૭ કેદીઓની દયાની અરજી પેન્ડિંગ છે. જેમાં સંસદ પર હુમલાનો આરોપી અફઝલ ગુરુ પણ સામેલ છે. દયાની અરજીમાં સાતમો નંબર ધરાવતા અફઝલ ગુરુના કેસમાં સરકારના ઈશારે અરજી આગળ વધતી અટકે છે ત્યારે ૧૮મો ક્રમ મેળવનાર કસાબની દયાની અરજી તો ક્યારે આગળ ધપશે?
કાનૂની દાવપેચને ધારો કે સરકાર વિશેષ જોગવાઈ વડે હટાવી પણ શકે તો એ પછીય કસાબની જિંદગી લંબાવતું મુખ્ય કારણ એ છે કે, ભારતમાં હાલ ફાંસી આપનાર જલ્લાદ યાને ફાંસીગર તરીકે એકપણ વ્યક્તિ કાર્યરત નથી. ભારતમાં છેલ્લે ૨૦૦૪માં પ. બંગાળના ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. તેમને ફાંસીના માંચડે લટકાવનાર નાતા મલિક ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. મલિક ભારતના છેલ્લા સત્તાવાર નિમણૂંક પામેલા અને તાલીમબદ્ધ ફાંસીગર હતા. વર્ષ ૨૦૦૨થી સરકારે મૃત્યુદંડની સજા ઘટાડવાના અને ક્રમશઃ બંધ કરવાની વિચારણા હેઠળ ફાંસીગરની નિમણૂંક અને તાલીમની પ્રક્રિયા જ બંધ કરી દીધી હતી. નાતા મલિકના મૃત્યુ પછી એકપણ ફાંસીગર ન હોવાને લીધે જ પંજાબના અલગતાવાદી બલવંતસિંહ રાજવણાની ફાંસીની તારીખ પણ નિયત થઈ જવા છતાં ફક્ત ફાંસીગર ન હોવાના કારણે તેને ફાંસીએ લટકાવી શકાયો ન હતા. હવે એ કિસ્સામાં રાજકારણ એટલી હદે ભળી ચૂક્યું છે કે આખો મામલો અટવાઈ ચૂક્યો છે.
અલબત્ત, કસાબને ફાંસીએ લટકાવવામાં ફાળો આપનારા તરીકે જુના નિવૃત્ત થયેલા બે જલ્લાદો આગળ આવ્યા છે. એ પૈકી એક ઈન્દિરાના હત્યારાઓને ફાંસીએ લટકાવી ચૂક્યા છે પરંતુ તેમની ઉંમર સિત્તેર પાર કરી ગઈ છે તેમજ ટીબીની બિમારીને લીધે તે પોતે છેલ્લા ચાર વર્ષથી મોત સામે ઝઝૂમે છે. બંગાળના નવાબકાળથી ફાંસીગર તરીકે કાર્યરત મલિક પરિવારના નાતા મલિકના દીકરા મહાદેવ મલિકે પણ જો કસાબને ફાંસીએ લટકાવવાની તક મળતી હોય તો એક કેસ પૂરતી ફાંસીગરી કરી લેવાની ખ્વાહિશ દર્શાવી છે પરંતુ કોલકાતા મહાનગર નિગમમાં સફાઈ કર્મચારી તરીકે કાર્યરત મહાદેવ મલિકે એકપણ ફાંસી આપી નથી અને સત્તાવાર તાલીમ પણ લીધી નથી. એ જોતાં તેને કસાબ જેવા ગુનેગાર પર અખતરો કરવા દેવાની મંજૂરી મળે તે શક્ય જણાતું નથી.
તો શું કોઈ જલ્લાદ હોય જ નહિ એવા સંજોગોમાં ફાંસીની સજા લટકતી રાખવાની? કાનૂની જોગવાઈ એવી છે કે, સિનિયર ઈન્સ્પેક્ટર અથવા તેથી ઉપરનો દરજ્જો ધરાવતા પોલીસ અધિકારીને જેલ મેન્યુઅલ મુજબની તાલીમ આપ્યા પછી તેમની પાસે સજાનો અમલ કરાવી શકાય. આ માટે પ્રાથમિક શરત એવી છે કે, જે તે અધિકારી સ્વૈચ્છિક રીતે આ ફરજ બજાવવા તૈયાર થવો જોઈએ. કસાબ જેવા ગુનેગારને ફાંસીએ લટકાવવાની તક મળતી હોય તો ધારો કે કોઈ અમલદાર તૈયાર થઈ પણ જાય તોય જેલ મેન્યુલના ધારાધોરણ મુજબની તાલીમ લેવામાં તેને છ મહિના સમય લાગી શકે છે. મતલબ કે, દયાની અરજી નામંજૂર થયા પછી પણ બીજા છ મહિના કસાબના શ્વાસ લંબાઈ શકે.
ધારો કે, કાનૂનના ત્રણ પગથિયા અને પછી ફાંસીગરની ગુંચવણ એ બધી જ અડચણો સડસડાટ પાર થઈ ગઈ તો પણ કસાબને જીવતદાન આપી શકતી બાબત એ છે કે વૈશ્વિક સ્તરે હાલ મૃત્યુદંડની સજા સામે વ્યાપક કચવાટ પ્રવર્તે છે અને આ સજા નાબૂદ કરવા માટે તીવ્ર ચળવળ ચાલી રહી છે. કઠણાઈ એ છે કે આ ચળવળના પ્રણેતા દેશો પૈકીનું એક ભારત છે. ૨૦૦૬માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લિથુઆનિયા નામના ટચૂકડા દેશે મૃત્યુદંડની જોગવાઈ વિશ્વભરમાંથી રદ કરવા અંગે ઠરાવ મૂક્યો ત્યારે કુલ અગિયાર દેશોએ એ ઠરાવનું સમર્થન કર્યું હતું, જેમાંનો એક દેશ ભારત હતો.
મૃત્યુદંડની સજા આપવા અંગે પણ હાલ રસપ્રદ સિનારિયો પ્રવર્તે છે. ભારત સહિત ૫૮ દેશોમાં સજાના અંતિમ સ્વરૃપ તરીકે ફાંસીની જોગવાઈ છે જ્યારે ૭૩ દેશોમાં મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને ફાયરિંગ સ્ક્વોડ સમક્ષ ખડો કરીને મોતને ઘાટ ઉતારાય છે. એ સિવાય ૮૪ દેશો એવા છે જે મૃત્યુદંડની સજાની જોગવાઈ રદ કરી ચૂક્યા છે. આ દેશોએ મૃત્યુદંડની સજાને અમાનવીય ગણાવી વિશ્વભરમાંથી રદ કરવાની ઝુંબેશ આદરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઠરાવ પસાર થયા પછી અમેરિકા, રશિયા અને બ્રિટને રાષ્ટ્રીય હિત સિવાયના ગુનાઓમાં સજા-એ-મોતને રદબાતલ કરવા સંમતિ દર્શાવી છે. કસાબનો કિસ્સો ભારત માટે જોકે રાષ્ટ્રીય હિત સાથે સંકળાયેલો છે એ જોતાં તેની ફાંસીની સજા અમલી બનવી જ જોઈએ.
આમ છતાં યે તો મેરા ભારત મહાન. અફઝલ ગુરુને કાનૂની આંટીઘૂંટી અજમાવીને ધરાર બચાવી રખાયો છે. તેની દયાની અરજી રાષ્ટ્રપતિના ટેબલ પર આવે જ નહિ એ માટે તેની આગળના છ કેદીઓને ય જીવતદાન મળી રહ્યું છે એ જોતાં દયાની અરજીમાં અઢારમા ક્રમે આવી શકતો અજમલ કસાબ તો શી ખબર હજુ ય કેટલું ખેંચી જશે?
ભારતની જેલમાં કડાઈ બિરિયાની ખાઈને તગડો થયેલો અજમલ કસાબ સાચા અર્થમાં ચોઘડિયું જોઈને જન્મ્યો છે. માંડ આઠ ધોરણ ભણેલો એ માણસ રૃંવેરૃંવેથી ગુનેગાર છે. બાળપણથી જ ચોરીચપાટી અને ખિસ્સા કાતરવાના રવાડે ચડી ગયેલો કસાબ એવો રીઢો ગુનેગાર છે જેના માટે ગમે તેટલો સુધારાવાદી ખયાલ રાખીએ તો પણ સુધરવાનું મુશ્કેલ છે. આમ છતાં એ ભારતના આઝાદી પછીના ઈતિહાસનો સૌથી મોંઘો કેદી છે.
ભારતનો મોસ્ટ હેટેડ કેદી હોવા છતાં તેની હિફાઝત માટે થયેલો ખર્ચ એ જેલ મેન્યુઅલ હિસ્ટ્રીમાં સૌથી વધારે છે.
આટલો કુખ્યાત હોવા છતાં કસાબના નામે પાકિસ્તાનમાં છ સંસ્થાઓ છે. કસાબને સાંકળતી ૧૨૫થી વધુ વેબસાઈટ્સ છે.
એક મક્કાર માણસને, આતંકીને, ફિદાયિનને આપણે ક્યાં સુધી સેલિબ્રિટી બનાવતા રહીશું?
કમનસીબે સવાલ જેટલો અણિયાળો છે, જવાબ પણ એટલો જ અઘરો છે.

Share |
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved