Last Update : 30-August-2012,Thursday

 

ભારતીયો પ્રત્યે ઓસ્ટ્રેલિયા-અમેરિકાનું જક્કી વલણ બરકરાર

'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' તરીકે ઓળખવામાં આવતા એશિયનો માટે આ તમામ દેશના લોકોની વિચારસરણી ઘણી સંકુચિત છે. યુરોપ કે અમેરિકાની ટીવીસિરીઝ કે ફિલ્મમાં એશિયનોને ગરીબ ગણી તેમની ઠેકડી ઉતારવામાં આવતી હોય છે

ભારત કે એશિયાના દેશોમાંથી આવેલા લોકો માટે યુરોપ, અમેરિકા કે પછી ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા વંશીય ભેદભાવના રોગને નાબુદ કરવા માટેના કેટલા પણ પ્રયાસો કરવામાં આવે પણ લાગી રહ્યું છે કે લોકોના માનસમાંથી આ બાબતને જડમૂળથી કાઢી નાખવામાં આવે એવી કોઈ જડીબુટી હજી મળી નથી.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં દેશના સૌથી મોટા સુપરમાર્કેટ ચેઇનમાં અમુક ક્લીનરની જરૃરિયાત હતી. આ કારણે વેબસાઇટ પર આ માટે એક જાહેરાત મૂકવામાં આવી હતી.
આ જાહેરાતે ફક્ત ઓસ્ટ્રેલિયા જ નહીં, પણ દુનિયાભરમાંથી ગુસ્સાનો સામનો કરવો પડયો છે. આ જાહેરાતમાં ભારતીયો કે એશિયન દેશમાંથી આવેલા લોકોએ અરજી ન કરવી એ ફરમાન મૂકવામાં આવ્યું હતું. આનું એક કારણ ટાંકવા પાછળ લખવામાં આવ્યું છે કે અંગ્રેજી બોલતા આવડવું ફરજિયાત છે. કોલ્સ સુપરમાર્કેટ માટેની આ જાહેરાતથી ફરી અણસાર મળી ગયા છે કે ત્યાંના લોકોનું વલણ કઈ પ્રકારનું છે.
આ જાહેરાત બાદ કોલ્સ સુપરમાર્કેટે પોતાના હાથ સાફસૂથરા છે એ સાબિત કરવા જે કંપનીને આ જગ્યાઓ ભરવા માટેનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો એના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે અને એ કંપનીને પાણીચું આપ્યું છે. સુપરમાર્કેટના પ્રવક્તાએ તો જણાવ્યું છે કે કંપનીની જાણકારી વિના આ કોન્ટ્રેક્ટરે જાહેરાત આપી હતી અને તેઓ ક્યારેય પણ આ પ્રકારના ભેદભાવને રાખનારા નથી. જાહેરાતને તો વિવાદ શરૃ થયો એના થોડા સમયમાં કાઢી નાખવામાં આવી છે અને વધુ તપાસનો હુકમ આપી દેવામાં આવ્યો છે.જોકે જે હાનિ પહોંચવાની હતી એ તો પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલિયામાં પાપ ધોવામાં મદદરૃપ થાય એવી ગંગા પણ નથી!
ઓસ્ટ્રેલિયામાં ભારત અને ચીન બે એવા દેશ છે જેના નાગરિકોએ આ દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું હોય એની સંખ્યા સૌથી વધુ છે. ૨૦૧૧ની જનગણનાના આધારે દેશની ૧.૪ ટકા જનતા ભારતીય છે અને ૧.૫ ટકા ચાઇનિઝ. જોકે ભણવા કે ફક્ત કામ કરવા આવેલા લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે અને આ દેશમાં નાગરિકત્વ મેળવવાના પ્રયાસો થાય છે. દેશની સરકારનું વલણ હંમેશાં દાવપેચ સાથેનું જ હોવાનું અને એમાં પણ એશિયન પ્રત્યેની ધૃણા દેખાઈ આવતી જોવા મળે છે. જોકે શેરીઓમાં થતા છમકલાં સામાન્ય જનતાના આક્રોષની સાબિતી આપે છે. આ પહેલાં એશિયન અને એમાં પણ ખાસ ભારતીયો પ્રત્યેના ગુસ્સાએ ખૂબ જ મોટું સ્વરૃપ લીધું હતું. ભારતીયો સાથે મારામારી અને એમની હત્યા સુધીના કિસ્સાઓ સામે આવ્યા હતા. દેશની સરકારે કહ્યું હતું કેે તેઓ આ બાબતે તમામ કોશિશો કરી લેશે.
જોકે સામાન્ય જનતા જ્યાં સુધી આ બાબતે એક જ વલણ રાખશે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહેશે. ભલું છે કે આ જાહેરાત તો વેબસાઇટ પર મૂકવામાં આવી હતી અને એ છબરડો જગજાહેર થયો છે. શું આ પહેલી ઘટના હશે? આ પ્રકારની ઘટનાઓ હરહંમેશ જોવા મળતી હશે અને હિંસા પણ અવાર-નવાર જોવા મળતી હશે એ પણ ચોક્કસ છે. આ કિસ્સો જ્યાં બન્યો છે એ હોબાર્ટ જે રાજ્યમાં આવેલું છે એ ટાસ્મેનિયાના વંશીય ભેદભાવ વિરોધી ખાતાના કમિશનરે સ્વીકાર્યું છે કે આ પ્રકારની ઘટનાઓ ઘણી બનતી રહે છે અને અખબાર કે વેબસાઇટના તંત્રીઓને આ પ્રકારની જાહેરાત છપાય નહીં એ બાબતે પૂરતા સજાગ રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે છાપવા-છપાવાની વાત તો પછી છે, પણ આ પ્રકારની વિચારસરણી જ લોકોમાં ન રહે એ મુદ્દે કેટલા પ્રયાસો થઈ રહ્યા છે?
ભારતીયો વિરોધી આ પ્રકારના કાર્યોને 'ઇન્ડોફોબિયા' જેવું ટેક્નિકલ નામ પણ આપી દેવામાં આવ્યું છે. એના સૌથી વિવાદિત પ્રસંગો ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા છે. ૨૦૦૯માં મેલબર્નમાં નિતીન ગર્ગ નામના ભારતીય મૂળના વિદ્યાથીની હત્યા ઉપરાંત કેટલાય એવા હિંસાના ઉદાહરણો જોવા મળ્યા હતા. રસ્તા પર ભારતીય વિદ્યાર્થીઓ વિરોધી રેલીઓ નીકળી હતી અને જાણે કોઈ પણ ભોગે ભારતીયો આ દેશને છોડી દે એ માટે કટિબદ્ધ લોકો રસ્તા પર ઉતરી ગયા હતા. ડરેલા ઘણા વિદ્યાર્થીઓ ભારત પાછા ફરી ગયા હતા અથવા જનારાઓએ ટાળી નાખ્યું હતું. આ પ્રકારના વિરોધોએ ભારત ઉપરાંત વૈશ્વિક સ્તરે મોટું સ્વરૃપ લીધું હતું અને ઓસ્ટ્રેલિયન સરકારે પગલાં લેવા પડયા હતા. જોકે આ આગ હજી અંદરખાને એટલી જ ભડકી રહી હોય એના અણસારો જોવા મળી જ રહ્યા છે.
'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' તરીકે ઓળખવામાં આવતા આપણા દેશ માટે આ તમામ દેશના લોકોની વિચારસરણી ઘણી સંકુચિત છે એ તો ઘણી વખત દેખાય આવે છે. યુરોપની કે અમેરિકાની કોઈ પણ ટીવીસિરીઝ હોય એમાં કે ફિલ્મમાં એશિયન અને એમાં પણ ભારત કે પાકિસ્તાનના લોકોને ગરીબ ગણી તેમની ઠેકડી જ ઉતારવામાં આવતી હોય છે. ૨૦૧૨માં વિશ્વનો અંત થઈ જશે એની અફવા પર બનાવવામાં આવેલી '૨૦૧૨'ના અંતમાં તમામ દેશો માટે આશાના કિરણો હાજર છે એમ બતાવી ભારતના વિનાશને દર્શાવતા અમુક સીન જોવા મળ્યા હતા.
બીજી બાજુ સમાજસેવામાં ઊંચુ નામ ધરાવતી ઓપ્રા વિન્ફ્રે જ્યારે ભારત આવી ત્યારે ઉચ્ચ કક્ષાની મહેમાનગતિ માણ્યા પછી પણ ભારતીયો માટેના તેના વિચારો આઘાતજનક છે. 'ભારતીયો હજી હાથનો ઉપયોગ કરીને જમે છે' એવું કહેનારી આ મહિલાને કોણ સમજાવે કે એનો આનંદ કેવો અનેરો હોય છે. આ તો જે જગજાહેર વાતો છે એ આપણી સામે આવે છે, પણ ત્યાં રહેતા લોકોને તો આ પ્રકારના ભેદભાવ ક્યારેક ને ક્યારેક તો જોવા મળ્યા જ હશે.
ભારતમાં તો રાજ્ય કે પ્રદેશના બાબતે ભેદભાવ થતા રહે છે એના ઉદાહરણો કંઈ ઓછા નથી, પણ ઘણી વખત એ જોવા મળ્યું છે કે એમાં રાજકારણ પૂરતો મતલબ વધુ હોય છે અને સામાન્ય જનતા એનો શિકાર થતી હોય છે. જોકે ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે યુરોપના દેશમાં સામાન્ય જનતા અને રાજકારણ બન્ને બાજુએથી ગુસ્સો 'બહાર'ના લોકોએ ભોગવવો પડયો છે. અમેરિકામાં પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ બનનારા બરાક ઓબામાએ શું નીચલી કક્ષાથી ટોચ સુધી થતા આ ભેદભાવને જોયો નહીં હોય? પણ રંગભેદને તેણે પ્રાંતિય ભેદભાવ કરતા અલગ જોયો છે. (જોકે ભારતીયોને 'ગ્રે પીપલ' કહેનારાઓનો રંગભેદ પણ છડેચોક જોવા મળે જ છે) આ કારણે જ આ વર્ષના અંતમાં આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતવિરોધી મુદ્દાને બરાબર ગજાવવામાં આવી રહ્યો છે. પોતાના હરીફ મિટ રોમ્ની પર તેણે આક્ષેપ મૂક્યો છે કે એક કંપનીના સીઈઓ તરીકે તેણે અમેરિકનોને ભૂલી ચીન કે મેક્સિકોમાં નોકરી આપી હતી અને ભારતમાં કોલ સેન્ટર્સમાં જોબનું આઉટસોર્સિંગ કર્યું હતું. કહેવામાં આવે છે કે ભારત વિરોધી આ ચૂંટણીપ્રચારમાં જાહેરાત પાછળ ઓબામાની ટીમે લગભગ ૮ લાખ ડોલરનું બજેટ રાખ્યું છે.
પોતાના દેશના લોકોને ધ્યાનમાં રાખી નોકરીઓ પહેલાં અમેરિકન નાગરિકનેે મળવી જોઈએ એ મુદ્દો રાષ્ટ્રપતિ પોતે જ આગળ લાવે એમાં દેશ માટે કરવામાં આવતા કામની ભાવના ગણીએ તો પણ ભારતીયો કે એશિયન વિરોધી આપવામાં આવતા નિવેદનો લોકોની લાગણીને કઈ રીતે ઉશ્કેરણી આપી શકે એ વાત પણ અવગણવા જેવી નથી. આ કારણે જ ઓબામા વિરોધી પ્રચારો પણ થઈ રહ્યા છે અને એમાં પણ ઘણો સહયોગ મળી રહ્યો છે.
મુંબઈમાં જન્મેલા અને અમેરિકામાં રહેતા દિનેશ ડિસોઝાના ડિરેક્શન હેઠળ બનેલી ફિલ્મ '૨૦૧૬ ઃ ઓબામાસ અમેરિકા' નામની ડોક્યુમેન્ટરીએ અત્યારે અમેરિકામાં ખળભળાટ મચાવી દીધી છે. જો નવેમ્બર ૬ના રોજ થનારી ચૂંટણીમાં ઓબામા જીતે તો સામાજિક અને આર્થિક મામલે કઈ રીતે દેશની હાલત કફોડી થઈ શકે એના મુદ્દા પર આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે.
ઈંટના જવાબે મારેલો આ પાણો સાચે જ ઓબામાની છબી પર મોટું ગાબડું પાડવા બરાબર રહ્યું છે.ખૂબ જ નાની રિલીઝ ધરાવતી આ ફિલ્મે અત્યારે સતત ટોપ-૧૦માં સ્થાન જમાવી રાખ્યું છે અને એને વધુમાં વધુ રાજ્યોમાં રિલીઝ કરવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે અમેરિકામાં ઘણા લોકો માને છે કે ઓબામાના હરિફો આ ડોક્યુમેન્ટરી જોઈને વધુ આક્રમક મુદ્દાઓ પર સરકારને ઘેરી લે.

Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved