Last Update : 28-August-2012, Tuesday

 

અત્યારે બોલિવૂડનો એક જ ટાઇગર છે - સલમાન

એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી કમાણીના લગભગ તમામ રેકોર્ડ પોતાના નામે કરવા પાછળ રચનાત્મકતા કરતાં સલમાનની પ્રેક્ષકોની નાડને સચોટ પારખી જવાની સફળતાને વધુ દાદ આપવી પડે

ઇંગ્લિશમાં એક જાણીતી કહેવત છે ઃ યુ કેન લવ હિમ, હેટ હિમ બટ કેન નોટ ઇગ્નોર હિમ (તમે તેને ચાહી શકો છો, નફરત કરી શકો છો, પણ તેને અવગણી નથી જ શકતા). અત્યારે જો કોઈ વ્યક્તિ માટે આ કહેવત સાચી પડતી હોય તો એ સલમાન ખાન નહીં તો બીજું કોણ? છેલ્લા ચાર વર્ષથી આ કલાકારે તેના રોલર કોસ્ટર જેવા કેરીયરને એક એવી ઊંચાઈએ પહોંચાડી દીધું છે કે જેને જોતા-જોતા સમગ્ર બોલીવુડવિશ્વને ગરદનના દુખાવાની પેઇનકિલર લેવી પડે છે. કમાણી માટેના રેકોર્ડ તે પોતે જ બનાવે છે અને પછીની ફિલ્મ વડે સર કરે છે એના પરથી બોલિવૂડમાં નંબર વનની પ્રત્યક્ષ-પરોક્ષ રમતમાં તો તે અજેય ગણવામાં આવે છે. જોકે તેની ફિલ્મો પાછળ રૃપિયા વહાવવા તૈયાર થઈ જતા પ્રેક્ષકોને પૂરતો સંતોષ મળી રહે છે કે નહીં એ બાબતે જો નોંધણી થતી હોય તો પરિણામ અવળું આવવાની ઘણી શક્યતા છે.
હમણાં જ રિલીઝ થયેલી 'એક થા ટાઇગર' એક્શન અને રોમેન્ટિક સ્ટોરીના મિશ્રણ તરીકે બતાવવામાં આવી છે. એક જાસૂસ બળ કરતા કળનો પ્રયોગ વધુ કરતો હોય છે એ સનાતન સત્ય છે અને તેની ચપળતા તથા પ્લાનિંગ જ કોઈ પણ મિશનની સફળતાના સૌથી મોટા આધારસ્તંભ હોય છે. જોકે આ ફિલ્મમાં જાસૂસ એટલે મારધાડ એવા નિયમને સ્થાપિત કરી એમાં પણ યુ-ટર્ન લઈ એક અન-રોમેન્ટિક લવસ્ટોરી બતાવવામાં આવી છે. એક જાસૂસને એટલી ખબર ન હોય કેે ક્યાં સીસીટીવી કેમેરા છે અને એમાં તે પકડાઈ જઈ શકે? અને વધુમાં એ સીસીટીવી કેમેરા સામે જોઈને જ તે પોતાની પ્રેમિકાનું સાચું નામ બોલે છે. વાહ રે સલ્લુમેનિયા અને સાચે જ 'ગોડ, તૂસ્સી ગ્રેટ હો'.સલમાનની ફિલ્મોમાં જ આવી ગફલતો ચાલે અને એ પછી પણ ફિલ્મ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મના રેકોર્ડને તોડવા માટે સક્ષમ ગણી શકાય.
આની પાછળ એક સ્ટાર તરીકે સલમાનની છબીની સાથે-સાથે ફિલ્મની રિલીઝના સમયને સૌથી મોટું કારણ ગણાવી શકાય. 'વોન્ટેડ', 'દબંગ', 'રેડી', 'બોડીગાર્ડ' કે પછી તાજેતર રિલીઝ થયેલી 'એક થા ટાઇગર'. આ તમામ ફિલ્મો તરફ નજર કરીએ તો એની રિલીઝ જ એવા સમયે થઈ છે કે ફિલ્મોનો ચાહકવર્ગ એને જોવા માટેની તત્પરતા પૂરેપૂરી બતાવે. ગયા વર્ષે આઇપીએલ પછી રિલીઝ થયેલી પહેલી ફિલ્મ તરીકે 'રેડી' સિવાય તમામ ફિલ્મો ઈદમાં રિલીઝ થઈ છે. રમજાન મહિનામાં ઈદ પહેલાં મુસ્લિમ ધર્મ બજાવનારા ફિલ્મો નથી જોતા અને રમજાન ઈદ તેમના માટે સૌથી પવિત્ર તહેવાર છે. જેમ દિવાળી કે રક્ષાબંધનના સમયમાં કોઈ પણ વર્ગના લોકો તહેવારને યથાક્ષમતા પૂરેપૂરો માણી લેવા તત્પર હોય એવું જ ઈદ સમયે તમામ મુસ્લિમોમાં હોય છે. આ કારણે જ એ સમયે રિલીઝ થતી ફિલ્મો પ્રત્યે આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. એમાં પણ સલમાન ખાને આ સમય પર પોતાનું આધિપત્ય જમાવી લીધું છે અને તેનો ચાહકવર્ગ મહિલા, બાળકો, યુવાનો કે પછી આધેડ કે વૃદ્ધ કોઈ પણ ઉંમરના લોકો હોય છે. આ કારણે જ એ સમયે 'સલ્લુ'ની ફિલ્મને જોવા માટે પડાપડી થવી ચોક્કસ ગણી શકાય.
સલમાનની કેરીયર પર નજર કરીએ તો તેણે 'મૈંને પ્યાર કિયા', 'સાજન', 'હમ આપકે હૈં કૌન', 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી રોમેન્ટિક ફિલ્મો વડે કે પછી 'અંદાઝ અપના અપના', 'જુડવા' કે 'બીવી નંબર વન' વડે કોમેડીમાં અને 'કરણ અર્જુન' કે 'તેરે નામ' જેવી ફિલ્મો વડે એક્શનમાં સફળતા એવી મેળવી છે કે તેને આ મોટો ચાહકવર્ગ મળ્યો છે. વચ્ચે ઘણી અસફળ અને માથામેળ વગરની ફિલ્મો બાદ તેણે આમિર ખાનનો નિયમ સમજી વર્ષે એક કે બે ફિલ્મની ગાંઠ પોતાના માટે પણ વાળી દીધી છે. જોકે એમાં 'ગર્વ' કે 'ફિર મિલેંગે' જેવી ફિલ્મોમાં તેને ખીલવાની પૂરેપૂરી તક મળી હતી, પણ એમાં મિડિયા કે ચાહકોની વાહવાહીના દોર ન ચાલ્યા અને ફિલ્મ સારી હોવા છતાં એ ઉંધેકાંધ પડી. આ કારણે જ જ્યાં સુધી સફળતા મળે છે ત્યાં સુધી રચનાત્મકતા કે પ્રયોગો કરવાની લાલસાનો ડૂચો વાળી બાંદરાના ઘર નજીકના દરિયામાં જ વહાવી દીધા હોય એવું લાગી રહ્યું છે.
વિદ્યા બાલને 'ધ ડર્ટી પિક્ચર'માં કહેલા ' ફિલ્મે સિર્ફ તીન ચીઝોં સે ચલતી હૈ. એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ'ના ડાયલોગને સલમાનની ફિલ્મો યથાર્થ પૂરવાર કરી શકે છે કે નહીં એના પર ગંભીર પ્રશ્નાર્થો છે. એક્શન ફિલ્મ કે પછી 'મસાલા એન્ટરટેઇનર' જેને પસંદ હોય એવા લોકો પણ 'વોન્ટેડ' કે 'દબંગ' પછીની ફિલ્મોમાં નાખુશ જ થયા છે. સલમાનની ફિલ્મો જાણે કે એમ સંદેશ આપતી હોય કે 'પ્રેક્ષકો તો ફિલ્મ જોવા આવવાના જ છે, બનાવોને કોઈ પણ પ્રકારની ફિલ્મ'. અને એ 'રેડી','બોડીગાર્ડ' અને 'એક થા ટાઇગર' પરથી જોઈ શકાય છે. ફિલ્મજગતમાં બિઝનેસની નાડને પારખી જનારા વ્યક્તિ જ આવો ખુલ્લો અભિગમ રાખી શકે.
'એક થા ટાઇગર'નું જ ઉદાહરણ એને પૂરવાર કરી શકે છે. સ્વતંત્ર દિને રિલીઝ થયેલી આ ફિલ્મ ભારતભરમાં અભૂતપૂર્વ ૩૩૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ. રજાનો દિવસ અને એમાં પણ સલમાનની ફિલ્મ. ભારતભરમાં લગભગ તમામ થિયેટરો પર જાણે ભૂરકી છંટાઈ જતી હોય એમ મોટા સ્ટારની ફિલ્મોને માઈ-બાપ બનાવી નાખવામાં આવતી હોય છે. એ જ રીતે લગભગ ૯૦ ટકા જેટલા શો આ ફિલ્મને આપવામાં આવ્યા. પ્રેક્ષકો સલમાનની ફિલ્મને કોઈ પણ ભોગે જોવાના છે એ જાણીને વિતરકો અને નિર્માતા યશરાજ ફિલ્મ્સે ટિકિટદીઠ જંગી ભાવવધારો કર્યો. જબરદસ્ત પ્રમોશન અને સ્માર્ટ પ્રોમોના આધારે ફિલ્મને પહેલા દિવસે રોકડી થવાની પૂરેપૂરી આશા હોય જ. ૩૩ કરોડ રૃપિયાની કમાણી એ જ સાબિત કરે છે. આ ઉપરાંત પાંચ દિવસનો વીક-એન્ડ અને પછી ઈદનો સમય. સ્વર્ણ મુગટ પર જાણે ચળકતો હીરો જડવામાં આવ્યો હોય એવી વાત થઈ અને જોત-જોતામાં ફિલ્મ અત્યારે બોલિવૂડના ઇતિહાસમાં બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. બાલિવૂડના બિઝનેસને આ પ્રકારે સમજવા માટે ૧૯૮૮થી કાર્યરત કલાકાર માટે ગળી ગયેલા ચણા ચાવવા બરાબર કહેવાય.
કમાણી અને રેકોર્ડ એક વાત છે અને પ્રેક્ષકોને કેટલો સંતોષ થયો અને તેઓ લાંબા સમય સુધી એ ફિલ્મ વિશે વાતચીત કરી શકશે કે નહીં એ પણ અલગ. સફળ અને સારી ફિલ્મો વચ્ચે એ જ ફરક છે અને બદનસીબે બોલિવૂડની અત્યારે આવનારી અમુક જ સફળ ફિલ્મો સારી કે યાદગાર ફિલ્મ તરીકે પોતાનું સ્થાન બનાવી શકે છે. ઘણા લોકો માટે સલમાનની ફિલ્મો જોવી (એક કે અસંખ્ય વખત) એ નિયમ બની ગયો છે અને એની સંખ્યા જ એટલી મોટી છે કે ટિકિટના ભાવ જોતા ૧૦૦ કરોડ રૃપિયાનો આભાસી જાદુઈ આંકડો પાર ન થાય તો એ નીચાજોણું ગણાય.
પહેલાંથી જ તીખો અને ઉગ્ર સ્વભાવ ધરાવનારા સલમાનને આ સફળતાએ એક નવો જ જુસ્સો આપ્યો હોય એવું લાગી રહ્યું છે. સંજય લીલા ભણસાળીની 'ગુઝારિશ' જેવી સંવેદનશીલ ફિલ્મની ઠેકડી ઉતારી તેણે વિના કારણે હૃતિક રોશન અને ભણસાળી સાથે દુશ્મની કરી નાખી છે. બીજી બાજુ 'દબંગ'ની સીક્વલ માટે પહેલી ફિલ્મના ડિરેક્ટર અભિનવ કશ્યપને ન પસંદ કરી ભાઈ અનુરાગ કશ્યપ સાથે સલમાનનું વાક્યુદ્ધ જાણીતું છે. 'એક થા ટાઇગર'ની રિલીઝ પહેલાં મિડિયાના પ્રશ્નોથી મોટેભાગે અકળાઈ જઈ ઘૂરકિયા કરનારા સલમાને અનુરાગ અને તેની ફિલ્મનો જાણે નકારાત્મક પ્રચાર કરી નાખ્યો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે ગૌરવપૂર્ણ સાબિત થનારી અને હોલિવૂડ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોડયુસર-ડિરેક્ટર પાસેથી સ્ટેન્ડિંગ ઓવેશન મેળવનારી 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'માં અપશબ્દો અને હિંસાને અનુલક્ષી તેના વાક્યો હતા કે જે ફિલ્મ હું મારા કુટુંબ સાથે ન જોઈ શકું એને હું જોતો નથી. જાણે સલમાનને આ સફળતાના બિનલગામી ઘોડાએ વધુ ને વધુ જોશ ચડાવ્યું હોય એવું લાગે છે.
આ બાબતે સલમાને આમિર ખાન અને વિદ્યા બાલન જેવા કલાકારો પાસેથી ઘણું શીખવાનું હોય એવું લાગી રહ્યું છે. આમિર અને વિદ્યાની એક પછી એક તમામ ફિલ્મો (ભલે આમિર બે-ત્રણ વર્ષ રાહ જોવડાવતો હોય) જાણે પાછલી ફિલ્મને સર કરવા માટે બનતી હોય એવું કહી શકાય. 'તારે ઝમીન પર', 'ગજની' અને'થ્રી ઇડિયટ્સ' વડે તથો પ્રોડયુસર તરીકે આમિરે સર્વોપરિતાના અધ્યાયો જાણે લખ્યા છે. બીજી બાજુ વિદ્યાએ પુરુષપ્રધાન બોલિવૂડને પોતાની ઇચ્છાએ રમાવાનું તો હજી શરૃ જ કર્યું છે. આંકડા પર સાચી નજર કરવી હોય તો આ રેકોર્ડ કેવો છે? ૮ કરોડ રૃપિયાના બજેટમાં બનેલી 'કહાની' ૧૦૪ કરોડ રૃપિયાની કમાણી કરનારી છે. તેર ગણી કમાણી કોઈ સુપરસ્ટારની મોટા બજેટની ફિલ્મો નથી કરી શકવાની એ તો ચોક્કસ છે. સલમાન ભલે ક્ષણિક સફળતાની વાતો સ્વીકારી રહ્યો હોય, પણ નજીકના ભવિષ્યમાં તેની ફિલ્મો ફ્લોપ નથી થવાની એ તો ચોક્કસ વાત છે, પણ પ્રેક્ષકોની આશા સાથેના આ જુગારમાં હુકમના એક્કા તો પ્રેક્ષકો જ રાખે છે એ વાત તેને જલદી સમજાઈ જવી જોઈએ.

Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved