ડંખ મારીને નાસી રહેલા સાપને પકડીને એક માણસે કરડી ખાધો
સાપ કરડવાથી એટલો ગુસ્સો ચડયો કે બદલો લીધા પછી જ શાંતિ થઈ
કાઠમંડુ, તા. ૨૩
નેપાળમાં એક રમૂજપ્રેરક ઘટનામાં એક માણસે તેન ડંખ મારી ગયેલા સાપને બદલો લેવા કરડીને મારી કાઢ્યો હતો. વિગત કંઈક એવી છે કે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલા મહંમદ સાલ્મો મિયાને એક સાપે ડંખ માર્યો. આથી ગુસ્સે ભરાયેલા મહંમદે સાપનો પીછો કરીને એને પકડી પાડયો અને તેને કરડીને મારી કાઢ્યો.
નેપાળના પાટનગર કાઠમંડુથી આશરે ૨૦૦ કિમી દૂર આવેલા ગામમાં વસતા ૫૫ વર્ષીય મહંમદે જણાવ્યું હતું, 'હું તેને લાકડી વડે મારી શક્યો હોત પરંતુ મને એટલો ગુસ્સો ચડયો કે મેં એને મારા દાંત વડે જ કરડી ખાધો.' સામાન્ય રીતે બધે જોવા મળતો આ સાપ નેપાળમાં 'ગોમન' તરીકે ઓળખાય છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મહંમત સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે અને એના જીવને કોઈ જોખમ નથી. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે મૃત સાપ નેપાળમાં અસ્તિત્વ જોખમ મુકાયું હોય એવી યાદીમાં આવતો ન હોવાથી સાપને મારી નાખવા બદલ તેની વિરુદ્ધ કોઈ ગુનો નોંધવામાં નહીં આવે.