ઓલિમ્પિકમાં શાકાહારી ખેલાડીઓએ વિશ્વને અચંબામાં મૂક્યું !!
શું રે'સલર (કુસ્તીબાજ) સુશીલ કુમારે ૬૬ કે.જી. ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં ખરેખર તેના હરીફ રે'સલરનો કાન કરડી ખાધો હતો? આના ઉત્તરમાં જ્યારે સુશીલ કુમારે કહ્યુ ં કે હું આવું કરી જ ના શકુ. કારણ કે હું શાકાહારી છું તેનો આ જવાબ સાંભળીને સુશીલ કુમારના પ્રશંસકોને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો કે શું તેમનો સિલ્વર મેડલિસ્ટ ખરેખર શાક-પાંદડા જ ખાય છે. તે માંસાહાર નથી લેતો એ વાત માનવાનું તેમના માટે મુશ્કેલ હતું. પણ શાકાહારીઓ સારા બોડી બિલ્ડર ન બની શકે કે તેમનું શરીર માંસલ ન હોઈ શકે એ માન્યતા સાવ ખોટી છે. અમેરિકાનો દંતકથા સમાન એથ્લેટ કાર્લ લુઈસ ૨૦ વર્ષથી પણ વધુ સમય સુધી વેજિટેરિયન હતો. ટેનિસ સ્ટાર વિનસ અને સેરેના વિલિયમ્સ આ વર્ષના આરંભથી વેજિટેરિયન બની ગયાં છે. આપણા દેશનો ક્રિકેટર જાવાગલ શ્રીનાથ એક સમયમાં વિશ્વનો સૌથી ઝડપી શાકાહારી બોલર ગણાતો. અને હવે આ શાકાહારી બ્રિગેડમાં સુશીલકુમાર ઉપરાંત ભારતના અન્ય ઓલિમ્પિયન પોસ્ટર બોય રે'સલર યોગેશ્વર દત્તનું નામ પણ જોડાયું છે. વધુને વધુ ખેલાડીઓ આમ જનતા સુધી શાકાહારનો સંદેશ ફેલાવી રહ્યાં છે. ક્રિકેટર અનિલ કુંબલે અને મુરલી કાર્તિકે 'પેટા' સાથે જોડાઈને શાકાહારનો પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયાસ કર્યો છે. ખેલાડીઓમાં વધતો જતો શાકાહાર મહિમા જોતાં સહેજે પ્રશ્ન થાય કે શું ભરપૂર પ્રોટીન માટે માંસાહાર આવશ્યક છે? ખાસ કરીને રમતગમત ક્ષેત્રે રહેલા લોકો માટે માંસાહાર અત્યાવશ્યક છે એવી સામાન્ય માન્યતા છે.
જો કે આ બાબતમાં દરેક ખેલાડી આગવો મત ધરાવે છે. ઓલિમ્પિક ચેમ્પિયન બોક્સર મેરી કોેમ તેના સુકવેલા માંસ અને સુકવેલી ફીશને પોતાની ઉર્જાનો સ્ત્રોત માને છે. તે કહે છે કે આ આહાર મારા માટે માત્ર સારું પરફોેર્મ કરવા જ આવશ્યક નથી, બલ્કે માંસ મારા આરોગ્ય અને સ્વાસ્થ્યની પ્રાથમિકતા છે. જ્યારે મલ્લ (મુક્કાબાજ) અખિલ કુમાર કહે છે કે એવું નથી કે માંસાહાર તમને મેડલ જીતાડી આપશે. તમારા પરફોેર્મન્સનો આધાર તમારી સઘળી પધ્ધતિ અને તાલીમ પર રહે છે. તે વધુમાં જણાવે છે કે હું નિયમિત રીતે ભલે માંસાહાર લેતો હોઉ છું, પણ જ્યારે ટુર્નામેન્ટ માટે તાલીમ લેવાની હોય ત્યારે હું શાકાહાર પર ઉતરી જાઉ છું. વાસ્તવમાં શાકાહારથી મારું ઉર્જાનું સ્તર જળવાઈ રહે છે અને અને મારુ વજન પણ નિયંત્રિત રહે છે જે સારા પરફોર્મન્સ માટેની પ્રથમ શરત છે.
આહાર નિષ્ણાતો જણાવે છે કે અખિલની વાતમાં જરાય અતિશયોક્તિ નથી. એ માન્યતા તદ્ન ખોટી છે કે શાકાહારમાં પ્રોટીનનો અભાવ હોય છે. હકીકતમાં ખેલાડીઓ માટે માંસાહાર કરતાં શાકાહાર વધુ સલાહભર્યો છે. તેનાથી પિત્ત નથી થતું પરિણામે ખેલાડી વધુ સારી એકાગ્રતા કેળવી શકે છે.
આ ઓલિમ્પિકમાં ૬૦ કે.જી. ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં ભારત માટે કાંસ્ય પદક લાવનાર યોગેશ્વર કહે છે કે કોઈપણ મહત્ત્વની મેચથી થોેડા દિવસ અગાઉથી તે મોટાભાગે પ્રવાહી ખોેરાક પર ઉતરી જાય છે. તે વધુમાં જણાવે છે કે હું જ્યારે કોઈ ટુર્નામેન્ટ માટે પ્રવાસ કરું છું. ત્યારે માત્ર જ્યૂસ જ પીઉં છું. હા, મેચ શરૃ થવાથી પહેલા હું એકાદ કેળું ખાઈ લઉ છું, પણ તેનાથી વધુ કાંઈ નહીં. જોકે બાકીના દિવસોમાં તે પ્રોટીન- વિટામીન પ્રચૂર ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, ઘઉંની રોટલી અને ઔભંેસનું દૂધ લે છે.
સુશીલનો કોચ યશવીર સિંહ કહે છે કે સવાલ એ નથી કે ખેલાડીઓએ માટે માંસાહાર સારું છે કે નહીં. વાસ્તવમાં તમારી પાસે જે હાજર હોય તેમાંથી સારામાં સારું ગ્રહણ કરી લેવામાં ડહાપણ છે. ઉત્તર ભારતમાંથી આવતા મોટાભાગના રે'સલરો શાકાહારી છે અને તેમાંના ઘણા ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. અહીં તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધ, ઘી, માખણ આસાનીથી મળી રહે છે. વળી આપણે વંશપરંપરાથી માત્ર શાકાહારી ભોજન લેવા ટેવાયેલાં હોવાથી આપણને ક્યારેય માંસાહાર લેવાની આવશ્યક્તા નથી જણાતી.
નિષ્ણાતો કહે છે કે ભારતમાં ખેલાડીઓ માંસાહાર લે છે કે શાકાહાર તે મહત્ત્વનું નથી, પણ તેમનો ખોરાક શી રીતે રાંધવામાં આવે છે તે અગત્યનું છે. ભારતના વિવિધ પ્રાંતમાં ભોજન રાંધવાની પધ્ધતિ જુદી જુદી છે. વાસ્તવમાં શાકાહારી ખેલાડીને ખૂટતા પૌષ્ટિક તત્વો દૂધ અને ઈંડામાંથી મળી રહે છે. તેમનો આ આહાર સરેરાશ માંસાહારી ખેલાડીના ખોરાક કરતા વધુ સ્વાસ્થ્યપ્રદ હોય છે. કારણ કે માસંમાંથી બનાવેલી વાનગીઓ વધુ મસાલેદાર તેમજ વધારે પ્રમાણમાં રાંધેલી હોય છે. વળી શહેરમાં રહેતા એથ્લેટો પોલીશ કરેલું અનાજ અને રિફાઈન્ડ કરેલો ખોરાક લે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેલાડીઓ ઉર્જાથી ભરપૂર મકાઈ અને ડેરી ઉત્પાદનો લે છે.
નિષ્ણાત આહાર શાસ્ત્રીઓ કહે છે કે દરેક ખેલાડીના આહારની આવશ્યક્તા તેના ખેલ પર અવલંબે છે. આ ઉપરાંત ખેલાડીએ ખેલાડીએ પણ તેની જરૃરીયાત જુદી જુદી હોય છે. બોક્સિંગ, સ્વીમીંગ, વેઈટ-લિફ્ટિંગ જેવા થકવી નાખતા ખેલોમાં રમત પછી ઝડપથી શક્તિ પાછી મેળવવા માટે એનિમલ પ્રોટીન ઉપયોગી થઈ પડે છે. તેમના ઉપર સપ્લિમેન્ટ્સ ઉપરાંત બાફેલા સ્પ્રાઉટ્સ, મશરૃમ અને અન્ય પ્રોટીન-વિટામીન પ્રચૂર ખોરાક જાદુઈ અસર કરે છે. આનો સીધો અર્થ એ થયો કે શાકાહારમાં સ્વાસ્થ્યપ્રદ વિકલ્પોનો તોટો નથી. પણ શાકાહારી ખેલાડીઓ જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમને તેમના ખોેરાકની મર્યાદા ચોક્કસપણે નડે છે. યુરોપના કેટલાંક દેશમાં શુદ્ધ શાકાહારી ભોેજન મેળવવું એ ઘાસની ગંજીમાંથી સોય શોેધવા સમાન બની રહે છે. પરિણામે તેમને માત્ર સલાડ અને ફળોથી જ કામ ચલાવવું પડે છે. જાવાગલ શ્રીનાથને તેની કારકિર્દીના આરંભના તબક્કામાં વિદેશી ટૂર દરમિયાન નાછૂટકે ચીકન સેન્ડવીચ ખાઈને દહાડા કાઢવા પડતા. વાસ્તવમાં તે સમયમાં ત્યાં શાકાહારી ભોજન મેળવવું ખાસ્સું મુશ્કેલ હતું. જો કે હવે સીનારીયો તદ્ન બદલાઈ ગયો છે. હવે વિદેશની ધરતી પર પણ ખેલાડીઓને મનભાવન શાકાહારી ભોેજન મળી રહે છે. આ વર્ષે લંડનમાં યોજાયેલા ઓલિમ્પિક ખેલોત્સવમાં ભારતીય ભોજન માટે પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોચ યશવીર સિંહ કહે છે કે ત્યાં મૂકવામાં આવેલા ભારતીય ભોજનના કાઉન્ટર જોઈને અમે ખુશ થઈ ગયા હતા. અમને ભારતીય પધ્ધતિથી બનાવેલા શાકભાજી, રોટી, સૂકો મેવો, મધ જેવી દરેક વસ્તુ આસાનાથી મળી રહેતી. પાણી માગો ત્યાં દૂધ હાજર થાય ઉક્તિને યથાર્થ ઠેરવતા હોય તેમ જે માગીએ તે હાજર કરવામાં આવતું હતું. આ બધું જોતાં એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે ખેલાડીઓ માટે માંસાહાર ફરજિયાત નથી. શાકાહારી ખેલાડીઓ પણ ઉર્જાનો સ્ત્રોત જાળવી રાખીને સારો દેખાવ કરી શકે છે.