સાત વર્ષ પહેલા નિધન પામેલ માતાને 'ચિન્ટુ'એ સદી બાદ યાદ કરી
ચેતેશ્વર પુજારાની પ્રથમ ટેસ્ટ સદી સૌરાષ્ટ્રમાં ઉજવણીનો માહોલ

રણજી સિંહ, દુલિપ સિંહ, વિનુ માંકડ જેવા સૌરાષ્ટ્રના દિગ્ગજોની હરોળમાં સ્થાન મેળવ્યું
હૈદરાબાદ,તા.૨૩
સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં કારકિર્દીની પ્રથમ સદીની સાથે નોટઆઉટ ૧૧૯ રનની ઇનિંગને સહારે ભારતને મજબુત સ્થિતીમાં પહોંચાડયું હતુ. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવાની સાથે ચેતેશ્વરે સૌરાષ્ટ્રના વિશ્વસ્તરે જાણીતા દિગ્ગજ બેટ્સમેનો રણજી સિંહ, દુલિપ સિંહ, વિનુ માંકડની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. સૌરાષ્ટ્રમાં પુજારાની આ સિધ્ધિથી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે તેના નિવાસ સ્થાને શુભેચ્છકોએ ભીડ જમાવી હતી. ચિન્ટુના હુલામણા નામથી જાણીતા પુજારાને આજે તેની સદી બાદ તેના સ્વર્ગસ્થ માતુ શ્રી કે જેમનું સાત વર્ષ પહેલા કેન્સરમાં નિધન થયું હતુ, તેની ભારે યાદ સાથે ઇચ્છા પુરી કર્યાનો સંતોષ અનુભવાયો હશે.પુજારાના પિતા શ્રી અરવિંદ પુજારા કે જેઓ પણ સૌરાષ્ટ્ર વતી રમી ચુકયા છે,તેમણે કહ્યું હતુ કે, ચિન્ટુ આ સિધ્ધિ મેળવશે જ તેની પરિવારને શ્રદ્ધા હતી. ચિન્ટુના સ્વર્ગસ્થ માતુ શ્રીનું પણ બાળવયથી ચિન્ટુને ક્રિકેટ પ્રત્યે પ્રેરિત અને સમર્પિત કરવામાં મોટુ યોગદાન રહ્યું હતું. જો કે પુજારાએ આ સદી બાદ નમ્રતા સાથે કહ્યું હતુ કે, દ્રવિડ જેવા લેજન્ડરી બેટ્સમેનનું સ્થાન હું ક્યારેય લઇ ના શકું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત લેજન્ડરી ઉપરાંત મૂળ સૌરાષ્ટ્ર તરફથી પાયો બનાવીને ભુતકાળમાં સલીમ દુરાની, ધીરજ પરસાણા, કરસન ઘાવરી, અશોક પટેલ, અજય જાડેજા અને હાલ રવિન્દ્ર જાડેજા અને ઉનડકટ પણ ટેસ્ટ કે વન ડે ફોર્મેટમાં રમી ચુક્યા છે. હૈદરાબાદમાં જેવી ચેતેશ્વર પુજારાની સદી ટેસ્ટ પુરી થઇ તે સાથે જ રાજકોટમાં જોર-શોરથી તેની ઉજવણી શરૃ થઇ હતી. ચેતેશ્વરના પરિવાર સાથે તેના મિત્રો તેમજ શુભેચ્છકોએ ફટાકડા ફોડીને તેમજ મીઠાઇ વહેંચીને ઉજવણી કરી હતી.