સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો રેકોર્ડ:ઝવેરી બજારોમાં આગઝરતી તેજી વચ્ચે

મુંબઈ,તા.૨૩
દેશના ઝવેરી બજારોમાં આજે સોના માટે સુવર્ણ દિવસ તરીકે ઈતિહાસમાં સ્થાન પામે એ રીતે તોફાની તેજી આગળ વધતાં ૧૦ ગ્રામદીઠ રૃ.૩૧૦૦૦ની ઐતિહાસિક સપાટીને બજાર પાર કરી ગઈ હતી. ઝવેરી બજારમાં તહેવારો ટાંકણે ભાવોમાં રોજેરોજ જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બની રહ્યા છે ત્યારે મોસમી ઘરાકી રુંઘાઈ જતાં અને વિશ્વ બજાર ઉછળતાં ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી જતાં ઝવેરીઓ ચિંતીત બન્યા છે. ઈમ્પોર્ટ કોસ્ટ કરતાં બજાર ભાવો હજી નીચા રહ્યા છે!
અમેરિકામાં નવા આર્થિક પેકેજ આપવા વધુ ડોલર છપાવાની ભીતિએ વિશ્વ બજારમાં ઊછાળો ઃ રૃ.૫૮૦૦૦ને આંબી ગયેલી ચાંદી
મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૩૨૦ વધી મોડી સાંજે રૃ.૩૦૬૦૦ (૯૯.૫૦ના) બોલાયા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો ઉછળી છેલ્લે રૃ.૩૦૭૪૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૪૦૦૦ ઉછળી મોડી સાંજે રૃ.૩૫૯૦૦૦ બોલાયા હતા. દિલ્હીમાં આજે સોનાના ભાવો વધુ રૃ.૨૯૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૦૮૩૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૦૩૫ બોલાયા હતા. અમદાવાદમાં ભાવો રૃ.૩૧૦૦૦ને આંબી ગયા હતા. ૧૯ જૂને જોવાયેલા જૂના રેકોર્ડ આજે તૂટી ગયા હતા નવા રેકોર્ડ સર્જાયા હતા.
વિશ્વ બજાર ઉછળતાં મુંબઈમાં ગુરુવારે મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના વધુ વધી રૃ.૩૦૭૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૮૪૦ બોલાયા હતા જયારે ચાંદીના ભાવો મોડી સાંજે ઉછળી કિલોના રૃ.૫૮૦૦૦ની સપાટીને આંબી ગયા હતા. ૩ દિવસમાં ચાંદીના ભાવો રૃ.૩૫૦૦ જેટલા જયારે સોનાના ભાવો રૃ.૬૦૦ જેટલા ઉછળ્યા છે. બિસ્કિટના ભાવો ૩ દિવસમાં રૃ.૬૦૦૦ વધ્યા છે. વિશ્વ બજારમાં ઔંશદીઠ સોનાના ભાવો જે બુધવારે વધીને ૧૬૪૩.૫૦થી ૧૬૪૪ ડોલર બોલાયા હતા તે આજે વધુ વધી ૧૬૫૦ ડોલરની સપાટીને પાર કરી ગયા પછી તેજી વેગ પકડતાં ગુરૃવારે મોડી લાંજે ભાવો ઉછળી ૧૬૭૩ ડોલર બોલાઈ ગયા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીમાં પણ ભડકો થઈ જતાં ભાવો ઉછળી ૩૦ ડોલરની સપાટી કુદાવી મોડી સાંજે ૩૦.૭૦થી ૩૦.૭૧ ડોલર બોલાઈ ગયાના નિર્દેશો હતા. યુરોપના દેશોમાં આર્થિક સંકટ દૂર કરવા યુરોપની સેન્ટ્રલ બેંક સક્રિય બનતાં યુરોના ભાવો ઉછળતાં સોનામાં વિશ્વ બજારમાં હેજ ફંડોની લાવલાવ નિકળી છે.
અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષે અમેરિકાના આર્થિક વિકાસ માટે વધુ સ્ટીમ્યુલસ પેકેજીસ આપવામાં આવશે એવો ઈશારો કરતાં વિશ્વ બજારમાં સોનાની તેજીની આગમાં ધી રેડવાનું કામ આજે કર્યું હતું. વિશ્વ બજારમાં રાત્રે સોનાના ભાવોે ૧૬૭૬ ડોલર તથા ચાંદીના ૩૦.૯૦ ડોલર બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં વધુ સ્ટીમ્યુલ્સ પેકેજ આવશે તો વધુ ડોલર છાપવા પડશે અને તેના પગલે ડોલરના ભાવો ઘટશે એવી ભીતિએ સોનામાં લેવાલી ઉપડી છે. જો કે ભાવો ઉછળતાં ઘરઆંગણે નવી ખરીદી પાંખી પડી ગઈ છે.
સોનાના ભાવોમાં હવે રૃ.૩૨૦૦૦ની વાતો થવા માંડી છે. અમુક આશાવાદી વર્ગનો હવે રૃ.૩૫ હજારનો ભાવ થવાની વાતો ચર્ચવા માંડયું છે. ચાંદીમાં હવે રૃ.૬૦ હજાર અને ત્યાર પછી રૃ.૬૫ હજારની વાતો થવા માંડી છે.
વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો ઘટયા હતા. ભારતમાં પણ આજે ડોલરના ભાવો રૃ.૫૫.૫૦ વાળા ઘટી રૃ.૫૫.૧૨ થઈ છેલ્લે રૃ.૫૫.૨૬ આસપાસ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ખાણોમાં કામદાર અશાંતિના કારણે વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવોમાં ભડકો થઈ જતાં તથા ક્રૂડતેલ ઉછળતાં તેની હુંફ પણ સોનાની તેજીને મળતી રહી છે હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવો ઉછળી ૧૫૦૦ ડોલરને પાર કરી ૧૫૫૦ ડોલર નજીક પહોંચ્યા છે.