ગીતકાર ગુલઝાર India-Pak.નાં પ્રેમ-સૌહાર્દ યાદ કરાવશે

 

- ગુલઝાર મેન્ટોરના રૃપમાં

 

- ક્યા લાહોર અને ક્યા દિલ્હીના નિર્દેશક કરણ અરોરા

 

મુંબઇ, તા. ૨૪ ઑગસ્ટ, ૨૦૧૨

 

પીઢ લેખક, ગીતકાર અને ફિલ્મમેકર ગુલઝારે ભારત-પાકિસ્તાન ભાગલા પર હૃદયને સ્પર્શી જાય એવી ઘણી વાર્તાઓ લખી છે. બહુમુખી પ્રતિભા ધરાવનાર ગુલઝાર ફરીએકવાર ફિલ્મ ક્યા દિલ્હી ક્યા લાહોર માટે મેન્ટોરના રૃપમાં આવી રહ્યા છે.

 

ક્યા દિલ્હી ક્યા લાહોર એ ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર તૈનાત બે જવાનોના બોન્ડિંગ વિશેની વાત છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક ૧૪ ઑગસ્ટે વાઘા બોર્ડર પર રજૂ કરવામાં આવ્યો હતો.

 

ગુલઝારનું કહેવું છે, સિનેમા ખૂબ ઇફેક્ટિવ માધ્યમ છે. આ રીતે ઇવેન્ટ કરવાથી જે પરિસ્થિતિ છે એ બદલાશે કે કેમ તેની મને ખબર નથી પણ બંને દેશોના લોકોએ આ ફિલ્મ જોવી જ રહી. જે પ્રેમ અને સૌહાર્દ ભૂલી ગયા છીએ એને યાદ કરવા માટે પણ ફિલ્મ જોવી જ જોઇએ. આપણે આખરે એક જ રાષ્ટ્ર હતા. બંને દેશોના લોકોની માનવીય સંવેદનાઓમાં કોઇ જ ફેર નથી. જો તમે લાહોર જઇને કહો કે તમે ભારતથી આવ્યા છો તો મીઠાઇની દુકાનવાળો તમારી પાસેથી રૃપિયા નહીં લે અને તમારી સાથે ખૂબ આત્મીયતાથી વર્તશે. એવું જ ભારતમાં છે. અહીં ઘણાં પાકિસ્તાની નાગરિકો આવે છે. આપણાં ભારતના લોકો પણ એમની સાથે ખૂબ આત્મીયતા અને સ્નેહથી વર્તતા હોય છે. આપણે તેમને ભારતની મહેમાનગતિનો આસ્વાદ કરાવતા હોઇએ છીએ.

 

ગુલઝારે ફિલ્મમેકર કરણ અરોરા માટે મેન્ટોરનું કામ કર્યું છે. કરણ ક્યા દિલ્હી ક્યા લાહોરના નિર્દેશક છે. વિષયને સમજવા, સ્ક્રિન પ્લે લખવા અને અન્ય ઇનપુટ આપવામાં ગુલઝારે મદદ કરી છે. ઉપરાંત ફિલ્મ માટે કેટલીક લાઇન પણ લખી છે.