Last Update : 23-August-2012,Thursday

 
પુરુષોત્તમ માસની કથા
- પુરૂષોત્તમ માસ ૧૮-૮-૧૨ થી ૧૬-૯-૧૨

અઘ્યાય ઃ ૧ શુકદેવજીની પધરામણી

 

એક સમયે નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી બધા ૠષિઓ ભેગા થયા. આ બદા ૠષિઓ અને તેમના શિષ્યો સર્વ વેદો અને શાસ્ત્રોના જાણકાર હતા. તેમનું આચરણ ખૂબ જ પવિત્ર હતું, લોકોનું ભલું કરવાના કાર્યમાં તેમનો સમય પસાર થતો હતો. તે સ્થાનમાં એક ક્ષણ (નિમિષ) પણ પ્રભુના નામના સ્મરણ વિનાની ન જતી, એટલે જ તેને નૈમિષારણ્ય કહેવામાં આવતું.
આ નૈમિષારણ્યમાં એક વાર સૂતપુરાણી પધાર્યા. તેમને આવેલા જોઈને બધા ૠષિઓએ તેમની પાસે જઈને પ્રણામ કર્યા અને કહ્યું ઃ ‘સૂતદેવજી, આપની કથા સાંભળવાથી અમને સંતોષ થાય છે. સંસારરૂપી સમુદ્રમાં મનુષ્યો ડૂબકાં ખાતા હોય છે. તેમનું કલ્યાણ થાય તેવી કોઈક કથા અમને કહો. અમારા અજ્ઞાનરૂપી અંધકારને આપ જ દૂર કરી શકો તેમ છો.’
સૂતદેવજીએ કહ્યું કે ઃ ‘હે ૠષિઓ, તમારો પ્રશ્ન યથા સ્થાને છે.’ સૌ પ્રથમ હું પુષ્કર નામે પવિત્ર તીર્થ સ્થાનમાં ગયો. ત્યાંથી મથુરા, પ્રયાગ, કાશી અને ગયા ક્ષેત્રમાં ગયો. ત્યાંથી દક્ષિણ અને પૂર્વનાં બધાં તીર્થક્ષેત્રોમાં યાત્રા કરીને બદ્રિકાશ્રમ તરફ ગયો. ત્યાંથી પવિત્ર સરસ્વતીને તીરે આવેલ સિદ્ધક્ષેત્ર તરફ ગયો. ત્યાંથી હું હસ્તિનાપુર તરફ ગયો. ત્યાં જતાં મને ખબર પડી કે, ત્યાંના પરીક્ષિત રાજા રાજગાદીનો ત્યાગ કરીને ગંગાજીના કિનારે જઈને તપ કરવા બેઠા છે. તેમની આસપાસ સિદ્ધ ૠષિ મુનિઓ અને મહાત્માઓ બેઠા છે. રાજા તેમને સંસારમાંથી મુક્તિ મેળવવાનો સરળ માર્ગ પૂછે છે. આ બધાંની વચ્ચે કેવળ સોળ જ વર્ષની ઉંમરના દંિગંબર અને તેજસ્વી શુકદેવજી બેઠા હતા. પરીક્ષિત રાજા તેમને વિનયપૂર્વક પ્રશ્નો પૂછે છે. શુકદેવજીનાં વચનો સાંભળવાથી, પરીક્ષિત રાજાની મુક્તિ થઈ. ત્યાંથી હું અહીં નૈમિષારણ્યમાં બધા ૠષિ મુનિઓનાં દર્શન માટે આવ્યો છું.
‘મહર્ષિઓ, તમે સૌ જ્ઞાની, તપસ્વી અને પવિત્ર છો. આપનાં દર્શન કરીને કૃત કૃત્ય થયો છું.’

 

અઘ્યાય ઃ ૨ નારદમુનિનો પ્રશ્ન

 

શુકદેવજીના આ વચનો સાંભળીને બધા ૠષિઓને ખૂબ જ આનંદ થયો. આટલા બધા જ્ઞાની હોવા છતાં અભિમાન વિનાના આ સૂતદેવજીની વાણીનો લાભ મેળવવાની ઈચ્છાથી શૌનકમુનિએ બે હાથ જોડીને વિનંતી કરી ઃ
‘હે સૂતદેવજી, આપની પાસે જે દેવી ઔષધ છે. તેનાથી સંસારનાં બધાં દુઃખો દૂર થઈ જાય તેમ છે. બાલ તપસ્વી શુકદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે, તેમનાં વચનો સાંભળવાનો અમૂલ્ય લ્હાવો અમને લેવા દો. આપ અહીં પધાર્યા છો તે અમારૂં સદ્‌ભાગ્ય છે. આપે સાંભળેલા કથારૂપી અમૃતનું અમને પાન કરાવો.’
સૂતદેવજીએ હાસ્ય કરીને કહ્યું ઃ ‘હે ૠણિઓ, આપ સૌ મારા તરફ આટલા પૂજ્યભાવથી જુઓ છો, તે જોઈને મને આનંદ થાય છે. હું તો અલ્પબુદ્ધિ છું. આપના જેવા જ્ઞાનીઓના સત્સંગથી મને કથા-કીર્તન પર પ્રેમભાવ ઉત્પન્ન થયો છે. હું આપને વેદવ્યાસને મૂખેથી સાંભળેલી કથા સંભળાવું છું-
એક વાર નારદજી ગંગાના કિનારા પર આવેલા નરનારાયણના આશ્રમમાં પધાર્યા. તેમણે ભગવાન નારાયણને નમસ્કાર કરીને કહ્યું ઃ
‘હે ભગવાન ! આપ ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણકાર છો. આપ કૃપાના સાગર છો. આપ સત્ય સ્વરૂપ છો. આપ સાક્ષાત્‌ નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને લોકોને સંયમ અને કષ્ટ સહન કરવાનો બોધ આપો છો. આપ મર્યાદાનું રક્ષણ કરો છો. આપને હું નમસ્કાર કરું છું. હું આપના શરણે આવ્યો છું. આ કળિયુગમાં આપના આવા પુણ્યને લીધે જ જગતનો ઉદ્ધાર થાય છે. હે ભગવન્‌ ! પુણ્ય અને પાપના આચરનારને તેનાં કર્મોને યોગ્ય સુખ અને દુઃખ મળવા જોઈએ. બધાં મનુષ્યો તેમાંથી પાછાં ફરી શકતાં નથી. હે નાથ ! હું મૃત્યુલોકમાંથી આપની પાસે આવું છું. આપ મૃત્યુલોકનાં મનુષ્યો પર કૃપા કરીને તેમનું કલ્યાણ થાય તેવા કોઈ સારા વ્રતનો સારાંશ કહી સંભળાવો.’
નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે સ્મિત કરતાં કહ્યું...
‘હે નારદ ! તમારા જેવા પરોપકારી મહાત્માએ જ જગતનું કલ્યાણ કરી શકે તેમ છે.’
વૃંદાવન વિહારી ગોપીજન વલ્લભ ભગવાને શ્રીકૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માનાં બધાં દુઃખોનો નાશ થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભાળવું છું. તે સાંભળો. આ પુરૂષોત્તમ માસની કથા પરમ પવિત્ર અને મોક્ષદાયક છે. આ કથા સાંભળનારને દુઃખ દારિદ્રય અને ચંિતાઓનો નાશ થાય છે. અમે તેને મોક્ષ મળે છે.
મહર્ષિ નારદે તેમને વિનય પૂર્વક પ્રણામ કરી પૂછ્‌યું ઃ ‘હે પ્રભો ! આ પુરૂષોત્તમ માસ ક્યો માસ છે અને તેનું શું માહાત્મ્ય છે ! તેના અધિષ્ઠાતા દેવ કોણ છે ? આ બધી કથા કૃપા કરીને વિસ્તાર પૂર્વક જણાવો. ’
સૂતપુરાણીએ કહ્યું ઃ ‘હે મુનિઓ ! નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું-’
હે નારદ ! પુરૂષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અઘિષ્ઠાતા પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસમાં જે કોઈ વ્રત કરે છે. તેના પર પુરૂષોત્તમ ભગવાન સંતુષ્ટ થાય છે.
નારદજીએ ફરીથી પ્રશ્ન કર્યો ઃ ‘હે પ્રભો ! મેં કોઈ દિવસ પુરૂષોત્તમ માસનું નામ સંભળ્યું નથી. ક્યા મહિનાને પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે ? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ ? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ ? આ માસનું વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે ? જગતમાં દુઃખોનો પાર નથી. રોગો, દુર્બળતા, બુદ્ધિનો અભાવ, મૂર્ખતા ઈત્યાદી વધી પડ્યાં છે. તેમને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય આપ બતાવો.’
સૂતપુરાણીઓ કહ્યું ઃ ‘હે મુનિવરો ! નારદજીની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના મનુષ્યો પર કૃપા કરીને પવિત્ર પુરૂષોત્તમ માસના માહાત્મ્યનું વર્ણન કરવાની શરૂઆત કરી.’

 

અઘ્યાય ઃ ૩ માશમાસની શરણાગતિ

 

ભગવાન નારાયણે નારદજીને કહ્યું ઃ હે નારદ ! આ કથા શ્રીકૃષ્ણે ધર્મરાજાને કહી સંભળાવી હતી. આ કથા સાંભળીને પાંડવો કૌરવોના ત્રાસથી મૂકત થતા હતા. દુષ્ટ દુર્યોધન અને બીજા કૌરવો પાંડવોને અત્યંત કષ્ટ આપતા હતા. કૌરવોએ પાંડવોને લાખાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો, પાંડવો સાથે જુગટું રમીને તેમને કપટથી હરાવ્યા. દુઃશાસન સતી દ્રોપદીને ભરસભામાં ચોટલો ખેંચીને લાવ્યો. દુર્યોધને તેનાં વસ્ત્રો ખેંચીને તેને નગ્ન કરવાની આજ્ઞા કરી. દ્રોપદીએ નવ્વાણું વસ્ત્રો પૂરીને દ્રોપદીની મર્યાદા રાખી. પાંડવોએ શરત પ્રમાણે તેર વર્ષનો વનવાસ સ્વીકાર્યો.
પાંડવો અને દ્રૌપદીની કામ્યક નામના વનમાં રહેતાં હતાં. ભક્તોનું દુઃખ સહન ન કરી શકનાર ભક્તવત્સલ ભગવાન તેમની સંભાળ લેવા પધાર્યા. કોપાયમાન થયેલા ભગવાન કૌરવોનો સંહાર કરવા ઈચ્છતા હતા. બે હાથ જોડીને અર્જુને તેમને કહ્યું ઃ જગતની ઉત્પત્તિના કારણરૂપ હે પ્રભો ! આપ આટલા ક્રોધાયમાન શા માટે થયા છો ? આપ તો જગતના પાલનકર્તા કહેવાઓ છો. આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ.
અર્જુનની આવી નમ્ર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું. પાંડવોએ તેમનું ફળ ફૂલથી પૂજન કર્યું. પૂર્ણિમાના ચંદ્ર જેવું શીતળ હાસ્ય કરીને તેમણે કહ્યું ઃ ‘હે અર્જુન ! મને ગમે તેવાં કષ્ટો પડે તે હું સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોનું રાઈના દાણા જેટલું દુઃખ પણ મારા મનથી મેરૂ પર્વત જેટલું મોટું છે. મારા ભક્તોનાં દુઃખ દૂર કરવા માટે મારે અજન્મા હોવા છતાં જન્મ લેવો પડે છે. તમારા દુઃખો હવે ટૂંક સમયમાં દૂર થઈ જશે. મનુષ્યને આ જન્મમાં જે સુખ-દુઃખ ભોગવવાં પડે છે. અથવા લાભ-નુકશાન થાય છે તે કર્મના ફળ સ્વરૂપ જ હોય છે, આ કર્મના બંધનો દૂર કરવા માટે વ્રત, તપ, ધર્મ, સંયમ ઈત્યાદિથી શરીર અને આત્માને પવિત્ર બનાવવાં જોઈએ. હવે પછી જે મહિનો આવે છે, તેને અધિક માસ કહેવામાં આવે છે. તમે સૌ તેનું વ્રત કરો. તે વ્રતના પ્રભાવથી તમને રાજભવન અને સુખ ફરીથી પ્રાપ્ત થશે.’
ભગવાનનાં આ વચન સાંભળીને અર્જુને પૂછ્‌યું ઃ ‘પ્રભો ! આ અધિક માસ શું છે ? તેનું વ્રત શા માટે કરવું ? તેનાથી શું ફળ પ્રાપ્તિ થાય છે ? કૃપા કરીનેઆ બઘુ મને કહી સંભળાવો.’
શ્રીકૃષ્ણ ભગવાને જવાબ વાળ્યો, ‘વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ-આ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરા ઈત્યાદિ જળના વિભાગો છે. આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે. આ બધા વિભાગોને તેમના દેવોનીી કૃપાથી સુખ મળતું હતું. કાળે કરીને તેમનામાં અધિક માસનો ઉમેરો થયો, આ માસનો કોઈપણ અધિષ્ઠાતા દેવ ન હતો. તેથી લોકો તેને મળમાસના નામથી ઓળખવા લાગ્યા. આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેને નંિદાપાત્ર ગણતા. તેને મલિન માનીને કોઈપણ સત્‌કાર્ય કરતું નહિ. લોકો તેને નિરુપયોગી સમજવા લાગ્યા ઃ’
આ રીતે હડઘૂત થયેલો તે માસ એકદમ નિરાશ થઈ ગયો. કેટલીક વાર તો તેને ગમે તેમ કરીને પણ મરી જવાની ઈચ્છા થઈ આવતી, છેવટે તે વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો. તે મને આંખમાં આંસુ સાથે નમી પડ્યો, મને દંડવત્‌ પ્રણામ કરીને તેણે પોતાનું દુઃખ કહેવા માંડ્યું.’
ત્યાં તો શૌનકે કહ્યું ઃ ‘અમને આ કથા જરૂર કહી સંભળાવવાની કૃપા કરો.’
સૂતમુનિએ કહ્યું ઃ ‘શ્રીકૃષ્ણે પાંડવોને સંભળાવેલી અને નારાયણ ભગવાને નારદજીને કહેલી આ કથા કહું છું. તે તમે ઘ્યાનથી સાંભળો.’

 

અઘ્યાય ઃ ૪ મળમાસની દુઃખ કથા

 

દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મળમાસનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું. ભગવાન વિષ્ણુનો ચરણ સ્પર્શ કરીને તેણે પોતાના દુઃખો સંભળાવ્યાં. માળમાસે કહ્યું ઃ ‘હે કૃપાનિધાન ! હું આપને શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે કે, આપ મારું રક્ષણ કરશો. હું જન્મથી જ નિરાધાર અને અનાથ છું. મળમાસ એવું નામ આપીને મારા બીજા ભાઈઓએ મારું અપમાન કર્યું છે મારા માટે આ રીતે જીવવું અસહ્ય છે. મારો કોઈ અદિષ્ઠાતા નથી. આ ત્રીસ દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે. મને સૌ હડઘૂત કરે છે. આપે માતા દેવકીને કંસના ત્રાસમાંથી ઉગારી લીધાં. યમુનાનાં ઝેરી પાણી પીને મરણ પામેલા ગોવાળિયાઓને આપે સજીવન કર્યા. આપે સતી દ્રૌપદીની મર્યાદા જાળવી. આપને હું મારૂં રક્ષણ કરવાની આજીજી કરૂં છું. કુબ્જાને તારનાર અને ગજેન્દ્રને મોક્ષ આપનાર એવા આપ મારો ઉદ્વાર કરો.’
આવા વચનો કહીને મળમાસ ભગવાન વિષ્ણુની સામે ઊભો રહ્યો. તેની આંખમાંથી દડદડ આંસુ વહેતાં હતાં.
વિષ્ણુ ભગવાને દયાભાવે મળમાસને કહ્યું ઃ ‘વત્સ ! મારે શરણે આવેલો કોઈ પણ જીવમુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં આવેલાને દુઃખ, શોક કે મૃત્યુ નડતા નથી. તું નિરાશ થઈશ નહીં, તું રડવાનું બંધ કર તારે જે દુઃખ હોય તે મને કહે. હું તને દુઃખમાંથી જરૂર છોડાવીશ.’
ભગવાનની આવી વાણી સાંભળીને મળમાસને આનંદ થયો. તેણે બે હાથ જોડીને કહ્યું ઃ ‘હે કૃપાળુ ! આપને મેં મારૂં દુઃખ જણાવી દીઘું છે. આકાશની જેમ આપ સર્વવ્યાપી છો. મારૂં કોઈ નામ નથી, મારો કોઈ અધિષ્ઠાતા નથી અને મારો કોઈ આશ્રય નથી. મારો કોઈ તિરસ્કાર ન કરે અને મારા સમયમાં શુભ કાર્યો થઈ શકે તેવી મારા પર કૃપા કરો. આપના વચનો સાંભળીને મને ઘણો જ આનંદ થયો છે, લોકો મને યોગ્ય નામ આપે એવી કૃપા કરો. આપ દીન દયાળું છો. આ રીતે જીવવા કરતાં મરવું વધારે સારૂં.’
આમ કહીને મળમાસ ભગવાનનાં ચરણોમાં ઢળી પડ્યો. સૂતપુરાણી કહેવા લાગ્યા ઃ મુનિઓ ! ભગવાને મળમાસને શું જવાબ આપ્યો તે હું તમને કહી સંભળાવું છું.

 

અઘ્યાય ઃ ૫ મળમાસ ગોલોક જાય છે

 

દુઃખનું વારંવાર સ્મરણ કરવાથી મનુષ્ય વધારે દુઃખી થાય છે. મૂર્છાવશ પડેલા મળમાસને ભગવાન વિષ્ણુના ગરૂડે પોતાની પાંખોથી ઠંડો પવન નાખ્યો. મળમાસે સાવધ થઈ ફરીથી ભગવાને કહ્યું ઃ ‘હે ભગવાન ! આવી રીતે જીવવા કરતાં મને મૃત્યુ વધારે પસંદ છે. આપ જ મારું રક્ષણ કરી શકો છો.’
મળમાસને આ રીતે ઘુ્રજતો અને રૂદન કરતો જોઈને ભગવાને કહ્યું, ‘હે વત્સ ! તું ઊભો થા. તારું કલ્યાણ થશે. મારે તારા દુઃખનું નિવારણ કરવું જ પડશે. તું મારી સાથે ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે ચાલ.’
આમ કહીને ભગવાન મળમાસને સાથે લઈને ગોલાકમાં જવા રવાના થયા. આખે રસ્તે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા હતા, તે કહેતા હતા ઃ ‘ભક્ત વત્સલ ! શ્રીકૃષ્ણ ભગવાન બે હાથવાળા છે. તે શ્યામળા અને તેજોમય શરીર પર પીળાં પીતાંબર ધારણ કરે છે, તેમની મોરલીની મઘુર અવાજથી ભક્તોના મન પ્રસન્ન થાય છે. તે કીમતી ઘરેણાં પહેરે છે, કેસર, ચંદન, કસ્તુરી ઈત્યાદીનો લેપ કરે અને હીરા મોતી જડેલા સોનાના સંિહાસન પર બેસે છે. યોગીજનો તેમને ‘પૂર્ણકામ’ કહે છે. કારણ કે તેમને કોઈ જાતની ઈચ્છાઓ જ નથી. પોતાના ભક્તોની ઈચ્છાઓને પાર પાડવા માટે જ ભગવાન આ સ્વરૂપે ગોલોકમાં વસે છે. આવા શ્રીકૃષ્ણની કૃપાથી તારા બધા દુઃખો જરૂર નાથ પામશે.’ આ રીતે વર્ણન કરતા તે ગોલોકમાં આવી પહોંચ્યા. ત્યાંના રસ્તાઓ રત્નોથી જડેલા હોઈ ખૂબ જ શોભાયમાન દેખાતા હતા. ત્યાં શૌનકમુનિએ પૂછ્‌યું ! ‘હે પ્રભુ ! ગોલોકમાં ગયા પછી મળમાસનું શું થયું ?’
સૂતમુનિએ કહ્યું ઃ ‘હવે હું તમને એ જ કથા કહી સંભળાવું છું તે એક ચિત્તે સાંભળો.’

 

અઘ્યાય ઃ ૬ મળમાસનું દુઃખ સાંભળે છે

 

સૂતપુરાણીએ આગળ કહેવા માંડ્યું ઃ ‘ગોલોકમાં હીરામોતીના થાંભલાથી સોભાયમાન એવું ભગવાનનું મંદિર છે ત્યાંનું તેજ જોઈને મળમાસ અંજાઈ જ ગયો. ભગવાન વિષ્ણુ તેને દોરીને આગળ ચાલવા લાગ્યા. દ્વારપાળોએ તેમને નમી નમીને પ્રણામ કર્યા, ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓના વચ્ચે રત્નજડિત સંિહાસન પર બેઠા હતા. તેમને વિયન પૂર્વક નમસ્કાર કરીને અને બે હાથ જોડીને ભગવાન વિષ્ણુએ અને મળમાસે તેમની સ્તુતિ કરવા માંડી- અમે આપને વંદન કરીએ છીએ. હે પ્રભો ! આખું જગત નાશવંત છે. કેવળ આપ જ અમર છો. નિરાકર હોવા છતાં પણ આપ જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરો છો, આપનું સ્વરૂપ અનંત અને સચ્ચિદાનંદ છે. હે રાસેશ્વર ! અમે આપને પ્રણામ કરીએ છીએ.’
મૃત્યુલોકના મનુષ્યોને સુખ આપનારી આવી મઘુર વાણી સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે પ્રસન્ન વદને લક્ષ્મીપતિ અને મળમાસ સામે જોયું.
ઘુ્રજતા મળમાસને જોઈને પૂછ્‌યું ઃ ‘તમારી સાથે આ કોણ છે ? તેનું મોં આટલું બઘું ઉદાસ કેમ દેખાય છે ? ગોલોકમાં આવ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી. તો પછી તેને એવું તે શું દુઃખ છે કે તે આમ થરથર ઘૂ્રજી રહ્યો છે ? તેનાં આંસુ કેમ બંધ થતાં નથી ?’
શ્રીકૃષ્ણના આ બદા પ્રશ્નો સાંભળીને વિષ્ણુએ સંિહાસન પરથી ઉભા થઈને કહ્યું ઃ ‘હે મોરલીધર ! આ કમનબીબ જીવનું નામ અધિક માસ છે. તેના દુઃખનો કંઈ પાર નથી. આ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશાએ જ તે આપને શરણે આવ્યો છે, બધાં પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ એને ધણી વિનાનો ગણે છે અને ‘મળમાસ’ કહીને ચીડાવે છે. કોઈક દયાળુના કહેવાથી તે મારી પાસે આવ્યો. તેણે મને તેનું દુઃખ કહ્યું, આથી હું તેને આપની પાસે લાવ્યો છું. આપ સંકટમોચન કહેવાઓ છો, હું તેને દુઃખમાંથી મુક્ત કરવાની આપને વિનંતી કરું છું. હે દયાનિધી ! આપને શરણે આવનારનું દુઃખ જરૂર દૂર થાય છે. માટે આપ આ મળમાસનું દુઃખ દૂર કરો અને મારા આવવાનું પ્રયોજન સિદ્ધ કરો.’
શૌનકે પૂછ્‌યું ઃ ‘હે સૂતદેવજી ! ગોલોકવાસી શ્રીકૃષ્ણે વિષ્ણુનાં વચનો સાંભળીને શું કહ્યું તે અમોને જણાવો, તેમના વાક્યોથી લોકોનું કલ્યાણ થાય છે.’

 

અઘ્યાય ઃ ૭ પુરૂષોત્તમ માસ

 

સૂતપુરાણી આગળ કહેવા લાગ્યા ઃ ‘હે ૠષિઓ ! ભગવાન વિષ્ણુએ કહેલું મળમાસનું દુઃખ સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું ઃ-’
‘હે વિષ્ણુ ! આ મળમાસનું દુઃખ દૂર કરવા માટે તમે જે શ્રમ લીધો છે, તેનાથી તમારી કીર્તિમાં વધારો થશે. તમે જેને આશ્રય આપ્યો છે, તેનો હું પણ સ્વીકાર કરું છું. અધિક માસને હું મારા બધા ગુણોનું દાન આપું છું. મને લોકો પુરુષોત્તમ કહે છે. જેનો કોઈ પતિ નથી તેનો પતિ હું છું. હવેથી આ મળમાસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. આજથી તે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ બનશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધન અને મુક્તિ મેળવશે. આ માસની વિધિ અનુસાર પૂજા કરનારનાં બધાં પાપો બળીને ખાખ થઈ જશે. હે વિષ્ણુ ! સંયમી જીવન ગાળનારા અને ચોમાસામાં વરસાદ, ઠંડી અને ગરમી સહન કરનારા યોગી લોકો પણ અહીં સુધી આવી શકતા નથી, પરંતુ જે લોકો આ પુરુષોત્તમ માસની પૂજા કરશે તેઓ અવશ્ય ગોલાકમાં આવી શકશે. બધા મહિનાઓમાં આ માસ શ્રેષ્ઠ છે અને તે અનંત ફળ આપે છે.’
‘હે લક્ષ્મીપતિ ! ચાતુર્માસમાં અને બીજા વ્રતોથી મનુષ્યો સ્વર્ગમાં જાય છે, પરંતુ તેમનું પૂણ્ય ખલાસ થતાં તેમને ફરીથી મૃત્યુલોકમાં અવતાર ધારણ કરવો પડે છે. આ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર હંમેશને માટે જન્મ-મરણ અને આધિ-વ્યાધિનાં દુઃખોમાંથી મુક્ત થાય છે. જે લોકો આ માસનું વિધિ અનુસાર વ્રત-પૂજન કરશે તેમની ચંિતા મારે કરવાની રહેશે, કારણ કે આજથી હું તેનો સ્વામી બન્યો છું. મારા ભક્તોની ઈચ્છાઓ હું પૂરી કરીશ. હું ભક્તોની વિશેષ સંભાળ રાખું છું. પુરુષોત્તમમાસની આરાધના કરનારનાં સંકટ દૂર કરવામાં હું સ્હેજ પણ વિલંબ નહીં કરું. જે આજ્ઞાની અને મૂર્ખ લોકો આ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તેમને સ્વપ્નમાં પણ સ્વર્ગ નહીં મળી શકે. આ માસનો તિરસ્કાર કરનાર અને ધર્મ નહીં પાળનાર નરકમાં જશે. કોઈ વાંઝિયો મનુષ્ય આ માસમાં વ્રત કરશે, તો તેને પુત્ર પ્રાપ્તિ થશે. પુરુષોત્તમ માસના વ્રતથી દુર્ભાગી ભાગ્યશાળી અને ગરીબ ધનવાન બનશે. આ માસને આજથી સૌ પૂજશે. કારણ કે મેં તેને મારું ઉત્તમ તેજ આપેલું છે. હવે તમે તેને ખુશીથી લઈ જઈ શકો છો.’
ભગવાન શ્રીકૃષ્ણનાં આવાં વચનો સાંભળીને વિષ્ણુએ પ્રસન્ન મુખે નમસ્કાર કર્યા પછી તે અધિક માસને સાથે લઈને વૈકુંઠ લોકમાં પધાર્યા. તે દિવસથી આ મળમાસ જગતમાં પુરુષોત્તમ માસના નામથી ઓળખાવા લાગ્યો.

 

અઘ્યાય ઃ ૮ મેઘાવીનો સ્વર્ગવાસ

 

ભગવાન વિષ્ણુ અન શ્રીકૃષ્ણનો આ વાર્તાલાપ સાંભળીને નારદજીને ઘણો જ આનંદ થયો. તેમણે નારાયણને પૂછ્‌યું ઃ ‘હે ભગવાન ! લક્ષ્મીપતિ વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા પછી શું થયું ?’
નારાયણે કહ્યું ઃ ‘હે નારદ ! આ સંવાદ સાંભળીને મળમાસને સંતોષ થયો.’
‘ભગવાન શ્રીકૃષ્ણ કામ્યકવનમાં રહેલા પાંડવોને કહેવા લાગ્યા ઃ ‘હે ધર્મરાજા ! પુરુષોત્તમ માસનાં વ્રત, નિયમ વગેરે નહીં કરવાને લીધે આ રીતે જંગલમાં રહેતા હોવા છતાંય તમારે દુઃખો ભોગવવાં પડે છે. તમે શત્રુઓના ભયને લીધે જ આ ઉત્તમ વ્રતને ભૂલી ગયા છો, એટલે તમારો દોષ નથી, દુઃખ કે સુખની પ્રાપ્તિ નસીબને યોગે જ થાય છે. વળી તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે. તમારી પત્ની પૂર્વજન્મમાં મેઘાવી નામના ૠષિની પુત્રી હતી. રૂપગુણમાં તેની જડે જડે તેમ નહતી. ૠષિએ તેને ઘણા લાડકોડથી ઉછેરી હતી. તેને સાહિત્ય, સંગીત અને કલામાં પારંગત કરી હતી.
દશ વરસની ઉંમરે પરોંચેલી આ મેઘાવતીએ એક વખત તેના પડોશમાં રહેતી તેની બહેનપણીને તેના પુત્રને રમાડતી જોઈ, તેથી તેને પણ સંતાન સુખની ઈચ્છા થઈ આવી. તે વિચાર કરવા લાગી. મને મારી સખીના જેવું સુખ મળે તો કેવું સારૂ ? મારે તેના પતિ જેવો ગુણવાન પતિ મેળવવા માટે ક્યા દેવની આરાધના કરવી જોઈએ ? હું ઉંમરલાયક થઈ છું છતાં પણ મારા પિતા શા માટે મારો વિવાહ નહીં કરતા હોય ? મારી માતા જીવતી હોત તો તે જરૂર મારું દુઃખ દૂર કરત.
આ કન્યાના પિતા મેઘાવી ૠષિ પણ પુત્રી માટે ચંિતા કરતા હતા. તે પુત્રી માટે યોગ્ય વરની શોધમાં જુદા જુદા ગામોમાં અને તપોવનમાં ફરતા હતા. આ રીતના મુસાફરીના શ્રમથી તે માંદગીને બિછાને પટકાઈ પડ્યા. જેમ તેમ કરીને પોતાના આશ્રમમાં આવ્યા. તેમનાથી ચાલી પણ શકાતું નહોતું. તે અડધા બેભાન જેવા બની ગયા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ, મરણને આરે પહોંચેલા પિતાની ભાગી-તૂટી વાણીથી તેણે તેમની ચંિતા જાણી લીધી. મેઘાવી મુનિએ છેવટે હતાશ થઈને ભગવાનનું સ્મરણ કર્યું ઃ ‘હે દીનાનાથ ! હે રાધારમણ ! હું સંસાર સમુદ્રમાં ડૂબેલો છું. મારૂં કલ્યાણ કરો. આપની કૃપા વિના મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી, આપ મારા નિરાધારના આધાર છો, આપને હું નમસ્કાર કરું છું.’
મેઘાવી ૠષિની આવી નમ્ર સ્તુતિ સાંભળીને પરમાત્માના દૂતો ત્યાં હાજર થયા. તેમણે ૠષિના આત્માને પરમેશ્વરના ચરણકમળમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈને મેઘાવતી ગાંડા જેવી થઈ ગઈ. પિતાના શબને ખોળામાં લઈને તે ચોધર આંસુએ રડવા લાગી. તે કહેવા લાગી ઃ ‘હે પિતાજી ! મને આનંદ અને પોષણ આપનાર તમે મને કોના આધારે છોડીને જતા રહ્યાં ? હવે મારૂં પાલન-પોષણ કોણ કરશે ? મારે મા કે ભાઈ પણ નથી. આ ઘોર જંગલમાં હું કેવી રીતે રહી શકીશ ? મને અનાથ મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા ? આ રીતે જીવવું તેના કરતાં મરી જવું તે વધારે સારું છે.’
ૠષિ કન્યાનો આ વિલાપ સાંભળીને બધા ૠષિઓ ત્યાં દોડી આવ્યા. સૌએ મેઘાવતીને આશ્વાસન આપ્યુ, પછી ૠષિના શબને અગ્રિસંસ્કાર કર્યા. ત્યારબાદ સૌ ૠષિઓ પોતપોતાના આશ્રમે પાછા ફર્યા.
મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તેની સ્થિતિ હવે મા વિનાના વાછરડા જેવી હતી. દિન પર દિન શરીર સુકાતું જતું હતું. પરંતુ દુઃખનું ઓસડ દા’ડા’ એ ન્યાયે સમય પસાર થતાં તે પોતાનું દુઃખ ધીમે ધીમે ભૂલવા લાગી.

 

અઘ્યાય ઃ ૯ દુર્વાસા પ્રસન્ન થાય છે

 

પિતાનું સ્મરણ કરતી મેઘાવતી શોકમાં દિવસો પસાર કરતી હતી. આવી પડેલું દુઃખ ક્યારે દૂર થાય તેની તે રાહ જોતી હતી, એટલામાં દેવયોગ મહાન ક્રોધી અને તપસ્વી એવા દુર્વાસા મુનિ એ આશ્રમમાં પધાર્યા. તેમનું સ્વરૂપ જટાધારી શંકર જેવું ભંયકર હતું. તેમનાં ક્રોધી સ્વભાવથી દેવો પણ ડરતા હતા.
એક વખત ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે આ ૠષિ રથમાં બેસીને વનમાં પ્રવાસ કરતા હતા રૂક્ષ્મણીને ખૂબ જ તરસ લાગતાં તેમણે શ્રીકૃષ્ણ પાસે પાણીની માગણી કરી, શ્રીકૃષ્ણે પગના અંગૂઠાથી જમીનને દબાવી, તેમાંથી પાણીનો પ્રવાહ પ્રગટ થયો. આ પાણીથી રૂક્ષ્મણીએ તરત છીપાવી. આ જોઈને દુર્વાસાનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. તેમણે કહેવા માંડ્યું ઃ ‘હે કૃષ્ણ ! જમીનમાંથી ગંગાજળ કાઢીને તમે રૂક્ષ્મણીને પાયું છે. તેમ કરીને તમે મારું અપમાન કર્યું છે. માટે હું તમને શાપ આપું છું. તમારો બન્નેનો વિયોગ થશે.’
આવા આ દુર્વાસા મુનિ પ્રસન્ન થતા ત્યારે વરદાન પણ આપતા. તેમની માતાનું અનસૂયાદેવી હતું. તેમને આશ્રમમાં પધારેલા જોઈને મેઘાવતીએ તેમને દંડવત્‌ પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. તેમનું પૂજન કરીને તેણે કહ્યું ઃ ‘આપને હું નમસ્કાર કરું છું. આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. આપના આગમનથી મારો આશ્રમ પવિત્ર થયો છે.’
કૈલાસપતિના અંશ સમા એ ૠષિએ પ્રસન્ન થઈને કહ્યું ઃ ‘હે પુત્રી ! તે મારા પિતૃકુળનો ઉદ્ધાર કર્યો છે હું કૈલાસ પર્વત પરથી તારો ધર્મપ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું. અહીંથી હું બદરિકાશ્રમ તરફ જવાનો છું.’
ૠષિના આ વચનો સાંભળીને મેઘાવતીએ કહ્યું ઃ ‘હે ૠષિ ! આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો તો છો જ કે આશ્રમમાં હું અનાથ જેવી એકલી રહું છું. આપ મારા પિતા સમાન છો. મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચંિતા છે. આ ચંિતાને લીધે મને ભોજન પણ ભાવતું નથી મારી ઊંઘ પણ ઉડી ગઈ છે. કોઈ યોગ્ય પુરુષ મારું પાણિગ્રહણ કરે તેવો ઉપાય આપ મને બતાવો. મારું દુઃખ દૂર કરવાની હું આપને વિનંતી કરું છું.’ આમ બોલીને મેઘાવતી દુર્વાસા સામે બે હાથ જોડીને ઊભી રહી.

 

અઘ્યાય ઃ ૧૦ ભગવાન શંકરની આરાધના

 

નારદે પૂછ્‌યું ઃ ‘હે નારાયણ ! દુર્વાસા મુનિએ તે કન્યાને શું જવાબ આપ્યો તે અમને કહેવાની કૃપા કરો.’
સૂતપુરાણી આગળ કહેવા લાગ્યા ઃ ‘હે મુનિઓ ! દુર્વાસાએ તે કન્યાનું દુઃખ દૂર કરવા માટે શું કહ્યું તે હું તમને કહું છું. તેમણે કહ્યું ઃ હે સુભગે ! હું તને તારા દુઃખનો ઉપાય બતાવું છું. આજથી ત્રીજો મહિનો પુરુષોત્તમ નામનો આવે છે. આ માસમાં તીર્થસ્નાન કરનાર બ્રહ્મહત્યામાંથી મુક્ત બને છે. ગંગાનદીમાં બાર હજાર વર્ષ સુધી સ્નાન કરનારને જે ફળ મળે છે, તે જ ફળ આ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરનારને મળે છે.
પુરુષોત્તમ માસનું સેવન કરનારના બધા મનોરથો સિદ્ધ થાય છે. માટે તારે એ માસનું વ્રત કરવું. એક વખત હું અંબરીષ રાજા પર ક્રોધાયમાન થયો હતો. તેને બાળી નાખવા મેં જવાળા ઉત્પન્ન કરી હતી. પરંતુ તેણે ભઘવાનનું સ્મરણ કર્યું. ભગવાને તેના રક્ષણ માટે સુદર્શન ચક્ર મોકલ્યું. આ સુદર્શન ચક્રે મારી જ્વાળાનો નાશ કર્યો. આ ચક્રે મારો નાશ કરવા માટે મારો પીછો પકડ્યો. મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું એટલે છૂટકારો થયો.’
ૠષિનાં આ વચન સાંભળીને મેઘાવતીએ કહ્યું ઃ મહારાજ ! પૃથ્વી ઉપર સૂર્ય, ગણપતિ, જગદંબા શંકર વગેરે સાક્ષાત દેવ-દેવીઓ શું આપણી ઈચ્છા પૂરી કરી શકતા નથી ? બીજા માસોથી પણ પુરુષોત્તમ માસને આપ વધારે સારો ઘણો છો તે નવાઈ જેવું કહેવાય. હું તો શ્રી રામ અને ભગવાન શંકરને જ દેવોમાં શ્રેષ્ઠ માનું છું. રાત દિવસ હું તેમનું જ ઘ્યાન ધરું છું. આ દેવો મારાં દુઃખ દૂર નહીં કરે ! આવા મળમાસનાં તમે આટલાં બધાં વખાણ કેમ કરો છો ?
મેઘાવતીના આ શબ્દો સાંભળતાં જ દુર્વાસામુનિની આંખો ક્રોધથી લાલચોળ બની ગઈ. મિત્રની નિરાધાર પુત્રી હોવાથી તેમણે શાપ ન આપ્યો, તેમણે વિચાર કર્યો કે, તે બાળક બુદ્ધિ હોવાથી પોતાનું હિત સમજી વિચાર કર્યો કે, તે બાળક બુદ્ધિ હોવાથી પોતાનું હિત સમજી શકતી નથી.
તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર હોય એમ જણાતું નથી. તેમણે કહ્યું ઃ ‘હે પુત્રી ! તેં પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. તારે તેનું ફળ આવતા જન્મમાં ભોગવવું પડશે. આમ કહીને દુર્વાસા મુનિ ત્યાંથી રવાના થયા. પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી તે ૠષિકન્યા તેજ વિનાની બની ગઈ. તેને પસ્તાવો થવા લાગ્યો. તેણે તત્કાળ ફળ આપનાર શંકર ભગવાનની આરાધના કરવાનો નિશ્ચય કર્યો.’

 

અઘ્યાય ઃ ૧૧ સદાશિવનું વરદાન

 

નારાયણ કહેવા લાગ્યા ઃ ‘અબળા હોવા છતાં પણ મેઘાવતીએ આશ્રમમાં રહીને નંદી અને ભૂંગી જેમની સેવા કરે છે એવા ભગવાન શંકરની આરાધના કરવા માંડી. શિયાળામાં તે ગળા સુધીના પાણીમાં બેસતી. ઉનાળામાં પાંચ અગ્નિઓના ભડકાઓ વચ્ચે બેસતી, અને ચોમાસામાં કોઈ પણ વસ્ત્ર ઓઢ્‌યા વિના તપ કરતી. તે જમીન પર સૂઈ જતી. તે પ્રમાણે ભોજનમાં માત્ર ઘુમ્રપાન કરતી. તેણે નવ હજાર વર્ષ સુધી આ પ્રમાણે તપ કર્યું. બધા ૠષિઓ તેની પ્રશંસા કરવા લાગ્યા, શંકર ભગવાને તેને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. મેઘાવતીએ આંખો ઉઘાડીને તેમને વંદન કર્યા તે પ્રાર્થના કરવા લાગીઃ ‘હે શંભો ! આપે બાણાસુરનું રક્ષણ કર્યું. આપે અર્લક રાજાની મરણ પામેલી પત્નીને જીવતદાન આપ્યું. આપ શત્રુઓનો નાશ કરનાર છો. આપને હું મારા દુઃખો દૂર કરવાની પ્રાર્થના કરું છું.’
મેઘાવતીના ઉગ્ર તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે કહ્યું ઃ ‘હે પુત્રી ! હું તારા તપથી પ્રસન્ન થયો છું. તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગ. તારું કલ્યાણ થાઓ.’
શિવની આવી વાણી સાંભળીને મેઘાવતીને આનંદ થયો. તેણે કહ્યું ઃ ‘હે દીનાનાથ ! હે મહાદેવ ! મને રાત દિવસ પતિના જ વિચારો આવે છે. માટે કૃપા કરીને મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, બસ પતિ આપો, પતિ આપો, મારી બીજી કોઈ ઈચ્છા નથી.’ આમ કહીને તે કન્યા હાથ જોડીને શંકર સામે ઊભી રહી.
મહાદેવજીએ તેને કહ્યું ઃ ‘હે ૠષિ કન્યા. તે મારી પાસે પાંચ વખત પતિ માટે યાચના કરી છે. તારી ઈચ્છા પૂર્ણ થશે. તને પાંચ સદ્‌ગુણી પતિ મળશે એવો મારો આશીર્વાદ છે.’
શંકર ભગવાનનું આવું વિચિત્ર વરદાન સાંભળીને મેઘાવતીને ઘણું જ દુઃખ થયું, તેણે કહ્યું ઃ ‘હે કૈલાસનાથ ! એક પતિને પાંચ સ્ત્રી હોય એમ તો બને છે. પરંતુ એક સ્ત્રીને પાંચ પતિ ન હોઈ શકે. હું આપને આવું વરદાન ન આપવાની પ્રાર્થના કરૂં છું.’
શંકરે કહ્યું ઃ ‘હે પુત્રી ! તું ડરીશ નહીં, તેં પુરુષોત્તમ જેવા સર્વ શ્રેષ્ઠ માસની હાંસી કરી છે. અને દુર્વાસા જેવા મુનિનો તિરસ્કાર કર્યો છે. તેના ફળ તરીકે તારે આ જન્મે નહીં તો આવતે જન્મે પણ પાંચ પતિની સ્ત્રી બનવું જ પડશે. અમે બધા દેવો પણ આ માસમાં વ્રત પૂજન કરીએ છીએ. તારે આવા પવિત્ર માસની હવેથી કોઈ દિવસ નંિદા ન કરવી, પુરૂષોત્તમ માસમાં ભક્તની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.’ એટલું કહીને ભગવાન શંકર તરત જ અંતર્ઘ્યાન થઈ ગયા. આ શબ્દો સાંભળીને મેઘાવતી ચંિતાને લીદે નિસ્તેજ બની ગઈ.

 

અઘ્યાય ઃ ૧૨ મેઘાવતીનો નવો અવતાર

 

નારાયણ કહેવા લાગ્યા, ‘હે નારદ ! શંકર અંતર્ઘ્યાન થયા પછી મેઘાવતી રડવા લાગી, તે વારંવાર નિઃશ્વાસ નાખવા લાગી. આ વરદાનની ચંિતામાં ને ચંિતામાં તેનું શરીર ઘસાઈ ગયું તે માંદી પડી અને થોડાક સમયમાં મૃત્યુ પામી.’
તે સમયે યજ્ઞસેન નામના એક રાજાએ પૃથ્વી પર મહાયજ્ઞ કર્યો હતો. તેના યજ્ઞકુંડમાંથી સુવર્ણ જેવા તેજવાળી એક કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યા તે જ દ્રપદરાજાની પુત્રી દ્રૌપદી. દ્રૌપદીની ઉંમર વિવાહ યોગ્ય થતાં તેના પિતાએ તેનો સ્વયંવર કર્યો. તેમાં અર્જુને મત્સ્યવેધ કરીને તેને જીતી લીધી. અર્જુનનું આ પરાક્રમ જોઈને બીજા બધા રાજાઓ ઝાંખા પડી ગયા. માતા કુંતીના શબ્દોનું પાલન થાય તેટલા માટે તે પાંચ પાંડવોની પત્ની ગણાવા લાગી. ત્યારબાદ પાંડવો અને કૌરવો જાગટું રમ્યા. તેમાં ધર્મરાજા યુધિષ્ઠરે રાજ્ય ગુમાવ્યું.
તે સતી દ્રૌપદીને પણ હારી ગયા દુઃશાસને ભરસભામાં રજસ્વલા દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચ્યા. તે દ્રૌપદીની લાજ લેવા ઈચ્છતો હતો. દ્રૌપદીએ ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના કરી. દ્રૌપદીને આ બધાં દુઃખો પડતાં હતાં, કારણ કે તેણે ગયા જન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. શ્રીકૃષ્ણ તો સદાય ભક્તને આધીન હોય છે. દ્રૌપદીનો પોકાર સાંભળીને નવસોને નવાણું વસ્ત્રો પૂરા કર્યા. જેથી તેની લાજ બચી, આ પુરૂષોત્તમ માસ આટલો બધો પવિત્ર છે. ૠષિઓ અને દેવો પણ તેનું વ્રત કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણે કામ્યક વનમાં બેઠેલા પાંડવોને કહ્યું ઃ ‘હે પાંડુપુત્રો ! તમે આ પુરૂષોત્તમ માસનું વ્રત કેમ કરતા નથી ? તમે આ માસનું વ્રત કરશો તો તમારા દુઃખો દુર થશે અને તમોને સુખ સંપત્તિ અને રાજ વૈભવ ફરીથી પ્રાપ્ત થશે.’
બધાને દિલાસો આપીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારામતી (દ્વારકા) પધાર્યા. વિદાય વેળાએ પાંડવોએ તેમને પાર્થના કરી, ‘હે જનાર્દન ! અમે આપને શરણે છીએ. આપે જ અમારૂં રક્ષણ કર્યું છે. અમે આપનાં ફરીથી દર્શન કરવાથી ઈચ્છા રાખીએ છીએ.’
ભગવાને તેમને આશ્વાસન આપ્યું. પછી રથમાં બેસીને તેમણે દ્વારકા તરફ પ્રયાણ કર્યું.
ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું ઃ ‘થોડા જ વખતમાં પુરૂષોત્તમ માસ આવે છે, ભગવાનની, આજ્ઞા મુજબ આપણે આ માસમાં વ્રત-પૂજન કરીએ. તેમણે આ માસનું યોગ્ય સમયે વિધિ અનુસાર વ્રત કર્યું.’
ચૌદ વર્ષ પૂરાં થતાં તેમને આ માસના વ્રતના પ્રભાવથી હસ્તિનાપુરનું રાજ્ય ફરીથી મળી શક્યું. પુરૂષોત્તમ માસના આવા પ્રભાવને કોઈક જ જાણી શકે છે.

 

અઘ્યાય ઃ ૧૩ ઃ પોપટનો ઉપદેશ

 

બધા ૠષિઓએ પૂછ્‌યું ઃ ‘હે સુતદેવજી ! અમને તેનું માહાત્મ્ય સંભળાવો.’
સૂતપુરાણીએ કહ્યું ઃ ‘હે ૠષિઓ ! હું તમને દ્દઃધન્વા રાજાનું આખ્યાન કહું છું તે શાંતિથી સાંભળો. હૈહય નામના દેશમાં ચિત્રવર્મા નામનો એક રાજા રહેતો હતો. તે સત્યવાદી, બુદ્ધિમાન અને શૂરવીર હતો. તેને દ્દઢધન્વા નામનો એક ગુણવાન પુત્ર હતો. આ પુત્ર ચૌદ વિદ્યામાં પારંગત હતો. વિદ્યાભ્યાસ કરીને ગુરૂદક્ષિણા આપી તેણે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. આવા ગુણવાન પુત્રને જોઈને ચિત્રધાર્માને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પુત્રને રાજ ગાદી સોંપીને વનમાં જઈને ઈશ્વરની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. તેણે બીજે જ દિવસે પુત્રને રાજકારભાર સોંપી દીધો, અને તે પુલહમુનિના આશ્રમમાં જઈને રહેવા લાગ્યો. તેણે ત્યાં જઈને નિરાહાર રહીને તપ કરવા માંડ્યુ. તપના પ્રભાવે તે થોડા જ સયયમાં વૈકુંઠમાં ગયો.’
પિતાને સદ્‌ગતિ મળી છે એવું સાંભળતાં કુમાર દ્દઢધન્વાએ તેઓની સારી રીતે ઉત્તર કર્યા કરી. તેણે ધર્મ અને નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા માંડ્યો. તેનો વિવાહ વિદર્ભદેશની રાજકન્યા ગુણસુંદરી સાથે થયો. તે રાજકન્યા રૂપ અને ગુણમાં અજોડ હતી. આ રાજકન્યાથી તેને ચાર પુત્રો અને એક પુત્રી ગઈ. આ પુત્રો ચિત્રવાક, ચિત્રવાહૂ, મણિમાન્‌ અને ચિત્રકુંડળ નામે ઓળખાવા લાગ્યા. પુત્રીનું નામ ચારૂમતી રાખવામાં આવ્યું.
એક વખત દ્દઢધન્વા એકલો સૂઈ ગયો હતો. ત્યાં તેને વિચારો આવવા લાગ્યા ઃ મેં એવાં ક્યાં પુણ્ય, તપ, દાન કે યજ્ઞ કર્યા હશે કે જેના ફળ રૂપે મને આવો વૈભવ મળ્યો છે ? મારે આ બાબતનો ખુલાસો કોઈને પૂછવો જોઈએ. આ રીતના વિચારોમાં તેની આખી રાત્રિ પસાર થઈ ગઈ, સવારમાં સ્નાન ઈત્યાદીથી પરવારીને તે ઘોડા પર બેસીને શિકાર ખેલવા માટે જંગલમાં ગયો. ત્યાં તેણે કેટલાયે પ્રાણીઓનો શિકાર કર્યો. તેના બાણથી ઘવાયેલો એક મૃગ જંગલમાં આગળ દોડ્યો. રાજા તેને પકડવા માટે તેની પાછળ દોડ્યો. પરંતુ તે મૃગ એકદમ અદ્રશ્ય થઈ ગયો. રાજા તેને શોધી કે પકડી શક્યો નહીં, છેવટે બપોર થતાં રાજાને ખૂબ જ તરસ લાગી. પાસેના એક સરોવરમાં પાણી પીને એક ઝાડની શીતળ છાયામાં આરામ લેવા બેઠો. ત્યાં ડાળી પર એક પોપટ આવ્યો તે માણસના જેવી ભાષા બોલવા લાગ્યો, હે રાજા ! વૈભવ પ્રાપ્ત થવાને લીધે તું કેવી રીતે તરી શકીશ ? પોપટના શબ્દો સાંભળીને રાજાને આનંદ થયો, રાજાને થયું આ પોપટ વારંવાર એક જ શ્વ્લોક કેમ બોલતો હશે ? મારો ઉદ્વાર કરવા માટે તો તે નહિ આવ્યો હોય ? સંભવ છે કે શુકદેવજી પોતે જ હોય.
રાજા આમ વિચાર કરતો હતો ત્યાં તેના અંગરક્ષકો આવી પહોંચ્યા. પેલો પોપટ અદ્રશ્ય થઈ ગયો, રાજા તેની રાજધાનીમાં આવ્યો, પરંતુ તે પોપટના શ્વ્લોકનું વારંવાર સ્મરણ કરતો હતો. તેણે ખાવું, પાવું, ઊંઘવું બઘું છોડી દીઘું. ગુણસુંદરીએ પૂછ્‌યું ઃ ‘સ્વામી ! તમે આટલા બધા ઉદાસ કેમ દેખાઓ છો ?’ રાજાએ તેના પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો. લોકો પણ રાજાની આ હકીકત સાંભળીને ચંિતામાં ડૂબી ગયા.

 

અઘ્યાય ઃ ૧૪ ઃ સુદેવની તપશ્ચયા

 

દ્દઢધન્વા રાજા આ રીતે ચિન્તામગ્ન થઈને બેઠો હતો. ત્યાં રામાયણના પ્રણેતા મહર્ષિ વાલ્મીકિ આવી પહોંચ્યા. તેમને આવેલા જોઈને રાજાએ તેમનું સ્વાગત કર્યું. તેમને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. રાજાએ કહ્યું ‘આપનાં દર્શન કરીને હું પાવન થયો છું.’
ૠષિએ પ્રસન્ન થઈને કહ્યું ઃ ‘હે રાજન ! તમે ચંિતાતુર કેમ દેખાઓ છો ? તમારા મનમાં જે મૂંઝવણ હોય તે મને કહો.’
દ્દઢધન્વાએ કહ્યું ઃ ‘હે મહર્ષિ ! હું જંગલમાં શિકાર ખેલવા ગયો હતો. ત્યાં મને એક પોપટ મળ્યો. તે પોપટે મને વારંવાર એકનો એક શ્વ્લોક સંભળાવ્યો. આ શ્વ્લોકનો સાચો અર્થ શું થાય છે તે મને કહી સંભળાવવાની કૃપા કરો.’
ત્રીકાળજ્ઞાની વાલ્મીકી ૠષિએ ઘ્યાન ધરીને કહ્યું ઃ ‘હે રાજા ! પૂર્વ જન્મમાં તારૂં નામ સુદેવ હતું. તું ધાર્મિક બ્રાહ્મણ હતો અને દ્રાવિડ દેશમાં રહેતો હતો. ગૌતમી નામની તારી પત્ની પણ પતિવ્રતા હતી, લગ્ન પછી લાબા કાળ સુધી તમારે કોઈ સંતાન નહોતું. એક દિવસ તે તારી પત્નીને કહ્યું- આર્યે ! આપણે બધી રીતે સુખી હોવા છતાં આપણને શેર માટીનું સુખ નથી, સંતાન વિનાનો સંસાર સ્માશાન જેવો છે. સંતાન વિનાના મનુષ્યનું સવારમાં કોઈ દર્શન પણ કરતું નથી. સંતાનવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે. મને હવે જીવવાનો મોહ રહ્યો નથી.’
પતિનાં આવાં વચનો સાંભળીને ગૌતમીએ કહ્યું ઃ ‘હે નાથ ! આપના જેવા જ્ઞાની અને ભક્ત માણસે આ રીતે પુત્ર સુખની ઈચ્છા ન રાખવી જોઈએ. હે સ્વામી ! તમને પુત્ર થશે તો પણ તમારું દુઃખ નહી જાય. પુત્ર શોકને લીધે ચિત્રકેતું રાજાને વનમાં ભટકવું પડ્યું હતું. તેનો નારદજીએ ઉદ્ધાર કર્યો હતો. સદ્‌ગુણી પુત્ર એકસોને એક પેઢીનો ઉદ્ધાર કરે છે. તે જો કુપુત્ર પાકે છે તો જીવનને ઝેર જેવું કરી મૂકે છે. સુપુત્ર મેળવવા માટે તમારે ઈશ્વરની આરાધના કરવી જોઈએ. પ્રબુ સર્વ શક્તિમાન છે. તેની કૃપાથી જ કદર્મ ૠષિને ‘કપિલ’ નામે દેવતુલ્ય પુત્ર પ્રાપ્ત થયો હતો.

પુરુષોત્તમ માસ એટલે શું ?...

 

(૧) પતિતને પણ પાવન કરવા દર ત્રીજા વર્ષે પૃથ્વી પર પ્રગટતું પુનિત પર્વ.
(૨) ભવાટવીમાં માર્ગ ભૂલેલા મનુષ્યોને પણ પાપમય અંધકારમાંથી બહાર લાવી મોત્ર માર્ગે વાળનાર પાવન પર્વ.
(૩) રોગ, દ્વેષ, આધિ, વ્યાધિ, દરિદ્રતા વિગેરેના નાથ કરનાર આદિ પર્વ.
(૪) એકગણું વાવી, હજારગણું લણવા માટેનું પાવન પુણ્યક્ષેત્ર.
(૫) સુવિચાર, પુનિતવાણી અને સુકર્મો જાણકારી જ્ઞાનવાવ.
(૬) મનુષ્યલોકના પાપી જીવાત્માઓને ચેતાવી સુખમય સ્વર્ગલોકનો માર્ગ બતાવનાર પવિત્ર મળમાસ.
(૭) થોડું ભણેલા, અભણ અને અજ્ઞાની મનુષ્યોને જ્ઞાન આપી સન્માર્ગે વાળનાર વિષ્ણુ ભગવાનનો અદ્વિતિય અધિક માસ.
(૮) કળિકાળમાં પણ તેજોમય પુરુષોત્તમ ભગવાનને પામવાનો ઉત્તમ માસ.
(૯) નવધા ભક્તિ દ્વારા પાપકર્મમાંથી મુક્તિ મેળવવાનો પાવન પુરુષોત્તમ માસ.
(૧૦) થોડાક સમયમાં અનેકગણું પૂણ્ય પ્રાપ્ત કરી લેવાનો પૂણ્યકારી પવિત્ર માસ.
(૧૧) સત્સંગ, સ્મરણ અને પ્રભુસેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી મોક્ષ મેળવવાનો મહામૂલો પાવન મહિનો.
(૧૨) સ્નાન, ઘ્યાન, દાન અને ઉપવાસથી પ્રગટ થતી ધર્મ, કર્મ અને મોક્ષરૂપી પુરુષોત્તમ માસનો કથા.

 

પુરુષોત્તમ માસ કઈ રીતે કરવો ?

પ્રાત-કાળમાં વહેલા ઉઠી મળ મૂત્રનો ત્યાગ કરી, દાતણ કરી, પવિત્ર જળાશયે જઈ સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરવાં. ત્યાર બાદ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેર આવવું. ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની (જો સ્થાપના કરી હોય તો) તથા ઈષ્ટ દેવની નિત્ય નિયમ પ્રમાણે પૂજા કરવી. ત્યાર બાદ ‘શ્રી પુરુષોત્તમાય નમઃ’ એ મંત્રનો માળા લઈને જાપ જપવો.
સમયાનુસાર જાપ પૂરા કરી મનમાં પ્રભુ સ્મરણ કર્યા પછી અન્ય કામ કરવું. અને બને તો આખા માસ દરમિયાન એકટાણાં કરવાં. અને સગવડ પ્રમાણે બપોરે સાત્વિક ભોજન લેવું. બપોરે ન જમતાં સાંજના સમયે જમવું એ અતિ ઉત્તમ છે. ઉપવાસ કરી શકતા હોવ તો એ એથી પણ અધિક ઉત્તમ છે. શક્તિનુસાર બની શકે તે પ્રમાણે એકટાણાં કે ઉપવાસ કરવા.
આખો દિવસ પ્રભુ સ્મરણમાં અને સત્સંગમાં વિતાવવો.
દિવસમાં એક વાર પુરુષોત્તમ માસની કથા વિદ્વાન બ્રાહ્મણના મુખે સાંભળવી અથવા ઘ્યાનપૂર્વક જાતે વાચંવી જોઈએ.

 

પુરૂષોત્તમ પ્રસન્ન કરો...

(રાગ ઃ બમ્બઈ સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો)
પુરૂષોત્તમ પ્રસન્ન કરો, ભક્તિનું ભાથુ ભરો
શ્રીજીને રાજી કરો, ભક્તિનું ભાથુ ભરો
ગંગા યમુનાજીમાં ન્હાવો, શ્રીજીનું સ્થાપન કરાવો
દીવો અખંડ પધરાવો, ત્રીકમને તુલસી ચઢાવો
યમુનાષ્ટક પાઠ કરો, ભક્તિનું ભાથુ ભરો
જપજો અષ્ટાક્ષરની માળા, ખોલીને અંતરના તાળા
મનોરથ કરજો રૂપાળા, રાજી થાશે મોરલીવાળા
મનગમતા મેવા ધરો, ભક્તિનું ભાથું ભરો
ભૂખ્યાને ભોજન કરાવો, તરસ્યાની પ્યાસ બૂઝાવો
ભાગવત કથાનો લ્યો લ્હાવો, ‘મુકેશ’ હરિના ગુણ ગાઓ
ભવસાગર પાર કરો, ભક્તિનું ભાથુ ભરો
- ભજનીક મુકેશ ભટ્ટ

 
Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved