Last Update : 22-August-2012,Wednesday

 

બિનવારસી

 

'હટો... બાજુ પર હટો. આ ડોહાનેય રજાના દા'ડે જ મરવાનું હુજ્યું. આખો દિવસ બગાડશે... પિકચરની ટિકિટોય માથે પડશે. શું કામ જનમતા હશે આવી રીતે મરવા? જફા સાલી અમારે થાય છે આવાને ઠેકાણે પાડવા...'
હેડ કોન્સ્ટેબલ ચમનાજી કુતૂહલવશ એકઠી થયેલી ભીડને લાઠી વીંઝીને દૂર ભગાડતા બબડયા. ડૉક્ટરના દવાખાનાની બહાર બાંકડા પર, રાતની કાતિલ ઠંડીથી ઠૂંઠવાઈને મરી ગયેલા વૃદ્ધની, દોઢ દિવસથી પડેલી લાશને બિનવારસી તરીકે ગણાવીને પંચનામું તૈયાર કરવાનું શરૃ કર્યું. 'ડોહાના સગાય સાલા ક્યાં ભાગી ગયાં ?' મનોમન ચમનાજી બબડયા અને ખીસ્સામાંથી સંભાજીની ઝૂડી કાઢી એક બીડી સળગાવી. 'આ બીડીવાળાય સાલાઓ દોરા ઢીલા બાંધે છે ને તમાકુ વગરની ખાલી બીડી નીકળે છે' બે આંગળી વચ્ચે બીડીના કટકા કરી, બૂટ નીચે કચડી 'ડોહા'ની દાઝ ચમનાજીએ બીડી પર કાઢી.
ટોળામાંથી કોક ધીમેથી બોલ્યું, 'અરે, આ તો બાબુકાકા. વર્ષોથી મકાન ધોળવાનું કામ કરતા'તા. આવી રીતે પતી ગયા ?' ચમનાજીના કાન ટટ્ટાર થયા. નજર પેલા તરફ નાખી ચમનાજીએ પૂછ્યું, ''ઓળખો તમે આમને? જરા વિગત લખાવશો ?'' પેલાએ કહ્યું, ''ના... ના... હું ના ઓળખું. આ તો એકાદ વાર ક્યાંક મકાન ધોળતા જોયેલા... એટલું જ. તમે તા'રે બિનવારસી જ લખી નાખો ને? મારે ક્યાં આમાં... ' આટલું કહી ટોળામાંથી છટક્યા એ ભાઈ.
'બિનવારસી.' આ સાંભળી લાશની ઉપર હવામાં ૧૦ ફૂટ ઊંચે કોઈ સ્વગત બબડયું અને હસ્યું, પણ સંભળાયું કે દેખાયું કોઈને નહીં. પણ ક્યાંથી દેખાય કે સંભળાય? હવાને તે કંઈ આકાર કે વાચા હોતા હશે? ચમનાજીએ પંચનામું પૂરું કરી બૂમ પાડી. 'વીસાજી, જીપમાંથી પેલી પ્લાસ્ટીકની ચેનવાળી મોટી કોથળી લાવો.' વીસાજી કોન્સ્ટેબલ 'મોટી કોથળી' લઈ આવ્યા અને બોલ્યા, 'આ કોથળીઓ સારી લાયા છે આવાઓને ભરવા પે'લા તો પોટલામાં ભરવા પડતા'તા. દેશ ઘણો આગળ વધી ગયો કે'વાય નઈ સાહેબ?'' ચમનાજીએ હકારમાં માથું હલાવ્યું અને ફરી પાછું ઉપર કોઈક હસ્યું અને બોલ્યું, ''હા... દેશ ઘણો આગળ વધી ગયો... જોકે, અમેય દેશને આગળ વધારવામાં પાછળ નહોતા હોં ?'' ફરીથી કોઈને કંઈ સંભળાયું નહીં કે દેખાયું નહીં. લાશ પ્લાસ્ટીક બેગમાં પેક થઈ ગઈ અને ગાડીમાં મુકાઈ ગઈ. રણમલ ડ્રાઈવરે જીપને સેલ માર્યો અને પૂછ્યું, 'કઈ બાજુ?' ચમનાજી બોલ્યા, 'પોસ્ટ મોર્ટમ માટે લઈ લો. ૧૦ દિવસમાં કોઈ ના આવે તો પછી ડોહો ઈલેક્ટ્રીક ભઠ્ઠી ભેગો...'
ફરીથી ઉપરથી કોઈ બોલ્યું, ''આખી જીંદગી તો હું ચૂપ રહ્યો, પણ આજે બોલું છું તો કોઈ સાંભળતું કેમ નથી? અરે ભાઈ હું બિનવારસી નથી. તમે જ મારા વારસો છો. સાંભળો આજે હું -''
ઘરરરર... મંદ્ર સપ્તકનો પહેરો સૂર રેલાવી જીપમાં 'ડોહા'ની સવારી ઉપડી...
'ઘરરરર... અવાજ કંઈક જાણીતો લાગે છે... હા... બરાબર કંઈક આવો જ. ખાલી આ જીપ મહીન્દ્રની હતી અને પેલી કદાચ... હા... કદાચ નહીં, વીલીસ જ હતી. નવીનકોર. અને પેલા, કેવા અફસરો ઉતર્યા હતા તેમાંથી નહીં ? ધોળા ધોળા માથે કડક હેટ અને હાથમાં એક ફૂટની સ્ટીક... પોલીશ કરેલી. ના પોલીશ ના કહેવાય, વાર્નિશ કહેવાય. એ જે હોય તે...'
દોડતી જીપની ઉપર ૧૦ ફૂટની સમાંતર ઊંચાઈએ પેલો અવાજ સ્વગત બબડી રહ્યો હતો. 'એ દિવસે એ જીપ આવી ત્યાં સુધી કેવી મઝા આવતી હતી નહીં ? પિતાજી આગ્રાના રેસ્ટ હાઉસમાં અંગ્રેજ અમલદારના ઘરનું નાનું નાનું કામ કરતા હતા અને બદા ગોરા સાહેબોની હવેલીઓ ધોળવાનું પણ કામ કરતા હતા. એકવાર મેંય પલાળેલા ચૂનામાં હાથ નાખેલો અને દાઝેલો ત્યારે પિતાજીએ કેવો ખખડાવેલો? કહેલું, 'તને આગ્રાની સેન્ટ મેરી સ્કૂલમાં સ્કોલર બનાવવા માટે મૂક્યો છે, ચૂનામાં હાથ બોળવા નહીં. ભણવામાં ધ્યાન આપ.' આપણેય પછી તો સમજી ગયા અને ૯મા ધોરણ સુધી પહેલા નંબરે જ પાસ થયા. મોટા અંગ્રેજ સાહેબનેય પિતાજી કરતાં મારી સાથે વાત કરવાની મઝા આવતી. એકવાર વિસ્ફારીત નેત્રે પૂછ્યું, 'ર્ઘ ારીઅ ાીચબર અર્ે મ્િૈૌજર ઁર્રહીૌબજ ર્ર્ા ? ' મેં કહ્યું, 'રૃીજ જીૈિ. ' તરત જ કેક મળી... તાજી, મસ્ત. પિતાજીને જઈને બતાવી અને એમણે કહ્યું, 'બેટા, આ મારી જીંદગીની સૌથી કીમતી ભેટ છે તારા તરફથી.' આટલું કહી રહ્યા અને ભેટી પડયા... છોડયો જ નહીં પાંચ મિનિટ સુધી... આજે કેમ આવું કરતા હશે? છેવટે મને છોડયો અને કહ્યું, 'આવું જ ભણજે બેટા.' ફરી રડયા. કંઈ સમજાયું નહીં. આ બધો વાંક કેકનો જ છે. કંઈ સમજાય નહીં એવું થઈ રહ્યું છે.
ઘરરરર... બીજા દિવસે વિલીસની જીપ આવી અને તેમાંથી ઉતરેલા 'ચકાચક' અમલદારોએ રેસ્ટ હાઉસના 'સાહેબ'ને કહ્યું, 'ધેર ઈઝ એ ટ્રોજન હોર્સ વર્કીંગ ઈન યોર હાઉસ ફોર સુભાષ બોઝીઝ આઝાદ હિન્દ ફોઝ, લીકીંગ યોર ડોક્યુમેન્ટસ.' સાહેબે મારી સામે જોયું અને તરત જ ઓફીસરો સાથે અંદર દોડયા. પિતાજીને હન્ટરથી મારતા મારતા બહાર લઈ આવ્યા. મારી આંખ પિતાજીની આંખ સાથે મળી અને કંઈક તેમાં વંચાયું. જાણે કે દેશદાઝની અપ્રતીમ સીમા અને પિતૃવાત્સલ્ય. ૧૪ વર્ષની ઉંમરે એટલી તો ખબર પડે જ ને? સેન્ટ મેરીનો સ્ટુડન્ટ એટલો તો હોંશિયાર હોય જ ને ભ'ઈ? કાલે પિતાજી કેમ રડતા હતા તેનો તાળો મળી ગયો. અફસરોએ ઢસડીને પિતાજીને જીપમાં બેસાડયા અને મેં જોરથી બૂમ પાડી. પિતાજી, મારી ચિંતા ના કરતા. હું બધું સમજી ગયો છું. સટાક... કાન પર જોરદાર અવાજ આવ્યો અને આંખે અંધારા આવી ગયા. એક અફસરનો લોખંડી હાથ મારા કાન પર વરસ્યો હતો તે દસ મિનિટે ભાન આવ્યું ત્યારે ખબર પડી હતી. વચ્ચે એવુંય કંઈક સંભળાયું હતું, 'કીક ધીસ એગ ઓફ એ કોબ્રા.'
ફેંકી દીધો ઝાંપાની બહાર. કપડાંય ના લેવા દીધા ઘરમાંથી. રખડતો રખડતો બજારમાં આવ્યો. બે આના પડયા હતા ખિસ્સામાં, એમાંથી બીજા દિવસે બન ખાધું, લુખ્ખું. સ્કૂલે ગયો અને ઝાંપેથી જ વોચમેને કહ્યું, 'તુમકો નિકાલ દિયા હૈ ઈધર સે. ફિર સે મત આના કભી.'
૧૦ દિવસ. ભૂખ સહન કરવાનીય મર્યાદા હોય ને? પડયો બેભાન થઈ રસ્તા પર અને આંખ ખોલી તો જોયું કે કોઈ સુંદર દિવાનખંડના સોફા પર સૂતો હતો. થોડીવારે લશ્કરી યુનિફોર્મ પહેરેલાં બે-ત્રણ જણા ત્યાં આવ્યા અને સટાક.... ની ભીતિથી કાન પર હાથ દાબી દીધા. તમ્મરના બદલે બીજી મિનિટે માથા પર કોઈ પરિચિત હેતાળ સ્પર્શનો અનુભવ થયો. આંખ ખોલીને પાછળ ફરીને જોયું તો... પિતાજી... સ્વપ્ન તો નથી ને આ ? ના... ખરેખર પિતાજી જ હતા. સંપૂર્ણ લશ્કરી ગણવેશમાં. મને હેતથી ભેટી પડયા. કાનમાં કહ્યું, ''આજે જ આપણે વિદેશ જઈએ છીએ. આ સાથીઓ મને જેલમાંથી ભગાડી લાવ્યા છે.''
રાત્રે અંધકારમાં નીકળ્યા બધા ત્યાંથી. કેટલાય યુનિફોર્મ, પહેરવેશ, બળદગાડા, ઘોડાગાડી, બસ, ટ્રેન અને હોડીઓ બદલીને ૧૧મા દિવસે એક નવી જગ્યાએ પહોંચ્યા. મેં પૂછ્યું પિતાજીને કે ક્યાં આવ્યા? તેમણે કાનમાં કહ્યું, 'રંગૂન. અહીં બર્મામાં સુભાષબાબુની આખી સેના ભેગી થવાની છે. અને દેશને આઝાદ કરાવવાનો છે. પણ તારે આવતીકાલથી અમારી સાથે ફરવાનું નથી, અહીં ભણવાનું છે.' મેં કહ્યું, 'મારેય તમારી સાથે જ રહેવું છે.' પિતાજી કહે, 'જોઈશું.'
બીજા દિવસે બધા પહોંચ્યા કોઈ જંગલ જેવી જગ્યાએ અને ધીમે ધીમે સંખ્યા વધવા માંડી. ત્રણ મહિના થઈ ગયા અને -
'ગાડી રોકો. માથું ભારે થઈ ગયું આ લાશની બાજુમાં બેઠા બેઠા. ચાની કીટલીએ ગાડી લઈ લો. 'ડોહો' મર્યા પછી ય ભારે લાગે છે.' હેડ કોન્સ્ટેબલ ચમનાજીએ જીપમાં બૂમ પાડી અને ડ્રાઈવરે ગાડી ચાની કીટલી બાજુ વાળી.
૧૦ ફૂટ ઉપર કોઈ બોલ્યું, 'મર્યા પછીય ભારે લાગીએ છીએ ?' નીચે જીપનો ડ્રાઈવર બોલ્યો, 'સાલું લાશને લઈ જતી વખતે ગાડી કેમ ભારે થઈ જતી હશે? કહે છે કે માણસ મરે અને અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી એનો આત્મા શરીરના ૧૦ ફૂટના દાયરામાં ફર્યા કરે છે. આને નીપટાવો હવે જલ્દી ભાઈસા'બ.'
૧૦ ફૂટ ઉપર ફરીથી, પોતાને જ સાંભળવા માટે કોઈ બોલ્યું, 'હુંય એ જ તો કહું છું તમને. આજે તો સાંભળો મને? જવા દો... તમે નહીં સાંભળો, પણ મને બોલવા દો આજે. રંગૂનના જંગલમાં ત્રણ મહિના થઈ ગયા અને એક સવારે પિતાજી અને આખી ફોજ તૈયાર થઈ ગઈ. મારી પાસે સરંજામની બેગો મંગાવી અને જતાં જતાં મને ભેટી પડયા. હું પણ હવે સમજતો હતો અને આજે કોઈ રડયું નહીં. કદાચ આંખ બોલતી હતી અને આંખ વાંચતી હતી, 'આઈ એમ પ્રાઉડ ઓફ યુ ડેડી' અને 'આઈ વીલ મીસ યુ માય સન ફોરએવર.'
'ચલો દિલ્હી'નો પોકાર થયો અને મેં સેલ્યુટ મારી. નજરથી અંતર્ધાન થતાં સુધી મેં પિતાજીને જતા નીહાળ્યા. બસ... એ પછી રોજ ખબર આવતી કે આઝાદ હિન્દ ફોજ અહીં પહોંચી અને આમ કર્યું. બે મહિના પછી ખબરો પણ ક્ષીણ થતી ગઈ. બીજા કેટલાક દિવસો વિત્યા અને સમાચાર આવ્યા કે સેના નિષ્ફળ ગઈ છે અને સૈનિકોના કોઈ સમાચાર નથી.
એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ. પિતાજી કદાચ ક્યારેય પાછા ન આવવાના મિશન પર ગયા હતા અને ભલે તેમની સેના નિષ્ફળ ગઈ, દેશ આઝાદ થવાના પાયા મજબુત રીતે ચણાઈ ચૂક્યા હતા. મેં અસ્તિત્વ ટકાવવા રંગૂનમાં મકાનો ધોળવાનું કામ શરૃ કરી દીધું અને થોડા વર્ષ બાદ ભારત આઝાદ થતાં હું ભારત પાછો આવ્યો. બાળપણી વીતી ચૂક્યું હતું અને રંગૂનની જીંદગીએ યુવાનીને જાકારો દઈ દીધો હતો. ભારત આવીને પણ કલરકામ શરૃ કરી દીધું અને સાડા છ દાયકા કાઢી નાખ્યા. નક્કી કર્યું હતું કે પિતાજીનું બલિદાન કે મારી જે કોઈ નાની કામગીરી આઝાદીની ચળવળમાં રહી હતી, તેને વટાવી ખાવાનું પાપ હું નહીં કરું. કોઈને મારો ભૂતકાળ પણ કહ્યો નહીં, પરંતુ કેટલાક શ્રીમંતોના ઘેર મકાનનું રંગકામ કરતી વખતે મને બ્રિટીશ ઉચ્ચારો સાથેનું અંગ્રેજી બોલતો જોઈને તેમને થતું ખરું કે આ બે કોડીનો કારીગર કોઈ ભવ્ય ભૂતકાળ પંડમાં સંઘરીને બેઠો છે. ઘણીવાર આઝાદી વખતે જેમની ઉંમર ૧૦ વર્ષની પણ નહીં હોય તેવાઓને 'સ્વાતંત્ર્ય સેનાની'ના લેબલ લગાડીને ફરતાં જોઉં ત્યારે થતું કે એ વખતે એમની ભૂમિકા શું હશે? હું મારા અંતરાત્માને અનુસર્યો એનાથી મોટો ખિતાબ ક્યો હોઈ શકે? તમે રોજ સવારે અરીસામાં તમારી આંખ સાથે આંખ મીલાવીને વાત કરી શકો એનાથી મોટો શિરપાવ કે આત્મગૌરવ હોઈ ન શકે. કદાચ, પિતાજીને પણ આ ગમ્યું જ હશે. બીજું તો શું કહું ?'
જીપ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચી અને 'બિનવારસી' લાશ બાંકડા પર ઉતારાઈ. વોર્ડબોયે પ્લાસ્ટીકની ચેઈન સ્હેજ ખોલી અને એ જોઈને ડૉક્ટર બોલ્યા, 'અરે, આ તો બાબુકાકા. આઝાદીના સંક્રમણની જીવતી-જાગતી વાર્તા. ગાંધી, સુભાષ વચ્ચેની વિચારધારામાં અટવાતાં સ્વાતંત્ર્ય સંગ્રામનો એક જીવતો જાગતો શહીદ. શ્વાસોચ્છવાસ ચાલતા હતા ત્યાં સુધી તો એમની વાત કહેવાની ના પાડી હતી...' ડૉક્ટરની આંખમાંથી સરકતી અશ્રુધારા જોઈ ચમનાજી બોલ્યા, 'આ બિનવારસી લાશ નથી... જો દેખાય તો એના ૧૨૦ કરોડ વારસદાર છે.'
- દક્ષેશ પાઠક

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved