Last Update : 22-August-2012,Wednesday

 

સ્મરણ મંજૂષા પણ એક કીમતી જણસ છે

એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

 

સંસ્કૃત ભાષામાંથી આપણી ભાષામાં સીધા ઉતરી આવેલા શબ્દને તત્સમ્‌ કહે છે. વખત જતાં કેટલાક શબ્દો આ મૂળ શબ્દ પરથી રચાયો છે તેને તદ્‌ભવ કહે છે.
એક સંસ્કૃત શબ્દ છે મંજૂષા. જેના પરથી આપણે ત્યાં ‘મજૂસ’ શબ્દ આવ્યો. મંજૂષા એટલે એક પેટી કે પટારો, જેમાં કંિમતી જણસ સચવાઈ હોય. મજૂસ એટલે પણ એવા અર્થમાં ઉપયોગમાં આવતું સાધન. મંજૂષામાં એ જ હોય જેના મોહમાં હોય, જેને સાચવવું હોય, સાચવવા જેવું હોય, સાચવવું ગમે એવું હોય. જે મહત્ત્વનું છે તેવું બઘું મંજૂષામાં સચવાય. મંજૂષાને તાળું હોય, ન ય હોય. પણ એથી એમાં રહેલી જણસનો મહિમા ઘટતો નથી. મંજૂષામાં છે એ મહત્ત્વનું છે.
સ્થૂળ જણસ સાચવતી મંજૂષાની જેમ એક સ્મરણ મંજૂષા પણ હોય છે. એવી મંજૂષા જેમાં સ્મરણ સચવાઈ રહ્યા છે. સ્મરણ રૂપે જે કૈં સચવાય છે એ આપણા મન- હૃદયને તીવ્રતાથી સ્પર્શ્યું હોય છે જે ભૂલાયું નથી, ભૂલાતું નથી, અથવા યાદ છે, યાદ આવી જાય છે. આ સ્મૃતિનો સ્વાદ કડવો અને મીઠો બંને હોઈ શકે, એવી જ હોય એની ગંધ, એવો જ હોય એનો નાદ, એવો જ હોય એનો સ્પર્શ. સ્મરણ એ કે જે ભૂલાયું નથી, આપણાથી ય અજાણ એ આપણી જ ભીતર સચવાઈ રહ્યું હોય અને સમય- સંજોગ અનુસાર યાદ આવે, બહાર આવે કેટકેટલું તો રહે છે કાયમ માટે ભીતરે જ ભંડારાયેલું એવું તો વળી કેટલુંક ક્યારેય તરી આવે છે સપાટી ઉપર. તો કેટલુંક વળી કદી ય નજરથી ઓઝલ થતું નથી. સતત એનો અનુભવ કરાવ્યા કરે છે એની ઉપસ્થિતિની નોંધ કરાવ્યા કરે છે.
સ્મરણ મંજૂષા ખોલવાનીય ઘડી હોય છે. મૂહૂર્ત હોય છે ને ક્યારેક કોઈ જ પ્રકારની પૂર્વધારણા વિના જ એ ઓચંિતી ખૂલી જાય છે. એનું ખુલવું અકસ્માત લાગે છે પણ અકસ્માત હોતું નથી એને કોઈ ઉદ્દીપક મળી જાય છે ત્યારે એ ખૂલી જાય છે, ને ક્યારેક આપણને જે ઇચ્છા થઈ આવે છે સ્મરણની આ સંદૂકને ખોલવાનું. સ્મરણ સંદૂક કે સ્મરણ મંજૂષા એ માત્ર ટાઇમ કેપ્સ્યુલ નથી. એમાં કોઈ આંકડાકીય કે સ્થૂળ વિગતોની માહિતી માત્ર હોતી નથી. એ એથી ઘણું વિશેષ છે. અહીં કદાચ પ્રથમ મિલન વખતના વસ્ત્રોનો રંગ વિસરાઈ જાય છે પણ ઉત્તંગ સ્મૃતિરૂપે સચવાય છે. તો વળી ક્યારેક એમાં ઝીણામાં ઝીણી વિગતોનીય યાદ હોય છે. અહીં કશું ઐચ્છિક નથી. જે ભૂલવું હોય એ જ યાદ હોય એવું બને જે યાદ રાખવું ગમે એ જ વિસરાઈ જાય એવું ય બને. સ્મરણ મંજૂષા ભલે આપણી છે પણ એમાં સચવાયેલા સ્મરણો આપણી પસંદ નાપસંદ અનુસારના નથી હોતા એ એની વિશેષતા છે.
સ્મરણ મંજૂષામાં સ્મરણો સચવાય છે. એ કંિમતી છે માટે સચવાય છે એવું નથી એ સચવાય છે માટે કંિમતી થઈ જાય છે. આપણને એની કંિમત કાલાંતરે સમજાય છે જે તે સમયે નગણ્ય લાગેલી બાબત મહામુલી બની જાય છે ને જે જાળવીને જીવનની જેમ મૂકી હોય એ સમય જતાં મંજૂષાના કોઈ ખૂણે હડસેલાઈ જાય છે. કેટલાક સ્મરણો હોય છે પાણીદાર મોતી જેવાં, સદા ચમકતા. કેટલાય પર સહેજસાજ ઘૂળ ચડી હોય છે. સ્હેજ ઝાંખા પણ લાગે છે પણ ઘૂળ ઉડતા- ઉડાડતાં જ પાછા પૂર્વવત્‌ ચમકી ઉઠે છે. કેટલાકને બાપદાદાને વારાના વાસણોની જેમ ઉટકવા ય પડે તે પછી નવનકોર ઝગમતાં ! કેટલાંક સચવાય. કેટલાંકને સાચવવા પડે કોઈ ચમકે, કોઈને ચમકાવવાં ય પડે.
આ ‘સ્મરણ’ શબ્દ કેટલાંક શબ્દો સાથે જોડાઈને અનોખું ભાવવિશ્વ રચે છે. આવા વિષયમાં લટાર મારી આવવા જેવું છે. કેટકેટલું જડેલું ખોવાશે ને ખોવાયેલું જડશે.
સ્મરણનો પ્રાસ ઝરણ સાથે મળે છે. ઝરણાં ચંચળ છે ગતિશીલ છે પણ એનો જળરાશિ અમાપ અને અગાધ નથી. એની મજા એના જથ્થા કરતા એના રૂપ અને એની ગતિમાં છે. કાળમીંઢ પથ્થરો વચ્ચેથી ય ઝરણ વહી આવે છે એ રોક્યું રોકાતું નથી એ ભલે પળવાર જ રહે પણ ભીંજવી જાય છે. સ્મરણનું ય ઝરણ જેવું જ.
સ્મરણનો પ્રાસ રણ સાથે પણ મળે છે. રણનો સંબંધ ઝાંઝવા સાથે છે, મૃગજળ સાથે છે. જળનો આભાસ ખરો પણ અભાવ પણ ખરો. સ્મરણરણમાં એવો અનુભવ પણ થાય. જળનો ભ્રમ ગતિમાં વધારો ય કરે ને એના આધારે સફર કપાય પણ ખરી. અને ક્યારેક ભ્રમ નિરસન થતા અધવચ્ચે જ અવરોધાય પણ ખરી. ઝરણમાં તૃપ્તિ છે, રણમાં તૃષા છે. સ્મરણમાં બંને છે. તૃષા ય જગાવે ને તૃપ્તિનો અનુભવ પણ કરાવે. સ્મરણ ચરણના ઓશિયાળા નથી. એ જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જ જાય. હૈયાથી તે હોઠ સુધી ને ત્યાંથી આંખોના આંસુ સુધી.
આ સ્મરણ સાથે જોડાયેલી પ્રવાહિતા તે કારણે જ સ્મરણનું સરોવર, સ્મરણની સરિતા ને સ્મરણનો સાગર પણ કાને પડે છે. સ્મરણ સરોવરના જળ, વાતાવરણમાં મળતા, હળું હળું કંપે છે, સ્પંદિત થાય છે. લહર ઉઠે, મોજા નહિ. સરોવરમાં કાંકરી પડે ને ફૂલ પાંખડી પડે તો ય જળ તરંગાય. સ્મરણ જાગૃત થવા માટે ય એ જ બને. સ્મરણ સરિતામાં પૂર આવે. કેટકેટલું તણાઈ જાય ને પુનઃ એના ફળદ્રુપ બનેલા કાંઠે નવું મૂળ નાખીને મ્હોરી ય ઉઠે. સ્મરણસાગરમાં ભરતી ઓટ છે. આવતા મોજાનો ધૂઘવાટ અને જતી વેળા રેતીનો સળવળાટ સ્મૃતિના આવાગમન જેવાં જ છે. આ સાગરમાં મોતી ને માછલાં બંને રહેવાના, પણ સાગરની સતતની ખારાશ સ્મરણમાં ન હોય જેમ જળ ઉષ્ણ થઈને આભે ચડે ને ઠંડી પડીને વરસીને પાછા સાગરે ભળે એવું જ સ્મરણોનું પણ ! વરસે ને પાછા વળે ! એનું નામ સ્મરણ વર્ષા.
એમ તો સ્મરણનું ઝાકળ બંિદુ ફૂલ પાંખડીએ ઝલમલે અને એક બંિદુ છીપમાં બેસીને મોતી થઈ ઝગમગે. બંનેના ઝલમલાટ અને ઝગમગાટ સરખા મહામૂલા ! કારણ કે સ્મરણોને વાપરા નથી હોતા વધાવવાના હોય છે એટલે જ એ અમૂલ છે. એમ તો સ્મરણની વાવ પણ કહેવાય છે કે જ્યાં સતત પડઘાતા હોય છે. અવગતિયા ઓરતા, સ્મરણની કૂવાની બખોલમાં ધૂઘવાયા કરે છે વીતેલી વેલના કપોત.
સ્મરણ વર્ષાનાં જળ ભીંજવે ય ખરા ને દઝાડે ય ખરા. એ જીવનમાં લીલપ પણ લહેરાવે ને અતિવૃષ્ટિમાં પ્રશ્નો ય સર્જે. સ્મરણોનો અતિરેક વર્તમાનની ધરતી પરથી મૂળ ઉખેડી નાખે છે. જીવાતા જીવનનો સંપર્ક કાપી નાખે છે. મેળામાં આંગળી છૂટી ગયેલા બાળક જેવો અનુભવ થાય છે. આસપાસ બઘું જ અજાણ્યું લાગે છે ને કોઈ પોતાનાને શોધવા નજર દોડે છે.
સ્મરણનું વન કહી શકાય છે, ઉપવન નહિ. ઉપવનમાં બઘું જ વ્યવસ્થિત અને ઇચ્છિત વાવેલું ને ઉગેલું હોય છે. વનને અડાબીડનું સૌંદર્ય હોય છે અહીં થોડો ડર હોય છે. થોડો રોમાંચ હોય છે. સ્મરણના વનમાં ફરતા ફરતા કેડી ભૂલાય છે પણ ભૂલા નથી પડાતું. આપણે વાવ્યા સિવાયનું ય કેટલું બઘું ઉગી નીકળ્યું છે. એનો એ અનુભવ હોય છે. સ્મરણોનો રાજમાર્ગ ન હોય, સ્મરણોની કેડી હોય છે. કારણ કે એના પર ચાલનાર આપણે જ હોઈએ છીએ કેડી એ રોજ હરવા- ફરવાનું ન હોય. એના પર તો ક્યારેક જ લટાર મારવાની હોય. સ્મરણોની કેડી પરની લટાર દરમિયાન કેટલાં જાણીતા તો કોઈક વળી અજાણ્યા ય સામા મળે છે.
સ્મરણોનું વૃક્ષ આપણી ભીતર મૂળ નાખે છે ને આપણા જ રસકસમાંથી પોષાતું આપણી અંદર જ વિકસતું જાય છે. અહીં ગમતી યાદોની વસંત અને અણગમતી યાદોની પાનખર ઉછરે છે. સ્મરણોના વૃક્ષનો છાંયો જીવતરનો તાપ હરે પણ છે અને આકરા ઉનાળાનો અનુભવ પણ કરાવે છે. સ્મરણોના તાપણે એકલતાની હાડ ગાળતી ઠંડી ઓગાળી શકાય છે. સ્મરણ વર્ષામાં ભીંજાઈ શકાય છે. સ્મરણ વંિઝણે બળબળતા તાપની ઉષ્ણતા સહ્ય બનાવી શકાય છે.
સ્મરણની વિશેષતા એ છે કે સ્મરણની મીઠપ, મીઠાશને બેવડાવે છે. સ્મરણની કડવાશ મૂળ અનુભવ જેટલી કટુ નથી હોતી. સ્મરણને સમય સહ્ય બનાવે છે. દુઃખનું ઓસડ દા’ડા ! સ્મરણશક્તિ એટલે સ્મરણી એવી શક્તિ કે જે ટકી રહેવાની તાકાત આપે. જીવી જવાનું બળ આપે. પીડાના તીવ્રત્તમ અનુભવનું સ્મરણ વિચલિત તો જરૂર કરે છે. પણ વિવેકની બ્રેક અવિચારી પગલું ભરતા રોકે છે. હવે જે વીતી ગયું છે તે વીતી ગયું છે. ઘા થઈ ગયા છે એના નિશાન રૂઝાયા પછી ય ભરાય તો ખરા પણ પીડે નહીં એટલી સમજ આવે પછી રાહત રહે છે સમજણ હોય તો સ્મરણ બેકાબૂ નથી બનતા મિલન હોય કે વિરહ, સ્મરણના સથવારે પીડા અને પ્રસન્નતા બંને અનુભવી શકાય છે. પણ સમજણ હોય તો વાસ્તવ સાથેનું અનુસંધાન સચવાય છે.
સ્મરણ સાથે જોડાયેલ એક પ્રયોગ છે ઃ સ્મરણ ઝૂલા.
ઝૂલો ઝૂલે ઝૂલે ઝૂલાય. ઝૂલો એ હંિચકો, પાટ, ખાટ કે પાટિયું નથી. ઝૂલવું ક્રિયાપદ જ ઝૂલાના રૂપને સ્પષ્ટ કરે છે અને એની સાથે જોડાયેલી અપેક્ષા સ્પષ્ટ કરે છે. ઝૂલો સ્થિર ન હોય. ઝૂલે એ ઝૂલો. ઝૂલાવે એ ઝૂલો. ખાલી ઝૂલાને ઝૂલાવવાની વડિલો ના પાડતા. ઝૂલો ખાલી હોય તો ય ખાલી નથી હોતો. એના પર કોઈક કે કશુંક સતત ઝૂલતું જ હોય છે. ઝૂલો આંખોને સુવાડે છે અને સ્મૃતિને જગાડે છે. માનવ મન ગમતું ભૂલે ને અણગમતું ગાંઠે બાંધે. માનવ હૃદય અણગમતું વિસરી જાય ને ગમતાનો ગુલાલ કરે. રંગે ને રંગાય. સ્મરણ ઝૂલે ઝૂલાર એનો અનુભવ કરે છે. આ ઝૂલો એક જ છેડે મનને બીજે છેડે હૃદય સુધી ઝૂલે છે. ઝૂલાને ઝૂલાવતી ઠેસ મન-હૃદયને પણ વાગે ! પણ ઝૂલે ઝૂલવા માટે, ઝૂલો ઝૂલાવવા માટે ય ઠેસ તો જોઈએ જ ! ઝૂલો ગમતા અને અણગમતાની વચ્ચે ભલે ઝૂલે, એ અટકવો જોઈએ તો આનંદબંિદુએ જ.
સ્મરણ સાથે સંકળાયેલો એક ઓર શબ્દ છે સ્મરણયાત્રા. આ જીવન સફરને પ્રવાસ કહો, મુસાફરી કહો અને યાત્રા કહો એમાં હેતુફેર મહત્ત્વનો બને છે. પ્રવાસ અને મુસાફરીમાં મંજિલ મહત્ત્વની છે. યાત્રામાં યાત્રા સ્વયં અગત્યની છે. યાત્રામાં ક્યાંય પહોંચવાનું નથી. માત્ર યાત્રિક ભાવે યાત્રામાં હોવાનું છે. પ્રવાસી કે મુસાફરની અંતિમ મંઝિલ નિર્ધારિત છે. લક્ષ્ય છે લક્ષ્યાંક છે પણ યાત્રા સ્વયં લક્ષ્ય છે એમાં હોવું એ જ આનંદ છે. સ્મરણ યાત્રામાં રહેલો ‘યાત્રા’ શબ્દ એનો હેતુ સ્પષ્ટ કરે છે. યાત્રામાં દર્શન કે પ્રસાદ બહારથી નહિ ભીતરમાંથી જ પામવાનો હોય છે. યાત્રા પથ પર જ હોય છે. પરમાનંદનો સ્વામી અહીં મંઝિલ નહિ માર્ગનો મહિમા છે. સ્મરણ યાત્રામાં જે જે સ્મૃતિસ્થાનો આવે છે એ ધાર્યા અણધાર્યા તીર્થસ્થાનો સાન છે. દર્શન કરો અને આગળ વધો. ક્યાંય રોકાવાનું નથી, બંધાવાનું નથી. જો બંધાયા તો ગંધાયા જો વહેતા ચાલ્યા તો સુગંધાયા. કોઈ પણ સ્મરણનું બંધન નહીં, વળગણ નહી પ્રવાસ- મુસાફરી જેવા કોઈ જ આગોતરા આયોજન યાત્રામાં નથી હોતા. અહીં સ્મરણોનો સામનો ભારરૂપ નથી. સાચવવાની ચંિતા નથી. સ્મરણોની સાંકળ છે પણ સ્મરણમંજૂષા ને તાળું નથી. એ આપણી મંજૂષા છે. કોઈ ખોલાવે, કોઈને કારણે ખૂલે, આપણે જ ખોલીએ કે સહજ જ ખૂલી જાય... એને ચોરીની ચંિતા નથી નવું ઉમેરાવાની શક્યતા છે. પ્રવાસી તો સાથે સ્વેટર ને છત્રી ને હાથપંખો ત્રણે રાખે છે. ક્યારે શું જરૂરી બને ? યાત્રિક તો તમામ અનુભવ માટે મુક્ત મને નીકળ્યો છે. સ્મરણ યાત્રા એ હળવો ફૂલ બનીને તમામ ભારને હેઠે મૂકીને કહે છે ઃ એક બે ને સાડાત્રણ !

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved