Last Update : 22-August-2012,Wednesday

 

બાપ

ડાર્ક સિક્રેટ્‌સ - રાજ ભાસ્કર

- ત્રણ વર્ષ પહેલાં બરાબર એકવીસમી તારીખે વહેલી સવારે અમારા ગેઈટ પર એક માણસ આ બાળકને મૂકી ગયો હતો

ભાગ-૨
વહી ગયેલી વાત
(ત્રણ વર્ષ પહેલાં ભરત અને ઉષાના દીકરા મોન્ટુને કોઈ કચ્છના એક રિસોર્ટમાંથી ઉઠાવી જાય છે. ભરત દીકરાને ત્રણ વર્ષથી શોધી રહ્યો હોય છે. લાખ્ખો રૂપિયા બગાડી નાંખે છે પણ એ મળતો નથી. એક દિવસ એ પત્ની સાથે ઝઘડીને ચાલ્યો જાય છે. ઉષા ઘેલાણી પાસે આવીને ફરિયાદ લખાવે છે. ઘેલાણી એને શોધવા માટે કચ્છ જાય છે. એ વખતે કેસ સંભાળનાર ઈન્સપેક્ટર ખાનને મળે છે, ભરત જેની મદદ લેતો હોય છે એ ડિટેક્ટીવ બોસને મળે છે અને રિસોર્ટના માલિક પંકજને પણ મળે છે. બધા એક જ વાત કહે છે કે ભરત અહીં આવ્યો હતો અને પૈસા માગતો હતો. એક દિવસ ઉષા વાત વાતમાં અનાથાશ્રમનો ઉલ્લેખ કરે છે અને એ શબ્દ પરથી ઘેલાણીને ક્લુ મળે છે. એ નાથુને બૂમ મારે છે, નાથુ આઈ હેવ ગોટ ઈટ... હવે આગળ...)

 

નાયગ્રાના ધોધ જેમ વરસાદ આસમાનમાંથી ખાબકી રહ્યો હતો અને પાછો પવન એક્સોને એંસીની સ્પીડથી પાછો વળવાનું નામ નહોતો લેતો. કચ્છની સડક પર માંડ માંડ આગળ વધી રહેલી જીપમાં ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુ બેઠા હતા. પવનના સપાટાથી જીપ ફગી રહી હતી. ઘેલાણીએ કહ્યું, ‘ભાઈ, સાવચેતીથી ચલાવજે ! ભરતને શોધવાની લ્હાયમાં ક્યાંક આપણે ખોવાઈ ના જઈએ.’
‘ફિક્ર નોટ સાહેબ ! મૈં હું ના ! પણ સાહેબ ! મને એક વાત નથી સમજાતી કે તમે આમ તાબડતોબ કચ્છ જવાનું કેમ ગોઠવ્યું ? અને અનાથાશ્રમને અને આ કેસને શો સંબંધ ?’
‘માય ડિયર નાથુ, મોડું કરીએ તો બહું મોડું થઈ જાય એમ છે. અને અનાથાશ્રમને અને મોન્ટુને સંબંધ છે. મેં જુનો કેસ તપાસ્યો. પોલીસે બધે તપાસ કરી હતી. પણ અનાથાશ્રમની નહોતી કરી. મને થોડી શકા જાય છે...’
‘એટલે તમારું કહેવું એમ છે કે ભરત અને ઉષાનો દીકરો મોન્ટુ તમારી રાહ જોઈને અનાથાશ્રમમાં બેઠો હશે અને તમે જશો એટલે મળી જશે એમ !!! તમેય યાર હવામાં હળ હાંકો છો...’
‘નાથુ, મનેય ખબર છે કે એમ કંઈ ત્રણ વર્ષથી મોન્ટુ અનાથાશ્રમમાં મારી રાહ જોઈને નહીં બેઠો હોય. પણ હું જે કરવા માંગુ છું એ મને અત્યારે નહીં સમજાય. તું ચૂપચાપ બેઠો રહે..’
વરસાદનું જોર વઘ્યું હતું. નિશ્ચિત અંતર રાખીને પડતા વરસાદના છાંટા જેમ જ એમની પાસેના તર્ક અને ગુનેગારનું નામ એકબીજાથી થોડા થોડા અંતરે દૂર હતા. એમનું તર્કશાળી દિમાગ એક એક અંકોડા ગોઠવતું હતું. પણ પુરાવા નામે એમની પાસે કોઈ નક્કર માહિતી નહોતી. એ પુરાવા માટે જ એ અત્યારે અનાથાશ્રમ જઈ રહ્યા હતા.
એક કીચુડાટ સાથે જીપ કચ્છના પરા વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથાલય પાસે જઈને ઊભી રહી. નાથુ અને ઘેલાણી વાતો કરતા કરતા અંદર જતા હતા ત્યાંજ ઘેલાણીનો મોબાઈલ રણક્યો. સ્ક્રિન પર ઈન્સપેક્ટર ખાનનું નામ ઝળકી રહ્યું હતું, ઘેલાણીએ ફોન રિસીવ કર્યો, ‘યેસ, ઈન્સપેક્ટર બોલો ! શું ખબર છે ?’
‘ખાસ કંઈ નથી. ગઈ કાલે એક દારૂડિયાએ બોર્ડ પર લાગેલો ભરતનો ફોટો જોઈને કહ્યું કે થોડા દિવસ પહેલાં એણે ભરતને ડેમ તરફ જતા જોયો હતો. ક્યાંક ભરતે આત્મહત્યાતો નહીં કરી લીધી હોય ને ?’
‘ખાન, હું અત્યારે માતૃછાયા અનાથાશ્રમમાં તપાસ કરી રહ્યો છું. હું કલાકમાં ત્યાં પહોંચુ છું પછી વાત કરું.’
‘ઓ.કે. સર ! ડઝન્ટ મેટર !’
ઘેલાણી ઓફિસમાં પહોંચ્યા. સત્તાવનેક વર્ષના એક જાજરમાન મહિલા ત્યાં બેઠા હતાં. ઘેલાણીએ થોડી ઔપચારિક વાત કરીને પછી પૂછ્‌યું, ‘બહેન, આપનું નામ જણાવશો ? આપ કેટલા વર્ષથી અહીં છો ?’
‘જી, મારું નામ અનસુયા પટેલ ! વીસ વર્ષથી અહીં કામ કરું છું.’
‘ઓહ... તો તો તમે જરૂર અમારી મદદ કરી શકશો. બોલીને ઘેલાણી કહ્યું, ‘બહેન, આજથી ત્રણેક વર્ષ પહેલા વીસમી જુલાઈના રોજ સફારી ડેઝર્ટ રિસોર્ટમાંથી એક બે વર્ષનું બાળક ગુમ થયું હતું. મારે એ જાણવું છે કે વીસમીથી લઈને પછીના અઠવાડિયા કે મહિના સુધીમાં આપને ત્યાં કેટલાં બાળકો આવ્યા હતા. એમને કોણ લઈને આવ્યું હતું ? અને એ બાળકો અત્યારે ક્યાં છે ?’
‘સાહેબ, ત્રણ વર્ષમાં તો અનેક બાળકો આવ્યા અને ગયા. તમે કેવી રીતે શોધી શકશો એને ?’
‘બહેન, મારી પાસે એનો ફોટો છે. અને ત્રણ વર્ષનો નહીં, માત્ર મહિનાનો રેકોર્ડ હશે તોય અંદાજ આવી જશે.’
‘વાહ, ફોટો હશે તો વાંધો જ નથી. અમારે ત્યાં જ્યારે બાળક આવે ત્યારે અમે એનો ફોટો પાડીને રાખી મુકીએ છીએ. કોઈ બિચારુ વખાનું માર્યું વર્ષો પછી આવે તો ઓળખવામાં તકલીફ ના પડે. અને અમેય ના છેતરાઈએ.’
ઘેલાણી ખુશ થઈ ગયા. એમણે મોન્ટુનો ફોટો અનુસુયા બહેન સામે ધર્યો. અનસુયા બહેને તરત જ ત્રણ વર્ષ પહેલાનો રેકોર્ડ અને ફોટા મંગાવ્યા. દસ જ મિનિટમાં મોન્ટુની માહિતી અને એને મુકવા આવનાર માણસનું નામ પણ મળી ગયું. અનસુયાબહેને માહિતી આપી, ‘સાહેબ આજથી ત્રણ વર્ષ પહેલા બરાબર એકવીસમી તારીખે વહેલી સવારે અમારા ગેઈટ પર એક માણસ આ બાળકને મૂકી ગયો હતો અને અમે એને સંભાળી લીધો.’
ઘેલાણીએ ઉત્સાહથી કહ્યું, ‘બહેન, એ બાળક અત્યારે ક્યાં છે ?’
‘સાહેબ, એને તો પછી છ જ મહિના પછી એક ફેમિલીએ દત્તક લઈ લીધો હતો.’
‘ઓહશીટ... ક્યાં છે એ ફેમિલી ? એનું એડ્રેસ આપો.’
અનુસુયા બહેને રેકોર્ડ તપાસીને નામ અને સરનામું આપ્યું, ‘અશોકભાઈ મનુભાઈ સાંગાણી. રહે. બોરીવલી, મુંબઈમાં. બોરીવલી રેલ્વે સ્ટેશનની પાસે જ મનોહર વિલામાં એનો ફલેટ છે. નંબર છે એક્સોને આડત્રીસ.’
ઘેલાણીએ કપાળે હાથ મુક્યો. જે વિગતો મળતી હતી એમાંથી થોડીક એમની ધારણા મુજબની હતી અને થોડીક એમની ધારણા બહારની. એમણે હતાશાભર્યા અવાજે કહ્યું, ‘અનસુયાબહેન ! એ વખતે આ કેસ બહું ચર્ચાયેલો. કોઈ તમારા દરવાજે એક બાળક મૂકીને ગયુ છે તો તમે કેમ એ વાતની જાણ પોલીસને ના કરી ?’
‘કરી હતીને સાહેબ ! મેં તરત જ ઈન્સપેક્ટર ખાનને જાણ કરી હતી. એ અહીં આવ્યા પણ હતા. પણ બાળકને જોઈને એમણે કહ્યું હતું કે આ એ બાળક નથી.’
‘વ્હોટ !’ ઘેલાણી ચોંકી ગયા. આખીયે વાત એમની સામે કલીઅર થઈ ગઈ હતી. મોન્ટુના અપહરણમાં ખુદ પોલીસનો જ સાથ હતો. પછી એ ત્રણ વર્ષ તો શું, ત્રીસ વર્ષ પણ ક્યાંથી મળવાનો હતો ?
‘આભાર અનસુયાબહેન !’ બોલીને ઘેલાણી તરત જ બહાર નીકળી ગયા. બહાર આવીને તરત એમણે બોરીવલી પોલીસ સ્ટેશને કોલ કર્યો અને જેમ બને એમ ટૂંકમાં તમામ વિગતો આપીને પોલીસને અશોકભાઈ સાંગાણીના ફલેટ પર તપાસ કરવા મોકલ્યા.
‘સર, શું થઈ રહ્યું છે આ બઘું ?’ નાથુએ પૂછ્‌યું.
‘નાથુ, ઈન્સપેક્ટર ખાન આ કેસના ગુનેગાર સાથે ભળેલો છે. મેં એને હમણાં જ વાતમાંથી વાતમાં કહી દીઘું કે હું અનાથાશ્રમે તપાસ કરવા આવ્યો છું. એને અંદાજ આવી ગયો હશે કે મને અહીંથી મોન્ટું વિશેની માહિતી મળી જશે. એટલે મને શક છે કે એ તાત્કાલીક એને દત્તક લેનારને ગાયબ કરી દેશે. ખેલ બહું ઊંચો છે, દોસ્ત !’
બન્યું પણ એવું જ, કલાક પછી મુંબઈથી ફોન આવ્યો. અશોકભાઈ સાંગાણી એમના આખા ફેમિલી સાથે ગાયબ છે. ફોન મૂકતા ઘેલાણી બોલ્યા, નાથુ હવે અશોકભાઈ સાંગાણી ક્યારેય એ ફલેટમાં પાછા નહીં આવે મેં તને કહ્યું હતું ને કે ખેલ બહું ઊંચો છે. આ એક કલાકમાં તો ખાને એને સપરિવાર ગાયબ કરી દીધા.
‘એટલે એનો અર્થ એમ થયો કે મોન્ટુ હવે ક્યારેય નહીં મળે !’
‘ના, દોસ્ત ! મોન્ટુ મળી જશે... આજે જ અત્યારે જ...’
‘અને ભરત ? આપણો મૂળ કેસ તો ભરતને શોધવાનો છે સાહેબ !’
‘એ પણ મળી જશે.. બધા જ મળી જશે.. આજે અત્યારે જ. ચાલ મારી સાથે.’ બોલીને ઘેલાણી આગળ વઘ્યા અને નાથુને એક ચોક્કસ સ્થાને જીપ લેવા માટે કહ્યું.
જીપ એક બંગલાના પોર્ચ આગળ આવીને ઊભી રહી ત્યારે રાતના સાડા બાર વાગી રહ્યાં હતા. નાથુએ દરવાજો ખખડાવ્યો. નોકરે દરવાજો ખોલ્યો અને વર્દી જોઈ સીધી જ એના શેઠને બૂમ મારી. શેઠ હાંફળાફાંફળા બેડરૂમમાંથી બહાર આવ્યા અને પોલીસને જોતા જ એમના ચહેરા પરનું નૂર ઊડી ગયું. ઈન્સપેક્ટર ઘેલાણીને જોઈને એમના લમણે રિવોલ્વર તાકી દીધી, ‘શેઠ તમારો ખેલ ખતમ થયો. બોલો મોન્ટુ અને ભરત ક્યાં છે ?’
‘કોણ મોન્ટુ અને કોણ ભરત ? હું કોઈને નથી ઓળખતો.’
‘એ તો ડંડા પડશે પછી બધાને ઓળખવા લાગશો ચાલો !’ નાથુએ એમને ધક્કો માર્યો અને આગળ કર્યા. પછી નાથુએ આખુ ઘર ફેંદી માર્યું પણ ન તો મોન્ટુ મળ્યો કે ન તો ભરત. પણ બીજા દિવસે પોલીસ સ્ટેશનનું ડંડા છાપ ભોજન લીધા બાદ શેઠ સાહેબે બધો જ ગુનો કબુલી લીધો અને ભરત અને મોન્ટુને જ્યાં છુપાવ્યા હતા એ સરનામું પણ આપી દીઘું. એ શેઠ સાહેબનું નામ હતું પંકજ પટેલ. સફારી ડેઝર્ટ રીસોર્ટના માલિક પોતે.
પંકજે ભરતને એક અવાવરૂ જગ્યાએ બાંધી રાખ્યો હતો અને મોન્ટુને એક ફેમીલીને ઘરે મુક્યો હતો. ઘેલાણીએ બંનેને છોડાવી લીધા. તથા ઈન્સપેક્ટર ખાન વિરૂદ્ધ પણ કાર્યવાહી ચાલુ થઈ ગઈ।
જ્યારે ઘેલાણીએ ભરતના હાથમાં એનો દીકરો મૂક્યો ત્યારે એ પોક મૂકીને રડી પડ્યો. આ ત્રણ વર્ષમાં જેટલાં આંસુ દીકરાના વિરહની ખુશીમાં વહ્યાં હતા એના કરતા દસ ગણા આંસુ એના મિલનની ખુશીમાં વહી પડ્યા. દીકરાને ભેટીને એક તરડાયેલો બાપ પાછો મોભ જેમ ઊભો થઈ ગયો. ઉષાની હાલત પણ એવી જ હતી. ઉજડી ગયેલો ખોળો પાછો હર્યોભર્યો થઈ ગયો હતો.
***
બે-ત્રણ દિવસ પછી ઘેલાણીએ ભરતને પૂછપરછ માટે બોલાવ્યો. સાથે ઉષા પણ હતી. ભરતે અથથી ઈતિ સુધીની બધી વિગતો ઘેલાણીને કહી સંભળાવી, ‘સાહેબ, એક દિવસ મારા પર એક ભાઈનો ફોન આવ્યો કે દીકરો જોઈતો હોય તો પાંચ લાખ રૂપિયા લઈને ત્રણ દિવસમાં કચ્છ આવી જાવ. મેં ઉષા પાસે માંગ્યા પણ એણે ના આપ્યા. મેં એ જ દિવસે ઘર છોડી દીઘું. હું ડિટેક્ટીવ બોસ પાસે પૈસા લેવા ગયો. એણેય ના આપ્યા. પણ છતાં પણ મેં પૈસા તૈયાર હોવાનું કહી ફોનવાળા માણસને મળવા ગયો. પણ એણે તો કોઈ જ વાતચીત વગર મારા મોઢે ડુચો મારી મને એક અવાવરૂ જગ્યાએ ગોંધી રાખ્યો હતો. શા માટે અને પછી શું થયું એ મને ખબર નહોતી.’
‘એ હું તને કહું,’ ઘેલાણીએ કહ્યું, ‘તમે જે રિસોર્ટમાં રોકાયા હતા એ જ રિસોર્ટના માલિકે તારા દીકરાનું અપહરણ કરાવ્યું હતું. ઈન્સપેક્ટર ખાન પણ એની સાથે સામેલ હતો. તુ ત્રણ વર્ષથી છાલ નહોતો છોડતો એટલે એમને એમ લાગ્યું કે એક દિવસ તારો હાથ એમના ગળા સુધી પહોંચી જશે. એટલે એક કાવતરું કરીને એમણે તને પાંચ લાખ રૂપિયા લઈને બોલાવ્યો અને તારું પણ અપહરણ કરી નાંખ્યું. અમે તપાસ કરવા ગયા ત્યારે ખાને અને પંકજે અમને પણ ગેરમાર્ગે દોરવા એવું બયાન આપ્યું કે તું રીવોલ્વર લઈને ફરે છે, ખાનના એક હવાલદારને માર્યો, પંકજની ઓફિસે પણ ગયો હતો વગેરે... ખોટી માહિતી આપી.’
‘પણ સાહેબ એણે મારા દીકરાનું અપહરણ શા માટે કર્યું ?’
‘બહુ સામાન્ય વાત હતી. તારો દીકરો હતો જ એટલો રૂપાળો કે એ એના પર મોહી પડ્યો હતો. તમે ત્રણ દિવસ રિસોર્ટમાં રહ્યાં હતા. એક દિવસ એ તારા દીકરાને કંઈક ખવડાવતો હતો. એમાં તેં એની સાથે ઝઘડો કર્યો. ત્યારે તમારા બે સિવાય ત્યાં કોઈ નહોતું છતાં પંકજને બહું લાગી આવ્યું અને એણે તને તડપાવવા માટે મોન્ટુનું અપહરણ કરાવ્યું.’
ભરત કંઈ બોલ્યો નહીં, ઉષા પણ ચૂપ રહી. જતા જતા ભરત ઊભો થયો અને ઘેલાણીસાહેબને પગે લાગ્યો, ‘સાહેબ તમારો આભાર માનું એટલો ઓછો છે. તમે મને મારો દીકરો નહીં, મારી દુનિયા આપી છે.’ ઉષાની આંખમાં પણ આંસુ હતા. ઘેલાણીએ હસીને બંનેને વિદાય આપી.
***
બીજો દિવસ ગરમા ગરમ ચાના ઘુંટડા સાથે નાથુએ ઘેલાણીને ઉદેશીને કહ્યું, ‘મારા શેરલોક હોમ્સસાહેબ, એવું જરૂરી છે કે વોટસન જેમ હું પણ તમને પૂછું પછી જ તમે કહો કે તમે પંકજને પકડ્યો કેવી રીતે ?’
‘ના... ના હવે ! એવું નથી !’
‘તો પછી કહો તો ખરા કે તમને પંકજ પર શક કેવી રીતે ગયો ? કઈ હિન્ટ પરથી તમે એને પકડી પાડ્યો ?’
ઘેલાણીએ ખોંખારો ખાઈને વાત શરૂ કરી, ‘તને યાદ હોય તો આપણે જ્યારે રિસોર્ટના સિક્યોરીટી ગાર્ડને મળ્યા ત્યારે આપણે એને પંકજના ફેમિલી વિશે પૂછ્‌યું હતું. એણે કહેલું કે, પંકજ અપરણિત છે અને એણે એક છોકરો દત્તક લીધો છે. એ વખતે તો મારા મનમાં શંકા નહોતી ગઈ. પછી એક દિવસ ઉષા આવી અને અનાથાશ્રમની વાત કરી ત્યારે મારા મનમાં એકદમ વિચાર ઝળક્યો કે કદાચ પંકજે જ મોન્ટુનું અપહરણ કરાવીને અનાથાશ્રમ વગેરેમાં તો નહીં મુક્યો હોય ને ? પછી જે થયું તે તને ખબર છે. ભરત ગુમ થયો એ દિવસથી એનો મોબાઈલ એણે જાતે જ સ્વીચ ઓફ રાખેલો. પણ મને પંકજ પર શક એટલા માટે ગયો કે છેલ્લે ભરતના મોબાઈલનું લોકેશન પંકજના રિસોર્ટની આસપાસનું બતાવતું હતું.’
‘વેરી ગુડ જોબ સર !’ નાથુએ કંઈક અલગ જ પ્રકારના ભાવ ચહેરા પર લાવતા કહ્યું, ‘હવે તમે મારાથીયે સાચી વાત છૂપાવતા થઈ ગયા એમને ! તમારો આ તર્ક સાચો પણ વાત અઘૂરી છે. અને હા, તમે મોન્ટુના અપહરણનું જે કારણ આપ્યું છે એ પણ તદ્દન ખોટું છે. સાચું બોલો, સાહેબ વાત શું છે ?’
ઘેલાણી નાથુ સાથે આંખ ના મિલાવી શક્યા. થોડીવાર એ ચૂપ રહ્યાં પછી બોલ્યા, ‘નાથુ, મેં જે વાત કરી એમાં ફક્ત અપહરણના કારણની વાત ખોટી છે. બાકી સાચું છે, પણ મારા ગળા પર હાથ મૂકીને સોગંધ ખા કે હું તને હવે જે કહું એ વાત તું ક્યારેય કોઈને નહીં કરે...!’
‘તમારા સમ સર !’
‘તો સાંભળ, મને જ્યારે સિક્યુરીટીએ કહ્યું કે પંકજે દત્તક પુત્ર લીધો છે ત્યારે મને જરાય શક નહોતો. મને ખબર છે કે આપણે આ કેસમાં જેટલાં પણ લોકોની તપાસ કરી એમની તમામ વિગતો એકઠી કરી હતી. ભૂતકાળની અને વર્તમાનની બંને. એક દિવસ હું આ કેસની ફાઈલ જોતો હતો ત્યારે મારી નજર પંકજના બાયોડેટા પર ગઈ. એમાંથી મને જાણવા મલ્યું કે એ જુનાગઢનો વતની હતો. ઉષા જે કોલેજમાં હતી એજ કોલેજમાં એ જ વર્ષમાં એ પણ અભ્યાસ કરતો હતો. એ પછી મેં જુનાગઢ તપાસ કરાવી. બે જ દિવસમાં ખબર મળ્યા કે પંકજ અને ઉષા એકબીજાના પ્રેમમાં હતા. પ્રેમમાં શરીર સંબંધ બાંઘ્યો અને ઉષા પ્રેગ્નેન્ટ થઈ ગઈ. ઘરવાળાને ખબર પડી. એ ના માન્યા. ઉષાને ભરત સાથે પરણાવી દીધી. મારા દિમાગમાં ઝબકારો થયો. પંકજ પરણ્યો નથી. એણે અનાથાશ્રમમાંથી દીકરો દત્તક લીધો છે. અને એ જ સમયે ઉષાનો દીકરો એના જ રિસોર્ટમાંથી ગાયબ થાય છે. અંકોડા છુટાછવાયા હતા. પછી પંકજે એને પૂરા કરી દીધા. પંકજે મને કહ્યું કે છ વર્ષમાં એણે ક્યારેય ઉષાનો સંપર્ક કરવાની કોશિશ નથી કરી. પણ અચાનક ઉષા અને ભરતને એણે એના રિસોર્ટમાં જોયા. એમના દીકરા મોન્ટુને જોઈ એને ખબર પડી ગઈ કે એ એનો જ દીકરો છે. એનો ચહેરોમહોરો બઘું જ પંકજ જેવું હતું. અને ખરેખર મોન્ટુનો ખરો બાપ પંકજ જ છે. ઉષાને આઠ મહિને મોન્ટુ થયો હતો. જેને પ્રિમેચ્યોર ડિલિવરીમાં ખપાવી દેવામાં આવ્યું હતું.
પંકજ ઉષાને જીવ કરતાંયે વધારે ચાહતો હતો. એણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો હતો. પણ દીકરાને જોતા, પોતાના લોહીને જોતા એની અંદરનું પિતૃત્વ જાગ્યું. એની અંદરનો બાપ આળસ મરડીને બેઠો થયો. અને એણે પોતાના જ લોહીનું અપહરણ કરાવવાનું કાવતરુ ઘડ્યું. ઈન્સપેક્ટર ખાનને ફોડ્યો. દીકરાનું અપહરણ કરાવી અનાથાશ્રમે મુકાવ્યો. અશોકભાઈ દ્વારા એને દત્તક લેવારાવ્યો અને પછી પોતાની પાસે રાખી લીધો.’
નાથુ સ્તબ્ધ હતો, એણે કહ્યું, ‘એટલે કે ઉષા પણ આમાં સામેલ છે...’
‘ના, દોસ્ત ! એને તો ખબર જ નથી. પંકજ હજુ સુધી એની સામે આવ્યો જ નથી. અને મેં પણ પંકજ પકડાયા પછી ઉષા સામે ના આવે એની તકેદારી રાખી છે.’
નાથુની આંખો ભીની થઈ ગઈ, એણે કહ્યું, ‘સર, આ વખતે ભગવાન તમને જશ અપાવશે. તમે આ વાત છુપાવીને ભરતને જ નહીં એક બાપને ઉજડતા બચાવી લીધો છે. ભરતને ખબર પડી જાત કે જેને એ જીવ કરતાંયે વધારે ચાહે છે, જેના માટે એણે આખી જંિદગી દાવ પર લગાવી દીધી હતી એ દીકરાનો બાપ એ નથી તો શી ખબર શું હાલત થાત એની. એ તો બિચારો તૂટી જ જાત.’
નાથુ અને ઘેલાણી વાત કરતા હતા એ વખતે પેંડાનું પાડીકું આપવા આવેલો ભરત બારીમાં ઊભો હતો. પછી એ ત્યાંથી જ પાછો વળી ગયો. બે કલાક પછી ખબર આવી, ‘ભરતે કોઈ અગમ્ય કારણોસર એના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે.’ ઘેલાણી અને નાથુ હથેળીને રેખાઓને ચહેરા પર ચોંટાડીને ઘુ્રસકે ને ઘુ્રસકે રડી પડ્યા. (સમાપ્ત)

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved