Last Update : 22-August-2012,Wednesday

 

અમદાવાદમાં ૫૬ વર્ષ પૂર્વે સનસનાટી મચાવનાર ખૂન કેસ
સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં સુશીલાબેનની કરપીણ હત્યા કરનાર ઘરઘાટીને ફાંસીના માચડે લટકાવ્યો

ક્રાઇમવોચ - જયદેવ પટેલ
- બર્મા શેલ કંપનીના એન્જીનીયરના ઘરઘાટી પોપટને કાઢી મૂકતાં રોષે ભરાઈને સુશીલાની હત્યા કરી હતી
- ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે દયાની અરજી ફગાવી દીધી ઃ આખરે પોપટની ફાંસીનો માર્ગ મોકળો બન્યો

અમદાવાદ શહેરની સાબરમતી મઘ્યસ્થ જેલના કાચા તથા પાકા કામના કેદીઓને સાંજ પડતા પહેલા નિયમાનુસાર જુદી જુદી બેરેકમાં પૂરી દેવામાં આવ્યા. જેલના પહેરેગીર સંત્રીઓએ ‘જાગતે રહો !’ના પોકાર પાડતા રોન લગાવવાનું શરૂ કરી દીઘું. જામતી રાતની સાથે જેલ પરિસર અંધકારના ઓથારમાં હળવે-હળવે લપેટાઈ ગયું. ફાંસી ખોલીનો આજની આખરી રાતનો મહેમાન પોપટ ભયાવહ વિચારોના વમળમાં અટવાતો તરફડીયા મારી રહ્યો હતો. સાંયસાંય કરતી પસાર થઈ રાત્રી વચ્ચે કેટલો સમય પસાર થયો તેનો ખ્યાલ કરાવતા ડંકાના અવાજથી કેદીઓને કેટલા વાગ્યા તેનો ખ્યાલ આવી રહ્યો હતો. રાત્રીની આલબેલ પોકારતા દશ પછી અગિયાર અને પછી મધરાતના બાર વાગ્યાના ડંકાના અવાજ વાતાવરણમાં ઓગળી ગયા. ફરીવાર જેલ પરિસરમાં સન્નાટો પથરાઈ ગયો.
ફાંસી ખોલીનો આખરી રાત્રિનો અતિથિ પોપટ આવતી કાલે પરોઢનું વહાણું કેવું ઉગશે....જ્યારે તે ફાંસીના માચડે લટકી ગયો હશે તેવા ભયાવહ વિચારથી ભીતરમાં કમકમાટી અનુભવતા મુંગુ રૂદન કરી રહ્યો હતો. મધરાતના બાર વાગ્યા પછી જેલમાં પહેરો ભરી રહેલ એક સંત્રી પોપટની ફાંસી ખોલીના દરવાજા પાસે આવીને ઊભો રહી ગયો. દરવાજાના મજબૂત લોખંડી સળીયા નજીક મોં લાવીને સંત્રીએ પૂછ્‌યું - ‘‘પોપટ....તું જાગે છે ?’’ સંત્રીને ખુદને ખ્યાલ હતો જ કે તેના સવાલનો જવાબ આપવા માટે હવે પોપટ પાસે શબ્દો ખૂટી ગયા હતા. ફાંસી ખોલીમાં જીવતરના બાકી બચેલા દિવસોનો હિસાબ-કિતાબ ગણતા એકલા-અટૂલા કેદીઓની મનોદશા તથા મનોવ્યથા કેવી હોય છે તેનો આ સંત્રીને પૂરેપૂરો પરિચય હતો. આમ છતાંયે તે રાત્રિએ પણ જેણે પોપટને તેની આદત મુજબ સાહજીક પ્રશ્ન પૂછ્‌યો હતો. કાજળ કોટડી જેવી ફાંસી ખોલીના દરવાજાના સળીયા પકડીને ઊભા રહેલા સંત્રીનો સવાલ સાંભળ્યો ન સાંભળ્યો કરીને પોપટ તેની સામે ફાટી આંખે જોઈ રહ્યો હતો.
પોતાના પ્રશ્નનો પોપટ કોઈ જવાબ વાળ્યો ન હતો. તેથી સંત્રીને પણ પોપટની ભીતરમાં મચી રહેલા ઝંઝાવાતનો ખ્યાલ આવી જતાં તેણે ધીરજ બંધાવતા કહ્યું હતું કે - ‘‘પોપટ, હવે સઘળો ખેલ ખતમ થઈ ગયો.....ભગવાનનું નામ લે...ઈશ્વર પાસે હાથ જોડીને અરજ કર કે, હે ભગવાન આવતા ભવમાં મને મનખા અવતાર ના આપીશ....આ જનમારામાં બહુ દુઃખ ભોગવ્યા...બસ હવે આવતા ભવમાં વઘુ કષ્ટો સહન કરવા નથી...મને ભગવાન આવતા જનમે કૂતરા-બિલાડા, બળદ-ઘોડો કે ઊંટ બનાવજે કે જેથી કરીને માનવીઓનો ભાર વેંઢરતા-વેંઢરતા ફરી એક દિવસે રસ્તા ઉપર ઢળી પડીને તારી પાસે આવી જઈશ....!!!’’
પોપટના જીવનની આખરી રાત્રે જેલના સંત્રીએ આપેલા બોધને સમજવાની હવે તેના હૈયાએ હામ ગૂમાવી દીધી હતી. પોપટ તરફથી કોઈ વળતો જવાબ નહીં મળતાં સંત્રી પણ ‘‘ભગવાન તારું ભલુ કરે....’’ એટલા શબ્દો ઉચ્ચારીને આગળ નીકળી ગયો હતો. પછી શું થયું ? તેની કહાણી કંઈક આવી છે.
આજથી છપ્પન વર્ષ પહેલાં એટલે કે તારીખ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૫૬ના રોજ પરોઢનું આગમન થયું તે પહેલાં જ સાબરમતી જેલ પરિસરના ફાંસીના માચડે પોપટ જેસીંગને લટકાવી દેવામાં આવ્યો હતો. પોપટ જેસીંગને ફાંસીની સજાનો અમલ કરવામાં આવ્યો હતો ત્યારે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મિસ્ટર દેસાઈ તથા જેલના વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. પોપટની લાશને લેવા ત્યારે કોઈ સ્વજન હાજર ન હતા. આથી સરકારી રાહે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિસ્તારની સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટીના એક બંગલામાં આજથી પાંચ દાયકા પૂર્વે સુશીલાબહેન રાણે નામની એક મહિલાની ઘાતકી હત્યા કરવાના ગૂનાના આરોપસર ત્યારે એલીસબ્રીજ પોલીસે મૃતક સુશીલાબહેનના ઘરઘાટી પોપટ જેસીંગની ધરપકડ કરી હતી. તે જમાનામાં સુશીલાબહેનની કરપીણ હત્યાની ઘટનાએ શહેરના નગરજનોમાં ભારે સનસનાટી મચાવી મૂકી હતી.
પેટ્રોલીયમ પેદાશમાં તે જમાનામાં જાણીતી એવી બર્મા શેલ કંપનીની અમદાવાદ શાખામાં ત્યારે એન્જીનીયર તરીકે ભાસ્કરરાય જયરામ રાણેની નિયુક્તિ થતાં તેઓ પત્ની સુશીલાને સાથે લઈને અમદાવાદ આવ્યા હતા. એલીસબ્રીજ વિસ્તારની સમસ્ત બ્રહ્મક્ષત્રીય સોસાયટીના એક બંગલામાં દંપતીએ મુકામ રાખ્યો હતો. આ વખતે પોપટ જેસીંગ તેમના ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો. દરમ્યાન ભાસ્કરરાય રાણેથી રાજકોટ ખાતે બદલી થતાં તેઓ પત્ની સુશીલાને મૂકીને નવી જગ્યાએ ફરજ ઉપર હાજર થઈ ગયા હતા. આ બાજુ કોણ જાણે ઘરઘાટી પોપટ જેસીંગની હરકતોથી તંગ આવીને સુશીલાબેહેને તેને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો.
ઘરઘાટીની નોકરી છૂટી ગયા પછી પોપટ જેસીંગ નવું કામ મેળવવા માટે રઝળતો રહ્યો હતો. પરંતુ બીજે ક્યાંય કામ નહીં મળતાં તે બેકારીના ચક્રવ્યુહમાં ઘેરાતો ગયો હતો. એક ઘેરથી બીજા ઘેર કામ મેળવવા માટેની રઝળપાટમાં છેવટે નાસીપાસ બની ગયેલ પોપટ જેસીંગે મનમાં વિચાર્યું હતું કે - કદાચ સુશીલાબેન હવે શાંત બની ગયા હશે અને તેને ફરીથી કામ ઉપર રાખી લેશે.
જુના બંગલામાં ફરી કામ મળી જશે તેવું માનીને પોપટ જેસીંગ તા. ૧૪-૫-૧૯૫૫ના દિવસે સુશીલાબેનના બંગલે આવી ચડ્યો હતો. શેઠાણીને હાથ જોડીને ગઈ ગુજરી ભૂલી જઈને ફરીથી ઘરઘાટી તરીકે રાખી લેવા વિનંતી કરી હતી. પરંતુ સુશીલાબેને તેની વાત મંજુર રાખી નહતી. એક બાજુ બેકારીના પરિણામે ઊભી થયેલી બદહાલી અને બીજી બાજુ જુના શેઠાણીની ઘરઘાટી તરીકે ફરી રાખવાની નામક્કરતા જોઈને પોપટ જેસીંગનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. આ પછી તો તે ધારદાર છરી હાથમાં પકડીને સુશીલાબેન ઉપર તૂટી પડ્યો હતો. આવેશમાં ભાન ભૂલીને ઉપરાછાપરી ઘા ઝીંકી રહેલા પોપટ જેસીંગના ઘાતક હૂમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા સુશીલાબહેન મદદ માટે કારમી ચીસો પાડતા ત્યાં જ લોહીના ખાબોચીયામાં પટકાઈ પડ્યા હતા. સુશીલાબેનની મદદ માટેની મરણતોલ ચીસો સાંભળીને દોડી આવેલા પાડોશી રામચંદ્ર ડાહ્યાભાઈને પણ ઘરઘાટી પોપટ જેસીંગે ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ દરમ્યાન સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટીના રહીશોમાં ખૂન... ખૂન...ની બુમરાણ મચી ગઈ હતી. લોકોના એકત્રિત થયેલા ટોળાના ઘેરાવામાં છેવટે પોપટ ઝડપાઈ ગયો હતો.
ત્યારબાદ એલીસબ્રીજ પોલીસે સુશીલાબેનની ઘાતકી હત્યા તથા તેમની મદદે દોડી આવનાર રામચંદ્રભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડવાના આરોપસર ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા ૩૦૭ હેઠળ ગૂનો દાખલ કરીને હત્યારા ઘરઘાટી પોપટ જેસીંગની ધરપકડ કરીને અદાલતમાં કેસ મૂક્યો હતો.
અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ શ્રી સુમન્તરાય ભટ્ટ સમક્ષ શહેરમાં ત્યારે સનસનાટી મચાવનાર આ કેસની સુનાવણી ચાલી ગઈ હતી. જેમાં ન્યાયાધીશ શ્રી ભટ્ટે ફરિયાદ પક્ષ તરફથી ગૂનો પૂરવાર કરવામાં આવ્યો હોવાનું ઠરાવીને હત્યારા ઘરઘાટી પોપટ જેસીંગને ફાંસીની સજા ફરમાવતો ચૂકાદો આપ્યો હતો.
ફાંસીની સજાના હૂકમને ગેરકાયદેસર તથા રદબાતલ કરાવવા પોપટ જેસીંગે મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં અપીલો કરી હતી. પરંતુ જ્યાં તેની અપીલો ફગાવી દેવામાં આવી હતી અને ફાંસીની સજા કાયમ રાખવામાં આવી હતી.
હવે આખરી ઉપાય તરીકે ડૂબતો માનવી તરણું પકડે તે કહેવત મુજબ પોપટ જેસીંગે મુંબઈ સરકાર તથા ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી (મર્સી પીટીશન) કરી હતી. જ્યાં પણ તેની હાર થઈ હતી. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે પોપટ જેસીંગની દયાની અરજી ફગાવી દીધી હતી. આમ આ હત્યારાને ફાંસીના માચડે લટકાવી દેવાના તમામ અવરોધ હવે દૂર થઈ ગયા હતા. આખરે તા. ૬ઠ્ઠી જુલાઈ ૧૯૫૬ને શુક્રવારની વહેલી પરોઢના સાબરમતી જેલમાં ઘરઘાટી પોપટ જેસીંગને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યો ત્યારે તેના મોત પાછળ આંસુ વહેવડાવનાર એવા કોઈ સગાં હાજર ન હતાં.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved