Last Update : 22-August-2012,Wednesday

 

પ્રેમનું જાગરણ, પ્રેમનું મરણ, પ્રેમનું સ્મરણ!

અનાવૃત - જય વસાવડા

 

‘હું તો તમને પ્રેમ કરું છું,’ કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.
‘કહ્યા પછી શું ?’ની પાછળ
શંકા ને આશા,
શબ્દો વરાળ થઈને ઉડે,
ભોંઠી પડે ભાષા
દિવસ સફેદ પૂણી જેવો ઃ પીંજાઈ જતી રાત.
આનંદની અડખેપડખે અવાક્‌ છે આઘાત
જે માણસ પ્રેમ ઉપર છાતીસોંસરવું નીકળે એવું કશું લખી શકતો નથી. એનામાં શ્વાસ ચાલુ હોય છે, જીંદગી બંધ હોય છે. જેણે પ્રેમની ખુશી અને પ્રેમની વેદના અનુભવી નથી, એ માણસ સંચા વગરની પેન્સિલ જેવો છે. દેખાવડો પણ બૂઠ્ઠો. પ્રેમ સુખ આપે કે દુઃખ એ તો પછીની વાત છે, પણ પ્રેમ માણસની અણી કાઢે છે. જેમ ઉકળતા તેલમાં સફેદ લોટના પડ ધરાવતા ધોળા ધોળા સમોસા જ્યારે રતાશ પકડે, ત્યારે કાચાંમાંથી પાકા ખાવા જેવા સ્વાદિષ્ટ બને એમ પ્રેમ ભોળા ભોળા માણસોને ઉકળતી તડપમાં સાંતળીને નક્કર અને પરિપકવ બનાવે છે.
કાળજે કરવત આવે, ત્યારે પ્રેમની વાતમાં કૌવત આવે. ત્યાં સુધી બઘું શાળાની વક્તૃત્વ સ્પર્ધાના જોડકણા જેવું નીકળે. પણ શરાબીના અભિગમથી રોકસ્ટારના રણબીર સુધીનાઓએ જે દર્શાવ્યું છે, એમ એક વાર હાર્ટ ઉપર જવાનજોધ ઉંમરે એટેક થાય, પછી વ્યક્તિત્વમાં વજન આવે. વાંચતા-સાંભળતા વેંત ખબર પડી જાય કે આ સ્વરપેટીમાંથી નીકળેલી ગોખેલી ગળચટ્ટી ચોકલેટી ઇશ્કિયા શાયરીઓ નથી, આ પ્રેમના ‘કામબાણ’થી વીંધાયેલી નાભિમાંથી ધૂંટાઈને નીકળેલી કવિતા છે. એ કવિતા જેમાં બળતા માંસના ભૂંજાવાની ગંધ આવે છે. જેમાં હથેળીમાં એક સાથે ચોળાતા રાતરાણી, જૂઈ, પારિજાત અને મોગરાની સુગંધ આવે છે. જેમાં સ્મશાનમાં જલતી ચિતામાંથી ઊડતી રાખ છે. જેમાં મેધઘનુષ ઉપર ઊડીને સૂર્યકિરણને ચાંચમાં લેતા પંખીની માંખ છે !
એરેન્જડ લાઈફ જીવતા આપણા સમાજમાં સુરેશ દલાલની ઘણીખરી લવ પોએમ્સ ચર્ચાઈ નહિ. કારણ કે, અમુકમાં ગુફાના અંધકારમાં થીજી ગયેલા શરીરનું તાપણું કરીને એકાંત ઓગાળતા આદમ અને ઈવની વાત હતી. તો ઘણીખરી ગુજરાતીમાં ભાગ્યે જ લખાય છે એવી બ્રેક-અપ પોએમ્સ હતી ! હા, વરસાદ વીતી ગયા પછીના પાંખાળાં જીવડાં અને કાદવિયાં ખાબોચિયાનું વર્ણન કરતી કવિતા ! જેમ કે,
વર્ષો પહેલાંની વાત છે.
એક વાર મેં ભરબપોરે
તારી સાથે પ્રેમનો એકરાર કર્યો હતો.
મને તો મળ્યું હતું કેવળ સ્મિત
તારી સંમતિના પ્રતીક જેવું.
પછી તો સાંજ પછી સાંજ
આપણે હળતા રહ્યાં, મળતા રહ્યા,
એકમેકમાં ઓગળતા ગયા !
આપણી હથેળીમાં
જાણે કે આખું વિશ્વ !
હવે હથેળીમાં જોઉં છું
તો દેખાય છે માત્ર
આડીઅવળી હસ્તરેખાઓ
અને એમાં ખોવાઈ ગયેલી તું
એકલો રહેલો હું.
તું-તુંના બે કાંઠાની વચ્ચે
નદી સૂકાઈ ગઈ છે
અને ઘાસ પીળું પડી ગયું છે.
એક તો પ્યારી કવિતાઓના ગંજમાંથી કવિતા ચૂંટવાની, અને પછી એમાંથી અખબારી સ્પેસ ઘ્યાનમાં લઈ અર્થને નુકસાન થયા વિના વિસ્તાર ઘટે એમ પંક્તિઓ ચૂંટવાની ! લવમાં સિલેકશનનું કન્ફયુઝન અને રિજેકશનનું રૂદન સરખા ટેન્શન લઈને આવે છે. સુ.દ.ની અમુક પ્રેમકવિતાઓ સ્વયમ્‌ સ્પષ્ટ છે. તાજી નાહીને ટુવાલ વીંટ્યા વિના જ ઉભેલી યુવતી જેવી ! અને અમુક નવવારી સારીમાં ચણિયા-ચોળી, અંતઃવસ્ત્રો અને અલંકારોથી ઘેરાયેલી સ્ત્રી જેવી, જેમાં એક પછી એક આવરણ ઉતારતા જવા પડે !
જેમ કે -
લીલ લપાઈ બેઠી જળને તળિયે
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે !
કંપ્યું જળનું રેશમપોત,
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઉતરે આખું વ્યોમ,
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ !
પોત એટલે વણાયેલું કપડું, કપોત એટલે કબૂતર, વ્યોમ એટલે આકાશ અને તૃણ એટલે ઘાસ એવું ૧૯૬૫માં સુરેશ દલાલે લખેલા કાવ્યને ૨૦૧૨માં વાંચતી પેઢીને જરૂર સમજાવવું પડે. પણ ઉત્તમ કળા એ છે, જેમાંથી એક સાથે અનેક ઝાંય પડતી હોય, સાચા હીરાની માફક ! રસિકજન પોતપોતાની મનગમતી ઇમ્પ્રેશન એમાં ઝીલી શકે. અહીં એક બાજુએ તો અદ્‌ભૂત પ્રકૃતિવર્ણન છે. આખું વિઝયુઅલાઈઝેશન છે, થ્રીલંિગ નેચરનું વૈજ્ઞાનિક ઘટનાઓ (પાણીને તળિયે બાઝી જતી લીલ, સૂરજના પ્રકાશના ફોટોનકણો, ઘાસ પર ચોંટેલી શબનમ, પવનની પાણીની સપાટીએ થરથરતી અંકાતી લહેરખીઓ) ને ઉપમાઓ (રેશમી વસ્ત્ર, પંખી વગેરે) આપી એમાં કળાત્મકતા ઉમેરાઈ છે. બીજી બાજુ શરમાતી લજાતી કોઈ કન્યા સાથે આંખો કી ગુસ્તાખીયાંનું તારામૈત્રક રચતા કોડીલાં જવાનની મઘુરી મહોબ્બત છે. તો ત્રીજી બાજુ લવ નહિ, પણ લવમેકંિગ યાને સમાગમના ઓર્ગેઝમનું નજાકતથી બયાન કરતો ઇશ્ક ઇરોટિક પણ લાગે !
‘તમને વાદળ, ઘુમ્મસ વ્હાલા અમને ઉજળી રાત, અમે તમારા ચરણ ચૂમશું થઈને પારિજાત’ જેવી માસૂમ મહોબ્બતની શરણાગતિ વર્ણવતા સુરેશ દલાલ ‘પ્રેમ એટલે બે માણસો મળે તે, પ્રેમ એટલે બે માણસો એકમેકને ગળે પડે તે, પ્રેમ એટલે થોડાંક સપના, અઢળક ભ્રમણા’ કહીને પ્રેમગલીને રંગીન પરપોટાના તોરણો બાંધેલી કહી દે છે ! ‘બ્રેક અપ કે બાદ’ના અજંપા અને એકલતાને, પીડા અને પ્રકોપને સુ.દ. એ વારંવાર શબ્દોમાં ગૂંથ્યા અને ધૂંટ્યા છે. પ્રેમમાં તરછોડાયેલો ઇન્સાન માત્ર પોતાની જ કંપની શોઘ્યા કરે છે. ખુદની આંખો સિવાય રોવામાં કોઈ સાથ આપતું નથી, અરીસા સિવાય કોઈ એની સાથે સંવાદ કરતું નથી ! સુ.દ.ના જ શબ્દોમાં ‘સરોવર અને માછલી જેવો સંબંધ માછીમાર અને માછલી’ જેવો થઈ જાય છે ! આ ગ્લુકોઝનું રોઝ શરબત બ્લેક એસ્પ્રેસો કોફીનો શૉટ બની જાય, અને બકૌલ સુરેશ દલાલ આંસુ લૂછવા જાવને છેડો લાગે, ગુલાબ વીણવા જતાં કાંટો અને વાદળ વીણવા જતાં છાંટો લાગે એવી અવસ્થામાં જ્યારે બ્રેક-અપ કે પ્રપોઝલના રિજેકશનનું ખંજર કોઈએ છાતીમાં ભોંક્યા પછી કેવી કેવી અનુભૂતિઓ થાય ? એની અલગ-અલગ છટાઓની ઘટાઓ ચાખો !
મારી ‘હા’ અને તારી ‘ના’ ની વચ્ચે
એક સૂકાઈ ગયેલું સરોવર
પીળું પીળું રણ થઈને
ફેલાયેલું છે !
તારા એક નકારમાત્રથી
હું ફેંકાઈ જાઉં છું જીંદગીથી દૂર દૂર
પૃથ્વી અજાણી લાગે છે
અજાણ્યું લાગે છે આકાશ
આંખો ગુમાવી બેઠી છે
ફૂલના રંગનો સ્વાદ
તારાઓના તેજને નીચોવીનીચોવીને પીઉં છું
અને છતાં મારી તરસ છીપતી નથી.
તારા એક નકાર માત્રથી
નગરની ગલીઓ અને મકાનો
કાગળના પૂંઠામાંથી બનાવ્યા હોય એવા લાગે છે !
ભરબપોરે માથા પર કાચનો સૂરજ
અને નંદવાઈ જતી સાંજ
જીંદગી આખી
પરીકથાઓના ફાટી ગયેલા ચિત્રો જેવી
રાતની કાળી નદી
મારા કિનારાઓને તાણી જાય છે !
કદાચ તેં હા પાડી હોત તો
પતંગિયાના રંગે મારી દીવાલો ગાઈ ઊઠી હોત !
અને શરણાઈના સૂર મને આટલા કરૂણ ન લાગ્યા હોત !
હું તારા પ્રેમને
મારા સુખનો પર્યાય સમજું
એ જ તો મારી ભૂલ !
કોઈ અપૂર્વ સમાધાન
અને સમજણ સાથે જીવું છું.
પણ ક્યારેક સાંજના સમયે
તારા ભણી લંબાયેલા મારા ઝૂરતા હાથમાં
તારી ‘ના’ને જાઉં છું,
અને એકાદ ક્ષણ ઉદાસ થઈ જાઉં છું.
બઘું જ સમાધાન, બધી જ સમજણ
અને તત્વજ્ઞાન પુસ્તકમાં ટૂંટિયું વાળીને
દગો દે છે !
* * *
સાચે જ હું તમને ભૂલી જઈશ
તમને પત્ર લખવાની ભૂલને
કદી નહિ ભૂલું.
હવે કોરો કાગળ જોઉં છું
અને છળી મરું છું.
ક્યાંક તને - ના, હવે તો ‘તમને’
કૈંક લખી તો નહિ બેસું ને !
હવે હું પત્રો લખીશ
પણ કાગળ પર નહિ,
ઉદાસ સાંજે
કરમાઈ ગયેલી ફૂલની પત્તી પર
ત્યારે સૂરજનું છેલ્લું કિરણ
જતાં જતાં મને પૂછે છે
કે આંખના આંસુમાં ડૂબી ગયેલી
હોડીનું કોઈ નામોનિશાન દેખાય છે ખરું ?
‘આસપાસ તો ભમી રહ્યા સંબંધના પડછાયા, હોઠ ફફડતા રહ્યા અને નહિ કોઈ ગીત ગવાયા’ની આ પરિસ્થિતિની લાચારી ભૂકંપમાં તેર માળના કાટમાળ નીચે દટાયેલા બુઝુર્ગ કે સુનામીની લહેરમાં તણાતા બાળકથી પણ વધારે અઘરી હોય છે. એ તો ઘાયલ કી ગત ઘાયલ જાને ! પ્રેમમાં શિકારી ન થઈ શકે, એને ભિખારી થવાનો વારો આવી શકે છે ! પછી રૂંવાડારૂંવાડાની સચ્ચાઈથી જેણે પ્યાર કરીને પછી નસેનસને ઘુ્રજાવી દેતી હાર ખાધી છે, એવી વ્યક્તિ પાસે બળાપાના તાપણામાં વસવસાને શેકીને ઉપર ડૂસકાં છાંટી, પછી ચીસમાં વધારીને ગીતની થાળીમાં પીરસવા સિવાય મૂંઝારાને મારવાનો કોઈ આરો નથી રહેતો, જેમ કે આ કરૂણતાનું એસ.ડી. ઈમેજનું રોતું અને ગાતું કોલાજ ઃ
મેં તો તને આપ્યું’તું મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
એમાં મારો શું વાંક ?
મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે,
મેં તો આકાશ આપ્યું, તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
તને સપનાઓ વાંઝિયા ને ઠાલાં ગમે
એમાં મારો શું વાંક ?
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તે રંણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળા ગમે
એમાં મારો શું વાંક ?
* * *
અમે તમારું ફળિયું જોયું, નહીં તમારું તળિયું
જીવતર આખું લાગે જાણે ફાટેલું કાગળિયું
અમે તમારા રણને જોયું
નહીં તમારો બાગ
એક વખત તો આપો અમને
એ જોવાનો લાગ.
નહીં અમારા ભાગ ઃ આંખમાં જોઈ લિયો ઝળઝળિયું
કાયા આખી લાગે જાણે વણવીંધી વાંસળિયું !
* * *
આંખની આડે જળનો ઝીણો પડદો ઢળ્યો
વણમૂલ્યાં સ્મિત દઈને હું તો પાછો વળ્યો !
* * *
આ આંખ ભરીને જોયું તે તો આંસુમાં વહી ગયું
સંગ તમારી નહીં જોયું, તે ખટકો થઈને રહી ગયું
ક્યું દ્રશ્ય કેમ સાંઘુ ? રે, જ્યાં મારા તૂટ્યા ધાગા
અહીં તમારું નામ સોડમાં, તમે રહ્યા છો આઘા.
* * *
મેં તમારે અંતરે જોઈ લીઘું વેરાન રણ
ને તમારા નેણમાં નીરખી લીધા છે ઝાંઝવા
લ્હાય લાગી ગઈને આ હીબકાં ભરતી હવા
આગમાં કેવી રીતે મારે મનોરથ ઠારવા ?
* * *
ઉપરછલ્લી વાતોના ઝળકે જે ઝાંઝવા
એનાથી મારે આ સ્વપ્ન નથી માંજવા
મારે રેતીના થાંભલે વળગવું નથી
મારે સૂના વરસાદમાં પલળવું નથી
* * *
હું તારાથી દૂર જવા માંગુ છું
તારી સાથે નહિ,
પણ હું મારી સાથે ક્રૂર થવા માંગુ છું
લાગણી હોય ત્યાં લાગણીની અપેક્ષા હોય છે
એ સત્ય ઓછે વત્તે અંશે હંમેશાં હોય છે.
તારું હૃદય જો આપમેળે ગાતું ન હોય
તો હું મારા કાનને બહેરા કરી શકું તેમ નથી
પણ હશે એક સ્મૃતિ
એ સ્મૃતિનો સ્વાદ તૂરો હશે
એનો રંગ મૃત્યુ પામતા માણસના
નખ જેવો ભૂરો હશે
* * *
તારાથી છૂટો પડ્યો એ પડ્યો
પછીથી મને નથી હું જડ્યો
* * *
યાદ રાખવાનો અર્થ નથી
ને ભૂલી જવામાં સાર રહ્યો
આપણા સંબંધ વચ્ચે
કોરો આ વ્યવહાર રહ્યો
રીડરબિરાદર, પ્રેમના મરણનું સ્મરણ એટલે ઉંઘ વેચીને ખરીદેલા ઉજાગરા, પીંછાથી ચાંદ ભાંગીને એના વીણેલા ટૂકડા. રોંગ નંબર ડાયલ કરીને દુઃખતી આંગળીઓ, સ્મિત આપીને મેળવેલા આંસુ, ગીત ગાઈને ચણેલી ભીંત. સેંથામાં પૂરવાના કંકુની રતાશ કાજળને બદલે આંખમાં આંજવાની ઘટના. બંધ દરવાજે અફળાઈને વીખેરાતી ફૂલપાંદડીઓ. સુરેશ દલાલ એટલે જ લખી ગયા છે સૂકાયેલ વ્હેળો સાગર થઈ છલકાય એ પ્રતીક્ષામાં વાંકા હોઠે આંસુને ખાળતા.... મેળ હશે તો મળશું !
નહિ તો હર્યાભર્યા મારગ પર ઉજ્જડ થઈ આથડશું !
લાખ લોકની લીલામાં લયલીન થઈને
ભીતરથી તો ભારે ને ગમગીન થઈને
હોઠ પરના ઇન્દ્રધનુષ્યથી આંસુને આંતરશું
મળ્યા છતાં નહિ મળ્યા એ વ્યથા કેમ કરી સાચવશું ?
મેળ હશે તો મળશું !

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved