Last Update : 22-August-2012,Wednesday

 

દક્ષિણી ચીની સમુદ્રમાં ચીને લાલ આંખ કરીને ભારતને તગેડ્યું
ભારત અને ચીનઃ સુપરપાવર થવા માટે શું જોઈએ?

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી
- ટચૂકડા ટાપુઓ પર કબજો જમાવવા પાછળ ખનીજતેલનો વિપૂલ જથ્થો ચીનને લલચાવી રહ્યો છે

 

જાણીતી કહેવત છે કે પડ્યો પોદળો ઘૂળ લઈને ઉખડે. મતલબ કે, એકવારની પેશકદમીથી થોડોક કબજો તો મળે જ. સદીઓથી ચીન જે પ્રકારના આયોજનબદ્ધ અળવીતરા કરી રહ્યું છે એ જોતાં લાગે છે કે આ ગુજરાતી કહેવતનું ચાઈનિઝ વર્ઝન પણ હોવું જ જોઈએ. કારણ કે ચીને આ કહેવત બરાબર આત્મસાત કરી છે. લદ્દાખ સરહદ પછી અરુણાચલ પ્રદેશ અને હવે મિઝોરમમાં ભારતીય સિમાડાઓ દબાવીને કાયમી અડીંગો જમાવી ચૂકેલું ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મામલે ઘૂતારાની છાપ ધરાવે છે. કઠણાઈ એ છે કે હવે ઘૂતારાના હાથમાં રાજદંડ આવવાના ચિહ્નો વર્તાય છે.
હાલમાં ચીને જે નવો સરહદી વિવાદ ખડો કર્યો છે તેની ઝાળ છ દેશોને લાગી રહી છે. પ્રત્યક્ષ રીતે એ છ દેશોમાં ભારત સામેલ નથી પરંતુ વિવાદની ડોશી મરે તેના કરતાં ય ચીન નામનો જમ ઘર ભાળી જાય તેનો ભારતને વધારે ડર હોવો જોઈએ. માટે આ સમુદ્રી સરહદના વિવાદના ઘટનાક્રમ પર ભારતની ય નજર હોવી જ ઘટે. ચીનના દક્ષિણ સમુદ્રમાં, પૃથ્વીના નકશા પર નાનકડા ટપકાં તરીકે ય માંડ નજર આવે એવડા ૬૦ જેટલા ટાપુઓ આવેલા છે. મહત્તમ ૭૨૩ ચોરસ કિલોમીટર અને ન્યૂનતમ ૮૪ ચો. કિમી. વિસ્તાર ધરાવતા આ બંજર ટાપુઓ પૈકી વૈશ્વિક સ્વિકૃતિ મુજબ હાલમાં ચીનની માલિકીના ૮ ટાપુઓ જ છે. સૌથી મોટા કુલ ૨૯ ટાપુઓ વિયેતનામના કબજામાં છે જ્યારે ફિલિપાઈન્સના ૮, મલેશિયાના ૫ અને બુ્રનેઈના ૪ ટાપુઓ છે.
ભારતના અરુણાચલ પ્રદેશના કુલ ૧૮,૦૦૦ હેક્ટર વિસ્તાર પર પોતાનો દાવો કરતી વખતે ચીને ૧૯૮૯થી જે રીતે ધીમી ધૂસણખોરી કરી હતી અને પછી વીસ વર્ષે પોતાનો દાવો ધરી દીધો હતો બિલકુલ એવી જ મોડસ ઓપરેન્ડી તેણે દક્ષિણી ચીની સમુદ્રના ટાપુઓ પર કબજો જમાવવામાં પણ અજમાવી છે. ૧૯૭૫થી ચીને આ ટાપુઓ પર પોતાના વસાહતીઓને વેપાર, માછીમારી જેવા વિવિધ કારણોસર વસવાટ કરવા મોકલ્યા. જે તે ટાપુ પર એકલદોકલ સંખ્યામાં આવતા ચીનાઓની હાજરી ગંભીરતાથી લીધા વગર વિયેતનામ, ફિલિપાઈન્સ વગેરે દેશોએ ખાસ ઘ્યાન પર ન લીઘું. આજે ચીન એ દરેક ટાપુઓને પોતાની માલિકીના ગણાવી રહ્યું છે અને ચીનની વિરાટ લશ્કરી તાકાત પાસે સાવ વામણા લાગતા આ દેશોને કબજો છોડવા દબડાવી રહ્યું છે.
આ વિવાદના મૂળમાં ખનીજ તેલનો જથ્થો અને લશ્કરી મથકો માટેના વ્યુહાત્મક સ્થાનની લડાઈ છે. વિયેતનામે વર્ષ ૨૦૦૮માં પોતાની માલિકીના ટાપુઓ પર ભારતને (ઓએનજીસીને) શારકામ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે ચીને જબ્બર વિરોધ નોંધાવીને ભારતને અહીં શારકામ કરતા રોકી દીઘું હતું. ભારતે એ વખતે આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપવાની જરૂર હતી તેને બદલે ચીનની દાદાગીરીને તાબે થઈને આપણે શારકામ માટે જરૂરી સરંજામ સાથે મોકલેલા જહાજો પરત બોલાવી લીધા હતા. એ પછી ભારતની પોપાબાઈના પેપલાવેડા જેવી નીતિ અનુભવી ચૂકેલા ચીને હવે બીજો દાવ ખેલ્યો છે.
વિયેતનામના કબજા હેઠળના ટાપુઓ પછી તેણે ફિલિપાઈન્સના ત્રણ ટાપુઓ પર શારકામ કરી રહેલી ભારતીય ટુકડીને ય ભગાડી દીધી છે. ભારત જો ચીનનો વિરોધ કરવાની હંિમત દાખવી શકતું ન હોય તો ચીનની સાવ પાડોશમાં રહેલા આ ટચૂકડા દેશોની તો એ હેસિયત છે જ નહિ. આ સંજોગોમાં ચીનને ફાવતું જડે તે સ્વાભાવિક છે.
ભારત પાણીમાં બેસી ગયા પછી વિયેતનામે કૂટનીતિની શતરંજમાં ભારતને બાધું સાબિત કરતી ચાલ ખેલી જાણી છે. વિયેતનામની માલિકીના ટાપુઓ પર શારકામ કરવામાં ભારતે પાછી પાની કરી એ પછી તરત જ વિયેતનામે પ્રમાણમાં ઓછી કંિમત મળતી હોવા છતાં અમેરિકન કંપનીઓને શારકામનો કોન્ટ્રાક્ટ આપી દીધો. દેખીતું નુકસાન સહેવા માટે વિયેતનામની ગણતરી એવી હતી કે મોંઘા ભાવનું ખનીજતેલ ભલે થોડુંક સસ્તામાં જાય પરંતુ મૂલ્યવાન ટાપુ જ સમૂળગા જતા રહે એ તો ન પાલવે. ચીને અમેરિકન કંપનીઓનો ય વિરોધ કર્યો પરંતુ અમેરિકા ભારતની માફક ચીનની દાદાગીરીને તાબે થઈ જાય તે શક્ય નથી.
વિયેતનામે પોતાના ૮ ટાપુ તેમજ ફિલિપાઈન્સે ૩ ટાપુઓનું વાલીપણું આગામી દસ વર્ષ માટે અમેરિકાને સોંપતા કરાર કરીને ચીનને બરાબર ગૂંચવી માર્યું છે. હવે અમેરિકા આખો મામલો આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઢસડી ગયું છે ત્યારે ચીન છેલ્લા પાટલે બેસી રહ્યું છે. હવે ચીને અમેરિકાને સીધી દાટી મારીને દક્ષિણ ચીની સમુદ્ર વિસ્તારમાંથી ખસી જવા ચિમકી આપી છે. ધારો કે અમેરિકા ચીનની ચિમકીને તાબે ન થાય તો બીજી ચાલ તરીકે ચીને વિયેતનામ અને ફિલિપાઈન્સને પહેલાં પ્રલોભન અને પછી ધમકી વડે તાબે કરવાના પ્રયત્નો આદર્યા છે.
ગત મહિને ચીને પૂરગ્રસ્ત ફિલિપાઈન્સને છુટ્ટા હાથે મદદ જાહેર કરી અને બચાવકાર્યમાં પોતાના તાલીમબદ્ધ જવાનો પણ મોકલ્યા. એ પહેલાં વિયેતનામના અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨ લાખ ટન અનાજની ખેરાત કરી હતી. આ દરેક પગલાઓ દ્વારા ચીનનો સંકેત સ્પષ્ટ છે. આ બંને દેશો અમેરિકાના પડખામાં ભરાઈને ચીન સામે શંિગડા ઉલાળે એ પહેલાં જ ચીન તેમને તાબે કરી લેવા મક્કમ છે. ભારતની સંડોવણીનો કાંટો સરળતાથી નીકળી ગયો હતો પરંતુ અમેરિકા એટલી સરળતાથી હટશે નહિ તેની ખાતરી થઈ ગયા પછી ચીને હવે આ ટાપુઓની માલિકી આપવાના બદલામાં આ દરેક દેશોને ચોક્કસ વળતર પણ આપવાની ઓફર કરી દીધી છે.
આ વિવાદનો સંકેત સાફ છે. આજથી ચાર દાયકા પહેલાં અમેરિકા અને રશિયા વચ્ચે જે શીતયુદ્ધ ચાલતું હતું એ હવે વિવિધ વિસ્તારોમાં અમેરિકા અને ચીન વચ્ચે નિયત થઈ રહ્યું છે. તાજેતરમાં લંડન ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલાં અમેરિકન ખેલાડીઓએ પહેરેલું બ્લેઝર મેઈડ ઈન ચાઈના હોવાનું જાહેર થયા પછી હ્યુજ લેમ્બર્ટ નામના સેનેટરે અમેરિકન સેનેટમાં ઉગ્ર વિરોધ કરતાં કહ્યું કે, આ દરેક બ્લેઝરને જાહેરમાં બાળવા જોઈએ. લેમ્બર્ટના આ વિધાન સામે ચીને પણ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, જો ચીની બનાવટ સામે એટલી જ કડવાશ હોય તો પ્રત્યેક અમેરિકનના ઘર પણ તમારે સળગાવી દેવા પડશે. કારણ કે દરેક ઘરમાં ઘડિયાળથી માંડીને કેલ્ક્યૂલેટર અને ટેલિફોનથી માંડીને ટોય્ઝ સુધીના અનેક ઉત્પાદનો ચીની છે.
ચીન તો સુપરપાવર થવાના માર્ગે છે અને અમેરિકા કોઈપણ હિસાબે જગફોજદારની હાક અને ધાક ટકાવી રાખવા મથે છે એટલે એ બે દેશો વચ્ચે સંઘર્ષ થતો રહેવાનો. પરંતુ ભારતે જો સુપરપાવર થવું હશે તો આવા પેપલાવેડા કોઈ કાળે નહિ ચાલે. ઠાલું ‘મેરા ભારત મહાન’ બોલીને થૂંક ઊડાડતા રહેવું અને ભારતને મહાન સાબિત કરવું એ બંનેમાં બહુ મોટો ફરક છે. મહાનતાનું પ્રમાણપત્ર જાતે જ આપણી છાતીએ ચોડીએ તેના કરતાં બહેતર છે કે કોઈક એ આપણી પીઠ પર ચોટાડે ત્યાં સુધી ઝઝૂમતા રહીએ.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved