Last Update : 19-August-2012, Sunday

 

૭ તસવીરકારો જેમણે કચકડામાં પ્રાણ પૂર્યા

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

૧૯ ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડે

 

૧૯ ઓગસ્ટ વિશ્વભરમાં ફોટોગ્રાફી ડે તરીકે ઉજવાય છે ત્યારે પ્રસ્તુત છે કેટલાંક એવા કસબી તસવીરકારોની વાત, જેમણે કેમેરાને કળાનો દરજ્જો બક્ષ્યો છે અને કેટલીક એવી તસવીરોની વાત, જેણે એક અક્ષર પણ બોલ્યા વગર જગતનો ઈતિહાસ બદલ્યો. તસવીરીકળા જેવા બહુવ્યાપી ક્ષેત્રની વાત કરવી હોય ત્યારે સ્થાન પામે તેના કરતાં છૂટી જાય, નાછૂટકે છોડી દેવા પડે તેવા નામ અને કામ ઝાઝાં જ હોવાના. એક પાનાની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં ધ ટાઈમ મેગેઝિન, ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ગાર્ડિયન જેવા પ્રસાર માધ્યમોએ વખતોવખત કરેલા ઓપિનિયન પોલના આધારે તસવીરકારો અને તસવીરોની પસંદગી કરી છે. અહીં રજૂ થયેલા તસવીરકારો જ મહાન અને અહીં મૂકેલી તસવીરો જ ઉત્તમ એવો કોઈ દાવો છે પણ નહિ, થઈ પણ ન શકે.

આન્સેલ એડમ્સઃ ૧૯૦૨ - ૧૯૮૪
વિશેષતા ઃ પર્યાવરણ ફોટોગ્રાફી

બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીની ખરી સુંદરતા બહાર લાવવા માટે આન્સેલ એડમ્સનું નામ તસવીરીકળાના ઈતિહાસમાં હંમેશા આદરપૂર્વક લેવાય તેટલું માતબર તેમનું પ્રદાન છે. બેનમૂન તસવીરકાર હોવા ઉપરાંત આન્સેલ પર્યાવરણવિદ્ પણ હતા. પરિણામે, તેમણે વનસ્પતિ, ફૂલ-છોડ અને પ્રકૃતિના વિભિન્ન સ્વરૃપોની અત્યંત કળાત્મક ફોટોગ્રાફી કરી છે. પ્રકાશ અને પડછાયાના સંયોજન વડે તેમણે દૃશ્યોને જીવંત કર્યા છે. અમેરિકાના વિખ્યાત નેશનલ પાર્કમાં તેમણે પૂર્ણ ચંદ્રના પ્રકાશમાં ખેંચેલી એક શિખરની ઝળુંબતી કરાડની તસવીર આજે પણ ટેક્નિકના કસબ અને સૌંદર્ય દૃષ્ટિની કળા માટે બેનમૂન ગણાય છે (ઉપરની તસવીર). આ તસવીર ખેંચવા માટે યોગ્ય પ્રકાશ કરાડના પડછાયાનું યોગ્ય સ્થાન મેળવવા માટે આન્સેલે દિવસો સુધી મોટરકારની ઉપર ચડીને ઉજાગરા કર્યા હતા.

 

રોબર્ટ કાપા ઃ ૧૯૧૩ - ૧૯૫૪
વિશેષતા ઃ વોર ફોટોગ્રાફી

આ યાદીમાં રોબર્ટ કાપાનું નામ સૌથી અલગ પડે તેવું છે કારણ કે, યાદગીરીરૃપ સંભારણા માટે વપરાતો તસવીરીકલાનો કસબ તેણે ભૂલવા જેવી છતાં બોધપાઠરૃપ એવી ઘટનાઓ માટે વાપર્યો. બીજા વિશ્વયુદ્ધની ભીષણ બિભિષિકાઓ આજે પણ માનવ ઈતિહાસના એ સર્વથા કલંકિત કાળની યાદ અપાવતી હોય તો તેનું શ્રેય રોબર્ટ કાપાના ફાળે જાય છે. મિત્રરાજ્યોએ ફ્રાન્સના નોર્મન્ડીના કાંઠે આક્રમણ કર્યું એ સાથે નાઝી જર્મનીના પરાભવનો પ્રારંભ થયો હતો. રોબર્ટ કાપાએ એ ઐતિહાસિક હુમલાની એક-એક ક્ષણને જીવના જોખમી કેમેરામાં ઝિલી હતી. આ તસવીરો પરથી સ્ટિવન સ્પિલબર્ગને સેવિંગ પ્રાયવેટ રાયન ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી.

 

યુસુફ કાર્શ ઃ ૧૯૦૮ - ૨૦૦૨
વિશેષતા ઃ પોટ્રેઈટ ફોટોગ્રાફી

એક જ વ્યક્તિનો ચહેરો હોય, એક જ સરખો પોઝ હોય, ચાલો કેમેરા પણ એક જ હોય અને આખી દુનિયાના તમામ ફોટોગ્રાફર એ તસવીર ખેંચે અને પછી યુસુફ કાર્શ એ તસવીર ખેંચે... નો ડાઉટ એટ ઓલ, કાર્શની તસવીર જ સર્વશ્રેષ્ઠ હોવાની. કાર્શે જોકે નમ્રતાપૂર્વક કહ્યું છે કે, દરેક ચહેરો સુંદર હોય છે. હું તો બસ, એ સુંદરતાને ઉજાગર કરાવું છું. યુસુફ કાર્શની શ્રેષ્ઠતાનો પૂરાવો એ કે તેમણે તેમના સમયના લગભગ દરેક મહાનુભાવોની ફોટોગ્રાફી કરી છે અને જેમની નથી કરી એ દરેકને તેનો અફસોસ રહી ગયો હતો. બીજો પૂરાવો એ કે, કાર્શે ખેંચેલી તસવીર પછી એ દરેક મહાનુભાવોની સૌથી વધુ પ્રચલિત તસવીર બની ગઈ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોય કે સામ્યવાદી ક્રાંતિકાર ફિડલ કાસ્ટ્રો, જ્હોન કેનેડી હોય કે લિઝ ટેલર (ઉપરની તસવીર) કાર્શનો જાદુ બધે જ યથાવત છે. આઝાદી પછી આપણા પ્રથમ વડાપ્રધાન નહેરુનો પોર્ટફોલિયો બનાવવા માટે પણ યુસુફ કાર્શને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

 

હેન્રી કાર્ટિયર બ્રેસન ઃ ૧૯૦૮-૨૦૦૪
વિશેષતા ઃ સ્ટ્રિટ ફોટોગ્રાફી

ફક્ત ઘટના અને ઓબ્જેક્ટ સાથે નિસબત રાખતા ફ્રેન્ચ તસવીરકાર હેન્રી કાર્ટિયર બ્રેસનને આધુનિક ન્યૂઝ ફોટોગ્રાફીના પાયોનિયર ગણવામાં આવે છે. આમ આદમીના ચહેરા પરના ભાવ અને નિર્જીવ વસ્તુનું વાચાળપણું એ હેન્રીની તસવીરોની વિશેષતા રહેતી. આ ઉપરાંત તેમની તસવીરોમાં ઉજાસ પણ એક પાત્ર હોય તેમ લાગતું. ઉપરની તસવીરમાં અમેરિકાની મહામંદીનો ચિતાર રજૂ થયો છે. શોપિંગ કોમ્પ્લેક્સ સુમસામ છે અને પગરવ વગરના દાદર પર એક કન્યા હતાશ થઈને બેઠી છે. મંદી માટે આથી વિશેષ શું સૂચવી શકાય?

 

ડોરોથી લેન્જ ઃ ૧૮૯૫ - ૧૯૬૫
વિશેષતા ઃ ન્યૂઝ ફોટોગ્રાફી

હેન્રી માફક ધ ગ્રેટ ડિપ્રેશન ટાઈમની શ્રેષ્ઠતમ તસવીરો માટે આ મહિલા તસવીરકારનું નામ આદરભેર લેવું પડે. ફોટોગ્રાફીના ટાંચા સાધનોના જમાનામાં તેમણે આપેલી અદ્ભૂત તસવીરો યાદગાર ગણાય છે. લંચ ટાઈમે મા-બાપ ભોજન પીરસે તેની રાહમાં બેઠેલા બાળકોની આ તસવીરે બેકારીનો ચિતાર એકપણ શબ્દ બોલ્યા વગર આબાદ વ્યક્ત કર્યો હતો.

 

જ્યોર્જ બ્રેસા ઃ ૧૮૯૯ - ૧૯૮૪
વિશેષતા ઃ નેચરલ લાઈટ ફોટોગ્રાફી

પ્રકાશની કૃત્રિમ વ્યવસ્થા વગર કુદરતી ઉજાસને કેમેરામાં આબાદ ઝિલવા માટે આ હંગેરિયન તસવીરકાર હંમેશા મહાન ગણાશે. મધરાતે લંડનની સડકો પર પેટ્રોલિંગ માટે નીકળેલા બોબીઝની આ તસવીર બે દાયકા પહેલાં જગતભરના ફોટોગ્રાફી ક્લાસમાં ભણાવવી પડી છે. બ્રેસાએ શિલ્પોની પણ બેનમૂન તસવીરો લીધી છે.

 

એન લેબોવિત્ઝ ઃ ૧૯૪૯
વિશેષતા ઃ પોટ્રેઈટ ફોટોગ્રાફી

ફોટોગ્રાફીના સર્વકાલીન મહાન નામોની સૂચિમાં એનનું નામ યુવાન અને આધુનિક લાગે તેમ છતાં તેને સમાવવું પડે તેનું કારણ એ છે કે, કલર પોરટ્રેઈટમાં તેમણે જે માપદંડો ઘડયા છે એ આધુનિક તસવીરીકળામાં એક નવી તાજગી લાવ્યા છે. હોલિવૂડમાં એન્જેલિના જોલી (ઉપરની તસવીર)થી માંડીને મેડોના, માઈકલ જેક્સન, ટોમ ક્રુઝ જેવાની પસંદીદા તસવીરકાર તરીકે એન આજે પણ સક્રિય છે.

 

ક્લિક.. ક્લિક

તસવીરકળાની તવારિખઃ જેનો ઈતિહાસ બદલાયો, જેણે ઈતિહાસ બદલ્યો...

- ૧૯ ઓગસ્ટન દિવસ યુરોપ, અમેરિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ફોટોગ્રાફી ડે તરીકે ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના પછી ફોટોગ્રાફી ડે ઉજવવા માટે કઈ તારીખ નક્કી કરવી એ યક્ષ પ્રશ્ન હતો. કારણ કે, કેમેરાનો કોઈ એક શોધક ન હતો. જો એમ હોત તો તો તેના જન્મદિવસને જ ફોટોગ્રાફી ડે સાથે સાંકળી શકાયો હોત. કોઈ એક મહાન ફોટોગ્રાફરને પણ આ દિવસ સાથે સાંકળી ન શકાય. કારણ કે તેમ કરવાથી બીજા અનેક મહાન ફોટોગ્રાફર્સને અન્યાય થાય. છેવટે એક આબાદ રસ્તો કાઢીને ૧૯ ઓગસ્ટનો દિવસ પસંદ કરવામાં આવ્યો.

 

- શા માટે ૧૯ ઓગસ્ટ? એ સવાલના જવાબમાં પણ એક નયનરમ્ય તસવીર જેવી જ રોચકતા સમાયેલી છે. આ દિવસ જેની સ્મૃતિ સાથે સંકળાયેલો છે એ કોઈ ફોટોગ્રાફર નથી પરંતુ રસાયણશાસ્ત્રી છે. તેનું નામ લૂઈ ડેગર. આ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રીએ ફોટો પ્રોસેસિંગની આસાન પદ્ધતિ શોધી હતી પરંતુ એ વખતે સંપર્કના ટાંચા સાધનોને લીધે તેને વ્યાપ મળતો ન હતો. આથી તેણે પેરિસ ખાતે ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સના તજજ્ઞાો સમક્ષ ફોટોગ્રાફ પ્રોસેસિંગનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું. ખાસ કોઈ કડાકૂટ વગર ઝડપી અને આસાન રાસાયણિક પ્રક્રિયાઓ વડે ફિલ્મ ડેવલપ થતી નિહાળીને વિજ્ઞાાનીઓ તાજુબ થયા અને એ પછી સમગ્ર યુરોપમાં તેના નિદર્શનો થવા લાગ્યા. છેવટે એ પ્રોસેસ સર્વમાન્ય અને વ્યાપક બનતાં ફોટોગ્રાફીની કળાને ઉત્તેજન મળ્યું. પેરિસના વિજ્ઞાાનીઓ સમક્ષ લૂઈ ડેગરે આપેલા પહેલા નિદર્શનનો દિવસ હતો ૧૯ ઓગસ્ટ, ૧૮૩૯.

 

- ફોટોગ્રાફીને બહુધા કળા ગણવાનો ધારો છે પરંતુ તેની સમગ્ર પ્રક્રિયામાં વિજ્ઞાાન પણ ભારોભાર ભળેલું છે. વળી, વિજ્ઞાાનના પણ અનેક ફાંટાઓ તેમાં સંકળાયેલા છે. આ સ્થિતિમાં ફોટોગ્રાફી કે કેમેરાના આવિષ્કાર માટે કોઈ એક વ્યક્તિ કે ચોક્કસ સમયને યશ આપવો શક્ય નથી. આમ છતાં, આ કળાના જુનામાં જુના અને આજે પણ પ્રત્યક્ષ હોય તેવા ઉદાહરણો સોળમી સદી સુધી આ કળાના મૂળિયા લંબાયેલા હોવાનું જણાવે છે.

 

- ફોટોગ્રાફીના સિદ્ધાંતને તો હજારો વર્ષ પૂર્વે સ્વીકારાયો છે. ઈસ. પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયેલા ચીનના ભૌતિકશાસ્ત્રી મ્હોન ત્હીએ પ્રકાશના કિરણને સુક્ષ્માતિસુક્ષ્મ કાણામાંથી પસાર કરીને સામે દેખાતી વસ્તુનું છાયાચિત્ર મેળવવાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. એ પછી મહાન ફિલસૂફ પ્લેટોના શિષ્ય અને એલેક્ઝાન્ડર ધ ગ્રેટના ગુરુ એરિસ્ટોટલે ઈસ. પૂર્વે ચોથી સદીમાં મ્હોન ત્હીના સિદ્ધાંતને વધુ વૈજ્ઞાાનિક ઢબે રજૂ કર્યો. સુર્યગ્રહણની ઘટના સમજાવતી વખતે તેમણે ઘટાટોપ ઝાડના પાંદડા વચ્ચેથી દેખાતા દૃશ્યનું ઉદાહરણ આપતાં એક એવા યંત્રની પરિકલ્પના રજૂ કરી, જેને આજે આપણે કેમેરા તરીકે ઓળખીએ છીએ.

 

- પંદરમી સદી સુધી વૈજ્ઞાાનિક અવલોકનો માટે ખાસ પ્રકારના કેમેરા બનાવાતા રહ્યા, જેનું કદ હતું બે વિશાળ ઓરડા જેટલું. ના, 'જેટલું' શા માટે, એ કેમેરા એટલે બે મોટા ઓરડા જ હતા. એક ઓરડાની ભીંતમાં સુક્ષ્મ છેદ પાડીને તેમાંથી બીજા ઓરડામાં દેખાતા પ્રકાશ વડે વચ્ચે મૂકેલી વસ્તુની છાયા જોવાનો પ્રયાસ થતો હતો. આ વિશેષ પ્રકારના ઓરડા માટે શબ્દ હતો કેમેરા ઓબ્સ્ક્યૂરા. લેટિન ભાષામાં ઓબ્સ્ક્યૂરા એટલે ડાર્કરૃમ.

 

- મકાનના બે ઓરડા જ જ્યાં કેમેરા તરીકે વપરાતા હોય ત્યાં તેની મૂવમેન્ટનો તો સવાલ જ ઊભો થતો ન હતો. એ પ્રક્રિયાની મર્યાદા એ હતી કે જે વસ્તુ એ ઓરડામાં લાવી શકાય તેનું જ છાયાચિત્ર જોઈ શકાય. એ પછી ભૌતિકશાસ્ત્રી જ્હોનિસ કેપ્લરે ૧૬૦૪માં યાંત્રિક પ્રક્રિયામાં ફેરફાર કરીને તેમાં લેન્સ ઉમેર્યો અને કેમેરાનું કદ ઘટાડયું. જોકે ઘટેલું કદ પણ એક વિશાળ તંબુ જેટલું તો હતું જ. આમ છતાં, તેની મોબિલિટી વધી એટલે એ કેપ્લર કેમેરા પણ ચલણી બન્યો.

 

- કેપ્લરના આવિષ્કાર પછી અનેક વિજ્ઞાાનીઓ દ્વારા કેમેરા અને તસવીરી વિજ્ઞાાનમાં સુધારા-વધારા થતા રહ્યા. જે આજે ડિજિટલ અને હવે પછીના યુગના કહેવાતા આઈ-શોટ સુધી તસવીરીકળાને નવી ક્લિક આપી રહ્યા છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved