Last Update : 19-August-2012, Sunday

 

લયનો વિલયઃ કાવ્યમાધુર્યના વિશ્વવિદ્યાલયની વિદાય!

સ્પેકટ્રોમીટર- જય વસાવડા
- અમે તો જઇશું અહીંથી, પણ આ અમે ઉડાડયો ગુલાલ રહેશે; ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે (મકરંદ દવે)

પાનખરની ડાળી હાથમાં ઝાલીને
વસંતની કવિતા લખતાં આવડે
તો કદાચ કવિ થવાય.
ફૂલ છલકતી ડાળી હાથમાં ઝાલીને
પાનખરની ચીસને
નરી આંખે વાંચતા આવડે
તો કદાચ કવિ થવાય.
આંખ સામે હોય વસંતનું વન
પાનખરનું મન
ને બે મોસમમાં સમાઇ ન શકે
એવું જીવન હોય
તો કદાચ કવિ થવાય!
'સિદ્ધાર્થ' જેવી અર્થસભર કથા લખનારા નોબેલ વિજેતા લેખક હરમાન હેસે ૧૯૬૨ની ૮મી ઓગસ્ટે એમની લટકતી જીંદગીનો અણસાર આપતા હોય, એવી કવિતા (એક લટકતી ડાળીને જોઇને) લખી. પછી ઓરડામાં અંદર જતાં પહેલાં ઘરની બહાર એક બોર્ડ મૂકયું. જેમાં ચાઇનીઝ ભાષાની પંકિતઓ હતીઃ 'જે માણસે આખી જીંદગી કર્મ કર્યુ છે, એને એકાંતમાં મૃત્યુ સેવવાનો હક છે!' સાહિત્યકાર મિત્ર થોમસ માન એમને મળવા આવ્યા. બોર્ડ વાંચ્યું. એક ચબરખીમાં સંદેશો લખ્યોઃ ફરી પાછા, આપણે મળીશું... ફરી કયારેક.
બીજે દિવસ ૯ ઓગસ્ટે હરમાન હેસ ગુજરી ગયા!
અને બરાબર ૫૦ વર્ષ પછી ૨૦૧૨ની ૧૦મી ઓગસ્ટની જન્માષ્ટમીની રાત્રે કવિ કેમ થવાય એની આગળ લખી એવી અઢળક કવિતાઓનો બાગ ખીલવનાર અને આ હેસ-માનવાળો કિસ્સો જેવા દુનિયાભરની પોએટિક મોમેન્ટસને કાગળ પર ઉતારી ગુજરાતી ભાષાની છાતી પર હયાતીના હસ્તાક્ષર કરનાર કવિ સુરેશ દલાલ મીરાં અને માધવની વાટે, આપણને પ્રેમની વાતો કરતા મુકીને રાત દિવસનો રસ્તો ખૂટાડવા કાનાની બંસરીને પ્રેમ કરવા પહોંચી ગયા!
એક રીડર બિરાદરનો મેસેજ ટપકયો. ગુજરાતી સાહિત્યની સુ.દ. શ્રાવણ વદ આઠમે આથમી ગઇ!
* * *
દલાલ સ્ટ્રીટમાં જેટલા ગુજરાતીઓને રસ પડે છે, એટલો પ્રિન્સેસ સ્ટ્રીટ (પુસ્તકોની દુકાનો ધરાવતી શેરીમાં) નથી પડતો એવું જાણતા આ સૂરીલા દલાલ 'દશાવતારી' હતાં. ના, ના. સદ્દગતના નામે ચાર ચમત્કાર ચડાવીને નવ નમસ્કાર ઉઘરાવવાનો ધાર્મિક કાર્યક્રમ નથી. પણ ગુજરાતી સાહિત્યના સુપરસ્ટાર કવિ સુરેશ દલાલ એક નહોતા. એકમાં અનેક હતાં. કવિ તો એ હતા જ. અને જે 'વાંક-અદેખા' એમને કવિ નહોતા માનતા, એમને જનોઇવઢ જવાબ આપતાં એમણે જ લખેલું કે 'કવિ થવું એટલે માત્ર શબ્દો જોડે જ રમ્યા કરવું, એવું થોડું છે? બે પૂંઠાની વચ્ચે અઢળક શબ્દો હોય છે, જોડણીકોશમાં. છતાંયે આ શબ્દોને કારણે જોડણીકોશ કાવ્યનો ગ્રંથ નથી થતો!'
ગંભીરતા પાછળનો ગેલ અને ગમ્મત પાછળનું ગાંભીર્ય સમજવાની પાત્રતા બધાની નથી હોતી. બધું જ સમજાઇ જાય એ પોએટ્રી નહિં, હિસ્ટ્રી હોય છે. પોએટ્રી ઇઝ મિસ્ટ્રી!
પણ કવિ હોવા ઉપરાંત એ શ્રેષ્ઠ સંપાદક હતાં. એવું ચોખ્ખું માનતા કે 'મારા સંપાદનો વિદ્વાનો માટે નથી. એ લોકો તો બધું જાણે જ છે. પણ એ જે જાણતા નથી, એમને માણતા કરવા માટે છે!' અને આખી એક યુનિવર્સિટી ન કરી શકે એવા, એટલાં અને એવડાં ગુજરાત સહિત વિવિધ પ્રદેશ- ભાષામાંથી વીણેલા સંપાદનો એમણે ગુજરાતી ભાષાના ગાલ પર મોરપીંછથી ગલી ગલી કરતાં હોય એવી માવજતથી આપ્યા.
આ સંપાદક વળી ચિંતક પણ ખરા. ફિલોસોફર અને લોફર વચ્ચેનો ભેદ સોશ્યલ નેટવર્કિંગની આઝાદ અભિવ્યકિતમાં તડકામાં પડેલી કુલ્ફીની ઝડપે ઓગળતો જાય છે, ત્યારે સુરેશ દલાલના લલિત નિબંધો એટલે ઝરમર વરસાદ હાથમાં, ગરમ ભજીયાંની સોડમ શ્વાસમાં અને કોઇ સરકતો મખમલી પાલવ બાથમાં હોય એવી માદક અને આહલાદક અનુભૂતિ કરાવે! ગળ્યા દૂધના ઘૂંટડાની જેમ એ તરત જ પેટમાં પહોંચી જાય, અને પછી ખ્યાલ આવે કે એમાં તો કેસર-બદામ પણ લસોટીને ભેળવી દઇ સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાયુ હતું!
અને ચિંતક પાછા પ્રકાશક. સુદામાના તાંદૂલની પોટલી જેવા સંઘેડાઉતાર મેલાંઘેલાં ગુજરાતી પ્રકાશનો સામે સુરેશભાઇના 'કડે કવોલિટી ટેસ્ટસ'માંથી પસાર થયેલા પ્રકાશનો કૃષ્ણની સોનાની દ્વારકા જેટલા સમૃદ્ધ અને આકર્ષક લાગે! ઇમેજને એ પોતાની વૃદ્ધાવસ્થાનું 'રામરમકડું' કહેતાં. પણ એ કિતાબોની કાયા અને માયામાં તો જવાની થિરકતી હતી. ટાઇટલ, ડિઝાઇન, પ્રિન્ટીંગ, લેઆઉટ અને કન્ટેન્ટમાં બ્યુટીફૂલ એન્ડ બ્રાઇટેસ્ટ બેન્ચમાર્ક બનતાં પ્રકાશનો એમણે આપ્યા.
ચંદ્ર શાહથી હિતેન આનંદપરા, મૂકેશ જોશીથી સંદીપ ભાટિયા, ઉદયન ઠકકરથી વિપીન પરીખ, સૌમ્ય જોશીથી મુકુલ ચોકસી.... કંઇ કેટલાય કવિઓના (પુસ્તકપ્રકાર તરીકે) આપણે ત્યાં 'માર્કેટેબલ' ન ગણાતા સંગ્રહો એમણે જોતાવેંત વાંચવાનું મન થાય એમ છાપ્યા. બિલકુલ બોરિંગ નહિં એવી એટ્રેકિટવ એકેડેમિક રિસર્ચ આપતી કિતાબો છાપી. નાટકો અને આસ્વાદો, મુલાકાતો અને સર્જકસમગ્રની શ્રેણીઓ! ઇમેજમાં બધું જ 'સુરેશવિશેષ!' એ માટે દિલની સાથે રૃપિયા છાપનારા ઘણાં શ્રેષ્ઠીઓને સામેલ કરવાની સ્કિલ અજમાવી સુરેશભાઇએ! ગુજરાતના આઠ હજારથી વધુ પુસ્તકાલયોને સવા કરોડથી વધુ કિંમતના નવા પુસ્તકો દાનમાં અપાવવાનો વિક્રમ એમના નામે છે! એમના સ્પર્શ પામેલા પુસ્તકો એટલે લગ્નની આગલી રાતે દાંડિયારાસ માટે બ્યુટીપાર્લરમાં સજધજ કે ટશનમાં આવેલી દુલ્હન! અને પરિચયપુસ્તિકા જેવી પાયાની પ્રવૃત્તિ છોગામાં!
અને પ્રકાશક જ નહિં, એ સંચાલક પણ કુશળ. કવિ સંમેલનોમાં એક લીટીની રમૂજ અને બે લીટીની પંકિતઓ સાથે ડબ્બા કરતાં મોટું ન થાય એવું બફર જોડવામાં 'સ્માર્ટેશ' અંકિત ત્રિવેદી જેવા યુવાનોને દધીચિની માફક પોતાની આ વિદ્યાનું અસ્થિ જીવતેજીવ આપીને વજ્ર બનાવી દેવામાં માસ્ટર! વળી વક્તા તો સરટોચના! ગુજરાતના શ્રેષ્ઠ પાંચ વકતાઓમાંના એક સુરેશ દલાલ. ટૂંકુ પણ ટકાટક બોલે. પતંગની પેઠે વિષયને ઠુમકા મરાવે, કાવ્યપંકિતઓનો ઓવરડોઝ કર્યા વિના અચૂક શરીરના ભારેપણાના ગણકાર્યા વિના હળવા થઇને હસાવે! જેમને વાંચવા અને સાંભળવા બંને લ્હાવો હોય એવા સર્જકો આજે પણ મોબાઇલ ન રાખતા હોય એટલી સંખ્યામાં યાને જૂજ હોય છે. બેઠી દડીના સુ.દ. એમાં ઉંચી કાઠીના કસબી હતાં.
સ્પીકર ઉત્તમ, એવા જ ટીચર ઉત્તમ. એસ.એસ.સીમાં માંડ માંડ ૩૫% લઇ આવી પાસ થનાર સુરેશભાઇ વાકપટુતાના જોરે પ્રિન્સિપાલને પ્રભાવિત કરી સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યા. મનસુખલાલ ઝવેરી અને પ્રોફેસર કોલોસસ પાસે સંસ્કૃત અંગ્રેજી સાહિત્ય સ્વ. જગદીશ જોષી અને ઉત્પલ ભાયાણી સંગ શીખ્યા. અને એસ.એન.ડી.ટી. જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના લોકપ્રિય અધ્યાપક- અધ્યક્ષ જ નહિં, એમ. એસ. યુનિવર્સિટીના (સ્વમાનથી એ હોદ્દો રિમોટ કંટ્રોલના તાબે થયા વિના છોડી શકે એવા, અગેઇન કુલપતિઓમાં લુપ્ત થતી પ્રજાતિ પૈકીના) કુલપતિ પણ રહ્યા. સારો શિક્ષક ભાગ્યે જ સારો (વાંચો, વ્યવહારૃ) આયોજક પુરવાર થાય. પણ સુરેશ દલાલ યમની સામે ભલે ઝૂકી જાય, નિયમની સામે અપવાદ હતાં. ટકોરાબંધ અને ટનાટન કાર્યક્રમોની ટેવ ગુજરાતને એમણે પાડી. સાહિત્ય- સંગીતની જુગલબંધી સાથે ફાઇવસ્ટાર ગ્લેમર એન્ડ સેવનસ્ટાર સેટિસ્ટેફેકશન આપતા પુસ્તક લોકાર્પણના કાર્યક્રમોને પાસ માટે પડાપડી થાય, એવી ઇવેન્ટ બનાવવાનો ચીલો પાછો એમણે ભાગતા મુંબઇમાં માણસને બેસતો કરી પાડયો. મોરારિબાપુના ગોપીગીતથી પુરૃષોત્તમ ઉપાધ્યાયના શ્યામગીત સુધી! ગુજરાતીમાં વિશ્વ કવિતાઓના અનુવાદિત પુસ્તકનું વિમોચન કરવા બચ્ચન પણ આવે, અને જયોતિષ પર નરેન્દ્ર મોદીના અંગત અનુભવો એ જાહેરમાં બોલાવડાવે!
જેવા એ જાહેર કાર્યક્રમોના આયોજક એવા જ બંધબારણે ડેસ્ક પરના અનુવાદક. કોઇ જાહેરાત વિનાના કેવળ દેશ-દુનિયાના વિવિધ કવિતાઓની કવિતા છાપતા મેગેઝીનને સજજતા અને સફળતાથી એકધારા ૪૫ વર્ષ ચલાવવા માટે સવાશેર સૂંઠમાં જરૃર થોડી સુવર્ણભસ્મ મેળવીને જનેતાએ ખાવી પડી હશે! કંઇ કેટલાય કોલેજીયન યુવાનોને મૂછમાં ફૂટતા વાળના દોરા અને ફ્રોકમાં ફૂટતા સ્તન (આ ય એમની જ ઉપમા ઉછીની લીધી છે!) જેવી ફૂટતી પહેલી ધારની કવિતા ઝીલતું બોઘરણું એટલે તંત્રી સુ.દ.નું દ્વિમાસિક સામાયિક 'કવિતા'! ટાઇટલ પણ કવિતા નામની કન્યાએ તારાઓ જડેલી ચૂંદડી ઓઢી હોય એવું આર્ટિસ્ટિક કરાવતા. અને એ કવિતા માટે એ વિશ્વના ચાખી ચાખીને ચૂંટેલા કાવ્યોનો 'અનુસર્જન' કહી શકાય એવો અનુવાદ કરે. મુરબ્બાની ચાસણીને મધમાં ફેરવે! જેટલા પરદેશી કાવ્યોના ઘુઘવતા મોજામાં સુરેશ ન્હાયા હતાં, એટલા કાવ્યોના નામ કિનારી બેસીને રેતીમાં ય ભાગ્યે જ કોઇ ભારતીય સર્જકે લખ્યા હશે!
અને કવિ, ચિંતક, સંપાદક, પ્રકાશક, શિક્ષક, સંચાલક, આયોજક, અનુવાદક, વકતા એવા સુરેશ દલાલ અનોખા આસ્વાદક હતાં. યસ 'વિવેચક' (ક્રિટિક) નહિં, પણ 'આસ્વાદક' (એપ્રિશિએટર) કવિતાપુષ્પની એક-એક પાંદડી ખેરવીને કાંટા ભોંકવાને બદલે એ એક-એક તાર વણીને કાવ્ય ગાલીચો બનાવતા, જેમાં મુલાયમ મસ્તીથી ગલોટિયાં ખાઇ શકાય. ડાર્લિંગ 'કવિતાભાભી'ના લાડમાં જે ઝાઝેરો રસ અને થોડીક સમજણ જાગી, એનું ધાવણ સુરેશ દલાલ ઉર્ફે અર્જુન બ્રહ્મક્ષત્રિયના અક્ષર- આંચળમાંથી ઝમતાં આસ્વાદનું આ લેખકડાએ ઘટક ઘટક પીધુ છે! કવિતા માણી શકાય, માપી ન શકાય. વાંચી શકાય, શીખી ન શકાય. સાંભળી શકાય, સમજી ન શકાય.... પણ સુ.દ.એ લોન ક્રુઝેડરની જેમ સેંકડો કાવ્યોને નજાકતથી ખોલ્યા અને હજારો કાળજે ચામડી ચીર્યા વિના ચીતર્યા!
ઉષાબહેન ઠક્કરે લખેલું તેમ સુરેશ દલાલ એટલે ગીત અને ગતિના માણસ. અહમના નહિં, પણ સ્વયમના માણસ!
જે પ્રકાશમાં ઉભો રહે, એના જ પડછાયા પડે. એમ બિઝનેસમેન સુરેશ દલાલ કે પી.આર. સુ.દ.ના પણ ઉઝરડા કેટલાક મિત્રો પોતાની જીભથી ચાટી ચાટીને પંપાળતા હશે. પણ જેણે આવડું અને આટલું કામ કરવું હોય, ૧૯૫૩માં મોટાભાઇના લગ્ન સમયે વહેંચવા કરેલા સર્જન- સંકલન 'લ્હેરખી'થી ગુજરાતી વાચકની મબલખ પેઢી સુધી ચાલે એવી કમાલધમાલ અને વ્હાલના 'વાવાઝોડા' બનવું હોય એમણે 'ટૂથલેસ' તો થવું પડે. મત્તપવનની ફૂલપાંદડી જેવી કોમણ આંગળી છોડી, શબ્દમંદિર સાથે પરણવા શ્યામને ડિસ્કોમાં જોયાનું પણ યાદ રાખવું પડે! એટલે જ સુ.દ.એ લખ્યું હશે-
એ ખૂબ સરસ રીતે જીવતો હતો
અમે એને ખૂબ સરસ રીતે મારી નાખ્યો.
-પ્રશંસાથી!
* * *
બીજાના ગાલ પરના ખીલને પણ તલ દેખાડવાનું 'ઇમેજીન' કરવાની કસરતમાં સુરેશભાઇ પોતાની કવિતાનું કૌવત બહુ બતાવતા નહિં! આંતરરાષ્ટ્રીય કવિતાઓના સંચયમાં એ અપ્રામાણિક રહી પોતાના નામે ફેરફાર સાથે ચડાવત, તો અહીં તો કયાં કોઇ રેફરન્સ ચેક કરવાવાળુ હતું? પણ સુ.દ.નો પોતીકો એક અવાજ હતો. એમના જ શબ્દોમાં એ પડઘાઓથી રમનારાઓને પૂછતા કે તમારો અવાજ કયાં છે? 'બર્થ ડે પાર્ટીના રંગીન ફુગ્ગાઓ એ અવાજ નથી. શબને સ્મશાને લઇ જતાં ડાઘુઓની રામધૂન એ અવાજ નથી. અવાજ ખુલ્લી છાતીનો દરિયો છે. અવાજ આકાશમાં ઉગે છે અને પૃથ્વી પર પ્રસરે છે!'
આ અવાજ એટલે સ્વરપેટીનો અવાજ નહિં, રીડરબિરાદર. આ અવાજ એટલે કાનમાં નહિં પણ મનમાં સંભળાય એવો ઓળખનો, આઇડેન્ટીટીનો અવાજ. જેમ કે કૃષ્ણ-મીરા-રાધાની કવિતા કંઇક લખાણી છે, પણ સુરેશભાઇ 'શબરી-મીરાં અલગ નથી, રણઝણ એક જ 'તાર' કહીને બે અપેક્ષા વિના સમર્પણથી દૂર બેઠા-બેઠા વિરાટ વ્યકિતત્વને ચાહતા સ્ત્રીપાત્રોને એકસમાન બનાવી દે, એ અવાજ! દીવાલ પર લટકતાં તારીખિયાના રોજ ફાટતા રંગબેરંગી કતરણમાં પ્રકાશમાં પીગળી જતાં નાના-નાના તેજલ તારા જેવું શૈશવ અને હવામાં ઉડતી સફેદ- ભૂરી- ગરમ રાખમાં મરણ શોધતો અવાજ! યશોધરાના પ્રેમપત્રો વાંચતો સ્તનોની સુંવાળી વસતિમાં અમસ્તો જ લપસતો અવાજ. 'સ્મિતની પછેડી ઓઢી ચાલશું, પાછળ મૂકશું આંસુનું ઝીણુ ગામ રે' કહેતો ધુ્રજતો અવાજ. 'દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો. છલાંગ મારતા ઝરણાં સાથે હું તો ગીતો ગાતો.' બાળપણના વેગીલા વિસ્મયથી લલકારતો ધીંગામસ્તીનો અવાજ બારીઓથી હવા અલગારી જોઇને એની અસ્તવ્યસ્તમસ્ત ઝલક આપતો સૂર્યોદયનો અવાજ.
અને કેટલાને ખબર હશે કે આ બધા અવાજોને શબ્દોથી કાગળ પર ચીતરતા સુરેશભાઇનો અસલી અવાજ કેવો અમલ બન્યો છે! ના, ઔપચારિક અંજલિઓની વાત નથી, પણ વિશ્વની સૌથી મોટી લાયબ્રેરી એવી અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આવેલી લાયબ્રેરી ઓફ કોંગ્રેસે વિવિધ ભાષાઓના પ્રતિનિધિ સાહિત્યકારના અવાજ આર્કાઇવમાં કાયમી ધોરણે રેકોર્ડ રાખવાનો પ્રોજેકટ કરેલો. એમાં સુરેશ દલાલના અવાજમાં પઠન થયેલી કવિતાઓ પસંદ કરીને સચવાઇ છે! છે ને એમના 'રવ'માં ગુજરાતનું ગૌરવ! (થોડી અજાણી રચનાઓ વાંચવા અને એ રેકોર્ડિંગ્સ સાંભળવા કિલક કરોઃ www. planetjv. wordpress. com)
અવાજ રહ્યો. આત્મા ગયો. સુરેશ દલાલના પ્રિય કવિ ઓડેને કવિ યેટસની દફનવિધિ પર લખેલું 'અર્થ (ધરતી) રિસિવ એન ઓનર્ડ ગેસ્ટ!'
આપણે અગ્નિને લઇ જતી હવાને કહીશુંને, 'પવન, આ વેલ્વેટ ગેસ્ટ, મખમલી મહેમાનનું સ્વાગત કર!'
મળીશું, ફરી પાછા. કયારેક.
(સુરેશ દલાલની ન્યારી-પ્યારી પ્રેમકવિતાઓ આવતા અનાવૃત્તમાં)
ફાસ્ટ ફોરવર્ડ
નહિ નહિ તો વહી ગયા કેટલા વર્ષ
થોડી, પીડા, થોડી યાતનાઃ પણ અંતે તો અઢળક હર્ષ
રાતના સમયે કદી કદી ગટગટાવ્યા ચાંદનીના જામ
કામ, કામ અને કામની વચ્ચે ઐયાશી આરામ.
કયારેક મન મંદિર જેવું તો કયારેક મયખાનું
જીવવા માટે કારણ અને મરવાનું નહિં બહાનું! (સુરેશ દલાલ)

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved