Last Update : 19-August-2012, Sunday

 
પ્રોફેસર પ્યારેલાલની સોસાયટીમાં હાસ્ય પરિષદ
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

રવિવારે સાંજે પ્રોફેસર પ્યારેલાલની સોસાયટીમાં ઉત્સાહનો માહોલ હતો. સોસાયટીના પાર્ટી પ્લોટમાં ખુરશીઓ અને ટેબલ ગોઠવાઈ ગયાં હતાં.
સોસાયટીના સભ્યો સકુટુંબ ખુરશીમાં ગોઠવાઈ જવા માંડયા હતા.
પ્રોફેસર પ્યારેલાલે શકરાભાઈને અને પેથાભાઈને મહેમાન તરીકે ખાસ આમંત્રણ આપ્યું હતું. પેથાભાઈ કરતાં પટલાણી વધારે ખુશ હતાં. એમનો દબદબો સોસાયટીના સભ્યોની નજરે ચડી ગયો હતો. શકરાભાઈ અને શાણીબહેન એમની પુત્રવધૂ મંજરી સાથે વહેલાં આવીને બેસી ગયાં હતાં. પ્રોફેસર પ્યારેલાલ પ્રિયા અને બાળકો સાથે હતાં. એ આગળની હરોળમાં સ્થાન પામ્યાં હતાં. પ્રોફેસર પ્યારેલાલનાં પત્ની તરીકે એમનો ય મોભો હોય ને !
પ્રોફેસરના કહેવાથી પ્રિયાબહેન સહેજ પાછળની ખુરશીમાં બેઠેલા પેથાભાઈના અને શકરાભાઈના પરિવારને મળી આવ્યાં. એમનો આવો વિવેક બંને પરિવારને ગમ્યો.
સમય થતાં જ પ્રોફેસર પ્યારેલાલે ખુરશીમાંથી ઊભા થઈને જાહેરાત કરી ઃ 'આપણે હવે હાસ્ય પરિષદ શરૃ કરીએ છીએ. અહીં આપણે હાસ્ય લેખકોની જેમ ભાષણબાજી કરવાના નથી. અહીં જોકસનો કાર્યક્રમ કે કોમિક નથી. આપણે તો બે ઘડી ગમ્મત કરીને હસવાનું છે. આ કાર્યક્રમમાં આઠ સભ્યોએ નામ આપ્યાં છે. બીજા બધા પ્રેક્ષકો છે.
અહીં આ સુશોભિત ટોપલીમાં ચિઠ્ઠીઓ નાખી છે. એ ટોપલીમાંથી ભાગ લેનારા સભ્યો ચિઠ્ઠી ઉપાડશે અને એમાં જે લખ્યું હશે તે પ્રમાણે તેમણે વર્તવાનું છે. એમ કરવું ફરજિયાત છે.
બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પ્રોફેસર પ્યારેલાલે કહ્યું કે હું ભાગ લેનારા સભ્યોમાંથી જેમનું નામ પોકારું તેમણે આવીને ટોપલીમાંથી ચિઠ્ઠી ઉપાડવાની છે.
સોસાયટીના મંત્રીએ કહ્યું ઃ 'પહેલી ચિઠ્ઠી પ્રમુખ જ ઉપાડે.' બીજા સભ્યોએ પણ ઉત્સાહથી એમના નામની બૂમ મારી.
પ્રોફેસર કહે ઃ 'મારું નામ તો છેલ્લું હોય. શરૃઆત સભ્યોથી થાય, પ્રમુખથી નહિ.'
પણ બધા સભ્યોએ હોહા કરી મૂકી- 'વી વોન્ટ પ્રોફેસર, વી વોન્ટ પ્યારેલાલ.'
પ્રોફેસર પ્યારેલાલે ઓ.કે. કર્યું. એમણે જરા રમૂજ માટે ટોપલી સામે જોઈને ટોપલીને બે હાથ જોડયા ઃ 'ટોપલીબાઈ' અમારી લાજ રાખજો.'
એમણે એક ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠી વાંચતાં જ શેહ ખાઈ ગયા. જરા થોભી ગયા. સભ્યો ઇંતેજાર બની ગયા. પ્રોફેસર પ્યારેલાલ હસ્યા, 'પહેલી આફત મારા પર જ આવી છે.'
'વાંચો, વાંચો'નો પોકાર ઊઠયો.
પ્રોફેસર પ્યારેલાલે વાંચ્યું ઃ 'પત્ની સાથે નૃત્ય કરો. અને તમે મહિલા હો તો પતિ સાથે નૃત્ય કરો.'
બધા સભ્યોએ જોરજોરથી તાળી પાડી, પોકારો કર્યા ઃ 'ડેન્સ, પ્રોફેસર ડેન્સ.'
પ્રોફેસરે આગળની હરોળમાં બેઠેલી પ્રિયા સામે જોયું. પ્રિયાએ જોરથી ડોક હલાવી ના પાડી. પ્રોફેસર તેને આગ્રહ કરવા માટે હાથથી ઇશારત કરવા માંડયા.
સભ્યોએ બૂમરાણ કરી મૂકયું ઃ 'ડેન્સ, પ્રોફેસર ડેન્સ.'
પ્રિયાબહેન ખૂબ ગભરાટમાં હતાં. એમને સ્વપ્નેય ડેન્સ કરવાનું આવશે તેનો ખયાલ નહોતો. પ્રોફેસર એમને મનાવવા આગળ આવ્યા. સ્ટેજ તો હતું નહિ. એમણે છેક પાસે આવીને કહ્યું ઃ 'આપણે શિસ્ત પાળવી જોઈએ... પ્લીઝ. પ્રિયા. પ્લીઝ.' સભ્યો આતુર થઈ રહ્યા છે.'
પ્રોફેસરની વિનંતીથી નાછૂટકે પ્રિયાબહેન ઊઠયા. પ્રોફેસર પ્યારેલાલે જિંદગીમાં એક જ વાર એમના પગ તળે સળગતો ફટાકો ચંપાઈ ગયો હતો ત્યારે તાંડવ નૃત્ય કર્યું હતું. એમને ડેન્સનો મહાવરો જ નહોતો.
પણ પ્રિયાબહેન તો નૃત્ય કલાના અભ્યાસી હતા. તેમણે એમની વહી ગયેલી જુવાની યાદ કરી પ્રોફેસર સાથે નૃત્ય કરવા માંડયું. પ્રોફેસર પ્યારેલાલ બિચારા આમ તેમ ઊંચા પગ કરી ઠેકડા મારે.. પ્રિયાબહેન સાથે તાલમેલ થાય જ નહિ. બધા ખૂબ હસતા હસતા, 'બ્રેવો, શાબાસ, પ્રોફેસર.' કહીને પોકારો કરવા માંડયા.
પટલાણીથી બોલ્યા વિના રહેવાયું નહિ ઃ 'પ્રોફેસર આમ વાંદરાની જેમ કૂદકા મારે છે - કેવા લાગે છે ?'
પેથાભાઈએ એકદમ એમને ચૂપ કરી દીધાં.
પ્રોફેસરને પરસેવો છૂટી ગયો હતો. ત્રણચાર મિનિટ તેમણે નૃત્યને નામે કસરત કરી સભ્યોને સારી રમૂજ પૂરી પાડી. પ્રિયાબહેન ગૌરવથી પોતાની સીટ પર જઇને બેસવા જાય તે પહેલાં તેમને બધાએ કોન્ગ્રેટ આપ્યાં.
પ્રિયાબહેનનો અહં ફૂલ્યો.
એક સભ્યે બૂમ મારી ઃ 'સાહેબ, ડાન્સિંગ ક્લાસ જોઈન કરો.'
પ્રોફેસર પ્યારેલાલે હાજર જવાબ આપ્યો ઃ 'પત્ની રજા આપશે તો.. થેન્ક યૂ'
એમણે વિજયરાયનું નામ પોકાર્યું. વિજયરાયે ટોપલીમાંથી ચિઠ્ઠી ઉપાડી.
'તમારા ઘરમાં ચલણ કોનું ? પત્નીનું કે તમારું ?'
વિજયરાય ગર્વથી ટટાર થઇને કહે ઃ 'આપણું જ ચલણ, રાજની. આઆપણો જ હુકમ ચાલે. પત્ની ભલેને ગમે તેટલું ઝઘડે. આપણે છેવટે એક જ વાક્ય એવું સંભળાવી દઈએ કે ચૂપ થઇ જાય. ઝઘડો ક્લાઈ-મેકસ પર આવે એટલે આપણે કહી દઈએ ઃ 'આઈ એમ વેરી સોરી'.
બસ, પત્ની ચૂપ, પછી એની હિંમત છે કે શું બોલે ?'
પ્રોફેસરે શાબાસી આપતા કટાક્ષમાં કહ્યું ઃ 'તમારા શૌર્ય માટે તમને ચંદ્રક આપવો ઘટે.'
પ્રોફેસરે નામ પોકાર્યું ઃ 'શાણીબહેન..'
શાણીબહેન ગભરાઈ ગયાં. સભ્યો એમને જાણતા નહોતાં. પણ પેથાભાઈએ એમને કહ્યું ઃ 'જાવ... સંકોચ ના રાખો.'
શકરાભાઈએ પણ તેમને ધકેલ્યા. શાણીબહેને ચિઠ્ઠી ઉપાડી. વાંચ્યું -
'તમારા વરને અને જો તમે પુરુષ હોત તમારી વહુને જોરદાર ઠપકો આપો.'
પ્રોફેસર પ્યારેલાલે શકરાભાઈને ય બોલાવીને એમને સામસામે ઉભા રાખ્યાં. શાણીબહેનને કહ્યું ઃ 'તમારા પતિને યાદ રહી જાય તેવો જોરદાર ઠપકો આપો.'
પણ શાણીબહેને જિંદગીમાંય શકરાભાઈને બે કડવા શબ્દો કહ્યા ના હોય તે એમને શી રીતે ઠપકો આપે ? એ મૂંઝાતા ઊભા રહ્યાં. પ્રોફેસરે કહ્યું ઃ 'એમાં વિચાર શો કરવાનો ? બધી સ્ત્રીઓ પતિને ધમકાવતી હોય છે. તમે કેમ ડરો છો ? શકરાભાઈની ખબર લઇ નાખો. ગમે તે પ્રસંગ શોધી કાઢો.'
શકરાભાએ ય કહ્યું ઃ 'જે કહેવું હોય તે કહી દેને મને ખોટું નહિ લાગે.'
પ્રોફેસરે કોમેન્ટ કરી ઃ 'ખોટું લગાડીને પતિ જાય કયાં ?'
શાણીબહેને હિંમત એકઠી કરીને કહ્યું ઃ 'મેં ખોટું કર્યું હોય તો તમે મને ધમકાવતા કેમ નથી ? બોલો કેમ ધમકાવતા નથી ?'
પ્રોફેસર હસી પડયા ઃ 'આવો તે ઠપકો હોતો હશે ? તમે તો પતિને ઊલટું હકનામું લખી આપો છો ?'
શકરાભાઈ બે હાથ જોડીને કહે ઃ 'મારી ભૂલ થઈ, બસ, હવે ખોટું કામ કરીશ તો બરાબર ધમકાવીશ.'
પ્રોફેસર હસી પડયા ઃ 'સંસારમાં આવું કપલ કોઈએ જોયું છે ? કયારેય લડે-ઝઘડે નહિ ?'
બધાએ તાળીઓ પાડી. શાણીબહેન - શકરાભાઈનું અભિવાદન કર્યું. પ્રોફેસરે વિદ્યુતાનું નામ પોકાર્યું. એની ચાલવાની ઝડપ અને એનો ઠસ્સો બધા જોતા રહ્યા. વિદ્યુતાએ ટોપલીમાંથી ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠીમાં લખ્યું હતું ઃ 'તમે પુરુષ હો તો વહુ વિશે અને સ્ત્રી હો તો વર વિશે બોલો.
'જરા ડિશન્ટ, કોઇ કામની ના પાડે તેવો, નરમ, હોંશીલો, સ્વભાવે શાંત. જીભાજોડી ના કરે તેવો..
પ્રોફેસરે એકદમ કહ્યું ઃ 'બહેન, જરા ઊભા રહો. તમે તમારા નોકર વિશે ખયાલ આપો છો કે તમારા વર વિશે.'
વિદ્યુતા ઃ 'હજી વર છે જ ક્યાં ? અહીં કોને ઉતાવળ છે ?શોધતો આવશે.. પણ વર મળ્યા પછી નોકર પણ એવો જ જોઈએ.'
'બેસ્ટ વિશિઝ. થેન્કયુ.' પ્રોફેસર પ્યારેલાલે કહ્યું.
પ્રોફેસર પ્યારેલાલે લલિતાબહેનનું નામ પોકાર્યું.
લલિતાબહેને ચિઠ્ઠી ઉપાડી ઃ 'તમારા દીકરા માટે કેવી વહુની અપેક્ષા છે ?'
'જુઓ સાહેબ ! હવે દીકરો પરણાવવાની હોંશ જ રહી નથી. બે દીકરા છે. એમાં એક પરણી ગયો. એનો બીજો જનમ થઇ ગયો. હવે સસરો એના પપ્પા અને સાસુ મમ્મી છે.' છોકરો પરણાવ્યો એટલે ગુમાવ્યો. છોકરી પરણાવવી સારી કે જમાઈને ખેંચી લાવે... અને ઘરનો થઇને રહે. બીજો દીકરો ક્યારનો પઈણું પઈણું કરે છે, પણ મારે એને ઝટઝટ પરણાવીને નવા જમાનાની વહુના રાજમાં રહેવું નથી. વહુ ન જાણે કેવી આવે એની ફડક જ રહે છે...'
લલિતાબહેને ભાષણ કરવા માંડયું. પ્રોફેસર પ્યારેલાલે થેન્કયુ કહીને તેમને વિદાય કર્યા.
પ્રોફેસરે રીટા નામ પોકાર્યું.
રીટાએ ચિઠ્ઠી ઉપાડી ઃ 'તમને કેવી સાસુ ગમે ?'
'સાસુ ગમવા ન ગમવાનો સવાલ જ નથી. મારે સાસુ વિનાનું સાસરું હોય એવો વર પસંદ કરવો છે. સાસુ નામ જ ભડકામણું છે.'
પ્રોફેસરે કોમેન્ટ કરી ઃ 'હવે તો સાસુઓને વહુનું નામ ભડકામણું લાગે છે. સાસુઓ વહુથી ડરતી હોય છે.
'એમને ડરતી જ રાખવી જોઈએ. એ લડતી નહિ, રડતી હોય. જો કે મારે તો સાચી ખોટી કોઇ સાસુ જોઈએ જ નહિ. વર હાથમાં રાખવો હોય તો સાસુ નહિ, નહિ ને નહિ જ.'
એમ કહેતી એ સડસડાટ જતી રહી.
પ્રોફેસરે કહ્યું ઃ 'અહીં કાર્યક્રમ પૂરો થાય છે. હાસ્ય પરિષદમાં હસતાં હસતાં આપણા સમાજની છબી જોવા મળી. કુટુંબ વિશે જાણવા મળ્યું. હવે ફરી મળીશું. ધન્યવાદ.'

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved