Last Update : 19-August-2012, Sunday

 

લાઈટહાઉસ પ્રકરણ

- ધૈવત ત્રિવેદી

ગત રવિવારે આપણે જોયું...
૧૮૫૭ના સંગ્રામમાં પરાસ્ત થયા પછી લાપતા થઈ ગયેલા નાનાસાહેબ પેશ્વા કદી અંગ્રેજોના હાથમાં ન આવ્યા. પરંતુ લાપતા થઈને એ ક્યાં ઓગળી ગયા એ કોયડા સામે ચૂપ થઈ જતો ઈતિહાસ વિરમે મેળવેલા દસ્તાવેજોમાં ખૂલતો હતો. પેશ્વાના પારિવારિક નામ 'બાળુ નાના'ની સહીથી લખાયેલા જર્જરિત પત્રોના ઉલ્લેખ મુજબ, માસ્ટર માઈન્ડ તાત્યાના ચુસ્ત આયોજનને લીધે પરાસ્ત થયા પછી ય પેશ્વા અંગ્રેજોની નાગચૂડમાંથી સહીસલામત નીકળી શક્યા હતા. જૂના સાથીદાર તરીકે સિહોરના બ્રાહ્મણોએ તેમને આશરો આપ્યો અને પેશ્વાએ સાધુ વેશે ત્યાં જ જિંદગી બસર કરી. એ પછી બદનૂર ગામે તેમણે છૂપાવેલા ખજાનાનું શું થયું એ વિશે દસ્તાવેજોમાં ઉલ્લેખ ન હતો. મેજરે વિરમને એ ખજાનો શોધવા છૂટો દોર આપ્યો. છેલ્લાં કેટલાંક સમયથી વિરમની સાથે જ ટ્રેઈન થતી રાવીને જોકે તેમણે જોડે ન મોકલી. ગિન્નાયેલી રાવી નાછૂટકે ચમોલી રોકાઈ ગઈ અને નિયમિત સમયે ગુલમર્ગ જઈને મેજર સાથે સંપર્ક રાખતી હતી. એવી જ એક મુલાકાત વખતે રાવી હોટેલમાં મેજરની રાહ જોતી હતી ત્યારે તેને ભેદી રીતે એક સંદેશો મળ્યો. હવે વાંચો આગળ...

- એ જિંદગીભર એક જવાબદાર નાગરિક તરીકે કાયદો પાળતો રહ્યો. એક એવો કાયદો જે મૂળથી જ અપાહિજ છે. એક એવી લોકશાહી જેના પાયામાં જ લૂણો લાગેલો છે.

'રોઅરિંગ સાઉન્ડ્સ ડિફરન્ટ. મેઈન્ટેન સાયલેન્સ એન્ડ કિપ ડિસ્ટન્સ.'
'પેપર નેપકિનની કિનારી પર ઘૂંટીને લખાયેલા અક્ષરો જોઈને હું છળી ઊઠી. સંદેશો વિરમનો જ હતો તેમાં કોઈ શક ન હતો. પણ વિરમ ક્યાં હતો? અને બિહોલાથી દૂર થવાનું મને કેમ કહેતો હતો? મારી આંખમાં પ્રવેશેલા અક્ષરો દિમાગમાં પહોંચીને અર્થ સ્પષ્ટ કરે એ પહેલાં જ મારા મગજમાં સવાલોનું રમખાણ મચી ગયું.'
'એ સંદેશો વિરમનો જ હતો એવું તું કેવી રીતે નક્કી કરી શકી? અક્ષરો ઉપરથી?'
'સુમરાને એ સમજાશે' રાવીએ સુમરાની સામે જોયું, સંદેશો મોકલવાની વિરમની પોતાની સ્ટાઈલ હતી.' અભિએ જોયું તો સુમરાના ચહેરા પર પણ હકારનું સ્મિત હતું.
'એ નેટવર્કિંગમાં જેટલો પાવરધો છે એટલો જ કોડ મેકિંગમાં પણ ચબરાક છે. આઈપીએસ લેવલના પોલીસ અફસરોને કોડ મેકિંગ અને કોડ બ્રેકિંગની ખાસ તાલીમ આપવામાં આવે અને એ તાલીમ સાધારણ રીતે આર્મીના ટોચના અફસરો આપતા હોય. પરંતુ વિરમ એક એવો અપવાદ હતો કે ખુદ આર્મી અફસરો પણ કોડિંગ-ડિકોડિંગ માટે તેની મદદ લેતા.'
'હા, મને પણ તેનો અનુભવ છે...' સુમરાએ પણ ટાપશી પૂરાવી, 'તેના વિશ્વાસુ વર્તુળમાં આવ્યા પછી તેણે મારા માટે જરૃરી દરેક સંપર્કો, વ્યક્તિઓ, સ્થળો માટે ચોક્કસ સંકેતો બનાવ્યા હતા.'
'પણ એ સંકેતો તો બીજુ કોઈ પણ ઉકેલી શકે ને?' અભિમન્યુ રૃંવેરૃંવેથી પત્રકાર હતો. હરકોઈ સમયે, હરકોઈ હાલતમાં કામનું-નકામું બધું જ જાણવા માટે તેની ઉત્સુકતા બરકરાર રહેતી.
'ના, એ શક્ય નથી. જો એવું જ હોય તો વિરમ તેના નેટવર્કના જે માણસ સાથે સંદેશો મોકલે એ માણસ પોતે જ તેનો અર્થ ન તારવી લે? પણ એવું ન બને કારણ કે એ મારી અને વિરમની પોતાની ડિક્શનરી હતી. એવી જ રીતે વિરમની અને રાવીની પોતાની એક ભાષા હોઈ શકે.'
'તને સમજાવું...' અભિમન્યુના ચહેરા પરની ગૂંચવણ પારખીને સુમરાએ વધુ વિસ્તારથી સ્પષ્ટતા કરી, 'મને કહે બિયર શબ્દ શું સૂચવતો હશે? ચાલ, ઘડીભર ધારી લે કે તું વિરમનો ખબરી છે. એ તને મારા માટે લેખિત કે મૌખિક એક સંદેશો મોકલે છે, બાર બંધ થાય એ પહેલાં બિયર ખરીદી લે. અથવા તો, બિયરની બોટલ લઈને બુટલેગર નીકળી ગયો છે.'
અભિમન્યુ ઊંચે જોઈને સ્ક્રિયોન મઢેલી ફોર્ચ્યુનરની છતને તાકી રહ્યો, 'નો... આઈ કાન્ટ ઈવન ગેસ..' તેને અટવાયેલો જોઈને સુમરાને મજા આવતી હતી. તેણે ખડખડાટ હાસ્ય વેર્યું, 'વિરમના સાગરિત થવા માટે દોસ્ત, આ બધી તાલીમ લેવી પડે છે... પણ એ કડક તાલીમ પછી તારામાં અને આઈપીએસ અફસરમાં બહુ લાંબો ફરક નથી રહેતો!'
સુમરાની મજાક પર અભિ ય હસી પડયો, 'ઓકે આઈજીપી સુમરા, હવે મને આ બિયરની જફા સમજાવો...'
'એ શબ્દ સાહા માટે છે....'
'અચ્છા...' અભિમન્યુના ચહેરા પર અર્થનું અજવાળુ પથરાતું હતું. 'સાહા કદાચ બિયરનો બંધાણી હશે'
'ના, જો એ બિયરનો બંધાણી હોત તો વિરમે તેના માટે આ કોડ રાખ્યો જ ન હોત. કારણ કે તો સાહાને ઓળખતો કોઈપણ માણસ આ કોડ ઉકેલી શકે. આ શબ્દ તેને સાહાની મોટા ગોળા જેવી ફાંદ, બિયર બેલી પરથી સૂઝ્યો. હવે, એકવાર સાહા માટે બિયર શબ્દ નક્કી થઈ ગયો પછી દરેક શબ્દ બિયર સાથે સંબંધિત જ રાખવાનો. જેમ કે નશો, બુટલેગર, બિયરની બ્રાન્ડ, પ્રોહિબિશન... બાર બંધ થાય એ પહેલાં મતલબ કે સાહા બિઝી થઈ જાય એ પહેલાં મારે તેને મળી લેવાનું છે... બિયરની બોટલ લઈને બુટલેગર મતલબ કે સાહાએ મોકલેલો સામાન લઈને સેવંતીલાલ નીકળી ચૂક્યો છે...'
'ઓહ્હ્હ્...' અભિ તાજુબીથી જોઈ રહ્યો.
'એ જ રીતે બિહોલા માટે મને વિરમે આપેલો કોડ હતો વાઈલ્ડ. એઈ સુમરા, ટેલ મી, તને એણે મારા માટે શું કોડ આપ્યો હતો?'
'જુગ્નુ...' સુમરાએ રાવીની સામે જોઈને હળવું સ્મિત કરતાં કહ્યું. 'તું ઓચિંતી ઝબકી જતી, એટલી જ ઝડપથી ક્યાંક અલોપ પણ થઈ જતી. તને કદાચ યાદ હશે, આપણે આ વખતે મળ્યા એ પહેલાં મેં ભાગ્યે જ તને કદી દિવસ દરમિયાન જોઈ છે. મને હંમેશાં થતું કે આ છોકરી દિવસે કેવી લાગતી હશે...'
રાવી ખડખડાટ હસી પડી અને પછી હળવો નિઃશ્વાસ નાંખીને બોલી ગઈ, 'હા યાર, ભ્રમણાનો કેફ જ એવો હતો કે હકિકતનો ઉજાસ ત્યારે સહન જ ન થઈ શકતો. યુ નો...?' રાવીએ સીટમાંથી આગળની તરફ ઝૂકીને સુમરાના ખભે હાથ મૂક્યો, 'તારો કોડ શું હતો ખબર છે? યુ વેર માઉન્ટ... માઉન્ટ સુમરા...'
- અને બેય ખડખડાટ હસી પડયા.
'ચંદીગઢમાં પેલા હરવિંદર ચઢ્ઢાની સભામાં તેં બ્લાસ્ટ કરાવ્યો અને તેમાં તને ય ઈજા પહોંચી ત્યારે વિરમે મને મેસેજ મોકલ્યો હતો, માઉન્ટ એક્સ્પ્લોડ્સ... અને મને થયું કે તું માર્યો ગયો છે...'
ફરીથી બંનેના ઉન્મુક્ત હાસ્યથી ફોર્ચ્યુનરની છત ગૂંજી ઊઠી. અભિમન્યુ એ બંનેના ખડખડાટ હસતા અવાવરૃ ચહેરા પર ભટકતી ખુશીને એકીટશે જોઈ રહ્યો.
ખાનાબદોશની માફક રઝળી રહેલી આ જિંદગીઓ... તેમની દુનિયા અલગ... તેમના મૂલ્યો, તેમના વિચારો ય અલગ... તેમની કરણી ય અલગ, તેમની કહાની ય અલગ અને કહાનીની ભાષા ય અલગ...! હાથે કરીને ખડી કરેલી ભુલભુલામણીઓમાં અથડાતા-કૂટાતા-પછડાતા ક્યાં આ લોકો અને ક્યાં એ પોતે? અભિ તદ્દન મૌનપણે ગાડીના ડેશબોર્ડને તાકી રહ્યો. વરસાદ વરસાવી દીધા પછી ખાલી થયેલા ધોળાફક્ક વાદળોની છાતી ફાડીને હવે આછકલો તડકો વરસી રહ્યો હતો. તડકાના પછડાટથી ચળકતા ડેશબોર્ડમાં અભિને પોતાની જિંદગીનું પ્રતિબિંબ દેખાતું હતું.
તે જિંદગીભર ઈમાનદાર રહીને પોતાનું કામ કરતો રહ્યો. તેણે કદી જ નૈતિક મૂલ્યોના દાયરાની બહાર પગ ન મૂક્યો પણ આજે તેને સવાલ થતો હતો. આખરે તેણે કર્યું તો 'પોતાનું' જ કામ ને? તેણે કદી કશું જ ખોટું નથી કર્યું પણ એ ખોટું કરવાથી બચી શક્યો કારણ કે, તેનું જગત 'હું અને મારૃં ઘર' એ શબ્દોની ચાર દિવાલમાં સમેટાઈ જતું હતું એટલે તેને કદી નીતિની લક્ષ્મણરેખા ઓળંગવાની નોબત જ નથી આવી.
એ જિંદગીભર એક જવાબદાર નાગરિક તરીકે કાયદો પાળતો રહ્યો. એક એવો કાયદો જે મૂળથી જ અપાહિજ છે. એક એવી લોકશાહી જેના પાયામાં જ લૂણો લાગેલો છે. એક એવું શાસન જે કદી જ લોકો થકી, લોકો માટે હતું નહિ અને થશે પણ નહિ તેની તેને બરાબર ખબર છે. તો શું એ કાયદો પાળવામાં જવાબદાર નાગરિક તરીકેની ફરજ પરસ્તી હતી કે એવો તકલાદી કાયદો ફગાવી દેવામાં? એ લોકશાહીના ગુણગાનનો લાફો પોતાના જ ગાલે મારીને ખુશહાલ દૃશ્યની લાલીના વ્હેમમાં જીવ્યા કરવાનું? એ દંભ ન હતો? કાનૂનપ્રિય, શાંતિપ્રિય, બૌદ્ધિક હોવાના આંચળા હેઠળ એ ક્યાંક એટલા માટે તો ચૂપ ન હતો ને કે તેને ખુવાર થઈ જવાનો ડર લાગતો હતો?
પહેલીવાર આજે અભિની વિચારધારા બે અંતિમોની વચ્ચે ઊભી રહી જતી હતી. આજે પહેલીવાર તેને પોતાના બૌદ્ધિકપણાના રૃપાળા, રણકતા, મખમલી સિક્કાની બીજી બાજુએ દંભ, ડર અને સ્વાર્થી સંકુચિતતાનું ભદ્દુ, ખરબચડું, વરવાપણું દેખાતું હતું. આજે પહેલીવાર તેને પોતાના અભિમન્યુપણાનો અહેસાસ થતો હતો. આજે પહેલીવાર તેના પગ તળે વિચારોના કોઠાયુદ્ધનો ચક્રવ્યૂહ દોરાતો અનુભવાતો હતો અને એ મનોમન તેમાં ખુલ્લી આંખે ધસ્યે જતો હતો...
- સાતમા કોઠાનો ભેદ પોતે નથી જાણતો તેની ખબર હોવા છતાં...
હ હ હ
'હેઈ... સ્ટોપ ઈટ...' કશુંક ચળિતર જોઈ ગયો હોય તેમ રાજાવત ચિલ્લાયો. તેના અવાજમાં રહેલો તકાજો પરખાય એ પહેલાં તેની ચીસના વોલ્યૂમને લીધે જ રાજિયાનો પગ અનાયાસે બ્રેક પર જડાઈ ગયો. ખુલ્લી, લિસ્સી સડક પર સનસનાટ ભાગતી હોન્ડા સીઆરવીના ડિસ્ક સાથે ડ્રમ પેડ સજ્જડ ભીંસાયા અને હળવી ચિચિયારી સાથે ગાડી સ્હેજ ડાબી બાજુ ફંટાઈને ઊભી રહી ગઈ.
'કે...' રાજિયાના ગળામાંથી અવાજ હજુ નીકળે એ પહેલાં તો રાજાવતે જમણો હાથ ઊંચો કરીને તેને ચૂપ કરી દીધો. એ તંગ ચહેરે બાજુમાં મૂકેલા ટ્રાન્સમીટરના રિસિવરને જોઈ રહ્યો હતો. પાંપણનું મટકું પણ માર્યા વગર તે ઝીણી આંખે જોતો રહ્યો. 'નો... ઈટ વોઝ...' તેણે રિસિવરની સામે જોઈને ડોકું ધૂણાવ્યું, 'ઈટ વોઝ નોટ એન ઈલ્યૂઝન... હેવ સીન... કશોક ઝબકારો થયો એ મેં બરાબર જોયું...' ક્યાંય સુધી રિસિવરને ખોળામાં રાખ્યા પછી છેવટે તેણે કંટાળીને સીટ પર બાજુમાં મૂક્યા હતા અને અચાનક જ તેને કશોક ઝબકારો વર્તાયો હતો. તેણે ફરીથી રિસિવર ચેક કર્યું. નાહકના પ્રયાસ તરીકે હલાવી ય જોયું પણ ગનમેટલનું ટચૂકડું રિસિવર સાવ નિષ્પ્રાણ હતું.
'અરે યાર, મેં બ્લિન્કિંગ લાઈટ ઝબૂકતી બરાબર જોઈ હતી...' રાજાવત અવઢવમાં બોલી રહ્યો હતો અને રાજિયો રાબેતા મુજબ મિસ્ટર બીન જેવા બાઘા ચહેરે તેની સામે જોઈ રહ્યો હતો.
'ગાડી સાઈડમાં લઈ લે...' રાજાવતે બારીમાંથી આસપાસ નજર દોડાવી, 'એક કામ કર, મોટો ટર્ન લઈને આ ઢાળ ઉતારીને પછી થોડી પાછળ લે...'
રાજિયાએ ગાડી ધીમી પાડી સડકની સ્હેજ વચ્ચે લઈને ડાબી બાજુ ટર્ન લીધો અને વળી સ્હેજ રિવર્સ લઈને પછી આગળના ઢાળ ભણી હંકારી.
'હેઈઈઈઈ... સ્ટોપ... સ્ટોપ...' હરામીના પેટમાં ધ્રાસ્કાની આંટી પડી જાય એટલાં જોરથી રાજાવત ફરીથી ચિલ્લાયો. 'આવે છે... આવે છે...'
'કોણ આવે છે?' ફફડી ગયેલો રાજિયો ડ્રાઈવિંગ સીટ પર સતર્ક થઈને આજુબાજુ જોવા લાગ્યો.
'અરે ગધેડા, ક્યાં ડાફોળિયા મારે છે? અહીં આવે છે... તારો બાપ... આ ડાબલીમાં સિગ્નલ આવે છે...' રાજાવત ઉન્માદભેર રિસિવરમાં બ્લિન્ક થતી લાઈટને જોઈ રહ્યો હતો. નાનકડા મોબાઈલ હેન્ડસેટની સાઈઝના મેટાલિક સિલ્વર કલરના રિસિવરમાં હવે સિગ્નલના બે પોઈન્ટ ઝબકી રહ્યા હતા. મતલબ કે, ટ્રાન્સમીટર ચિપકાવેલી ગાડી બે કિલોમીટરની રેન્જમાં જ ક્યાંક હતી. એ ગાડી આગળની તરફ હશે કે પાછળથી આવી રહી હશે?
'ઉતર...' રાજાવતે ત્વરાથી દરવાજાનો નોબ ખેંચ્યો અને લાત મારીને દરવાજો ખોલતાં કહ્યું. ડઘાયેલો રાજિયો હજુ ય સમજી શકતો ન હતો કે આ અડબંગ શું કરવા માંગે છે. 'બાજુની સીટ પર જતો રહે...' રાજાવતે ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને તેને હડસેલ્યો અને પોતે સ્ટિઅરિંગ હાથમાં લીધું. રિસિવર તેણે ટેકોમીટરના ડિસ્પ્લે પર આંખ સામે ગોઠવ્યું અને એક્સલરેટર પર પગ ભીંસીને એન્જિન રાઉસ કર્યું. ઝાટકાભેર ગાડી ગિયરમાં નાંખીને ક્લચ છોડયો એ સાથે ૧૬૧ હોર્સ પાવરની સીઆર-વી ચિત્તાની માફક છલાંગ લગાવતી આગળની તરફ ઊડી.
સાહાની ગાડી જો આગળ જઈ રહી હશે તો નજીક આવતાં રિસિવરના સિગ્નલ વધુ શાર્પ થશે અને જો પાછળ હશે તો દૂર જવાથી સિગ્નલ બંધ થઈ જશે એ ગણતરીએ રાજાવતે વીજળીની ત્વરાથી ગાડી ભગાવી હતી. લગભગ અડધો કિલોમીટર પર સિગ્નલ ઝાંખા થઈ ગયા હતા અને થોડી વારમાં રિસિવર ચૂપ થઈ ગયું હતું. પૂરપાટ વેગે ભાગતી ગાડીમાંથી તેણે આસપાસ નજર દોડાવી. પાંચ-સાત કિલોમીટર પછી તેણે ગાડી ધીમી પાડી અને સડકની ડાબી તરફ નીચે ઉતારી.
પહાડ કાપીને બનાવાયેલી સડકની સમાંતરે ખડકાળ જમીન નીચે ખીણની દિશામાં ઢાળ ઉતરતી હતી. રાતભર ઝીંકાયેલા વરસાદને લીધે ચારે બાજુ પાણીના ખાબોચિયા ભરાયેલા હતા. રાજાવતે સફાઈપૂર્વક ખડકોની વચ્ચેથી ગાડી હંકારીને રસ્તાથી ખાસ્સી નીચાણમાં લીધી અને રિઅર વ્યૂ મિરરમાં જોયું. ના, હજુ ય સડક પરથી પસાર થતાં વાહનમાંથી કોઈ નજર કરે તો તેમને સીઆર-વી દેખાઈ જાય અને આંતરિયાળ પડેલી ગાડી જોઈને તેમને વહેમ જાગે જ. રાજાવતે ફરીથી ગાડી રાઉસ કરી અને વધારે નીચે ઉતારી.
હવે જરાક ચૂક થાય તો નીચેની તરફ સીધી ખીણ ફંટાતી હતી અને રાજાવત સાલો દાંત ભીંસીને ગાડીને વધુને વધુ નીચે ઉતારી રહ્યો હતો. રાજિયો અદ્ધર શ્વાસે જોઈ રહ્યો. આઠ-દસ માથોડા ઊંચા રાવણતાડના છુટાછવાયા ઝાડ વચ્ચેની જગ્યામાં કોકમના ઘટાદાર વૃક્ષો આડબીડ ઘેરાયેલા હતા. રાજાવતે સલૂકાઈથી સ્ટિયરિંગ ઘૂમાવીને ગાડી એ તરફ વાળી.
'હજુય કેટલોક ઢાળ ઉતારવો છે?' છેવટે રાજિયાથી બોલ્યા વગર ન રહેવાયું.
'ગાડી ભલે ઢાળ ઉતરે રાજિયા...' તેણે ત્વરાથી સ્ટિઅરિંગ ઘૂમાવતાં કહ્યું, '...પણ આપણું કિસ્મત ઢાળ ચડી રહ્યું છે.'
ખિસ્સામાંથી સિગારેટનું પાકિટ કાઢીને એક સિગારેટ રાજિયાને ધરી અને પોતેય જલાવી. ટેકોમીટરના ડિસ્પ્લે પર પડેલું રિસિવર ઊઠાવ્યું. તેના ચહેરા પરના અકથ્ય ભાવ વાંચવા રાજિયો મથી રહ્યો.
રાજાવતના ચહેરા પર સાહા આવી રહ્યાની ખુશી હતી અને પોતે વિનિંગ પોસ્ટ પર ઊભો હતો તેની ગુસ્તાખી હતી.
હ હ હ
'અહીંથી આપણે છૂટા પડવું પડશે...'
દૂરથી હાથખંભા ગામના મકાનો દેખાતા થયા એ પહેલાં સુમરાએ ગાડી થંભાવી દીધી હતી. આકાશમાં વળી વાદળોનો મેઘાડંબર ઘેરાવા લાગ્યો હતો. દખ્ખણિયા વાયરામાં વર્તાતો ખાર દરિયાની નજદીકીનો અહેસાસ કરાવી રહ્યો હતો. સોપારી, નાળિયેરી, જાંબુડા સડકની સમાંતર હારબંધ હિલોળાઈ રહ્યા હતા. તોતિંગ ખડકની બિહામણી કરાડ ઘેરાતા વાદળના ઓછાયા તળે વધારે કાળમીંઢ લાગતી હતી.
'ગમે ત્યારે વરસાદ તૂટી પડશે. એ પહેલાં જ આપણે છૂટા પડી જઈએ...'
'છૂટા પડી જઈએ... મતલબ?' અભિને કે રાવીને હજુ સુમરાનો વ્યૂહ સમજાતો ન હતો.
'હું સિસ્કોને મળવા જાઉં છું એ દરમિયાન તમે આસપાસમાં ક્યાંક ગાડીમાં મારી રાહ જુઓ...' સિસ્કોને મળ્યા પછી આ આખા મામલા અંગે તેનું વલણ જાણતા સુધી સુમરા આ લોકોને તેની સામે લાવવા ન્હોતો ઈચ્છતો.
'એ હાથખંભામાં જ રહે છે?' રાવીને ય સુમરો છૂટો પડે એ જચતું ન હતું.
'ના, પણ એવું કહી શકાય કે એ આ આખા વિસ્તારમાં બધે જ રહે છે...' સુમરાની આંખોમાં મજાકનું તોફાન હતું પણ અવાજની નક્કરતામાં કદાચ નર્યું સત્ય પડઘાતું હતું. હવે સિસ્કોની કુંડળી ખોલવી પડે તેમ હતી. વિરમને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા સિસ્કો જ ગોઠવી શકે.
'બટ યુ વીલ હેવ ટુ ટેલ મી હુ ધ હેલ ધીસ સિસ્કો ઈઝ...' રાવીના અવાજમાં નામરજીભરી મક્કમતા હતી. 'એ વગર હું વિરમને તેના હવાલે ન કરવા દઉં...'
વખતના વાજાં વખતે જ વગાડી જાણતો સુમરો અત્યાર સુધી મૌન હતો પણ હવે સિસ્કો વિશે માંડીને કહેવાનો વખત આવી ગયો હતો. કારણ કે હવે તેમનો કાફલો સિસ્કોની હદમાં આવી ચૂક્યો હતો. તેણે ડ્રાઈવર સીટ પાછળની તરફ સ્હેજ ઝૂકાવી, એકધારા ડ્રાઈવિંગથી અકડાયેલું શરીર તંગ કર્યું અને આળસ મરડીને વાત માંડી...
સિસ્કો ડેલગાડો ખાનદાની ખેપાની હતો. તેનો પરદાદો ગાર્સિયો ડેલગાડો પોર્ટુગિઝ સૈનિક અને કોંકણી સ્ત્રીના સંસર્ગનું ફરજંદ. સૈનિક તો પોર્ટુગલ ભેગો થઈ ગયો પણ મા સાથે અહીં જ રહી ગયેલો ગાર્સિયો પોર્ટુગિઝની ક્વેરા તરીકે ઓળખાતી વસાહતોની આસપાસ ઉછર્યો. સ્થાનિક કોંકણીઓ માટે તે ઉપાલંભ અને તિરસ્કારનું પાત્ર હતો અને પોર્ટુગિઝ માટે તે કોંકણી હતો. બાળપણથી જ હડધૂત થતો ગાર્સિયો છેવટે બેઉની સાથે બાથ ભીડીને બેઠો થયો.
બાર-પંદર વર્ષની ઉંમરથી મછવો હંકારતા થઈ ગયેલા ગાર્સિયોએ બાળપણથી જ દરિયાની હવા પચાવી લીધી હતી. એ ઉંમરે જ ગેંગ બનાવીને બાળપણની દાઝ કાઢવા મધદરિયે કોંકણીઓના મછવા લૂંટીને ડૂબાડવાના ચાળે ચડી ગયેલો ગાર્સિયો વીસ વર્ષનો થયો ત્યાં તો નેરળની ખાડીમાં તેની હાક વાગવા માંડી હતી. દરિયે મછવા ઉતારવાના અને માછીમારી માટેનો વિસ્તાર આંકવાથી શરૃ થયેલી તેની ઠકરાત એ મર્યો ત્યાં સુધીમાં રજવાડું બની ચૂકી હતી.
ગાર્સિયો પછી તેના દીકરા મારિયો ડેલગાડોએ કારોબાર બમણો વિકસાવીને નેરળથી ઉત્તરે છેક ખેરવા અને ફાગળના કાંઠા સુધીનો વિસ્તાર કબજે કરી લીધો હતો. એ અરસામાં અંગ્રેજો અને પોર્ટુગિઝો વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. બેયના ગવર્નરે એકમેકના હિતમાં ચંચુપાત ન કરવા સમાધાન કરી લીધેલું પણ નીચેના સ્તરે પ્રોક્સી વોર જારી જ હતું.
બદમાશ અંગ્રેજો કોંકણ કાંઠાના ભોંસલે અને સાવંત શાખના માથાફરેલા મરાઠાઓને સાધીને પોર્ટુગિઝ વિસ્તારમાં પેશકદમી કરતા જતા હતા. ત્યારે પોર્ટુગિઝની તરફેણમાં મરાઠાઓના વ્હાણ સામે બાથ ભીડવાનું જોખમી કામ મારિયો ડેલગાડોએ સંભાળ્યું હતું. બસ, એ પછી ડેલગાડો અહીંનો બિનઘોષિત હાકેમ ગણાવા માંડયો હતો. પોર્ટુગિઝ ગવર્નર જોસ રિકાર્ડો કેબ્રાલના વખતમાં તો એવું કહેવાતું કે શાસનના અસલી હુકમો બમ્બોલિમના વિલા-દ-ડેલગાડોમાંથી નીકળતા અને પછી ગવર્નર હાઉસ તેના પર રૃક્કો મારતું.
સાંઠના દાયકામાં પોર્ટુગિઝે તો વિદાય લેવી પડી અને ભારત સરકારનું શાસન સ્થપાયું પણ એ પછી ય ચોક્કસ વિસ્તારોમાં ડેલગાડોની આણ યથાવત રહી હતી. ગુનાખોરી અને રાજકારણ, સત્તાના સિક્કાની એ બેય બાજુમાં બરાબર પલોટાયેલો સિસ્કો ડેલગાડો આજે પણ સો કિલોમીટરના દરિયાકાંઠાનો હાકેમ જ હતો. હકીકતમાં તો એ સીધી રીતે એકેય ગોરખધંધામાં ન હતો અને હકીકત એ પણ હતી કે એકપણ ગોરખધંધા સિસ્કોનો સિક્કો વાગ્યા વગર ચાલી શકતા ન હતા.
'ઈટ્સ ઓકે...' રાવીએ હવામાં તાકીને કહ્યું. એ કદાચ સિસ્કોનો ચહેરો
ધારી રહી હતી. 'વિરમ જ્યાં હોય ત્યાં કોમ્યુનિકેશન...'

 

'એ બધું જ મારા ખ્યાલમાં છે પણ...' સુમરાએ ફોર્ચ્યુનરનું એન્જિન સ્ટાર્ટ કર્યું, 'એ પહેલાં આપણે બરખોલની દિવાદાંડીનો રસ્તો જાણી લઈએ...'
બે-ત્રણ ખેતરવા જેટલાં અંતર પછી નાનકડા ગારમાટીના, નાળિયેરના પાનની છાજલી મઢેલા ઝૂંપડાઓ શરૃ થઈ ગયા. એક ઝૂંપડા પાસે જાંબુડાના ઝાડ નીચે બનાવેલા ઓટલા પર જૈફ વયના ચાર-પાંચ આદમીઓ બીડી ફૂંકી રહ્યા હતા. ફોર્ચ્યુનર ત્યાં ખડી કરીને સુમરો નીચે ઉતર્યો અને દૂરથી જ તેણે અદબભેર હાથ ઊંચો કર્યો, 'રામ રામ મંડળી...'
'રામ...' બીજા આદમીઓ આ અજાણ્યા આગંતૂક અને ચકચકતી ગાડીને તાજુબીથી નિહાળી રહ્યા હતા ત્યારે એક હોંશીલાએ સુમરાના અભિવાદનનો જવાબ દઈ દીધો.
'આણ્ણા, બરખોળ જાયચા રસ્તા કોણચ્યા બાજુ લા આહે?'
'બરખોળ? ફૂડે જાઉન ડાવ્યા બાજુ લા દરિયા ચી દિશે લા ચાલાલા લાગા. (ડાબી બાજુ દરિયાની દિશાએ ચાલવા માંડો.) સાત કિલોમીટર નંતર બરખોળ યેઈળ.' (સાત કિલોમીટર પછી બરખોળ આવશે.)
'આણિ દિપસ્તંભ?' સુમરાએ વિવેક કરતાં તેમની સામે સિગારેટનું પાકિટ ધર્યું.
'કોણ ચા દિપસ્તંભ?' પાકિટમાંથી ચપોચપ ખાલી થઈ રહેલી સિગારેટને બદલે સુમરાનું ધ્યાન સવાલ પૂછનારા ભણી ફંટાયું.
'દિપસ્તંભ મતલબ દિવાદાંડી... બરખોળ ચ્યા દિપસ્તંભ... લાઈટહાઉસ...' સુમરાને એમ કે આ લોકો દિવાદાંડીને કંઈક બીજું કહેતા હશે એટલે તેણે આવડતી હતી એ દરેક ભાષામાં લાઈટહાઉસનો તરજૂમો કરી નાંખ્યો અને આટલું ઓછું હોય તેમ હાથ વાંકોચૂંકો કરીને દિવાદાંડીનો ઢંગધડા વગરનો આકાર પણ દર્શાવી દીધો.
'હો... હો...' ધોળી બીડી મોંમાં મૂકાયા પછી બાકીના જૈફ પણ ખીલ્યા. '...પણ કોણ ચ્યા દિપસ્તંભ? બરખોળ લા તીન દિપસ્તંભ આહે. તુમ્હાલા કોણચ્યા દિપસ્તંભ લા જાયચં આહે?' (બરખોળની ત્રણ દિવાદાંડી છે. તમારે કઈ દિવાદાંડીએ જવું છે?)
સુમરાના મોંમાંથી મનોમન ગાળ નીકળી ગઈ.... એક લાઈટહાઉસમાં ક્યાં માથા પટકવા તેની ગતાગમ ન હતી ત્યાં હવે ત્રણ-ત્રણ દિવાદાંડી નસીબ આડે ચણાઈ ગઈ હતી.
તકદીર પણ સાલું શું નાચ નચાવતું હતું!
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved