Last Update : 19-August-2012, Sunday

 

‘અમારી લડાઇ તમારી સામે નહીં, તમારી સરકાર સામે છે’

નવાજૂની - ઉર્વીશ કોઠારી
- ૧૯૬૫-૧૯૭૧નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લડી ચૂકેલા ગુજરાતી ફૌજી કેપ્ટન નરેન્દ્રનાં પારદર્શક- પ્રમાણભૂત અને સચ્ચાઇનો તાદૃશ ચિતાર આપતાં સંભારણાં

સ્થળઃ જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રિય સરહદે, પાકિસ્તાનની હદમાં આવેલું મસ્તપુર ગામ.
સમયઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫નું યુદ્ધ શરૂ થયા પછીનો.
ભારતીય લશ્કરી ટુકડીઓ સરહદનું છેલ્લું ગામ રામગઢ વટાવીને પાકિસ્તાનની હદમાં પહોંચી ગઇ હતી. ભારતીય ટુકડીઓ માંડ પાંચેક કિલોમીટર અંદર ગઇ, ત્યાં પાકિસ્તાની હવાઇ દળનાં અમેરિકન બનાવટનાં સેબરજેટ વિમાન આસમાનમાં ડોકાયાં. તેમણે ભારતીય લશ્કરની આગેકૂચ રોકવા નેપામ બોમ્બ, રોકેટ અને મશીનગનનો મારો કર્યો. આ હુમલામાં ભારતના પક્ષે થોડી ખુવારી થઇ, પરંતુ જોતજોતાંમાં પઠાણકોટના આદમપુર હવાઇમથકેથી ઉડેલાં ભારતીય વાયુસેનાનાં નૅટ વિમાનો આવી પહોંચ્યાં.
બન્ને વિમાનટુકડીઓ વચ્ચે હવામાં જ ‘ડોગફાઇટ’ તરીકે ઓળખાતા પકડદાવના દાવપેચ ખેલાયા. તેમાં બે પાકિસ્તાની સેબરજેટને ભારતીય હવાઇદળે તોડી પાડ્યાં અને ભારતીય ટુકડીઓનો આગળ વધવાનો માર્ગ મોકળો થયો. મસ્તપુરમાં પાકિસ્તાની મોરચાબંધી પર ભારતીય ટુકડીઓએ હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ જામ્યું. અંતે પાકિસ્તાની ટુકડી હારી અને તેને ગામ છોડી દેવું પડ્યું. એ રાત્રે મસ્તપુરની સીમમાં આવેલી જમરૂખની વાડીમાં ભારતીય બટાલિયને ધામા નાખ્યા.
આટલે સુધીનું વર્ણન ભારત-પાકિસ્તાન યુદ્ધને લગતી કોઇ ફિલ્મી કથાનું લાગે છે? પણ એ ગુજરાતી ફૌજી કેપ્ટન નરેન્દ્રનાં ગુજરાતીમાં લખાયેલાં સંભારણાં (‘જિપ્સીની ડાયરી- એક સૈનિકની નોંધપોથી’, ગુર્જર ગ્રંથરત્ન)નો હિસ્સો છે. આગળ જણાવાયેલા ઘટનાક્રમમાં કેપ્ટન (એ વખતે સેકન્ડ લેફ્‌ટનન્ટ) નરેન્દ્રની જવાબદારી લશ્કરી ટુકડીઓના ‘ટ્રુપ કેરિયર’ તરીકેની હતી. ભારતીય અને પાકિસ્તાની વિમાનોની ‘ડોગફાઇટ’ તેમની નજર સામેના આકાશમાં થઇ. પાકિસ્તાની વિમાનોના હુમલામાં પુરવઠાની ટ્રકો નષ્ટ થતાં સૌને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. સેકન્ડ લેફ્‌ટનન્ટ નરેન્દ્ર પાસે દાલમોઠ થોડા ડબ્બા અને રમની બોટલ હતી. લશ્કરી પરંપરા પ્રમાણે એ સામગ્રી તેમણે બટાલિયનના કમાન્ડંિગ ઓફિસરને આપી ત્યારે અફસરે કહ્યું,‘તમારી ભાવનાની હું કદર કરું છું, પણ આખી પલટન ભૂખી હોય ત્યારે હું આ નાસ્તો ન ખાઇ શકું.’ આમ, લાગલગાટ પાંચ દિવસ સુધી સૌ ભૂખ્યા રહીને પાકિસ્તાની ધરતી પર યુદ્ધ ચાલુ રાખ્યું.
મસ્તપુરની સીમમાંથી પકડાયેલા ત્રીસ-પાંત્રીસ નાગરિકોને એડમિનિસ્ટ્રેશન એરિયા કમાન્ડર કેપ્ટન નરેન્દ્ર સમક્ષ લાવવામાં આવ્યાં, ત્યારે સૈનિકો પોતાના કેવા હાલ કરશે એ વિચારે યુવતીઓ અત્યંત ગભરાયેલી હતી. કેપ્ટને તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે. તમારી સાથે નહીં.’ આ લોકોને સલામત રીતે નિર્વાસિતો માટેના કેમ્પમાં મોકલી આપવામાં આવ્યાં.
કેપ્ટન નરેન્દ્રએ પોતાનાં સંભારણાંમાં નોંઘ્યું છે કે મસ્તપુરમાં તેમનો ભેટો બીજા એક અફસર સાથે થયો. યુદ્ધ શરૂ થયું ત્યારે એ રજા પર હતા, પણ હાજર થવાનો તાર મળતાં એ લડાઇની વચ્ચે પાકિસ્તાનના અજાણ્યા ગામ મસ્તપુર સુધી પગપાળા અને એકલા જ પહોંચી ગયા હતા. ગોરખા રેજિમેન્ટના એ અફસર હતા અમદાવાદના કેપ્ટન પિયુષ ભટ્ટ. પાકિસ્તાનની ભૂમિ પર, ભારતીય સૈન્યે કબજે કરેલા ગામમાં અમદાવાદના બે અફસરો પહેલી વાર એકબીજાને મળ્યા ત્યારે તેમને કેવો રોમાંચ થયો હશે, તે કલ્પી શકાય છે.
‘જિપ્સીની ડાયરી’માં આવા અનેક રોમાંચકારી કિસ્સા-પ્રસંગો અને સૈન્ય- બીએસફ (સીમા સુરક્ષા દળ)ની આંતરિક વાતો વાંચવા મળે છે. ૧૯૬૫-૧૯૭૧ના યુદ્ધના ઘણા પ્રસંગોનું કેપ્ટન નરેન્દ્ર દ્વારા કરાયેલું વર્ણન એવું ઝીણવટભર્યું અને રસાળ છે કે વાચકને યુદ્ધભૂમિની વચ્ચોવચ પહોંચી ગયાનો અહેસાસ થાય. ૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્ટન નરેન્દ્ર સૈન્યમાં અફસર તરીકેનો કાર્યકાળ પૂરો કરીને, એલઆઇસીની કારકુની નોકરીએ લાગવાને બદલે, ફરી પાછી ઇન્ટરવ્યુ આપીને બીએસએફમાં જોડાયા હતા. બીએસએફ પ્રત્યે ભારતીય સૈન્યના અફસરોમાં કેવો દુર્ભાવ હતો, તેના અનેક દાખલા આ પુસ્તકમાં નોંધાયેલા છેઃ
૧૯૬૯માં અમદાવાદનાં કોમી હુલ્લડો વખતે સૈન્યની આગેવાની તળે પોલીસ કમિશનરની ઓફિસમાં સ્થપાયેલા જોઇન્ટ ઓપરેશનલ સેન્ટરમાં બીએસએફના અફસર તરીકે કેપ્ટન નરેન્દ્ર મોજૂદ હતા. ચોવીસ કલાકની અને માનસિક રીતે થકવી દેનારી કામગીરી. સેન્ટરમાં ડ્યુટી બજાવતા સૈન્યના જવાનોની તમામ સુવિધાઓનું ઘ્યાન રખાય, ચાર-ચાર કલાકે તેમની ડ્યુટી બદલાય, પણ કેપ્ટન નરેન્દ્ર બીએસએફના હોવાને કારણે તેમને કોઇ પાણીનો ભાવ પણ ન પૂછે. બબ્બે દિવસ સુધી ખાધાપીધા વિના ફરજ બજાવતા કેપ્ટન નરેન્દ્ર આખરે ત્રીજા દિવસે એક કલાકની રજા લઇને કમિશનર ઓફિસની સામે રહેતા એક સગાને ગયા ત્યારે જમવાભેગા થયા.
૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્ટન નરેન્દ્ર પંજાબ સરહદે હતા. યુદ્ધનાં વાદળ ઘેરાયાં એટલે સૈન્યવડા સામ માણેકશા વ્યૂહાત્મક સ્થળોની મુલાકાતે પહોંચ્યા. બટાલિયનના અફસરો સાથે માણેકશાની મિટંિગ યોજાઇ, પણ તેમાંથી રાબેતા મુજબ બીએસએફની બાદબાકી કરવામાં આવી હતી. એ જાણ્યા પછી માણેકશાએ ધરાર બીએસએફના અફસરોને મિટંિગમાં સામેલ કર્યા, એ આવ્યા ત્યાં સુધી પોતે બહાર ઊભા રહ્યા અને મિટંિગમાં કહ્યું, ‘ભારતીય સેનાની સાથે બીએસએફ પણ દેશની ફર્સ્ટ લાઇન ઓફ ડીફેન્સ છે એ સૌએ યાદ રાખવાનું છે.’
આ યુદ્ધમાં પંજાબ સરહદે ભારતીય સૈનિકોની પરાક્રમગાથાના ઓછા જાણીતા કિસ્સા કેપ્ટન નરેન્દ્રએ અંગતતાના સંસ્પર્શ સાથે આલેખ્યા છે. ગોરખા રાઇફલ્સના જવાનો અને ‘આયો ગોરખાલી’ના યુદ્ધનાદ સાથે પાકિસ્તાની સૈન્ય પર ધસી જનારા અને ચોતરફ વરસતી બોમ્બની કરચો વચ્ચેથી માંડ બચી જનાર અમદાવાદના મેજર પિયુષ ભટ્ટ, ૧૯૬૯નાં રમખાણો દરમિયાન ઓપરેશન સેન્ટરમાં અસરકારક કામગીરી બજાવનાર સુરતના મેજર કાન્તિ ટેલર જેવા ગુજરાતી ફૌજીઓનો પણ આ સંભારણાં થકી વિશેષ પરિચય મળે છે.
યુદ્ધ સિવાયના સમયગાળામાં કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને કચ્છના સરહદી ઇલાકામાં, વસ્તીથી દૂર અને કુટુંબ પરિવારથી અળગા રહેતા જવાનોને થતા અવનવા અનુભવો પણ ‘જિપ્સીની ડાયરી’માં આલેખાયા છે. પહેલી નજરે અંધશ્રદ્ધા કે ભ્રમણા લાગે એવા આ પ્રસંગો આલેખતી વખતે કેપ્ટને સારી એવી કાળજી રાખી છે. તાલીમકાળથી યુદ્ધકાળ સુધીના અનેક સંજોગોમાં લશ્કરી પરંપરાની ખાસિયતો ઉપરાંત કેટલાક ઉપરી અધિકારીઓની અકોણાઇ, કિન્નાખોરી, પરપીડનવૃત્તિ જેવી લાક્ષણિકતાઓનો પણ, કડવાશ કે દુર્ભાવ વિના, ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનાથી ઉપસતું સૈન્યનું ચિત્ર ફિલ્મી દેશભક્તિથી છલકાતું નહીં, પણ વાસ્તવિક લાગે છે. એવી જ રીતે, લડાઇનાં વર્ણનોમાં પણ તેમણે સન્ની દેઓલબ્રાન્ડ ઉત્સાહને બદલે ઠરેલ ફૌજીની સમધારણતાથી કામ લીઘું છે. ‘આપણે અખબારોમાં વાંચીએ કે ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કર્યો (ત્યારે) લોકોેને કદાચ ભ્રમ થઇ શકે છે કે આપણી સેના હુમલો કરે તો દુશ્મન ઊભી પૂંછડીએ ભાગતા હોય છે. યુદ્ધભૂમિમાં એવું નથી હોતું. ત્યાં જીવન-મૃત્યુની બાજી હોય છે. આક્રમણકાર કે સંરક્ષણપંક્તિમાં બેઠેલ સૈનિક, બન્નેને પહેલ કરવા માટે ક્ષણના નાનામાં નાના અંશથી પણ ઓછો સમય મળે છે. જે સમયસર પહેલો ઘા કરે તે જીવી જાય છે અને બીજો ઘા કરવાની તૈયારી કરે છે.’
ફૌજી લોકોની સંવેદનશીલતા વિશે સમાજમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. એ ખરું કે તાલીમના ભાગરૂપે લશ્કરી અફસરોમાંથી પોચટપણું દૂર કરવામાં આવે છે. છતાં, કેપ્ટન નરેન્દ્રની રસાળ ભાષા અને સચોટ અભિવ્યકિતમાંથી સંવેદનશીલતા અને પોચટપણા વચ્ચેનો તફાવત વઘુ એક વાર સ્પષ્ટ થાય છે. પુસ્તકમાં તોપના ગોળાના શેલ માટે ‘ભરતર’ ને ડેમોન્સ્ટ્રેશન માટે ‘પ્રાત્યક્ષિક’ જેવા ગુજરાતી શબ્દો જેટલી સહજતાથી વપરાયા છે, એટલી જ સ્વાભાવિકતાથી પંજાબી, ગોરખા કે દક્ષિણ ભારતીય સાથીદારોની બોલીનાં વાક્યો પણ યથાતથ મુકાયાં છે.
ગુજરાતી આત્મકથા-સંભારણાંમાં યુદ્ધના કે ફૌજી કારકિર્દી વિષયક સામગ્રી નહીંવત્‌ છે. તેમાં ૭૮ વર્ષીય કેપ્ટન નરેન્દ્ર ફણસેએ બ્લોગના માઘ્યમથી આલેખેલા અનુભવોનું પુસ્તકસ્વરૂપ વૈવિઘ્ય ઉપરાંત ગુણવત્તાની રીતે પણ મૂલ્યવાન ઉમેરો કરનારું છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

હોમાય વ્યારાવાલા સાચી હકીકતોથી શ્રદ્ધાંજલિ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved