Last Update : 19-August-2012, Sunday

 

રાતા મંગળ પર હરિયાળી ઉગાડવાનું અને કૉલોની વસાવવાનું સ્વપ્ન સાકાર થશે?

હોટલાઇન - ભાલચંદ્ર જાની

માનવીને ક્યારેય કોઇ વાતનો સંતોષ થતો નથી. તેની પાસે જે કંઇ છે તેથી અઢળક ચીજ-વસ્તુ, સંપત્તિનો સ્વામી બનવાની ઝંખના તે સદાય કરતો રહે છે. જમીનનો જ દાખલો લોને. પૃથ્વી પરની વિશાળ જમીન તેને ઓછી પડે છે તે માનવ હવે ચંદ્ર અને મંગળ પર વસાહત સ્થાપવા ઇચ્છે છે. જો કે મંગળ કંઇ મુંબઇથી અમદાવાદ જેવડો નજીક નથી કે કર્ણાવતી ઍક્સપ્રેસ પકડીને પહોંચી જવાય. પૃથ્વીથી મંગળ સુધીની મુસાફરીમાં તો અબજો ડૉલરનું આંધણ થાય. અનેક મુસીબતોનો સામનો કરવો પડે અને તો ય મહત્ત્વાકાંક્ષી માનવ મંગળ તરફ પ્રયાણ કરવાનો સંકલ્પ કરી ચૂક્યો છે.
પૃથ્વીના જોડિયાભાઇ ગણાતા રાતા ગ્રહ પર માનવજીવન વિકસ્યું છે કે કેમ તે ચકાસવા રશિયા અને અમેરિકાએ અત્યાર સુધીમાં અબજો રૃપિયા ખર્ચી નાખ્યા છે. અમેરિકાએ તો એક અબજ ડૉલરના ખર્ચે મંગળ પર બે વાઇંકિગ વેધશાળાઓ મોકલીને આ નજીકના ગ્રહ પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ તપાસી જોયું હતું. વર્ષો સુધી શોધખોળ ચાલુ રાખીને છેવટે નકારાત્મક જવાબ મળ્યો ત્યારે અવકાશવિજ્ઞાાનીઓ નાસીપાસ થઇ ગયા હતા, પરંતુ હવે એ અમેરિકી અવકાશ સંસ્થા નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન) ના વિજ્ઞાાનીઓએ એવો દ્રઢ નિર્ધાર કરી લીધો છે કે મંગળ પર કોઇ જીવ ન હોય તો ત્યાં નવેસરથી જીવસૃષ્ટિ વિકસાવીશું. મંગળને માનવવસવાટ કરવા લાયક બનાવીશું અને આ હેતુસર જરૃર પડે આ રાતાગ્રહને લીલીછમ વનસ્પતિથી હરિયાળો બનાવી સૂર્યમંડળમાં એક નવી પૃથ્વી જેવું નવું ઘર પેદા કરીશું!
અત્યારે તો આ બધી વાતો ટાઢા પહોરનાં ગપ્પાં કે શેખચલ્લીના વિચાર જેવી લાગે છે, પરંતુ છેક ૧૯૨૦માં વિજ્ઞાાનવાર્તા લેખક વર્નરવૉર્ન બ્રાઉને લખ્યું હતું કે વૈજ્ઞાનિક અને ટેકનોલોજિકલ સિધ્ધિઓ હાંસલ કરી ચૂકેલા ધનવાન દેશો ભેગા મળીને સાહસ કરશે તો ૧૯૯૦ પછી મંગળ ઉપર માનવીનું ઉતરાણ શક્ય બનશે. બ્રાઉનની આ અટકળ એકદમ સચોટ સાબિત થશે એમ લાગે છે. કારણ કે મંગળને પૃથ્વીની જેમ જ માનવજાતને અનુકૂળ પડે એવા ગ્રહમાં પલટી નાખવા માટેનું ભગીરથ કાર્ય અમેરિકા એકલે હાથે પાર પાડી શકે તેમ નથી.
તાજેતરમાં જ સૂર્યમાળાના રતુંબડા ગ્રહ પર 'નાસા'ના 'ક્યુરીયોસિટી' યાને સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. અમેરિકા, રશિયા, યુરોપ અને જાપાન દ્વારા ૧૯૬૦ના દાયકાથી મંગળની આસપાસ ફરનારા (ઓર્બીટર) ઉતરાણ કરનારા (લેન્ડર) અને ઉતરીને આસપાસ ફરીને સંશોધન કરનારા (રોવર) યાનો મોકલાયા છે. પણ મંગળ અવકાશ યાનોનું કબ્રસ્તાન ગણાય છે. આ લાલ ગ્રહ અનેક યાનોને ભરખી ગયો હોવા છતાં માનવીએ મંગળને પારખવાની મહેચ્છા પડતી મૂકી નથી. પરિણામે ફલોરીડાના કેપ કેનેવરલ ખાતેથી ૨૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ ઉપડેલા ક્યુરીયોસિટી એ મંગળના 'ગેલ' ક્રેટર ખાતે સફળ ઉતરાણ કર્યું છે. તે મુખ્યત્વે ૧૦ બાબતે મંગળપર બે વર્ષ સુધી પ્રયોગો કરશે કેમકે ત એક સ્વયં સંચાલિત પ્રયોગશાળા જ છે.
સમસ્ત એકવીસમી સદી દરમિયાન એકધારા ચાલુ રહેનારા આ પ્રયોગોમાં દર વર્ષે અબજો ડૉલરનું આંધણ થતું રહેશે. ઉપરાંત વિપુલ માત્રામાં માનવશક્તિ અને યાંત્રિકશક્તિ કામે લગાડીને જ આ લક્ષ હાંસલ કરી શકાશે.
અમેરિકામાંતો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેની તડામાર તૈયારીઓ શરૃ થઇ ચૂકી છે. ભૂતપૂર્વ પ્રમુખ જ્યૉર્જ બુશે પણ આ યોજનાને આશીર્વાદ આપતાં એવી આશા ઉચ્ચારી હતી કે 'માર્શ (મંગળ) પર શક્ય તેટલો જલદી અમેરિકાનો ધ્વજ લહેરાવો જોઇએ.'
જો કે આ યોજનાની વિગતો જાણ્યા પછી અમેરિકન નાગરિકોનાં મનમાં કચવાટ પેદા થયો છે. કેટલાંકે એવી દલીલ પણ કરી છે કે અહીં પૃથ્વી પર એટલે કે આપણા ગ્રહ ઉપર ભૂખમરો, ગરીબી, બેરોજગારી, પ્રદૂષણ વગેરે સમસ્યાઓ મોં ફાડીને ઘૂરકી રહી છે તેનો ઉપાય કરવાનું બાજુએ મૂકીને કરોડો માઇલ છેટે આવેલા મંગળના ગ્રહ પર ઉતરવાનું દુઃસાહસ શા માટે ખેડવું જોઇએ? અબજો ડૉલરના ખર્ચ પછી પણ કોઇ સફળતા ન મળે તો શું મંગળના ગ્રહ પરથી માત્ર થોડા ખડકો લાવીને સંતોષ માની લેવાથી પૃથ્વી પરની વિટંબણાઓ દૂર થઇ જવાની છે?
પરંતુ નાસાના ઉત્સાહી અને આશાવાદી વિજ્ઞાાનીઓ આવી દલીલો અને મહેણાં-ટોણાંથી સહેજે નિરાશ થયા નથી. અંગ્રેજી કહેવત મુજબ બધાં ઇંડા એક જ બાસ્કેટમાં નહીં મૂકવાની સુફિયાણી દલીલ સાથે વિજ્ઞાાનીઓ કહે છે કે પૃથ્વી ઉપરાંત અવકાશમાં માનવવસવાટનો બીજો મુકામ શોધી કાઢવામાં હવે વિલંબ કરીશું તો ભાવિ પેઢી આપણને કદાપિ માફ નહીં કરે. ગમે તે ઘડીએ ચેર્નોબિલથી વધુ વિનાશક દુર્ઘટના કે મહા અણુવિસ્ફોટને કારણે અથવા કાબૂ બહાર જઇ રહેલું પ્રદૂષણ કે પછી કોઇ ઝંઝાવાતી ઉલ્કા પૃથ્વી સાથે ટકરાવાને પરિણામે માનવજાતનું નિકંદન નીકળી જાય તે પહેલાં વસાહત સ્થાપવા માટે બીજે નજર દોડાવવી જોઇએ અને એ માટે મંગળના ગ્રહથી વધુ સારો વિકલ્પ ક્યો હોઇ શકે?
સદીઓથી એવી માન્યતા પ્રવર્તે છે કે મંગળ પર માત્ર જીવસૃષ્ટિ જ નહીં બલ્કે બુધ્ધિશાળી જીવો પણ વસે છે. ખેર, આ માન્યતાને સમર્થન મળે એવો એક પણ પુરાવો આજ સુધી મળ્યો નથી, પરંતુ એ હકીકત છે કે પૃથ્વીનો જોડિયો નાનોભાઇ કહેવાતો મંગળ ઘણી બધી રીતે મોટાભાઇ સાથે સામ્ય ધરાવે છે માટે જ વિજ્ઞાાનીઓને શ્રધ્ધા છે કે વહેલો-મોડો માનવી મંગળ પર જરૃર મુકામ કરી શકશે.
પૃથ્વીથી સૂર્યની વિરુધ્ધ દિશામાં જઇએ તો પ્રથમ મંગળનો ગ્રહ આવે. આપણાથી આ રાતો ગ્રહ ૩૯ કરોડ ૯૦ લાખ કિલોમીટર દૂર છે. પૃથ્વીની જેમ મંગળને પણ પોતાની ધરી પર ચક્કર મારી લેતાં ૨૪ કલાક ને ૩૭ મિનિટ થાય છે. એ રીતે મંગળનો દિવસ આપણા કરતાં ૩૭ મિનિટ જ લાંબો કહેવાય. એવી જ રીતે મંગળની ધરી પણ પૃથ્વીની ધરી માફક ૨૫ અંશને ખૂણે ઝૂકેલી છે તેથી ત્યાં પૃથ્વીની માફક જ ઋતુચક્ર ચાલે છે. હા, મંગળ પરનો ઉનાળો આપણી ગ્રીષ્મ ઋતુ કરતાં બમણો લાંબો ચાલે છે, કારણ કે સૂર્યની પ્રદક્ષિણા કરવામાં મંગળને ૬૮૭ દિવસ (પૃથ્વીને ૩૬૫ દિવસ) લાગે છે. આમ લંબગોળ ભ્રમણકક્ષામાં ફરતો મંગળ સૂર્યની નજીક હોય ત્યારે તે વધુ તેજસ્વી દેખાય છે.
વિજ્ઞાાનીઓ કહે છે કે આશરે ચાર અબજ ૬૦ કરોડ વર્ષ પહેલાં સૂર્યમાળામાં એક -સાથે ઉદ્ભવેલાં મંગળ અને પૃથ્વી બંને ગ્રહ શરૃઆતમાં જીવસૃષ્ટિ માટે શત્રુ જેવાં હતાં. બેઉ ગ્રહ પર એક સાથે સમાન રીતે વાતાવરણ વિકસ્યું. આશરે ૩ અબજ ૮૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર સૂક્ષ્મ એક્કોષી જીવ અસ્તિત્વમાં આવ્યા ત્યારે જ મંગળ પર પણ જીવ વિક્સી રહ્યો હોવો જોઇએ, પરંતુ રાતા ગ્રહ ઉપર કંઇક એવી વિચિત્ર ઘટના ઘટી કે મંગળની માટીમાંથી જીવનું સાવ નિકંદન નીકળી ગયું. તેનુ કારણ સમજાવતાં અમુક વિજ્ઞાાનીઓએ એવી થિયરી રજૂ કરી છે કે કદમાં પૃથ્વીથી અડધા નાનાં મંગળ પર વાતાવરણને જકડીરાખી શકે તેટલું ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને કારણે વખત જતાં ઘણીખરી હવા બાહ્યવકાશમાં નાસી છૂટી. એવી જ રીતે વાતાવરણ માનો કાર્બનડાયૉક્સાઇડ વાયુ મંગળની સપાટી પરના ખનિજો સાથે ભળી જઇને કાર્બોનેટ ખડકો બની જતાં રહી સહી હવા પણ બહુ પાતળી બની ગઇ. પરિણામ એ આવ્યું કે વાતાવરણમાં રહેલી ગરમીને સંઘરી રાખવાનું સામર્થ્ય ઘટી ગયું. બીજી તરફ સૂર્યના ઘાતક અલ્ટ્રાવાયોલેટ (પાર જાંબલી) કિરણોએ સપાટીસુધી પહોંચીને મંગળપરના રહ્યા-સહ્યા જીવોનો પણ નાશ કર્યો હશે.
મંગળની જમીનમાં લોખંડના ક્ષારો વધારે પ્રમાણમાં હોવાથી તેની જમીન લાલ છે. અને તે રાતો દેખાવાથી અંગ્રેજીમાં તેને રેડ પ્લેનેટ (રાતોગ્રહ) કહે છે. મંગળના આ રંગને કારણે જ રોમન પ્રજા આ ગ્રહને લડાઇનો દેવતા ગણીને પૂજતી હતી આપણાં પુરાણ અનુસાર મંગળનો ગ્રહ ક્ષત્રિય સામવેદી ભરદ્વાજમુનિનો પુત્ર છે. જો કે મત્સ્ય પુરાણમાં લખ્યું છે કે દક્ષનો નાશ કરવા માટે મહાદેવે ઉત્પન્ન કરેલો વીરભટ્ર પાછળથી મંગળ થયા. આ ગ્રહના લાલરંગ ઉપરથી તેને અંગારક, લોહિતાંગ અગ્નિ વગેરે નામ મળેલાં છે. તેના રાતા રંગને કારણે જ્યોતિષશાસ્ત્રની શાખામાં મંગળનોગ્રહ ક્રુર મનાય છે. જો કે તેને કારણે જ્યોતિષીઓએ મંગળને નડતરનો ગ્રહ ગણાવી નાહકનો નગુણો ઠરાવ્યો છે. વાસ્તવમાં પાતળું હવામાન ધરાવતો મંગળ દેખાવમાં ખૂબ રમણીય લાગે. અમેરિકન યાન મરીનર અને વાઇકિંગે અત્યાર સુધી પાઠવેલી મંગળની તમામ ટી.વી. તસવીરો બહુ મનોહારી છે.
ચંદ્રની સરખામણીમાં મંગળ કદમાં બમણો છે. વિષુવવૃત્ત પાસે તેનો પરિઘ ૨૧,૩૦૦ કિલોમીટર છે જ્યારે પૃથ્વી કરતાં આ ગ્રહ અડધા કદનો છે. મંગળને વાતાવરણ છે પરંતુ હવા ખૂબ જ પાતળી હોવાથી પૃથ્વી પર સમુદ્ર સપાટીથી ૨૦ માઇલ ઊંચે જતાં શ્વાસ લેવામાં જે તકલીફ પડે એવી જ ગૂંગળામણ માનવીને મંગળની સપાટી પર નડે છે. વળી હવામાં નાઇડ્રોજન માત્ર અઢી ટકા જેટલો જ છે જ્યારે પૃથ્વી પર ૭૮ ટકા નાઇટ્રોજન છે. જો કે ગુરુત્વાકર્ષણ ઓછું હોવાને કારણે એક ફાયદો થાય કે દરેક વસ્તુનું વજન પૃથ્વી પર હોય તેથી ત્રીજા ભાગનું થઇ જાય. ૧૦૦ રતલ વજન ધરાવતી સ્ત્રીનું વજન મંગળ પર માંડ ૩૮ રતલનું થાય અને દોડવીર ૧૦૦ મીટરનું અંતર માત્ર પાંચ સેકન્ડમાં કાપી શકે.
જમીનમાં રસ ધરાવતા રિયલ ઍસ્ટેટ ડેવલપરને ગમી જાય તેવી એક વાત એ છે કે મંગળ પર સર્વત્ર જમીન જ છે, જેનું કુલ ક્ષેત્રફળ લગભગ પૃથ્વી જેટલું જ થઇ રહે કારણ કે મંગળ પર ક્યાંય નદી, નાળાં, તળાવ કે સરોવર, સમુદ્ર છે જ નહીં, બધો બરફ મંગળના ઉત્તર-દક્ષિણ ધુ્રવ પર એકઠો થયો છે. હા, આ ગ્રહ પર પહાડો છે અને તે આપણા હિમાલય કરતાંય ઊંચા, ઑલિમ્પસ મોન્સ નામના સૌથી ઊંચા અને ઠરી ગયેલા જવાળામુખી પર્વતની ઊંચાઇ છે ૯૦,૦૦૦ ફૂટ! અર્થાત્ માઉન્ટ ઍવરેસ્ટ કરતાંય ત્રણ ગણો ઊંચો પહાડ!
આ ગ્રહ પર ચઢાઇ કરવા ઇચ્છતા નાસાના વિજ્ઞાાનીઓની ટુકડી માને છે કે મંગળ પર ક્યારેય કોઇ જીવની ઉત્પત્તિ થઇ જ ન હોય એ સંજોગોમાં તો આપણા સૂર્યમંડળમાં પૃથ્વી એક જ માત્ર એવું સ્થળ કહી શકાય જ્યાં જીવન પૂરેપૂરું વિકસ્યું છે. અને અખિલ બ્રહ્માંડમાં આ ઘટનાને વિરલ ગણીને તેની અલૌકિકતા સમજી જઇને માનવી પૃથ્વીની વધુ દરકાર લેતો થશે.
મંગળ પર પણ કોઇ જીવ કે જીવના અવશેષ મળી આવે તો કમસે કમ એટલી આસ્થા જરૃર મૂકી શકાય કે યોગ્ય વાતાવરણ મળતાં જ આ ગ્રહ પર નવેસરથી જીવનની શરૃઆત થઇ શકે, કારણ કે જીવના વિકાસનો એક સિધ્ધાંત છે કે બ્રહ્માંડમાં ગમે તે સ્થળે પાણી, કાર્બન અને બીજા કેટલાંક રસાયણિક ઘટકો મળી રહે તો ઉત્ક્રાંતિની ઘટમાળ આપમેળે શરૃ થાય છે. મંગળ ઉપર આ શક્યતા ઊભી કરવાનો અમેરિકાએ દ્રઢ નિર્ધાર કર્યો છે જે એકવીસમી સદીમાં માનવજાત માટે ખરા અર્થમાં બ્રહ્માંડની ક્ષિતિજો વિસ્તારશે. તેમનું લક્ષ છે. મંગળને વસવાટલાયક બનાવવાનું અને પછી ત્યાં રીતસર વસાહત સ્થાપવાનું!
મંગળને રહેવાલાયક બનાવવા માટે ઘડી કાઢેલી લાંબા ગાળાની યોજનામાં પહેલાં તો આ પાડોશી ગ્રહનું ઉષ્ણતામાન ૧૦૦ ડિગ્રી ફૅરનહિટ જેટલું વધારવું પડશે. અત્યારે તો ઉનાળામાં રાત્રે પણ ઉષ્ણતામાન શૂન્ય નીચે ૧૨૫ ડિગ્રી જેટલું રહે છે. તદુપરાંત આ ગ્રહને ઘેરી વળેલા ઝેરી ગૅસના આવરણને બદલી નાખી વાતાવરણને માનવજાત માટે અનુરૃપ બનાવવું પડશે. પૃથ્વીની આસપાસ મોજૂદ છે તેવું સોલાર રેડિએશન (સૌર કિરણોત્સર્ગ) ને અટકાવનારું કવચ મંગળની આસપાસ રચવું પડશે. એટલું જ નહીં, મંગળની સૂકીભઠ ધરા ઉપર ભારે ઉદ્યોગો સ્થાપવા ઉપરાંત મોટાફાર્મ બાંધવા પડશે. શહેરી વસાહત માટે રહેવાલાયક વાતાવરણ ધરાવતા બાયૉસ્ફીયરીક બબલ એટલે કે પારદર્શક પ્લાસ્ટિકના ગુંબજ ઊભા કરાશે. આવી અનેકવિધિ તૈયારીઓ કરી ચૂક્યા પછી આંતરગ્રહીય મુસાફરી ખેડી શકતાં મોટા અવકાશયાન મારફતે વારાફરતી હજારો માનવી, જાનવર, પક્ષીઓ અને ફૂલ છોડને પૃથ્વી પરથી મંગળ પર લઇ જવાશે.

- ભાલચંદ્ર જાની

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved