Last Update : 19-August-2012, Sunday

 

'છેલ, જગતમાં જોગીની ઠેકડી ન હોય'

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

બોટાદ માથે પરદુઃખભંજન વીર વિક્રમ સંવતનું ઓગણીસો ને છાસઠનું ચોમાસું બેસી ગયું છે. આભમાં ભર્યા વાદળાં સૂરજને ઢાંકતા ટલ્લાં દઈ રહ્યાં છે. ધરતી માથે મેઘ જાણે કે ઝળૂંબી રહ્યો છે. પડું પડું થાતા વરસાદની વાટ જોવાઈ રહી છે.
આવી રતમાં એક મહારાજ ચોમાસું ગાળવા અપાસરાનો આશરો લઈને બેઠા છે. બોટાદનાં નરનારીઓને બોધ દઈ રહ્યા છે. સંસારના સંબંધો સ્વાર્થના- એ કથનને વાતે વાતે વણી રહ્યા છે. તપના તેજે ઝળહળતું તાલકું ઝગારા મારી રહ્યું છે. વાણીમાંથી વિદ્વત્તા મધની મીઠાશમાં ઝબોળાઇને બહાર નીતરી રહી છે. આંખોમાં આખા અર્નંતને જાણનાર જૈન મહારાજનાી ગામ આખામાં વાહ વાહ થઈ રહી છે. ભાવેણાનો ભૂપ કૃષ્ણકુમારસિંહજી જેનાં વચનો સાંભળી તાજ્જુબ થઈ ગયો છે, એવા પ્રચંડ પ્રતાપી મહાત્મા ઉપર ગામ આખું ઓળ-ઘોળ થઈ ગયું છે.
ઘડીસાપડીમાં બોટાદ માથે સુપડાધારે વરસાદ વરસવા લાગ્યો. પાણીના જાણે પરનાળાં મંડાઈ ગયાં છે વીજળી વળાકા કરતી ધરણીનાં વારણાં લઈ રહી છે. ડુંગર માથેથી પાણી ગડી રહ્યાં છે. મંદિરનાં શિખરો માથાબોળ સ્નાન કરી રહ્યાં છે. વાડીની વનરાજીમાં મોરલા ટહુકી રહ્યા છે.
એવે વખતે મહારાજ મીઠો મલકાટ પાથરી શ્રાવકોના મનના અગમ-નિગમના ભેદ ભાંગી રહ્યા છે. સાંભળનારા જાણે કે પથ્થરનાં પૂતળાં જેમ ખોડાઈ ગયા છે. આભમાં મેઘના કડાકા થઈ રહ્યા છે. વગર ટેકે તોળાયેલું ગગન જાણે હમણાં હેઠું પડશે એવો સંદેશ દેતો પવન પ્રાછટુ નાખતો દોટે ચડયો છે, પણ વાણી સાંભળનારને મન આજ તો આયખાનાં અંધારાં ઉડાડી મૂકવાં હતાં.
ભીતરના ભોગળ ઉઘાડી નાખવા હતા તેથી કોઈનેય ભરમાંડ ભાંગી પડયાનોય ભો નો'તો. આવી સભામાં એક લીલા દરવેશવાળો માનવી પૂગ્યો. મોંઢે દાઢી, મૂછના કાતરા, માથે લીલો ફટકો, ગળામાં કિરમજી રંગના મોટા મણકાનો ગંઠો, આંખમાં જાદુનાં જાણે કે જાળાં બાઝેલાં હતાં. કાંડામાં કડુ રમી રહ્યું છે. પાતળી પાંચ હાથ પૂરી કાયાવાળો માનવી ભરી સભામાં ડગ દઈને પૂગ્યો. મહારાજની પાટ પાસે પૂગીને કંઈક જાદુનો ખેલ કર્યો.
જગતને જાણનાર જોગીની વણથંભી વાણી પળવાર થંભી. આવનારની માથે મીટ માંડી, મા'રાજ મરમાળી વાણી વદ્યા ઃ
''મંમદ છેલ જોગી સામે જાદુ ન હોય.''
સભા આખી આભી બની ગઈ. ભલભલાને જાદુની જાળમાં ગૂંથનારા મંમદ છેલે મલકી સામા વેણ વાળ્યાં-
''મહારાજ, હું તો જાદુગર છું. મેં જાદુનો ખેલ કરી દેખાડયો. તમે જોગી છો તો જોગીપણું દેખાડો.''
મહારાજની પળવાર આંખ ઉપર પાંપણના પડદા પડયા. બીજી પળે પડદા પાછા ઊપડયા. મહારાજ સાહેબની આજ્ઞાા ઊઠી-
''ત્રણ બાજઠ લાવો.'' બોલીને મહારાજ સાહેબ ખાટ ઉપરથી ઊતરી ગયા. ધર્મકથાના ખંડમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. સાંભળનારની આંખો મહારાજ માથે મંડાઈ રહી. પળમાં આ તે શું પલટો આવ્યો ? સૌ દિગ્મૂઢ થઈને તગતગતી આંખે જોઈ રહ્યા.
થોડી વારમાં એક પછી એક બાજોઠ આવ્યા. એકની માથે એક એમ ત્રણ બાજોઠની શગ ચડી. ઉપલા બાજોઠ માથે મહારાજશ્રીએ આસન માંડયું. લોકહૈયાં ધડકવા લાગ્યાં. વાણીનો અખૂટ ધોધ વહેવડાવનાર મહારાજ આજ શું કરશે એનું સૌને કાળજે કૌતુક કોતરાયું. તાજુબીનો તોર બંધાયો.
આસન લગાવીને બેઠેલા મહારાજસાહેબ પાતાળ લોકના બળી રાજાના મહેલની અટારીઓ જેવી ઝળહળતી બે આંખો મહમદ છેલ માથે માંડીને બોલ્યા ઃ
''મહમદ છેલ, ઓરા આવો.''
અદબ ભીડીને ઊભેલા છેલે ડગલાં દીધાં. છેલ પાસે આવતાં જ મહારાજના મુખમાંથી માલતીનાં ફૂલ ખરે એમ વેણ સર્યાં ઃ
'લ્યો છેલ, હું બેઠો છું. એમાંથી વચલો બાજઠ ખેંચી લ્યો.' મહારાજ સાહેબના આ બોંલ સાંભળીને જાદુગર મહમદ છેલ વિચારમાં પડી ગયો. અચરજ ભરી આંખ મા'રાજ માથે માંડીને મહમદે મોઢું ખોલ્યું ઃ
'આ ત્રણેય બાજોઠ એકબીજાના આધારે ઊભા છે. વચલો ખેંચું તો...'
બોલતાં મહમદ છેલના બોલ થંભી ગયા એટલે મહારાજ સાહેબ બોલ્યા ઃ 'તમે મારી આજ્ઞાામાં છો છેલ, હવે તો હું કહું એટલું જ તમારે કરવાનું છે.'
મહમદ છેલે મહારાજના આસન વચ્ચેનો બાજોઠ ખેંચી લીધો. ઉપલો બાજોઠ તસુવાએ ડગ્યા વગર તોળાઈ રહ્યો છે. મહારાજ સાહેબ માથે બિરાજમાન છે. જોનારા દંગ થઈ ગયા. શાસનસમ્રાટ વિજય નેમીસુરીશ્વરજી બોલ્યા ઃ
'છેલ, જગતમાં જોગીની ઠેકડી ન હોય. જોગી સામે જાદુ ન હોય. જાદુ તો સંસારી સમાજમાં શોભે, જોગી સામે નહિ. પછી જોગી ગમે તે પંથનો હોય.'
મહમદ છેલ વિભૂતિને વંદીને વળી નીકળ્યો ત્યારે મેઘધનુષ્યના સાત રંગે આભ શોભી રહ્યું હતું.
નોંધ ઃ શાસન સમ્રાટનો જન્મ મહુવામાં તા. ૨-૧૧-૧૮૭૨ના રોજ થયો હતો. તે દિવસે વિક્રમ સંવતનું બેસતુ વર્ષ હતું. શનિવાર હતો. સમય ૨૦ ઘડી ને ૧૫ પળનો હતો. ૭૭ વર્ષનો આધ્યાત્મિક વિહાર કરી પૂ. મહારાજ સાહેબ જન્મસ્થળ મહુવામાં કાળધર્મ પામ્યા ત્યારે પણ જન્મનો જ દિવસ. બેસતું વર્ષ હતું. જન્મનો વાર પણ શનિવાર હતો, જન્મસ્થળ મહુવા હતું. સમય પણ ૨૦ ઘડી ને ૧૫ પળનો હતો.
તણખો
સજ્જનતાની સુગંધ શાશ્વત હોય છે એમ દુર્જનતાની દુર્ગંધ પણ શાશ્વત હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved