Last Update : 19-August-2012, Sunday

 

ચૈતસિક દૂરદ્રષ્ટા ગુનાશોધન માટે મદદરૃપ થાય છે!

અગોચર વિશ્વ - દેવેશ મહેતા
 

પરામનોવિજ્ઞાન ક્ષેત્રે 'ચૈતસિક ગુનાશોધન'નો વિષય પણ આશ્ચર્ય પમાડે તેવો છે. પીટર હરકોસ, જિરાર્ડ ક્રોઈસેટ, નેલા જોન્સ, ક્રિસ રોબિન્સન, ડોરોથી એલિસન જેવા અનેક ચૈતસિક ગુનાશોધકો આ ક્ષેત્રે પ્રસિદ્ધ થયેલા છે. તેમણે તેમની ચૈતસિક શક્તિથી અનેક ગુનાઓના ભેદ ઉકેલી પોલીસતંત્રને સહાય કરી છે. 'જેક ધ રીપર' બોસ્ટન સ્ટ્રેન્ગર, શેરોન મર્ડર જેવા ખૂન કેસોમાં ચૈતસિક ગુનાશોધકોની મદદ લેવામાં આવી હતી. ચૈતસિક ગુનાશોધકોની યાદીમાં થોડા બીજા નામ પણ ઉમેરાય એમ છે.
આવી એક વ્યક્તિ છે એસ્ટેલા રોબર્ટસ. વીસમી સદીના પૂર્વાર્ધમાં તે પોતાની ચૈતસિક શક્તિનું જાહેરમાં નિદર્શન કરતી હતી. તેના કાર્યક્રમમાં અનેક રાજવીઓ, ઉમરાવો, વિજ્ઞાાનીઓ અને બૌદ્ધિકો પણ હાજર રહેતા. એ પછી તેણે તેની શક્તિ ચૈતસિક ગુનાશોધન તરફ વાળી. કોઈની પણ ખોવાઈ ગયેલી વસ્તુ કે ગુમ થયેલ વ્યક્તિને તે શોધી આપતી.
ઈ.સ. ૧૯૩૭ના જાન્યુઆરી મહિનાની પાંચમી તારીખે ન્યુ વાર્ક-ઓન-ટ્રેન્ટ વિસ્તારમાં રહેતી મોના નામની એક છોકરી ગુમ થઈ ગઈ હતી. દસ વર્ષની આ નાની છોકરી શાળાએ ગયા પછી ઘેર પાછી ફરી નહીં. એટલે તેના કુટુંબીઓએ તેને શોધવા તપાસ કરી. પણ તે મળી નહીં એટલે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે વિવિધ રીતે તેને શોધવાના પ્રયત્નો કર્યા. તાલીમબદ્ધ કૂતરા અને પાણીમાં ડૂબકી મારનારા પાસે પણ તપાસ કરાવી. પણ કોઈ મોનાના સગડ આપી શક્યું નહીં. ટિન્સલે કુટુંબના સભ્યો હતાશાના વાદળોથી ઘેરાયેલા હતા ત્યારે તેમના એક મિત્રે તેમને એસ્ટેલા રોબર્ટસની વાત કરી. તેણે એસ્ટેલાનો જાહેર કાર્યક્રમ નિહાળ્યો હતો. તે એસ્ટેલાની ખોવાઈ ગયેલ વસ્તુ કે વ્યક્તિને શોધી કાઢવાની ચૈતસિક શક્તિ જોઈને ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો. ટિન્સલે કુટુંબના સભ્યોએ એસ્ટેલા રોબર્ટસનો સંપર્ક સાધ્યો અને મોનાને શોધી આપવા વિનંતી કરી. એસ્ટેલાએ તેમની વિનંતી સ્વીકારી લીધી.
ચૈતસિક રીતે ગુનાનો ભેદ ઉકેલવા એસ્ટેલાને મોના સાથે સંપર્કમાં આવેલી કોઈ વસ્તુની જરૃર પડી. તેણે આવી કોઈ વસ્તુ ટિન્સલે પરિવાર પાસે હોય તો તે આપવા જણાવ્યું. ટિન્સલે પરિવારના લોકોએ કહ્યું કે પોલીસ તપાસ દરમિયાન પોલીસને મોનાનું એક વસ્ત્ર મળ્યું હતું જે તેમણે 'હાઉન્ડ ડોગ'ને સૂંઘાડવા માટે પોતાની પાસે રાખ્યું હતું. શું તે એસ્ટેલાને ઉપયોગી બનશે? એસ્ટેલાએ કહ્યું - 'તેણે છેલ્લે પહેરેલું વસ્ત્ર જો મને મળી જાય તો ચોક્કસ ગુનો ઉકેલાઈ જશે. એ વસ્ત્રના માધ્યમથી મને મોનાએ કરેલી છેલ્લી તમામ ગતિવિધિની ખબર પડી જશે.' પોલીસે એમને મળેલા મોનાએ પહેરેલા એક વસ્ત્રનો ટુકડો એસ્ટેલાને મોકલ્યો.
એસ્ટેલા રોબર્ટસે મોનાના એ વસ્ત્રના ટુકડાને હાથમાં રાખી ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવારમાં એની આંખો આગળ ચલચિત્રની જેમ દ્રશ્યો દેખાવા લાગ્યા... પહેલાં તેણે મોનાને જોઈ. પછી પીસ્તાળીસ વર્ષની ઉંમરના એક મજૂરને જોયો. તેને એક ઘર દેખાયું. એ ઘરની બાજુમાં એક ખાડો હતો જેમાં પાણી ભરેલું હતું. એ ઘરની પાછળના ભાગમાં ખેતર હતું. એ મકાનની પાસે એક કબ્રસ્તાન પણ હતું. થોડે દૂર એક જાહેર મકાન પણ હતું. થોડી વાર પછી મોનાનું ચિત્ર વધારે સ્પષ્ટ થવા લાગ્યું. તેણે જોયું કે મોનાનું ગળું દબાવી તેને મારી નાખવામાં આવી હતી. તેને ગળું દબાવીને મારી નાખનાર પેલો પીસ્તાળીસ વર્ષની વયનો મજૂર જ હતો.
એસ્ટેલાએ મોનાના કુટુંબીજનો અને પોલીસને આ વિગતો આપી. આ વિગતો વિશે સાંભળી પોલીસને ખૂબ આશ્ચર્ય થયું કેમકે તે એ જ જગ્યા હતી જ્યાંથી તેમને મોનાનું એક વસ્ત્ર મળ્યું હતું. તેણે જે ઘરની વાત કરી તે ઘરની પાસે પાણી ભરેલો ખાડો હતો. તેની પાછળ ખેતર હતું અને નજીકમાં કબ્રસ્તાન પણ હતું. એ ઘર ફેડરિક નોડર નામના પીસ્તાળીસ વર્ષની ઉંમરના એક મજૂરનું જ હતું. તેના ઘર પાસે જ મોનાનું એક વસ્ત્ર મળી આવતાં પોલીસને તેના પર શંકા ગઈ હતી પણ ત્યાં તપાસ કરતાં ક્યાંય મોનાનો પત્તો મળ્યો નહોતો.
દૂરદ્રષ્ટા એસ્ટેલા રોબર્ટસે દૂરથી જ આ મકાન, તેનો વિસ્તાર અને શકમંદ વ્યક્તિની બારીક વિગતો જણાવી દીધી એટલે પોલીસને એસ્ટેલા પર વિશ્વાસ બેઠો. તેણે એસ્ટેલાની મદદ લેવાનું નક્કી કર્યું. એસ્ટેલાએ કહ્યું કે તે ઘટનાસ્થળે પ્રત્યક્ષ આવશે તો ચોક્કસ મોનાની લાશ શોધી શકશે. એટલે તેને ઘટનાસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરવામાં આવી. એસ્ટેલા ટ્રેન પકડીને એક મોટા સ્ટેશને આવી. ત્યાંથી પોલીસ કર્મચારીઓ તેને નેવાગટન નામના એક ગામમાં લઈ ગયા, જે તે શહેરથી પાંત્રીસ માઈલ દૂર હતું. નેવાગટન પહોંચ્યા પછી તેને તો ત્યાંની જગ્યા પરિચિત લાગવા માંડી. તેણે મોનાના કપડાને હાથમાં રાખી જે ઘર અને એની આજુબાજુનો વિસ્તાર જોયો હતો તે જ જગ્યા તેની સામે આવી રહી હતી. પોલીસને કહેવું ના પડયું કે ફેડરિક નોડરનું ઘર કયું છે? એસ્ટેલાએ તે ઘર દૂરથી જ બતાવી દીધું!
એસ્ટેલા તે ઘરમાં દાખલ થયા પછી બે પળ થોભી. પછી તે પોલીસને મકાનના ઉપલા માળના પાછળના એક ઓરડામાં લઈ ગઈ. ત્યાં એક પથારી પડેલી હતી. એસ્ટેલાએ ત્યાં આવીને કહ્યું - મોનાનું ખૂન આ જગ્યાએ થયેલું છે. આ ઘરમાં રહેતા મજૂરે મોનાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. પછી તે તેના શરીરને કોથળામાં નાંખીને અહીંથી બહાર લઈ ગયો હતો. ઘરના મુખ્ય બારણામાંથી નહીં પણ બીજા બારણામાંથી તે તેને લઈ ગયો હતો.' પોલીસ તપાસ વખતે પોલીસે જોયું હતું કે ફેડરિક તેના મકાનનું મુખ્ય બારણું કાયમ બંધ જ રાખતો હતો અને બીજા બારણેથી આવન-જાવન કરતો હતો.
એ પછી એસ્ટેલા રોબર્ટસ પોલીસને લઈને ઘરની પાછળ આવેલા ખેતરો તરફ ગઈ. ત્યાં આવેલા એક પુલને પાર કરી નદી પાસે આવેલા પાણીથી ભરેલા એક મોટા ખાડા પાસે આવી. ત્યાં થોડીવાર ઊભા રહ્યા પછી તેણે પોલીસને કહ્યું - 'બસ, આ જગ્યા સુધી જ ખૂની મોનાના મૃતદેહને લઈને આવેલ છે. મોનાના મૃતદેહને જે કોથળામાં ભરેલ છે તે આ પાણીની અંદરથી જ મળશે.' પોલીસના ડૂબકીખોરોએ પાણીમાં ડૂબકી મારી તપાસ કરી તો છેક નીચે પડેલા એક વજનદાર કોથળાને જોયો. તે તેને ઉપર લઈ આવ્યા. પોલીસે તે ખોલીને જોયું તો ખરેખર તેમાં મોનાની ફોગાઈ ગયેલી લાશ હતી!
પોલીસે ફેડરિક નોડર પર થર્ડ ડીગ્રી અજમાવી ત્યારે તેણે ગુનો કબૂલ કરી લેતા કહ્યું હતું - 'હું મોનાને ફોસલાવીને મારા ઘેર લઈ ગયો હતો. એને મારા ઘરના ઉપરના મેડા પર આવેલા પાછળના ઓરડામાં લઈ જઈ પૂરી દેવાનો પ્રયત્ન કર્યો હતો. મારી બદદાનતની ખબર પડતાં તેણે મને પોલીસ પાસે પકડાવી દેવાની ધમકી આપી હતી એટલે મેં એનું ગળું દબાવી એને મારી નાંખી હતી અને તેની લાશને કોથળામાં ભરી ઘરના બીજા બારણેથી બહાર નીકળી પાછલા ખેતર વટાવી પુલ ઓળંગી પાણી ભરેલા મોટા ખાડામાં નાંખી દીધી હતી.' એસ્ટેલા રોબર્ટસે કહેલી તમામ વિગત હત્યારા ફેડરિકના બયાનને બિલકુલ મળતી આવતી હતી. ફેડરિક પર ગુનો દાખલ કરાયો અને કોર્ટે તેને ફાંસીની સજા ફરમાવી દીધી હતી.
આમ, દસ વર્ષની મોનાની હત્યાનો ભેદ ચૈતસિક ગુનાશોધક એસ્ટેલા રોબર્ટસે ઉકેલી આપ્યો હતો. ચૈતસિક શક્તિ ધરાવતા દૂરદ્રષ્ટાઓ ગુનો ઉકેલવા અનેકવાર પોલીસને મદદરૃપ થયા છે.

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved