Last Update : 16-August-2012,Thursday

 

ગીતીકાની આત્મહત્યા પાછળ ગોપાલ કાંડા જવાબદાર

જૂનિયર એરહોસ્ટેસ તરીકે નોકરી પર રાખવામાં આવેલી ૧૭ વર્ષની છોકરીને એમડીએલઆરના માલિકે માત્ર ૨૩ વર્ષની ઉંમરે કંપનીની ડિરેક્ટર બનાવી દીધીઃ નોકરી છોડીને જતી રહેલી ગીતીકા શર્માને પાછી આવી જવા માટે મજબૂર કરવામાં આવી

હરિયાણાના મોભાદાર અને ધનિક ગૃહપ્રધાન ગોપાલ કાંડા રવિવારની રજા હોવાથી પ ઓગસ્ટે સવારે આરામ ફરમાવી રહ્યા હતા ત્યાં તેમને એક એવા સમાચાર મળ્યા કે તેમને એર કન્ડીશન્ડમાં પરસેવો છૂટી ગયો. તેમના દ્વારા ખૂબજ પ્રોત્સાહીત કરવામાં આવેલી તેમની ચહીતી માત્ર ૨૩ વર્ષની એરહોસ્ટેસ ગીતીકા શર્માએ આપઘાત કરી લીધો હતો. દિલ્હી પોલીસે આક્ષેપ મૂક્યો કે ગોપાલ કાંડાને કારણે ગીતીકાએ સૂસાઇડ કર્યું છે. ટીવી ચેનલો પર આવી ખબરો વહેતી થતા ૪૬ વર્ષના કાંડાને તેના પગ તળેથી જમીન ખસી જતી હોવાનો અહેસાસ થવા લાગ્યો.
ગોપાલ કાંડાની બંધ થઈ ગયેલી એમડીએલઆર(મુરલી ધર લાખ રામ) એરલાઇન્સમાં એરહોસ્ટેસની નોકરીથી કારકિર્દીની શરૃઆત કરનારી ગીતીકાએ તેના પિતાના દિલ્હી સ્થિત અશોક વિહાર નિવાસસ્થાને પંખા પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણે બે પાનાની સૂસાઇડ-નોટ લખી હતી. તેમાં તેણે ગોપાલ કાંડા અને તેના મિત્ર અરુણા ચઢ્ઢા પર આરોપ મૂક્યો હતો. ૮મી ઓગસ્ટે આ મામલે અરુણ ચઢ્ઢાની ધરપકડ પણ કરવામાં આવી.
સિરસાના પ્રતિષ્ઠીત વકીલ મુરલીધર લાખરામના દીકરાએ ખૂબજ ઓછા સમયમાં બિઝનેસ અને પોલિટીક્સમાં મેળવેલી ભવ્ય સફળતા પોતે જ કશીક ગરબડ હોવાનું સૂચવી જાય છે. સિરસાના હિસાર બજારમાં ગ્લોરિયસ શૂઝ નામની એક ફૂટવેર શોપ શરૃ કરવા માટે તેણે ભણવાનું મૂકી દીધું હતું. તેના જૂના મિત્રો જણાવે છે કે 'ગોપાલ હંમેશા હવાઈ ચપ્પલથી માંડીને હવાઈ-જહાજ સુધીની પ્રગતી કરવા માગતો હતો.'
અને તેમણે એમ જ કર્યું. માર્ચ ૨૦૦૭માં ભારતની સૌપ્રથમ શુદ્ધ શાકાહારી ભોજન પીરસતી એરલાઇન્સ શરૃ કરી. એમડીએલઆર એરલાઇન્સ આર્થિક કટોકટી વચ્ચે માત્ર ત્રણ વર્ષ સુધી જ જીવી શકી, પરંતુ તેના લીધે કાંડા ગીતીકા શર્મા નામની યુવાનીના ઉંબરે ઊભેલી સોહામણી ટીનેજરના સંપર્કમાં આવ્યો. ગીતીકાને તેની કારકિર્દીની પ્રથમ નોકરી એમડીએલઆર એરલાઇન્સમાં એરહોસ્ટેસ તરીકે મળી હતી. જોકે એરલાઇન્સ બંધ થઈ જવાથી કાંડાને રતિભાર ફરક પડતો નહોતો.
એમડીએલઆર ગુ્રપના માલિક અને મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ કાંડા ગુડગાંવમાં રૃા. ૩૦ કરોડની પાર્ક પ્લાઝા હોટેલ, ગોવામાં કેસિનો રિયો, ગુડગાવમાં એક લાખ ચોરસફુટમાં વિસ્તરેલા રૃા. ૬૦ કરોડના એમડીએલઆર ગ્લોબ મલ્ટિપ્લેક્સ કમ શોપિંગ મોલ તથા હોંગકોંગ બાઝારનો માલિક છે. એમડીએલઆરની વેબસાઇટ પર બીજા ત્રણ ભાવી પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યા છે. માનેસર અને ગુડગાંવમાં હોટેલ્સ અને પાલમ વિહારમાં હાઉસિંગ સોસાયટી બનાવવાની યોજના છે.
કાંડાને તેના શરૃઆતના દિવસોમાં પ્રોપર્ટીના બિઝનેસમાં આગળ આવવામાં હુડા(હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના વડાએ ખૂબજ મદદ કરી હોવાનું કહેવાય છે. ૧૯૯૦થી ૨૦૦૦ દરમિયાન ગુડગાંવ ભારતમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું અને આ દરમિયાન કાંડાનો પણ વિકાસ થયો.
વ્યાપાર ઉદ્યોગ અને રાજકારણમાં કાંડાના વિકાસમાં તેનો બચપણનો દોસ્ત તથા હરિયાણાના તત્કાલીન મુખ્ય પ્રધાન અભયસિંહ ચૌટાલાનો નાનો પુત્ર અભય સિંહ ચૌટાલા તેનો સાથીદાર રહ્યો છે. પ્રતિષ્ઠાની સાથોસાથ તેણે થોડી ધાક પણ જમાવી.
ગીતીકા સૂસાઇડ કેસમાં કાંડા સામે પગલાં લેવાની ખાતરી આપતા આઇએનએલડી(ઇન્ડિયન નેશનલ લોક દલ)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ ચૌટાલા જણાવે છે કે 'અમારે ગોપાલ કાંડા સાથે અંગત કે ધંધાદારી કોઇપણ પ્રકારના સંબંધ નથી.'
૨૦૦૫ પછી ચૌટાલાની સત્તા જતા રહેતા કાંડાએ તેની સંપત્તિનો ઉપયોગ કોંગ્રેસીઓને પોતાના તરફ આકર્ષવા માટે કરવાનું શરૃ કર્યું. ૨૦૦૯માં તેમણે સિરસામાંથી વિધાનસભાની ટિકિટ મેળવવા માટેના પ્રયાસ શરૃ કર્યા. શરૃઆતમાં તેમનું નામ કોંગ્રેસ અને આઇએનએલડી બન્નેમાં ગણવામાં આવતું હતું, પરંતુ બન્ને પક્ષોએ તેમને ઠેંગો દેખાડી દેતા આખરે તેમને અપક્ષ ચૂંટણી લડવાનું આવ્યું. કાંડા બનિયા(વાણિયા) જ્ઞાાતિના છે અને તેમણે તેમના સમુદાયનું સમર્થન મળતા તેઓ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા. ચૂંટણી હારી જનારા આઇએનએલડીના ઉમેદવાર પદમ જૈન જણાવે છે કે 'કાંડાએ કરોડો રૃપિયા વેર્યા હતા અને મતદારોને આકર્ષવા માટે શક્ય એટલા તમામ રસ્તાઓ અપનાવ્યા હતા.'
૯૦ બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ હૂડાને માત્ર ૪૦ બેઠકો મળી. કાંડાએ મોકા પર ચોકો માર્યો. પોતાના પૈસા અને નેટવર્કના જોરે છ અપક્ષ ઉમેદવારોનો ટેકો આપીને ભૂપેન્દ્ર સિંહને બીજી વખત સત્તા અપાવી અને દરેક બિઝનેસમેનની માફક પોતાનો 'કટ' રાખ્યો. તઓ ગૃહ મંત્રાલય, શહેર સ્થાનિક સ્વરાજ તથા ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના જુનિયર મિનિસ્ટર બની ગયા. સિરસા ચૌટાલાનો ગઢ ગણાય છે, પરંતુ કાંડાએ પોતાની શક્તિ અને પૈસાના જોરે તેના ગઢમાં કાંડી ચાપીને ગાબડું પાડી દીધું અને તેના લીધે બૂપેન્દ્ર સિંહ તેનાથી પ્રભાવીત થઈ ગયા, પરંતુ આ જ કારણ ગીતીકા સાથેના સંબંધોમાં દરાર માટે પણ જવાબદાર બન્યું.
ગીતીકા દિલ્હીમાં નાણાં મંત્રાલયમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા દિનેશ શર્માની સૌથી મોટી પુત્રી હતી. ૨૦૦૬માં ૧૭ વર્ષની ઉંમરે તેને જુનિયર ટ્રેઇની કેબિન ક્રુ તરીકે એમડીએલઆર એરલાઇન્સમાં નોકરી મળી હતી. તે અશોક વિહારની કુલાચી હંસરાજ મોડર્ન સ્કૂલમાં ભણી હતી તથા એર હોસ્ટેસ તરીકેનો કોર્સ તેણે હજી પૂર્ણ જ કર્યો હતો. થોડા સમયમાં તે એમડીએલઆરના માલિક ગોપાલ કાંડાના સંપર્કમાં આવી. પહેલી જ નજરે તેના પ્રેમમાં પડી ગયેલા ગોપાલ કાંડાએ તેને ખૂબજ પ્રોત્સાહીત કરી તથા પ્રોમોશન્સ આપ્યા. એમડીએલઆરમાં સૌથી નીચા સ્તરેથી શરૃઆત કરનારી ગીતીકા ચાર વર્ષમાં કોઓર્ડીનેટરના પદ સુધી પહોંચી ગઈ. તેને રૃ. ૬૦,૦૦૦નો માસીક પગાર આપવામાં આવ્યો તથા બીએમડબલ્યું કાર આપવામાં આવી. આટલું બધું સાવ નાની વયની યુવતીને કોઇ નિસ્વાર્થ ભાવે આપે ખરા?
કશુંક ખોટું થઈ રહ્યું હતું. ગીતીકાએ તેની માતા અનુરાધાને ઘણીવાર કહ્યું હતું કે ગોપાલ કાંડા સારો માણસ નથી. ગીતીકાની માતા જણાવે છે કે 'ગોપાલ કાંડા જ્યારે પણ ફોન કરતો હતો ત્યારે મારી પુત્રી ડરેલી રહેતી હતી.'
ગીતીકાના માતાપિતાને પણ હવે અફસોસ થાય છે કે તેમણે ગોપાલ અને ગીતીકાને એકસાથે ટૂર પર જતા અટકાવ્યા કેમ નહીં.
એમડીએલઆરએ ૨૦૦૯માં કેસીનો ખરીદ્યા પછી ગોપાલ અને ગીતીકા અનેક વખત ગોવાની મુલાકાતે જતા હતા. તાજેતરમાં તેઓ બિઝનેસ ટ્રીપ માટે સિંગાપોર પણ ગયા હતા. ગીતીકાના પરિવારે પ્રસિદ્ધ કરેલી તમામ પારિવારિક તસવીરોમાં ગીતીકા અને કાંડા એકસાથે જોવા મળે છે. તેના ભાઈ અંકીતે કહ્યું હતું કે 'અમે બધા જ પ્રેશરમાં રહેતા હતા.'
કાંડાથી ત્રાસી જઇને ગીતીકાએ ૨૦૧૦માં ૨૨મી મેએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે દુબઈમાં અમિરાત એરલાઇન્સમાં નવી નોકરી સ્વીકારી લઈને નવા જીવનની શરૃઆત કરી હતી, પરંતુ કુદરત અને કાંડા બન્નેને એ મંજૂર નહોતું. ગીતીકાની માતા અનુરાધ આક્ષેપ મૂકે છે કે 'ગોપાલ કાંડાએ અમિરાત એરલાઇન્સની ટોચના સત્તાધિશો સુધી નિયમીત ઇમેલ્સ કરીને મારી પુત્રીની બદનક્ષી કરી અને તેને નોકરીમાંથી કઢાવી. ગુડગાંવના સ્ટેશન હાઉસ ઓફિસરે દુબઈના કાયદાકીય વિભાગને પત્ર લખીને ગીતીકાના પ્રત્યાર્પણની માગણી કરી હતી.'
ગીતીકાના કાકા સુશીલ કુમાર જણાવે છે કે 'ગીતીકાએ છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ મૂકતા એક પત્રની નકલ ભારતના કોન્સ્યુલેટ જનરલને પણ આપવામાં આવી હતી.'
ઓગસ્ટ ૨૦૧૦માં દુબઈથી પાછી ફર્યા બાદ ગીતીકા ફરીથી ગોપાલ કાંડા પાસે જ ગઈ. આ વખતે તેને એમડીએલઆરની ગુડગાંવ સ્થિત કોર્પોરેટ ઓફિસમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી. સિરસાની મુરલીધર કાંડા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેને રૃ. ૭.૫ લાખની ફી ભરીને એમબીએના કોર્સમાં પણ એડમિશન અપાવવામાં આવ્યું.
ગીતીકા સાથે કોઇપણ પ્રકારના જાતિય કે રોમેન્ટીક સંબંધો હોવાનો કાંડાએ ઇનકાર કરી રહ્યા છે. તઓ કહે છે કે 'મને ફસાવવા માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું છે અને શર્મા પરિવારને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે.' જો એવું જ હોય તો માત્ર ૨૩ વર્ષની ગીતીકાને અબજોના એમડીએલઆર સામ્રાજ્યની ડિરેક્ટર કેમ બનાવવામાં આવી? આ સવાલનો જવાબ પણ ચબરાક એવા કાંડા પાસે છે. તે કહે છે કે 'મારી પુત્રીને પણ મેં કંપનીની ડિરેક્ટર બનાવી છે. તેની ઉંમર માત્ર ૧૯ વર્ષની છે. '
ગીતીકાએ આત્મહત્યા કરી એના આગલા દિવસે કાંડાએ તેને ધમકાવી હોવાનો તેના પર આક્ષેપ છે, પરંતુ કાંડા આ આક્ષેપને પણ ખોટો ગણાવી રહ્યા છે. જોકે કોઇ ગુનેગાર એવો ન હોય કે જે પોતાના પર મૂકવામાં આવેલા આક્ષેપને ખોટો ન ગણાવીને એનો સામેથી સ્વીકાર કરે. હરિયાણાના મુખ્ય વિરોધપક્ષો બીજેપી, આરએનએલડી અને હરિયાણા જનહીત કોંગ્રેસે કાંડાને હાથ જોડી દીધા છે ત્યારે હવે કાંડાને મુખ્ય પ્રધાન હુડા જ મદદરૃપ બની શકે છે, પરંતુ રાજકીય સમીક્ષકોનું માનવું છે કે ચૌટાલાને સત્તા પરથી દૂર કરવા માટે કાંડા સૌથી ઉપયોગી હતો. આ હેતું હવે સિદ્ધ થઈ ચૂક્યો છે. બીજી વાત એ છે કે વગોવાઈ ગયેલો કાંડા હવે તેમને બહું કામ લાગી શકે એમ નથી. આથી હરિયાણાના આ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન માટે રાજનીતિ પણ ભૂતકાળ બની જાય એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી. ગીતીકાની આત્મહત્યાને લીધે ગોપાલ કાંડા રાજકારણના આકાશમાંથી પણ અત્યારે જમીન પર પટકાઈ ચૂક્યો છે. આવનારો સમય તેના માટે મુશ્કેલ બની રહે એમાં કોઇ બેમત નથી.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved