કલેકટરે સૂચવ્યા કરતાં રાહેજાને મોંઘીદાટ જમીન અડધા ભાવે અપાઈ

 

 

-ગાંધીનગરની કિંમતી ૪૭૦ રૃપિયે મીટરના ભાવે ખેરાત

 

-તપાસ માટે માંગ

 

 

ગાંધીનગર, સોમવાર
પાટનગરના પ્રવેશદ્વાર કોબા ખાતે મેસર્સ કે. રાહેજાને જિલ્લા કલેકટરે સૂચવેલા ભાવ કરતાં અડધા ભાવે મોંઘા ભાવની મોકાની જમીન મોદી સરકારે ફાળવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના કલેકટરે કે. રાહેજાને ચોરસ મીટર દીટ રૃા. ૯૦૦ના ભાવે જમીન આપવી જોઇએ, એવો મત વ્યક્ત કર્યો હતો, છતાં મોદી સરકારે ગાંધીનગરના ચીફ ટાઉન પ્લાનર દ્વારા સૂચવાયેલો રૃા. ૪૭૦નો ભાવ યોગ્ય ઠરાવી તે ભાવે જમીન આપી દીધી હતી, એટલે આ મામલે ગાંધીનગર કલેકટર તથા ચીફ ટાઉન પ્લાનરને સાક્ષી તરીકે તપાસવા માટે બોલાવવાની જસ્ટિસ એમ.બી. શાહ તપાસ પંચમાં માગણી ઊઠી છે.

શાહ પંચ સમક્ષ ગાંધીનગર કલેકટર અને ટાઉન પ્લાનરને બોલાવો ICICI બેન્ક પાસેથી જમીન પાછી લેવા - ઉઠેલી માગણી
મોદી સરકાર સામે ઉઠેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહેલા શાહ પંચમાં ગુજરાત સરકારે ગાંધીનગરમાં અપાયેલી જમીનો અંગે કોમ્પેક્ટ ડિસ્ક- સીડીમાં જવાબ રજૂ કર્યો છે, જેની સામે દલીલો કરતાં વાદી પક્ષકાર પીયુસીએલ દ્વારા જણાવાયું હતું કે, કે. રાહેજાને નફાકારક પ્રવૃત્તિ નહીં કરવાની શરતે કોબામાં જમીન ફાળવાઇ હતી, પરંતુ મહેસૂલ વિભાગે તા. ૧૫-૮-૦૬ના રોજ કલેકટરને પત્ર લખી આ શરત હટાવવા જણાવ્યું હતું, એટલે આ શરત હટાવવાની બાબત ઉપરાંત એવી કઇ પરિસ્થિતિ હતી કે કલેકટરના મંતવ્યને ઓવરરૃલ કરીને અડધા જેટલા નીચા ભાવે કે. રાહેજાને જમીન આપવી પડી તે જાણવા માટે ચીફ ટાઉન પ્લાનર તથા કલેકટરને બોલાવી પૂછતાછ કરવી જરૃરી છે, તેમ પીયુસીએલે પંચને જણાવ્યું હતું. પંચ આ બાબતે શું વલણ લે છે તે ૨૧મી ઓગસ્ટની મુદતે જોવું રસપ્રદ બની રહેશે. આઈસીઆઈસીઆઈ બેન્કને પણ ગાંધીનગરમાં શરતોને આધીન ફાળવાયેલી જમીન પછી શરતોના ના થયેલા પાલન સામે પણ ગંભીર વાંધો ઊઠાવાયો છે. આઈસીઆઈસીઆઈ બેન્કને ૧૭ એકર વત્તા ૨૪૬૭ ચોરસમીટર જમીન રૃા. ૧૧૦૦ના ભાવે અપાઇ તે સામે બેન્ક તરફથી આ જગ્યાએ બેન્કનું પ્રાદેશિક હબ બનાવાશે, જેમાં ૨૫ હજાર લોકો કામ કરશે અને બેન્કના કોલ સેન્ટરમાં ૮ હજાર લોકોને નોકરી અપાશે તેમ જ આ સમગ્ર હબ પાંચ વર્ષમાં કાર્યરત થઇ જશે. પીયુસીએલ દ્વારા જણાવાયું છે કે, આ શરતો પળાઇ નથી, એટલું જ નહીં, તાજેતરમાં આઈસીઆઈસીઆઈએ જાહેર કર્યું છે કે, તે હવે પ્રાદેશિક હબ બનાવશે નહીં, ત્યારે આ સંજોગોમાં આઈસીઆઈસીઆઈને અપાયેલી જમીન પાછી લેવાવી જોઇએ એવી રજૂઆત પણ થઇ છે.