અમદાવાદ એરપોર્ટ પર સોનાની આયાતમાં પંચાવન ટકાનો ઘટાડો નોંધાયો

 

 

-સરકારે કસ્ટમ્સ ડયૂટી વધારતા થઈ રહેલો ઘટાડો

 

-ચાર માસથી સતત ઘટી રહેલી આયાત

 

 

અમદાવાદ,સોમવાર
સોનાની આયાતમાં છેલ્લા ચાર માસમાં સરેરાશ ૫૫.૮૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય સ્તરે પણ સોનાની આયાતમાં ૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ લગનસરા આરંભ થવામાં છે છતાંય સોનામાં નવી લેવાલી નીકળી ન હોવાથી સોનીઓ ચિંતિત બન્યા છે. જૂના ખરીદેલું સોનું આપીને તેની સામે લગનસરા માટે ખરીદી કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. સોનામાં ઇન્વેસ્ટ કરનારાઓ અત્યારે સોનામાં રોકાણ કરવાનું બંધ કરી દીધું છે.
આયાત-નિકાસના જાણકારોનું કહેવું છે કે દર વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાની આયાતમાં વધારો થતો હોવાનું જોવા મળે છે. પરંતુ આ વર્ષે તેમાં બહુ મોટો વધારો જોવા મળ્યો નથી. ૨૦૦૯-૧૦માં જુલાઈ પછી ઓગસ્ટમાં સોનાની આયાતમાં છ ટનનો વધારો જોવા મળ્યો હતો. તેની સામે ૨૦૧૦-૧૧માં ૩.૧ ટનનો અને ૨૦૧૧-૧૨માં ૨.૨૩ ટનનો વધારો થયો હતો. તેની સામે ૨૦૧૧-૧૨ની તુલનાએ ૨૦૧૨-૧૩ના જુલાઈ પછી સોનાની આયાતમાં અત્યાર સુધી ખાસ કોઈ વધારો જોવા ન મળતો હોવાનું અમદાવાદ એરપોર્ટના સૂત્રોનું કહેવું છે.
સોના ચાંદી બજારના જાણકારોનું કહેવું છે કે ગ્રાહકોને આકર્ષવા મેકિંગ ચાર્જમાં ૫૦ ટકાની રાહત આપતી સ્કીમ જાહેર કરવામાં આવી હોવા છતાંય બજારમાં લેવાલી નીકળતી નથી. પરિણામે સોનીઓમાં આછી પાતળી દહેશત ઊભી થઈ છે. બુલિયન ઇમ્પોર્ટર્સનું કહેવું છે કે સોનાની ઘટી રહેલી ડિમાન્ડ અને આયાત દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર મંદીની દિશામાં ગતિ કરી રહ્યું છે. હવે તો બુલિયન - કાચા સોનાની લેવાલી કરનારાઓ ૩૦૦૦૦ પ્લસનો ભાવ જોઈને નવી લેવાલી કરતાં અટકી ગયા છે.
ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતનું રેટિંગ નબળું કર્યું છે, તેમ જ આર્થિક વિકાસનો દર ૫.૫ ટકાથી છ ટકાની રેન્જમાં જ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી હોવાથી સોનામાં રોકાણ કરનારાઓને બહુ રસ જણાતો નથી. શેરબજારની તેજીમા ફંડામેન્ટલની મજબૂતી સિવાયના કારણો હોવાથી અત્યારે સોનામાં જૂના રોકાણ પડી રહ્યા હોવાથી સોનું તૂટતું અટક્યું હોવાનું જણાય છે. બીજું, હૂંડિયામણ બજારમાં ભારતીય રૃપિયો ડૉલર સામે સતત તૂટી રહ્યો હોવાથી ભારતમાં સોનું મોંઘું પડી રહ્ય છે.
સોનીઓનું કહેવું છે કે પહેલા લગ્નટાણી દીકરીઓને તોલામાં સોનું આપવાની વાત કરનારા માતા પિતા હવે અમારે દિકરીને દોઢથી અઢી લાખનું સોનું આપવાની વાત કરતાં થયા છે. આમ દસ પંદર તોલા સોનું આપવું એ મધ્યમ વર્ગની પ્રજા માટ સ્વપ્ન બનવા માંડયું છે.
બીજી તરફ એક કિલો સોના પર ૧.૨૧ લાખની કસ્ટમ્સ ડયૂટી તથા ૩૦,૦૦૦ની વેટને કારણે પણ સોનાના ભાવ ઊંચા જઈ રહ્યા છે. હૂંડિયામણ બજારમાં તૂટી રહેલા ભારતીય રૃપિયો પણ મંદીના બજારમાં સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવા માટે જવાબદાર છે.

સોનાની ઘટી રહેલી આયાત
અમદાવાદ,સોમવાર
કેન્દ્ર સરકારે આાયત ડયૂટી ૪ ટકા કરી તે પછી સોનાની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોનાની અમદાવાદ એરપોર્ટ પરથી થતી આયાત દેશમાં થતી કુલ આયાતના ૩૦થી ૩૫ ટકા જેટલી છે. દેશમાં વર્ષે ૭૦૦થી ૮૦૦ ટન સોનું ખરીદાય છે. ઓગસ્ટ ૨૦૧૨માં ૨૯૩ કિલોનો નજીવો વધારો જોવાયો છે. એપ્રિલ ૨૦૧૨થી જુલાઈ ૨૦૧૨ના ઘાળામાં સોનાની આયાતમાં પપ.૮૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
મહિનો ૨૦૦૮-૦૯ ૦૯-૧૦ ૧૦-૧૧ ૧૧-૧૨ ૧૨-૧૩
એપ્રિલ ૨૫.૮૬ ૧૩.૭૦ ૧૯.૦૮ ૨૧.૩૬ ૦૭.૪૭
મે ૧૪.૨૩ ૧૩.૨૭ ૧૧.૯૪ ૪૦.૨૭ ૧૪.૬૪
જૂન ૦૮.૮૩ ૦૭.૫૪ ૦૭.૬૦ ૧૦.૮૨ ૦૧.૮૩
જુલાઈ ૦૯.૩૪ ૦૯.૩૬ ૧૯.૨૧ ૧૩.૮૩ ૧૪.૧૨
ઓગસ્ટ ૩૦.૯૮ ૧૫.૧૪ ૨૨.૩૩ ૧૫.૫૯ ૦૦.૦૦
સપ્ટેમ્બર ૨૭.૯૧ ૨૭.૯૭ ૨૪.૦૦ ૧૬.૬ ૦૦.૦૦
ઓક્ટોબર ૦૭.૩૦ ૨૪.૭૯ ૩૬.૧૭ ૩૦.૧૯ ૦૦.૦૦
નવેમ્બર ૧૭.૩૧ ૧૩.૦૨ ૧૯.૬૧ ૦૭.૮૮ ૦૦.૦૦
ડિસેમ્બર ૦૭.૯૦ ૨૦.૮૫ ૨૭.૨૨ ૧૩.૩૯ ૦૦.૦૦
જાન્યુઆરી ૦૪.૫૦ ૨૫.૦૭ ૩૪.૫૩ ૧૮.૪૪ ૦૦.૦૦
ફેબુ્રઆરી ૦૦.૧૫ ૧૫.૩૨ ૨૬.૬૬ ૧૪.૦૩ ૦૦.૦૦
માર્ચ ૦૦.૩૯ ૨૯.૩૫ ૧૬.૪૫ ૨૧.૧૯ ૦૦.૦૦
કુલ ૧૫૫ ટન ૨૧૬ ટન ૨૬૫ ટન ૨૨૪ ટન ૩૮ ટન