ચોવીસ કલાકમાં માત્ર ૩ ઈંચ વરસાદે બોપલના હાલ 'બેહાલ' કરી નાંખ્યા છે. બોપલના મુખ્ય માર્ગની બાજુમાં જ નંખાયેલી સવા કિલોમીટર લાંબી ગટરલાઈનનું માટીનું પૂરાણ બેસી ગયું છે. બોપલની બે લાખથી વધુ વસતીને અમદાવાદ જવાનો મુખ્ય માર્ગે પસાર થતાં હવે ભય લાગે છે. લોકોની ચિંતા એ છે કે, વરસાદી પાણી ઉંડે ઉતરવાથી રસ્તા ઉપર પણ ભૂવા ન પડે તો સારૃં. લોકસુવિધા માટે ગટરલાઈન નંખાઈ છે પણ સુવિધા મળે તે પહેલાં અધકચરા કામથી લોકોને દુવિધા થઈ પડી છે. ભાજપ કહે છે કે, ભ્રષ્ટાચાર થતો નથી. બોપલના અનેક રહીશોમાં એવો સવાલ ઉદ્દભવ્યો છે કે, ભ્રષ્ટાચાર ન આદરાયો હોય તો સવા કિલોમીટર લાંબી ગટરનું માટીનું પૂરાણ કઈ રીતે બેસી ગયું? થોડા ટૂકડામાં નબળી કામગીરી ચલાવી શકાય. પણ, આટલું લાંબું પૂરાણ બેસી જાય તો પ્રજાના મનમાં સવાલ તો ઉઠવાના જ? બેહાલ બોપલની આ તસવીરથી બોપલની પ્રજાને છ-છ વર્ષથી પૂરતી સુવિધાના સપના હજુપણ ઝાંઝવાના જળસમાન લાગે છે. (તસવીરઃ ગૌતમ મહેતા)