કરણ જોહરની આગામી ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન

 

- કરણ મલ્હોત્રા ફિલ્મના ડિરેક્ટર

 

- બંનેની કેમિસ્ટ્રી દર્શકોમાં લોકપ્રિય

 

મુંબઇ, તા. ૧૪ ઑગસ્ટ, ૨૦૧૨

 

કરણ જોહરની આગામી ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન જોવા મળશે. કરણ મલ્હોત્રા આ ફિલ્મના ડિરેક્ટર છે.

 

સૂત્રોનું કહેવું છે કે કરણ મલ્હોત્રાએ જ્યારે કરીનાને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તે તરત જ આ ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. કરીના કરણ જોહરની ખાસ મિત્ર છે. તે કરણને તેના ભાઈની જેમ ગણે છે. કોઇપણ સ્ક્રિપ્ટ કે ફિલ્મ સાઇન કરતાં પહેલાં તે કરણની સલાહ અચૂક લે છે. કરીનાએ ધર્મા પ્રોડક્શનની જેટલી પણ ફિલ્મો કરી છે એ બધી જ ફિલ્મો કરીનાની કરિયરને સફળતા તરફ લઇ જનારી સાબિત થઇ છે.

 

સૂત્રોની માહિતી અનુસાર કરણની આ નવી ફિલ્મ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા પર આધારિત નથી. કરણનો આ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. આ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે.

 

ફિલ્મની લીડ હીરોઇન તો ફાઇનલ થઇ ગઇ છે પરંતુ હીરો ફાઇનલ કરવાનો બાકી છે. ઘણાંબધાં નામ ચર્ચાઇ રહ્યા છે. જોકે સૂત્રોની વાત માનીએ તો કરણ હૃતિકને આ ફિલ્મમાં સાઇન કરવા માંગે છે અને હૃતિક પણ આ પ્રોજેક્ટ કરશે એવું માનવામાં આવી રહ્યું છે. કરીના અને હૃતિની જોડીએ અગાઉ પણ યાદેં, કભી ખુશી કભી ગમ અને મૈં પ્રેમ કી દિવાની હૂં જેવી સફળ ફિલ્મો આપી છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ ગમે છે. કરણ જોહરનું માનવું છે કે આ જોડી ફરીએકવાર સિલ્વર સ્ક્રિન પર કમાલ બતાવવામાં સફળ રહેશે.