શ્રીદેવીની બોલીવુડમાં રિએન્ટ્રી ઃ મને ન્યુમકર હોવાની લાગણી થઇ રહી છે

 

-શ્રીદેવીનું ઇંગ્લિશ વિંગ્લિશ દ્વારા કમબેક

 

 

-ગૌરી શિંદે ફિલ્મના નિર્દેશિકા

 

મુંબઇ, તા. ૧૪ ઑગસ્ટ, ૨૦૧૨

 

ઇંગ્લિશ વિંગ્લિશથી કમબેક કરી રહેલી અભિનેત્રી શ્રીદેવીનું કહેવું છે કે તે ન્યુકમર જેવી લાગણી અનુભવી રહી છે. શ્રીદેવી લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રિન પર પુનરાગમન કરી રહી છે. ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત શ્રીદેવીનું કહેવું છે કે ફિલ્મમાં તેના પરફોર્મન્સને લઇને તે એકદમ કોન્ફિડન્ટ છે તેમજ તે અસલામતીની લાગણી નથી અનુભવતી.

 

 

ફિલ્મનો પહેલો લૂક રિલીઝ થયો જે બધાંને ખૂબ પસંદ પડયો છે. ફિલ્મના પ્રોમોના લોન્ચિંગમાં હાજર રહેલી શ્રીદેવીએ કહ્યું, ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળીને તેના પ્રેમમાં પડી ગઈ હતી. સ્ક્રિપ્ટ ખૂબ જ વાસ્તવિક છે અને મારું પાત્ર પણ ખૂબ દમદાર છે.

 

 

ઇંગ્લિશ વિંગ્લિશની ડિરેક્ટર ગૌરી શિંદેના વખાણ કરતા શ્રીદેવી થાકતી નથી. ફિલ્મમાં તેને કાસ્ટ કરવા માટે તે ગૌરીનો આભાર માને છે. તે કહે છે, હું ગૌરી અને બાલ્કીની આભારી છું. મને સાહજિકતાથી અભિનય કરવા માટે તેમણે ખૂબ મદદ કરી છે. પંદર વર્ષના લાંબા ગાળા બાદ હું ફરીથી અભિનય ક્ષેત્રે સક્રિય બની છું.

 

ગૌરી સાથે પહેલીવાર કામ કરી રહેલી શ્રીદેવીનું કહેવું છે કે ગૌરી સાથે કામ કર્યા પછી તેને હવે એમ લાગે છે કે તે અન્ય કોઇ નિર્દેશક સાથે કામ કરી શકશે કે કેમ. ગૌરીની ડિરેક્શન શૈલી ખૂબ જ સરસ છે.

 

 

શ્રીદેવીની ઇંગ્લિશ વિંગ્લિશ ૫ ઑક્ટોબરના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તે એક એવી મહિલાનું પાત્ર ભજવી રહી છે જેને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે.