Last Update : 14-August-2012, Tuesday

 

પગ વિનાની પદયાત્રા પાંખ વિનાની ઊંચી ઉડાન

-સત્યમેવ જયતે
-પોલિયોએ પગ છીનવી લીધા તોય એ થાક્યા વિના દોડયો

 

સત્યમેવ જયતે

હાથ વડે ઓપરેટ કરી શકાય એવી એક્સીલરેટર, ક્લચ અને બ્રેકની કિટ બનાવી એ કાર રેલીમાં ચેમ્પિયન બન્યો !

અમદાવાદ, સોમવાર
ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના ભાભર ગામમાં રહેતું એક ડૉક્ટર દંપતી બેચેન હતું. એમનો દોઢ-બે વર્ષનો દીકરો સમીર ઝીણો તાવ આવ્યા પછી એકાએક બેહોશ થઈ ગયો હતો. સતત ચિંતા અને ઉચાટભરી પળોમાં તેઓ દીકરાની પથારીથી આઘા નહોતા ખસતા, પણ કુદરત કસોટી કરવા બેઠી હોય તેમ એમને વધુ ને વધુ બેચેન બનાવતી હતી. ખાસ્સા આઠ દિવસ મા-બાપ દીકરા માટે તડપ્યા ત્યારે સમીરે અચાનક આંખો ખોલી. એ ભાનમાં આવતા જ મા-બાપની આંખોમાં હર્ષના આંસુ સરી પડયા. માએ તો એને ચૂમીઓથી નવરાવી દીધો. પણ એમને ખબર નહોતી કે એ આનંદની પળો થોડીવારમાં જ છીનવાઈ જવાની હતી.
સમીર ભાનમાં આવ્યો, પણ એ સાથે જ પોલિયોનો ભોગ બની ગયો. એની આંખો અને ચહેરાને બાદ કરતા આખા શરીર પર પોલિયોએ કબજો જમાવી દીધો. મા-બાપે વહાલસોયા દીકરાને પોલિયોના પંજામાંથી બચાવવા મોંઘામાં મોંઘી દવાઓ કરી. ખૂબ લાંબી સારવારને અંતે પોલિયોની અસર ધીરે ધીરે ઘટતી ગઈ પણ એ ય એવો જિદ્દી હતો કે જતા જતા બે પગનો ભોગ લેતો ગયો. ને એ માસૂમ બાળક હજી તો ચાલવા શીખે એ પહેલાં જ વિકલાંગ બની ગયો.
સમય વિતતો ગયો ને સમીર થોડો સમજણો થવા લાગ્યો. એના પગ ઉભા રહેવા કે ચાલવા માટે સક્ષમ નહોતા પણ એનું દિમાગ જેટની ઝડપે દોડતું હતું. એનો અણસાર કોઈને નહોતો. થોડો નાનો હતો ત્યારે રંગબેરંગી રમકડાંને એ કુતૂહલથી જોતો પણ હવે એના નાજુક દિમાગમાં રમકડાને જાણવાની જિજ્ઞાાસા જાગવા માંડી હતી. સૌ પહેલાં એને ચાવીથી ચાલતા રમકડામાં રસ પડયો. એને પ્રશ્ન થયો કે વધારે ચાવી ભરો તો રમકડું વધારે ચાલે છે ને ઓછી ચાવી ભરીએ તો ઓછું કેમ ચાલે છે?
સતત પાંખો ફફડાવતી જિજ્ઞાાસાએ એને વધુ ને વધુ જાણવા પ્રેરિત કર્યો ને એક દિવસ એણે રમકડાને ખોલી નાંખ્યું ને ચાવીનું રહસ્ય જાણવા મથામણ કરી.
પછી તો આ એનો રોજનો ક્રમ થઈ ગયો. માત્ર રમકડાં જ નહીં ટેબલ ફેન, રેડિયો અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓમાં પણ એને રસ પડવા માંડયો. સમય પસાર કરવા એ દરેક ચીજનું પોસ્ટમોર્ટમ કરવા માંડયો. એના મોટાભાઈ એ વખતે અમદાવાદમાં ભણતા હતા ને વેકેશનમાં વતન આવતા ત્યારે સમીર એમની પાસે જુદી જુદી વસ્તુઓના પાર્ટસ મગાવતો ને ઘરમાં બેસી એસેમ્બલ કરતો. એને કલેપ સ્વિચમાં બહુ ઊંડી રૃચિ હતી એટલે એકવાર એના પાર્ટસ મગાવ્યા ને જાતે કલેપ સ્વિચ તૈયાર કરી. પછી ઘરના બધા સભ્યોની હાજરીમાં એણે તાળી વગાડી કે તરત કલેપ સ્વિચ ચાલુ થઈ! બધાને પહેલીવાર સમીરમાં છૂપાયેલી ખૂબીઓનો સાક્ષાત્કાર થયો. વિકલાંગતા સામે સમીરની આ પહેલી જીત હતી.
સમીરને ઘરની ચાર દિવાલો વચ્ચે બધા ફુલની માફક સાચવતા પણ બહારની દુનિયા કંઈક અલગ હતી એનો અનુભવ એણે ભણવાનું ચાલુ કર્યું ત્યારથી થવા માંડેલો. સ્કૂલ ગામથી દૂર હતી એટલે પિતાએ ચાલવા માટે ઘોડી લાવી આપી હતી જેના સહારે તે ચાલતો ચાલતો જતો ત્યારે બધા બિચારો-બાપડો કહીને એની દયા ખાતા ને એ વખતે પોતે કેટલો વિવશ અને અસહાય છે એનો એને અહેસાસ થતો. એને પોતાની જાત પર ખૂબ શરમ આવતી ને ભાંગી પડતો. એમાંય સ્કૂલના મિત્રો તો એની એવી કસોટી કરતા કે એ અકળાઈ ઉઠતો. સ્કૂલમાં તોફાની છોકરાઓ એની ઘોડી ખેંચી લેતા ને દૂર ફેંકી દેતા. સમીર પડી જતો ને ઘસડાતો-ઘસડાતો ઘોડી સુધી જઈ ઊભા થવા મથામણ કરતો. આ ક્રમ રોજિંદો થઈ ગયો હોવાથી તેની ઘોડી પણ તૂટી ગઈ તેથી પિતાએ એને ત્રણ પૈડાંવાળી ટ્રાઈસિકલ લાવી આપી. સમીરને સ્કૂલે આવવા-જવામાં હવે કોઈ તકલીફ ન હોવાથી એ મન દઈને ભણવા લાગ્યો. એનું દિમાગ તેજ હતું એટલે સ્કૂલમાં પણ નામ કાઢ્યું.
તે હવે પૂરેપૂરો સમજદાર થઈ ગયો હતો એટલે મનમાં ધરબાઈ રહેલી મહત્વાકાંક્ષાઓ સતત ઉછાળા મારતી હતી. એને ગામના કેટલાક છોકરાઓને લ્યુના, સ્કૂટર અને જીપ ચલાવતા જોઈને ડ્રાઈવિંગ કરવાની ઈચ્છા થતી પણ પછી પગ ઉપર નજર પડતાં જ એની ઈચ્છાઓ પર પાણી ફરી વળતું. હતાશાભરી આ પરિસ્થિતિમાં એક દિવસ એની ઈચ્છાઓને છૂપું ઈજન મળ્યું. એના ડૉક્ટર પિતા કાર લાવ્યા. કાર જોતાં જ સમીર રોમાંચિત થઈ ગયો. થોડી ક્ષણોમાં તો એણે કંઈ કેટલાંય સપનાં જોઈ નાખ્યાં. પણ ઘરના બધાએ એને પહેલેથી જ તાકીદ કરતા કહી દીધું કે, 'તારે અડવાનું નથી. આ કંઈ રમકડું નથી.'
સમીર એ વખતે ચૂપ થઈ ગયો પણ મનમાં સળવળતી મહેચ્છાઓએ એને બેચેન કરી દીધો હતો, કારણ કે એનું દિમાગ એક મિકેનિકનું હતું એટલે બધા કારને બહારથી જોતા ત્યારે એનું મન કારની અંદર શું છે એ જાણવા તલપાપડ રહેતું હતું. એટલે ઘરમાં કોઈ જાણી ન જાય એ રીતે કાર પાસે જતો. સદ્ભાગ્યે એના પિતા કાર ઘરથી થોડે દૂર ખેતર પાસે રાખતા હતા એટલે સમીરને ફાવતું જડી ગયું. દિવસો સુધી એણે કારના મિકેનિઝમ વિશે વાંચ્યું ને જાણ્યું. પછી કારના એકેએક પાર્ટસનો અભ્યાસ કર્યો ને એક દિવસ હાથમાં પહેરવાની લાકડાની સ્ટિકો બનાવી. એના પગ કામ કરી શકે એમ નહોતા ને એક્સીલરેટર, બ્રેક અને કલચ માટે પગની જરૃર પડે એ જાણતો હોવાથી લાકડાની સ્ટિકો એમાં ફિટ કરીને એની બીજી સાઈડ હાથમાં પકડી શકાય એવી બનાવી.
દિવસોની મહેનતને અંતે એણે એક દિવસ છાનુંમાનું સાહસ કરી જ નાખ્યું. અને સ્ટિકો વડે એણે ખેતરમાં કાર ચલાવી. આ અસાધારણ પ્રયોગ હતો. પગના બદલે હાથ વડે કાર ચલાવી શકાય એ માની શકાય એવું નહોતું પણ સમીરે એ કરી બતાવ્યું. એ રોમાંચિત થઈ ગયો. એણે એક, બે, ત્રણ, ચાર એમ કેટલાય આંટા માર્યા. બસ, પછી તો રોજ એ સવારે વહેલો ખેતરે પહોંચી જતો ને કાર ચલાવતો. બરાબર ફાવટ આવી જતા એકવાર પરોઢિયે ચાર વાગે ખેતરે પહોંચી ગયો ને પહેલીવાર કાર ખેતરની બહાર કાઢીને ચલાવી. એ વધુ રોમાંચિત થઈ ગયો પણ થયું એવું કે ગામનો એક માણસ એને જોઈ ગયો ને ભાંડો ફૂટી ગયો.
નાનકડું ગામ હતું એટલે સમીર ઘેર પહોંચે એ પહેલાં વાત ઘેર પહોંચી ગઈ. જોતજોતામાં આખું ગામ ભેગું થઈ ગયું. બધાના મોંએ એક જ વાત હતીઃ 'અલ્યા, પેલો સમીર ગાડી ચલાવે છે !!' બધા એના વખાણ કરતા નહોતા થાકતા પણ સમીરની હાલત કાપો તો લોહી ન નીકળે એવી હતી, કારણ કે મા-બાપ, ભાઈ-બહેન એના આ કૃત્યથી નારાજ હતા.
જોકે એ કંઈ બોલે એ પહેલાં પિતાએ ગાડી કઈ રીતે ચલાવી એમ પૂછ્યું ત્યારે એણે માંડીને વાત કરી. પિતા સમજ્યા તો ખરા પણ એમણે એવી સલાહ આપી કે તારો આઈડિયા સારો છે પણ અસલામત છે. એનાથી તને અને બીજાને પણ ઈજા થઈ શકે. સમીરને ગળે એ વાત ઉતરી ગઈ પણ અહીં એના અભિયાનનો અંત ન આવ્યો. એણે પિતાની વાતને પોઝિટિવલી લીધી ને છ-સાત મહિના સુધી ફરી મહેનત કરી. ખૂબ વિચાર્યું, અભ્યાસ કર્યા, પ્રયોગો કર્યા ને ખૂબ મથામણને અંતે એણે કંઈક વિચારી લીધું. એ ફેબ્રિકેટર પાસે ગયો. એને સમજાવીને એણે લાકડાને બદલે મેટલની કિટ બનાવરાવી. ગ્રાઈન્ડિંગ, વેલ્ડિંગ બધું જ કર્યું ને એક ફુલપ્રૂફ કિટ તૈયાર કરી.
પછી કારમાં એ કિટ ફિટ કરીને ટેસ્ટ ડ્રાઈવ લઈને પિતાને બતાવી. પિતા એની સાથે કારમાં બેઠા ને એણે અર્ધો કિલોમીટર ગાડી ચાલવી બતાવી ને પરફેકટલી રિવર્સ લઈને ઉભી રાખી ત્યારે પિતાની આંખમાં હર્ષના આંસુ છલકી ઉઠયા. એ પછી એમણે વિકલાંગો માટેનું એકસ્ટ્રા વ્હીલવાળું સ્કૂટર સમીરને લાવી આપ્યું.
જોકે સમીરનો પહેલો પ્રેમ તો કાર જ હતી. એ કોઈપણ કારને જોઈને એક્સાઈટ થઈ જતો. ને ડ્રાઈવ કરવા થનગની ઉઠતો, કારણ કે હવે એ કાર ચલાવી શકતો હતો. જોકે હજી તકલીફો તો એનો રસ્તો રોકીને જ ઉભી હતી, કારણ કે એ વિકલાંગ હોવાથી આરટીઓવાળા એને લાઈસન્સ આપવા તૈયાર ન થયા ને એને ધુત્કારી કાઢ્યો પણ એ હિંમત ન હાર્યો. દોઢ-બે વરસ સુધી એણે ફાઈટ આપી. અંતે આરટીઓ અધિકારી એની સાથે કારમાં બેઠા, ટ્રાયલ લીધી ને લાઈસન્સ આપ્યું.
દરમિયાન સમીર અમદાવાદ આવી ગયો હતો ને મિકેનિકલ એન્જિનીયરની ડિગ્રી પણ મેળવી ચૂક્યો હતો. એ હવે કાયદેસર રીતે કાર ચલાવી શકતો હતો પણ માત્ર કાર ચલાવવી એ એનું લક્ષ્ય નહોતું. જીવનમાં એ ઘણું બધું કરવા માગતો હતો એટલે ૧૯૯૫માં સિએટની એક કાર રેલીમાં ભાગ લેવા પહોંચી ગયો. પણ આયોજકોએ ઘસીને ના પાડી દીધી ને કહ્યું આ નોર્મલ રેસર માટેની કોમ્પિટીશન છે એમાં વિકલાંગોનું કામ નહીં. સમીર હિંમત ન હાર્યો, એણે ગાડી ચલાવીને બતાવી ત્યારે એ લોકો સંમત થઈ ગયા. સમીરે એ કાર રેલીમાં ભાગ લીધો ને નોર્મલ લોકોની એ રેસમાં એને ત્રીજું ઈનામ મળ્યું.
આગળ જતા ડિફરન્ટલી એબલ્ડ માટેની કાર રેલીમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો. એકવાર અમદાવાદથી કાર લઈને લેહ, લદાખ અને ખાર ડુંગ-લા ગયો જ્યાં માઈનસ ડિગ્રીમાં ૧૮,૪૦૦ ફૂટ ઊંચે ડ્રાઈવ કરીને ગયો. ૩૦૦ કલાકમાં ૪,૮૦૨ કિ.મી.નું અંતર કાપીને પાછો આવ્યો ને એનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં ચમક્યું. ત્યારબાદ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એની નોંધ લેવાઈ. એની સિધ્ધિના સમાચાર વિદેશોમાં પણ પહોંચી ચૂક્યા હતા. જ્યારે પણ કાર રેલીઓ થતી ત્યારે એ ભાગ લેવા પહોંચી જતો. એક પછી એક જીત મેળવતા મેળવતા તેનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં પણ ચમક્યું. એણે ખતરનાક ગણાતી ડેઝર્ટ રેલીઓમાં પણ ભાગ લઈને બધાને ચોંકાવી દીધા હતા. એટલું જ નહીં રાઈફલ શુટિંગમાં પણ તેણે ફર્સ્ટ પ્રાઈઝ મેળવ્યું હતું.
સમીરે અમદાવાદ આવીને ઘણું બધું હાંસલ કર્યું. એન્જિનીયરિંગની ડિગ્રી હતી ને ભાઈનો સાથ હતો તેથી કમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ તથા ટેલીકોમ ક્ષેત્રે ઝંપલાવ્યું ને સફળતા મેળવી, પણ એનો જીવ કારમાં જ પરોવાયેલો રહ્યો એટલું જ નહીં એણે એના જેવા બીજા વિકલાંગો વિશે પણ વિચાર્યું ને પગની મદદ વિના માત્ર હાથથી ચલાવી શકાય એવી વધારે કિટ બનાવી. જેની મદદથી કેટલાય વિકલાંગો આજે જાતે કાર ચલાવે છે. જોકે એ જાણે છે કે જેમને પગની તકલીફ છે એવા બધા વિકલાંગો કાર લઈ શકતા નથી એટલે દર રવિવારે પોતે વિકલાંગ મિત્રોની કાર કલબ ચલાવે છે. જે વિકલાંગ કાર નથી લઈ શકતા એમને કારમાં બેસાડે છે ને ચલાવવા આપીને એમનો શોખ પૂરો કરે છે.
જોકે એને આટલાથી પણ સંતોષ નથી. તેથી માનવતાના કેટલાંય કામ કરે છે. ગૌશાળાઓમાં રસ લે છે ને ગાયોને બચાવવાના અભિયાનમાં તન-મન-ધનથી સાથ આપે છે. પોતાની કમાણીમાંથી ટ્રાઇસિકલો, કેલીપર્સનું દાન કરે છે. કોઈને આર્ટીફિશયલ પગ નખાવવાનો હોય તો એને કારમાં બેસાડીને છેક જયપુર સુધી પણ લઈ જાય છે. તકલીફો ભોગવીને મોટા થયેલા સમીરને વિકલાંગો માટે વિશેષ લાગણી છે. ઘણા વિકલાંગોને તેણે રોજગાર અપાવી પગભર કર્યા છે. જેના કારણે ઘરમાં કેદ થઈ ગયેલા ઘણા વિકલાંગોની વિકલાંગતા અને લાચારી છૂટી છે ને તેઓ હવે નોકરી-ધંધે જઈ શકે છે, બજારમાં ખરીદી કરવા પણ જઈ શકે છે. એટલું જ નહીં તેણે બનાવેલી કિટ ફિટ કરીને કેટલાક વિકલાંગ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કાર લઈને જઈ શકે છે. વિકલાંગોને પોતાની કોમ્યુનિટી ગણતો સમીર કહે છે, 'મારા વિકલાંગ મિત્રો સડસડાટ ગાડી ચલાવતા નીકળે છે એ જ મારું સાચું અર્નિંગ છે.'
સમીરના બે પગ કામ નથી કરતા છતાં એને એવો મોરલ સપોર્ટ મળ્યો છે કે જીવનનાં બધાં દુઃખો વિસરી જાય. એ મિકેનિકલ એન્જિનીયર છે પણ એ જ્યારે કમ્પ્યુટર કોર્સ કરતો હતો ત્યારે સાથે ભણતી ને તેની ભાવનાઓને સમજી શકે એવી એક હિમ્મતવાળી યુવતી તેના જીવનમાં આવી ને બધાના વિરોધ વચ્ચે એણે સમીરને જીવનસાથી તરીકે પસંદ કર્યો. સમય જતાં બંને એક પુત્રી અને પુત્રના માતાપિતા પણ બન્યા. લાકડાની ઘોડી લઈને સ્કૂલે જતો ને પડતો-આખડતો સમીર આજે એના ભાઈઓ સાથે બિઝનેસમાં ખૂબ નામ કમાયો છે. એણે દુનિયાનું નહીં, દિલનું સાંભળ્યું એટલે જે ધાર્યું તે હાંસલ કર્યું. પહેલાં દુનિયાને દોડતી જોઈ એ દંગ રહી જતો, આજે એને દોડતો જોઈને દુનિયા દંગ રહી જાય છે !

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved