Last Update : 13-August-2012, Monday

 

સરકારની 'સબ સલામત હૈ'ની ગુલબાંગોની બીજી તરફ અર્થતંત્ર પર મંદીનો અજગરી ભરડો

 

 

મેન્યુફેકચરીંગ ક્ષેત્રના નબળા આંકડા, આઇઆઇપી એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન પણ તળિયાની સપાટી તરફ, અનેક રેટિંગ એજન્સીઓ દ્વારા જીડીપી વૃધ્ધિ દરનો લક્ષ્યાંક ઘટાડાયો

યોરો ઝોનની દેવા કટોકટી સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ તેમજ ઘરઆંગણાની કેટલીક નકારાત્મક બાબતોને લઇને ભારતીય અર્થતંત્ર લગભગ છેલ્લા બે વર્ષથી ખોડંગાતી ચાલ ચાલી રહ્યું છે. આ પ્રતિકૂળતાઓ પ્રબળ બનતા ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી ઓવરઓલ જોઇએ તો પ્રતિકૂળતાઓમાં વધારો થતા અર્થતંત્રની હાલત પણ વણસી છે. જોકે આમ છતાં સરકારી તંત્ર છાશવારે 'સબ સલામત હૈ'ની બાંગો પોકાર્યા જ કરે છે. સરકાર પોતે પણ જાણે જ છે કે અર્થતંત્ર પીછેહઠ કરી રહ્યું છે. પણ હાથીના 'ચાવવાના અને દેખાવના દાંત' અલગ હોય છે તેમ સરકાર વર્તી રહી છે. તાજેતરમાં ખુદ એક ઉચ્ચ સરકારી અધિકારી (મોન્ટેકસિંહ) અને આગેવાન રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના અર્થતંત્રના વૃધ્ધિ દરના લક્ષ્યાંકમાં ઘટાડો કર્યો છે તે દર્શાવે છે કે અર્થતંત્ર નબળું પડયું છે. વિતેલા સપ્તાહમાં જાહેર થયેલા આઇઆઇપીના આંકડા પણ આ બાબતને પૂરેપૂરો ટેકો પૂરો પાડે છે.
આંખે ઊડીને વળગે તેવી આ હકીકત હોવા છતાં સરકાર છાશવારે ગાડી પાટા પર ચઢી ગઇ હોવાનો દાવો કરતી આવે છે. હવે જો સરકારના જણાવ્યા મુજબ બધુ સમુસૂતરું પાર પડી ગયુ ંહોય તો જે લોકો અર્થતંત્રના બેરોમીટર સમાન આંકડાની જાહેરાત કરે છે તે લોકો પાગલ છે એમ કહી શકાય. વિવિધ રેટિંગ એજન્સીઓ પણ નક્કામી છે એમ કહેવાય. વાત સામાન્ય છે. સાચું શું છે અને ખોટું શું છે તે સરકાર પણ જાણે છે. આમ છતાં ગુલાબી ચિત્ર દોરવામાં માહેર સરકાર સબ સલામત હૈ-ના ડાકલા વગાડયા કરે છે પરંતુ વાસ્તવમાં તો અર્થતંત્રનું ચિત્ર કંઇક જુદુ જ છે.
ચાલુ ઓગસ્ટ માસના પ્રારંભે મેન્યુફેકચરિંગ ક્ષેત્રના નબળા આંકડા જાહેર થયા હતા. દેશના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે નવેમ્બર પછીની સૌથી ઓછી વૃધ્ધિ નોંધાઇ હતી. વિતેલા જુલાઇ માસમાં પીએમઆઇ ઘટીને ૫૨% થયો હતો જે જૂનમાં ૫૫ હતો. રૃપિયાના મૂલ્યમાં સતત ઘટાડા અને નબળી વૈશ્વિક માગંના કારણે નવેમ્બર ૨૦૧૧ પછી પ્રથમ વખત નિકાસ ઓર્ડરમાં ઘટાડો થયો. ઉત્પાદનની ધીમી વૃધ્ધિના કારણે રોજગારીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પશ્ચિમના દેશોની આર્થિક સ્થિતિ વણસવાના પગલે જૂન માસમાં નિકાસમાં પણ ૫.૪૫ ટકાનો ઘટાડો થતા તે ૨૫ અબજ ડૉલર રહી હતી. આ ઉપરાંત આયાતમાં નિકાસ કરતા બમણો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આયાત ૧૩.૪૬ ટકા ઘટીને ૩૫.૩૭ અબજ ડૉલર નોંધાઇ હતું.
આ આંકડા જાહેર થવાના બીજા સપ્તાહમાં દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના (આઇઆઇપી) આંકડા જાહેર થયા હતા. તે પણ સંપૂર્ણ નકારાત્મક બની રહ્યા હતા. મેન્યુફેકચરીંગ અને કેપિટલ ગુડઝ સેકટરના નબળા દેખાવના કારણે છેલ્લા ચાર માસમાં ત્રીજી વખત જૂન માસમાં પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જૂન સુધીના સમયગાળા દરમિયાન આઇઆઇપી વિકાસ દર ૦.૧ ટકા રહ્યો છે. ગયા વર્ષે સમાન સમય દરમિયાન આ દર ૬.૯ ટકાના ઊંચા મથાળે હતો, જૂન માસ દરમિયાન કેપિટલ ગુડઝ ક્ષેત્રમાં ૨૭.૯ ટકાનો નકારાત્મક વિકાસ દર જોવા મળ્યો હતો.
આમ, તાજેતરમાં જ જાહેર થયેલા આ આંકડા જે અર્થતંત્રના બેરોમીટર સમાન છે.તે સંપૂર્ણપણે નબળા જાહેર થયા છે. જે સ્પષ્ટ સંકેત આપે જ છે કે અર્થતંત્ર નબળું પડયું છે. અર્થતંત્રને સ્પર્શતા આ આંકડા પર નજર નાંખ્યા બાદ હવે આપણે આગેવાન રેટિંગ એજન્સીઓની તાજેતરની ગતિવીધી પર નજર કરીએ તો,
વૈશ્વિક સ્તરની રેટિંગ્સ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીસે ભારતના આર્થિક વૃધ્ધિ દરનો અંદાજ ઘટાડીને ૫.૫ ટકા કર્યો છે. જે અગાઉ ૬.૨ ટકા જાહેર કરાયો હતો. મૂડીઝે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે અસ્થિર વાતાવરણ, ભારતમાં નીતિવિષયક ચોક્કસ પગલાનો અભાવ અને નબળા ચોમાસાના કારણે રોકાણકારોના વિશ્વાસ અને માગ પર પ્રતિકૂળ અસર થવા પામી છે. આ સંજોગોમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસે તેવી શક્યતા જણાતી નથી. તેથી અગાઉ જે લક્ષ્યાંક જાહેર કરાયો હતો તેને ઘટાડીને ૫.૫ ટકા કરાયો છે.
મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા અર્થતંત્રની વૃધ્ધિનો લક્ષ્યાંક ઘટાડાયો હતો તે પહેલી સિટી બેંકે પણ અર્થતંત્રની વૃધ્ધિ નબળી રહેવાની ધારણા વ્યક્ત કરીને ભારતનો જીડીપી વૃધ્ધિ દરનો લક્ષ્યાંક ઘટાડયો છે. વાત આટલેથી પૂરી થતી નથી. આપણી ઘરઆંગણાની આગેવાન રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા પણ વિવિધ પ્રતિકૂળતાઓને ધ્યાનમાં રાખીને જીડીપી વૃધ્ધિદરના લક્ષ્યાંકને ઘટાડાયો છે. રેટિંગ એજન્સીઓ ઉપરાંત સરકાર સાથે સંકળાયેલ વર્તુળો દ્વારા તેમજ એક ઔદ્યોગિક સંસ્થા પણ આજ માર્ગે આગળ વધી છે. એટલે કે તેમણે પણ અર્થતંત્રના વૃધ્ધદરમાં ઘટાડો થવાની વાતને ટેકો આપી લક્ષ્યાંકમાં ઘટાડો કર્યો છે.
આમ, અર્થતંત્ર સાથે સંકળાયેલા ક્ષેત્રના નબલા આંકડા ને રેટિંગ એજન્સીઓ દ્વારા અર્થતંત્રની વૃધ્ધિના લક્ષ્યાંકમાં ઘટાડો જાહેર કરાયો છે, જે દર્શાવે છે કે અર્થતંત્રની ચાલ ધીમી પડી જ છે. તેમ શંકાને કોઇ સ્થાન નથી. મૂડીઝે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર તરફથી નીતિવિષયક નિર્ણય લેવાની ઉદાસીનતા અને વૈશ્વિક પ્રતિકૂળતાના કારણે ભારતનું અર્થતંત્ર પીછેહઠ કરી રહ્યું છે અને તેમાં ખાસ કોઇ સુધારો થાય તેમ હાલ તો જણાતું નથી. આ ઉપરાંત ભારતમાં આ વખતે ચોમાસું પણ નબળું પૂરવાર થયું છે. ચોમાસામાં અત્યાર સુધીમાં લાંબા ગાળાની સરેરાશ કરતા ૨૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેના પગલે કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ આવકમાં પણ ઘટાડો થશે. તો બીજી તરફ ભાવમાં પણ વધારો થશે. જેના કારણે ફુગાવો ભડકશે. ગ્રાહકોની નબળી માંગ, ઊંચા વ્યાજદર, ઊંચો ફુગાવો અને રાજકીય અસ્થિરતાના કારણે કોર્પોરેટ વિશ્વાસને પણ ગંભીર ફટકો પડયો છે. કારણ કે, બિઝનેસ કોન્ફિડન્સ અને ઈકોનોમિક આઉટલુક પણ સૌથી વધુ અસરકર્તા પરિબળ હોય છે. આમ, જો હવે સરકાર સક્રિય નહીં બને તો તેની વધુ ગંભીર અસર જોવા મલશે. આમ પણ વિવિધ પ્રતિકૂળતાઓને લઇને કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા ઉત્પાદનમાં કાપ અને નવા રોકાણથી દૂર રહેવાની નીતિ અપનાવાઇ છે તે પ્રબળ બનશે અને તેની ગંભીર અસર જોવા મળશે.
વિવિધ સ્તરની પ્રતિકૂળતાઓ અને ઔદ્યોગિક ક્ષેત્રના નબળા આંકડાની અર્થતંત્ર પર પણ પ્રતિકૂળ અસર થઇ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એટલે કે જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૮ ટકાના ઘટાડો થયા બાદ જે પી મોર્ગનના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિપરીત સ્થિતિના કારણે એક દાયકા બાદ ભારતે પ્રથમ વખત સોવરિન રેટિંગ ડાઉનગ્રેડનો સામનો કરવો પડે તેવી શક્યતા ઉદભવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો સરકાર ચોક્કસ નીતિવિષયક પગલા નહીં ભરે તો વધુ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. હાલના સમયમાં અર્થતંત્રને વેગ મળે તે માટેના બુસ્ટર એટલે કે મોટા અને અર્થ સરે તે રીતે પગલા ભરવા પડશે અન્યથા વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ભારતને ડાઉનગ્રેડ કરશે. અત્રે એ નોંધનીય રહેશે કે વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ છેલ્લા ૧૪ વર્ષથી ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટાડયું નથી. છેલ્લે ૧૯૯૮ના અણુ વિસ્ફોટ પછી રેટિંગ ડાઉનગ્રેડ કરાયું હતું. જોકે કેટલીક એજન્સીઓ દ્વારા તાજેતરના ભૂતકાળમાં રેટિંગ્સ આઉટલુકમાં ઘટાડો કરેલો છે.
જૂનના અંતે પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઇઆઇપીમાં ૦.૧ ટકાનો ઘટાડો થયો છે. તે ગંભીર બાબત હજુ માથે ઝળુંબી જ રહી છે ત્યાં હવે ઓગસ્ટ અંતે જૂન અંતે પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી વૃધ્ધિના આંકડા જાહેર થશે. આ વખતે આ આંકડા ૬ ટકાથી નીચે રહેવાની શક્યતા છે. ગત નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃધ્ધિ ૫.૩ ટકાના નવ વર્ષની તળિયાની નીચી સપાટી હતી.
જોકે, સરકારે ચાલુ વર્ષ માટે આ આંકડા માટે એટલે કે જીડીપી વૃધ્ધિ માટે ૭.૩૫ વૃધ્ધિની આગાહી કરી છે. વિવિધ એજન્સીઓ દ્વારા નકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખી તેમાં ફેરફાર કરાયો છે પણ સરકારે હજુ તેમાં કોઇ ફેરફાર કર્યો નથી...!?
તાજેતરમાં નાણામંત્રીને હવાલો સંભાળનાર પી. ચિદમ્બરમે આ પદ ગ્રહણ કર્યા બાદ ફુગાવો, ખાદ્ય અને ટેક્સ બાબતના પ્રશ્નો ઉકેલવા વચન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ટેક્સ અંગેની વિવાદાસ્પદ દરખાસ્તની સમીક્ષા કરીને વણઉકલ્યા મુદ્દાનો વાજબી ઊકેલ લવાશે. વ્યાજ દર ઊંચા હોવાનો સ્વીકાર કરીને આ મુદ્દે પણ યોગ્ય નિર્ણય લેવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે ઘણીવાર રોકાણને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકો પરના બોજને હળવો કરવા કેટલાક કુનેહપૂર્વકના જોખમો લેવાનું જરૃરી બને છે.
આમ, આ બધા મુદ્દા જોતા એમ કહેવું જરા પણ અસ્થાને નથી કે અર્થતંત્રની પરિસ્થિતિ વણસી છે... વૃધ્ધિ દર ખોરવાયો છે. આમ છતાં, સબ સલામત હૈ-ની બાંગ પોકારવાનું સરકાર છોડતી નથી. વાસ્તવમાં અર્થતંત્ર પર મંદીએ અજગરી ભરડો ભરીને વર્ચસ્વ જમાવી જ દીધું છે. તાજેતરમાં જ નાણામંત્રીએ પણ કબૂલ્યું હતું કે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રોકાણને આકર્ષવા માટે અવરોધો દૂર કરવા જ પડશે. આયોજન પંચના ઉપાધ્યક્ષે પણ પ્રતિકૂળ વલણ છે તે સ્વીકારીને આઇઆઇપીના આંકડા નિરાશાજનક ગણાવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે નવા નાણાંમંત્રી પી. ચિદમ્બરમ ખાડે ગયેલા અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા કયા, કેવા પગલા ભરે છે? કે પછી હજુ પણ ગુલબાંગો પોકારવાનું ચાલુ જ રહેશે...? તે તો આગામી સમયમાં જ જાણવા મળશે....

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved