સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ સર્તક

 

 

- હુમલાઓની ધમકીઓ આસામમાંથી

 

 

- ધમકીઓની યર્થાથતા ચકાસ્યા વગર રાજ્યોને માહિતી

 

નવી દિલ્હી, તા. ૧૨

 

દેશનાં પાટનગર દિલ્હી સહિતનાં પ્રમુખ શહેરોમાં વિમાનનાં અપહરણથી લઇને માનવ બોંબ દ્વારા આત્મઘાતી હુમલા કરવા અંગે આતંકવાદીઓ દ્વારા આપવામા આવેલી ધમકીઓને પગલે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ વિવિધ વિભાગોને સર્તક રહેવાના આદેશ આપી દીધા છે.

 

ધમકીઓ અંગેની મોટાભાગની માહિતી આસામમાંથી આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આસામમાં બોડો અને લઘુમતિઓ વચ્ચે થયેલ રમખાણોમાં અત્યાર સુધી ૭૭ લોકોનાં મોત થયા છે. જો કે મોટાભાગની આ ધમકીઓ અંગે સુરક્ષા એજન્સીઓને કોઇ પુરાવા કે સમર્થન પ્રાપ્ત થયા નથી આમ છતાં સુરક્ષા એજન્સીઓ કોઇ ચાન્સ લેવા માંગતી નથી.

 

ઉલ્લેખનીય છે કે અગાઉ ગુપ્તચર વિભાગને જ્યારે કોઇ ધમકી અંગે માહિતી મળતી હતી તો તે આ ધમકીની યર્થાથતાની ચકાસણી કરતું હતું પરંતુ ગૃહ પ્રધાન દ્વારા નક્કી કરવામાં આવ્યા પછી સુરક્ષા એજન્સીઓ હવે આવી માહિતીની યર્થાથતાની ચકાસણી કર્યા વગર તેને વિવિધ રાજ્યો અને પોલીસ વિભાગને મોકલી આપે છે.

 

ગુવહાટીમાંથી મળેલ માહિતી અનુસાર લશ્કરે તોયેબાનાં આતંકવાદીઓએ ઉત્તર ભારતથી એક વિમાનનું અપહરણ કરવાની યોજના બનાવી છે. જો કે સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે આ માહિતીને કોઇ સત્તાવાર સમર્થન પ્રાપ્ત નથી. જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા ઇન્ટેલિજન્સ બ્યૂરોએ દ્વારા ચકાસણી કરવામા આવ્યા પછી આ ધમકીને નેગેટિવ ગણવામાં આવી હતી. જો કે ગુપ્તચર વિભાગને આવી ધમકીઓની માહિતી મળવાનુ ચાલુ જ છે.

 

૧૫મી ઓગષ્ટે નવી દિલ્હીમાં વડાપ્રધાન મનમોહન સિંહ રેડ ફોર્ટ ખાતેથી રાષ્ટ્રને સંબોધન કરવાના હોવાથી નવી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.