બીજાં મહાનગરોની તુલનાએ મુંબઈમાં લિવર પ્રત્યારોપણ ઓછું સફળ

 

 

- ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદમાં ૮૦થી ૯૦ ટકા સફળતા

 

 

- મુંબઈમાં પ૦ ટકા કેસ જ સફળઃ તબીબો

 

 

મુંબઈ, તા.૧૨

 

દિલ્હી, ચેન્નાઈ અને હૈદરાબાદમાં લિવર પ્રત્યારોપણની સફળતાનો દર ૮૦થી ૯૦ ટકા છે જ્યારે ભારતની આર્થિક રાજધાની ગણાતા મહાનગર મુંબઈમાં આ પ્રમાણ માત્ર પ૦ ટકા છે. એટલે કે દર બેમાંથી માત્ર એક જ લિવર ટ્રાન્સપ્લાન્ટ સફળ થાય છે, એવું મુંબઈ શહેરના તબિબો જણાવે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખને સંભવિત લિવર પ્રત્યારોપણ માટે ચેન્નાઈ લઈ જવા પાછળનું સૌથી મોટું કારણ આ છે.

 

ભારતનું સૌથી પહેલું સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ ૧૯૯૮માં મુંબઈની જસલોક હોસ્પિટલમાં થયું હતું, પરંતુ તેમ છતાં આપણે આ ક્ષેત્રે મહારત હાસલ કરવામાં અન્ય મહાનગરો કરતા પાછળ રહી ગયા છીએ. ગયા અઠવાડિયે મલ્ટી ઓર્ગન ફેલ્યોરનો ભોગ બનનારા કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખને ચેન્નાઈ લઈ જવામાં આવ્યા તેનાથી મુંબઈ શહેરના તબીબોને જરા પણ આશ્ચર્ય નથી થયું.

 

તબીબી શિક્ષણ અને સંશોધન નિર્દેશાલયના ડિરેક્ટર ડો. પ્રવીણ સિંગારેએ કહ્યું હતું કે 'મુંબઈમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની સફળતાનો દર માત્ર ૫૦ ટકા છે, જે બહું સારી બાબત નથી.'

 

૨૦૧૦માં પરેલમાં આવેલી કેઇએમ હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ કેસમાં લિવર દાન કરનારા તથા લિવર મેળવનારા બન્નેનું મૃત્યુ થયું હતું. જેની અધ્યક્ષતામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું એ ડો.ચેતન કંથારિયાએ જણાવ્યું હતું કે 'છેલ્લા બે વર્ષમાં અમે છ ઓપરેશન કર્યા છે. જેમાંથી ત્રણ દરદીઓ જીવી ગયા છે.'

 

ચેન્નાઈમાં લિવર ઓપરેશનમાં મળી રહેલી સફળતા પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાં આ માટે મોટી સંખ્યામાં દેહદાન થાય છે. તામિલનાડુમાં ૨૦૦૮થી અત્યાર સુધીમાં ૧૨૭૦ અંગો તથા ટિશ્યુઝનું દાન થયું છે. તેની તુલનાએ મુંબઈમાં છેલ્લા ૧૫ વર્ષમાં માત્ર ૩૦૦ અંગોનું જ દાન થયું છે.૨૦૦૬થી અત્યાર સુધીમાં જસલોક હોસ્પિટલમાં ૩૪ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. તેની તુલનાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં પ્રતિવર્ષ ૩૦૦ અને ચેન્નાઈની ગ્લોબલ હોસ્પિટલમાં ૧૫૦ લિવર પ્રત્યારોપણ થાય છે.

 

ઋષિકેશના વતની સ્વામી યતિધર્માનંદને જાણ થઈ કે મુંબઈમાં રહેતા તેના મિત્ર ડો. અનિલ સુચકને લિવરની જરૃર છે. અનિલ સુચક છેલ્લા વીસ વર્ષથી લિવર સોરાઇસિસથી પીડાઈ રહ્યા હતા. અનિલ સુચકના પત્ની આભા બહેને કહ્યુ કે 'મારા લિવરના ટિશ્યું ફેટ હોવાથી મારુ લિવર તેમને પ્રત્યારોપિત કરી શકાય એમ નથી.'

 

ત્યાર બાદ યતિધર્માનંદે તરત જ પોતાનું લિવર અનિલ સુચકને ટ્રાન્સપ્લાન્ટ કરવાની ઇચ્છા દર્શાવી હતી. આજે બન્ને લોકો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. આ ઓપરેશનને પાર પાડનારા દિલ્હીની એપોલો હોસ્પિટલના ડો. સુભાષ ગુપ્તાએ કહ્યું કે 'સર્જરી દરમિયાન લિવર દાતાનું મોત થાય એવું ૨૦૦માંથી માંડ એક કેસમાં બને છે.'