આ રાજકીય લડાઇ, રામદેવનો અસલ ચહેરો ખુલ્લો પડ્યો છે ઃ કોંગ્રેસ

 

 

- રામદેવનાં ઉપવાસનાં પાંચ દિવસ બાદ જણાવ્યું

 

 

- શ્વેત પત્ર લાવ્યા બાદની પ્રક્રિયા પૂર્ણ કરાશે

 

નવી દિલ્હી, તા.13 ઓગસ્ટ, 2012

 

કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પાંચ દિવસથી આંદોલન કરી રહેલા યોગગુરુ, બાબા રામદેવ સંસદ તરફ કૂચ કરવા નીકળ્યા બાદ કોંગ્રેસનાં પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું હતું કે રામદેવનો અસલ ચહેરો ખુલ્લો પડી ગયો છે.

 

તેમણે રામદેવનાં મંચ ઉપર એકત્ર થયેલા રાજકીય પક્ષોનાં નેતાઓ અંગે ઇશારો કરી જણાવ્યું હતું કે આ કોઇ આંદોલન નહીં પરંતુ રાજકીય લડાઇ જ છે.

 

તેમણે ટીમ અણ્ણાનું નામ લીધા વગર જણાવ્યું કે રાજકીય પાર્ટી બનાવવાની ઘોષણા કરનારા કેટલાક લોકો આ વર્ષનાં અંતે ચૂંટણી થનારા રાજ્યોમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે પરંતુ દિલ્હીની બધી જ 70 વિધાનસભા બેઠક ઉપર પોતાનાં ઉમેદવાર ઉભા રાખશે. માલૂમ થાય કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે અને દિલ્હીમાં શીલા દીક્ષિતનાં નેતૃત્વમાં છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ સત્તામાં છે.

 

તેમણે જણાવ્યું કે સરકાર કાળા નાણાનાં મુદ્દે ગંભીર છે અને શ્વેતપત્ર લાવ્યા બાદની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે પરંતુ દેશમાં ચાલી રહેલા આંદોલનો કાળા નાણા કે ભ્રષ્ટાચાર માટેનાં નહીં પણ રાજકીય છે.