સલમાન ખાને કહ્યું કે હું લાર્જર ધેન લાઇફ રોલ ભજવવા માંગું છું

 

 

- મારે સર્વશ્રેષ્ઠ રોલ ભજવવો છે

 

 

- યશરાજ કેમ્પ સાથે પહેલી ફિલ્મ

 

 

મુંબઇ, તા. ૧૩ ઑગસ્ટ, ૨૦૧૨

 

 

સલમાન ખાન સ્ક્રીન ઉપર લાર્જર ધેન લાઇફ રોલ ભજવવા ઇચ્છે છે. જેમાં તેનું કિરદાર લાર્જર ધેન લાઇફ હોય એવી ફિલ્મો તેને ખૂબ ગમે છે. રોમેન્ટિક હોય, કોમેડી હોય કે એક્શન હોય તેને હીરોઇક કેરેક્ટરને સ્ક્રીન ઉપર જીવંત કરવું હંમેશાંથી પસંદ પડ્યું છે.

 

 

સલમાન કહે છે, મને જીવનના દરેક તબક્કામાં હીરોઇઝમ નિરૂપાય એ ગમશે. આ વાત માત્ર એક્શન ફિલ્મો પૂરતી સીમિત નથી. ચાહે એ રોમેન્ટિક ફિલ્મ હોય કે કોમેડી, બંને મને કરવી ગમશે પણ તેમાં મારું પાત્ર લાર્જર ધેન લાઇફ હોય એ મહત્ત્વનું છે.

 

 

તે વઘુમાં જણાવે છે, હું એવી ફિલ્મો કરવા ઇચ્છું છું જે જોઇને લોકો ખુશ થાય. એવી ફિલ્મો કરવા માંગું છું જે પરિવાર સાથે જઇને જોઇ શકાય, જેવી પહેલાં બનતી હતી.

 

 

૨૪ વર્ષની કારકિર્દીમાં પહેલીવાર યશરાજ બેનર સાથે કામ કરી રહેલાં સલમાનનું કહેવું છે, તેને યશરાજ કેમ્પ સાથે કામ કરવાની ખૂબ મજા આવી. શૂટમાં ઘણાં દિવસો લાગ્યાં અને આ દિવસો અમે બધાંએ ખૂબ એન્જોય કર્યા. કબીર ખૂબ સારો છે. તે એન્જોય કરવામાં માને છે અને અમારે જે સ્થળો જોવાની ઇચ્છા હતી એ જોવા માટે પણ અમે ગયા હતા.

 

 

એક થા ટાઇગર ૧૫ ઑગસ્ટે રિલીઝધ થવાની છે. યુવારજ બાદ ફરીએકવાર તે કેટરીના કૈફ સાથે જોવા મળશે. ફિલ્મની પસંદગી કરવા અંગે સલમાન ફોડ પાડે છે, મેં બેનર કે સ્ટાર કાસ્ટ જોઇને આ ફિલ્મ નથી કરી પરંતુ મને તેની સ્ક્રિપ્ટ પસંદ પડી હતી તેથી મેં આ ફિલ્મ કરી. એ વાત સાચી છે કે ફિલ્મ કરતી વખતે રૂપિયા, સ્ટાર કાસ્ટ, બેનર વગેરે ખૂબ મહત્ત્વનું હોય છે પરંતુ સૌથી વધારે મહત્ત્વ છે સારી સ્ક્રિપ્ટનું હોવું. કેટલીકવાર આપણે સ્ટોરી સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ પણ એવું ન કરવું જોઇએ કારણકે એવું કરવાથી તમે ફિલ્મના પાત્રને પૂરતો ન્યાય નહીં આપી શકો.