
મુંબઈ, તા.૧૨
'બોલ બચ્ચન'નો સેટ બનાવનારા મજૂરોને છેવટે તેમની લેણી નીકળતી રકમ પાછી મળી ગઈ છે. ફિલ્મના નિર્માતા શ્રીઅષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડે ગયે મહિને આપેલો રૃ.૨૪,૫૫,૬૫૪નો ચેક બાઉન્સ થયા પછી ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીએ આ મામલો પોતાના હાથમાં લીધો હતો અને શુક્રવારે તેણે પોતાના અંગત બેન્ક અકાઉન્ટમાંથી આ રકમનો ચેક અલાઈડ મજદૂર યુનિયનના ચેરમેન અને મજદૂરોના પ્રતિનિધિ પ્રેમસિંહ ઠાકુરને આપ્યો હતો.
જાણવા મળ્યા પ્રમાણે,મોટાભાગના મજૂરો મુસ્લિમ છે અને નજીક આવતા તેમના તહેવાર ઈદ માટે તેમને પૈસાની જરૃર હતી. સૂત્રે જણાવ્યા પ્રમાણે યુનિયનના પ્રતિનિધિઓએ રોહિતને મળીને આ બાબતની ફરિયાદ કરી હતી. સામે પક્ષે રોહિતે આ બાબતે ઘટતું કરવાનું તેમને વચન આપ્યું હતું.
આ મજૂરોને દૈનિક પગાર ચૂકવવામાં આવે છે અને આ ફિલ્મ રિલીઝ થયાને પણ ઘણો સમય થઈ ગયો છે. આથી રોહિતે તેમને પોતાના ગજવામાંથી તેમનો પગાર ચૂકવ્યો હતો. 'એમ સૂત્રે કહ્યું હતું. અણીને સમયે તેમને મદદ કરવા માટે આ મજદૂરો રોહિતના ઋણી છે અને તેમને મન આ ચેક તેમની એડવાન્સ ઈદી છે.