Last Update : 12-August-2012,Sunday

 

વિના કારણે સ્ત્રીઓનાં ગર્ભાશય કાઢવાનું કૌભાંડ

છત્તીસગઢમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ વીમાની રકમ મેળવવા કારણ વગર સ્ત્રીઓનાં ગર્ભાશય કાઢી નાખતા ડોક્ટરોનું કૌભાંડ બહાર આવ્યું છે

રાયપુરની હૉસ્પિટલોમાં આજકાલ એક એવો જોક ચાલે છે કે, 'બહુ જલ્દી, કોઈક વ્યક્તિ છત્તીસગઢમાં કેટલા ગર્ભાશય બચ્યા છે એ જાણવા આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરશે.' જોકે, લોકોને આવી જોક કરવા પ્રેરનાર વાત એકદમ ગંભીર છે. છત્તીસગઢમાં તાજેતરમાં પ્રગટ થયેલા શ્રેણીબધ્ધ મિડીયા રિપોર્ટરમાં વિશ્વાસ રાખીએ તો રાજ્યમાં બિનજરૃરી ઓપરેશનો કરીને હજારો સ્ત્રીઓના ગર્ભાશયો કાઢી નખાયા છે.
આ રિપોર્ટસ એમ કહે છે કે ડૉક્ટરો ગરીબીની રેખા હેઠળના (બીપીએલ-બિલો પાવર્ટી લાઈન) કુટુંબોની મહિલાઓને છેતરીને એમને ગર્ભાશયની શસ્ત્રક્રિયા કરાવવા પ્રોત્સાહન આપે છે, જેથી સર્જનો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (આરએસબીવાય) હેઠળ વીમાની રકમ મેળવી શકે. આરએસબીવાય હેઠળ એક બીપીએલ પરિવારને રૃા.૩૦,૦૦૦નો કેશલેસ વાર્ષિક વીમો મળે છે. જ્યારે ગર્ભાશયના ઓપરેશન માટે ડૉક્ટર રૃા.૧૨,૫૦૦ ચાર્જ કરી શકે છે.
ગર્ભાશયના આ હજારો ઓપરેશનોના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. સરકાર કે મિડીયા પાસેના સત્તાવાર આંકડા માત્ર એટલું કહે છે કે રાયપુરના ત્રણ ગામોમાં ૨૨ સ્ત્રીઓના 'છેતરપિંડી' થી આવા ઓપરેશનો કરાયા હતા અને એમાં નવ ડૉક્ટરો સંડોવાયેલા છે. બાકીનું બધુ અનુમાન હોવાનું કહેવાય છે.
પ્રાથમિક તપાસને પગલે છત્તીસગઢની સરકારે નવ ડૉક્ટરોને પ્રથમ દ્રષ્ટિએ દોષી ગણાવી એમને સસ્પેન્ડ કર્યા છે કારણ કે સ્ત્રીઓ પર યોગ્ય પ્રોસીજર વિના ગર્ભાશય કાઢી નાખવા શસ્ત્રક્રિયાઓ કરાઈ હતી. તપાસનો ફાઈનલ રિપોર્ટ હજુ સુપરત નથી કરાયો. સરકારે છેલ્લા ૩૦ મહિનામાં આરએસબીવાય હેઠળ કરાયેલા દરેક ઓપરેશનનો ડાટા મગાવ્યો છે.
સૌ પ્રથમ એક જાણીતા હિન્દી દૈનિકમાં, 'કેન્સર કા ભય દીખાકર નિકાલે ગર્ભાશય' એવા મથાળા હેઠળ સ્ટોરી પ્રગટ થઈ હતી. આ સ્ટોરીમાં રિપોર્ટરે એવો દાવો કર્યો હતો કે એણે રાયપુરના ગામો માનિક ચૌરી, ડોન્ગીતરાય અને હાસ્દાની મુલાકાત લઈ ડઝનબંધ સ્ત્રીઓના ગર્ભાશય કાઢી લેવાયા હોવાનું જાણ્યું હતું. એ પૈકી ઘણી સ્ત્રીઓની ઉંમર ૩૦ વરસથી પણ ઓછી હતી. પછી તો અખબારે આખા છત્તીસગઢમાં કરાતી આવી 'તાબડતોબ સર્જરી' વિશે સંખ્યાબંધ સ્ટોરીઝ છાપી હતી. અખબારના જણાવવા મુજબ જુન ૨૦૦૯માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (આરએસબીવાય) અમલમાં મૂકાયા બાદ લગભગ ૭૦૦૦ મહિલાઓ પર ગર્ભાશયની શસ્ત્રક્રિયા કરાઈ હતી. 'અમે ત્રણ ગામમાં અમારો એક રિપોર્ટર મોકલ્યો હતો. અમે અન્ય ડૉક્ટરો પાસેના રિપોર્ટસ તપાસ્યા હતા. અમે અમારી તપાસમાં એવું શોધી કાઢ્યું હતું કે ઓપરેશન્સની કોઈ જરૃર જ નહોતી. આ ત્રણ ગામો તો માત્ર અમારી કેસ સ્ટડીઝ હતી. આમાં આગળ તપાસ કરવાની ફરજ સરકારની છે,' એમ અખબારના તંત્રી કહે છે.
પછી તો બીજા અખબારો અને ટીવી ચેનલોએ આ સ્ટોરી ઉપાડી લીધી પણ મોટાભાગના રિપોર્ટસમાં વિગતોની ઉણપ હતી અને એમાં મેડીકલ રિપોર્ટસનું વેરિફિકેશન નહોતું કરાયું. 'કેટલાક રિપોર્ટરોએ એ ગામોમાં અમુક મહિલાઓના કેસનું આડેધર સેમ્પલિંગ કરી આખા છત્તીસગઢ માટેના આંકડાનું અનુમાન લગાડી દીધું હતું,' એમ છત્તીસગઢના આરએસબીવાયના અતિરિક્ત સીઈઓ વિજેન્દ્ર કટારે કહે છે.
અમુક નર્સિંગ હોમ્સે આરએસબીવાય હેઠળ આવા ૩૦૦થી વધુ ઓપરેશનો કર્યા હતા અને એમના નામ અખબારો નિયમિતપણે છાપે છે. 'હા, કેટલાક નવા ડૉક્ટરો ઝડપથી પૈસા કમાવા ખોટું કરે છે. એમનો ગુનો પુરવાર કરી એમને સજા કરો પણ બધા ડૉક્ટરોને દોષ ન દો. એમાં ઘણાં નામાંકિત ડૉક્ટરોના નામ છે. એમના વિશે લખતા પહેલા એમના રેકોર્ડસ તપાસો અને એમના દર્દીઓને મળો,' એમ ધમતરીની ઓજસ્વી હૉસ્પિટલના ડૉ.આર.એસ.ઠાકુર કહે છે. જેમના ક્લિનીકલ રેકોર્ડસ વેરિફાય થઈ રહ્યા છે એવી હૉસ્પિટલોમાં ઓજસ્વીનું પણ નામ છે.
જેમના પર સરકારી તવાઈ આવી છે એવી હૉસ્પિટલોમાં ધમતરીની ગુપ્તા હૉસ્પિટલ છે, જેણે છત્તીસગઢમાં આરએસબીવાય હેઠળ ગર્ભાશય કાઢવાના (હિસ્ટરેક્ટોમીના) સૌથી વધુ ઓપરેશનો કર્યા છે. એક અખબારી અહેવાલ મુજબ ૯૦૦ દિવસોમાં ગુપ્તા હૉસ્પિટલે ગર્ભાશયના ૬૦૪ ઓપરેશનો કર્યા હતા. એની સરખામણીમાં રાયપુરની સરકાર સંચાલિત આંબેડકર હૉસ્પિટલમાં માત્ર સાત ઓપરેશન થયા હતા.
ગુપ્તા હૉસ્પિટલના ડૉ.પ્રભાત ગુપ્તા કહે છે, 'હા, અમે ઓપરેશનો કર્યા છે. આંબેડકર હૉસ્પિટલમાં કેમ થોડાક જ દર્દીઓ ગયા હતા એ તમે એમને જ પૂછો. દર્દીઓ જો પ્રાઈવેટ ડૉક્ટરો પર એમના દ્વારા મળતી સર્વિસને કારણે વધુ ભરોસો કરતા હોય તો એ અમારો દોષ ગણાય?'
છત્તીસગઢમાં અત્યાર સુધીમાં આરએસબીવાય હેઠળ ૨,૩૪,૨૧૫ કલેમ્સ નોંધાયા છે, જે પૈકી ફક્ત ૬,૯૩૮ ગર્ભાશયના ઓપરેશનો છે. 'ડૉક્ટરો જો આવા જટિલ ઓપરેશનમાં દર્દીઓ સાથે છેતરપિંડી કરી શકતા હોય તો સિમ્પલ સર્જરીમાં એમના દ્વારા છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે. મિડીયાના રિપોર્ટસ જોતા આ આખી સ્કીમમાં ગોબાચારી જ ચાલે છે' એમ આરએસબીવાયના એક અધિકારીએ જણાવ્યું હતું.
રાયપુરના ડૉ. રાકેશ ગુપ્તા કબુલે છે કે તમામ સર્જરીઓમાં ગર્ભાશયના ઓપરેશનનો રેશિયો શંકાસ્પદ છે. 'કોઈ હૉસ્પિટલ જો એક જ પ્રકારના એક તૃતીયાંશ કે એક ચતુર્થાંશ ઓપરેશનો કરતી હોય તો એ શંકા ઊભી કરે છે,' એમ ડૉ.ગુપ્તાએ જણાવ્યું હતું.
વીમા કંપનીઓને પણ પોતાની શંકાઓ હોય એવું લાગે છે. રાયપુરના આરએસબીવાય ઓફિસરોના જણાવવા મુજબ ઓરિયન્ટલ ઈન્સ્યુરંસ કંપની અને ટેપ મેડસેવે ગુપ્તા હૉસ્પિટલની મુલાકાત લઈ ઘણીવાર એના રેકોર્ડસ તપાસ્યા હતા પણ એમને કાંઈ શંકાસ્પદ નહોતું જણાયું. કેટલાક લોકો એવો આક્ષેપ કરે છે કે આ હૉસ્પિટલોએ વીમા એજન્ટો સાથે સોદો કરી લીધો છે અને તેઓ 'રેકેટ'નો એક ભાગ છે.
સંબંધિત દર્દીઓના ઓપરેશન પહેલા કે પછી યોગ્ય ટેસ્ટ નહોતા લેવાયા એટલે મોટાભાગે ઓપરેશનો વિશે શંકા જાગે છે. ડૉક્ટરો પણ સ્વીકારે છે કે અમુક ટેસ્ટ જતા કરાયા હતા અને એમણે ઓપરેશન માટે પોતાની 'અંગત મુનસફી' પર આધાર રાખ્યો હતો. 'અમે મહદઅંશે ક્લિનીકલ જજમેન્ટના આધારે નિર્ણય લઈએ છીએ,' એમ રાઝિમ, ગરિયાબંદની સોની મલ્ટી સ્પેશ્યાલિટી હૉસ્પિટલના ડૉ.પ્રજવાલ સોની કહે છે. આ હૉસ્પિટલની બે બ્રાંચમાં ગર્ભાશયની ૪૦૯ સર્જરી થઈ હતી.
સસ્પેન્ડ થયેલા ડૉક્ટરોમાં ડૉ.સોની પણ છે. બીજા આવા જ સસ્પેન્ડેડ ડૉક્ટર ગરિયાબંદની સેવા સદન માતા રાની હૉસ્પિટલના ડૉ.પંકજ જૈસવાલ છે. એમની હૉસ્પિટલમાં ગર્ભાશયના ૫૧૩ ઓપરેશનો થયા હતા. આરએસબીવાય હેઠળ આવરી લેવાયેલા ગર્ભાશય કાઢવાના (હિસ્ટરેક્ટોમીઝના) ઓપરેશનોમાં ગુપ્તા હૉસ્પિટલ પછી આ બે હૉસ્પિટલો બીજા અને ત્રીજા નંબર પર હતી.
જેમની તપાસ થઈ રહી છે એવા આ બંને હૉસ્પિટલોના ૨૨ કેસના ક્લિનીકલ રેકોર્ડસ વેરિફિકેશન માટે રાયપુરના સ્વતંત્ર ડૉક્ટરોને બતાવાયા હતા. આ ડૉક્ટરોએ એમ જણાવ્યું હતું કે આમાંથી એક પણ કેસમાં હિસ્ટરેક્ટોમીનું ઓપરેશન કરવાની જરૃર નહોતી અને દર્દીને દવા કે બીજી કોઈ ટ્રીટમેંટથી સારૃં થઈ જાત.
'યોગ્ય ટેસ્ટ વિના આટલુ મહત્ત્વનું અવયવ કાઢી લેવું એ તબીબી નહિ પણ ગુનાહિત બેદરકારી છે. પ્રાથમિક ક્લિનીકલ પરીક્ષણ જ્યારે એમ કહેવું હોય કે ગર્ભાશય કાઢવાની જરૃર નથી ત્યારે તો એ વધુ ગંભીર ગુનો બની જાય છે,' એમ ડૉ.રાકેશ ગુપ્તા કહે છે.
આ પ્રકરણની એક બીજી બાજુ પણ છે. છત્તીસગઢના આરોગ્ય પ્રધાન અમર અગરવાલના જણાવવા મુજબ આજ સુધીમાં આ સંબંધમાં આખા રાજ્યમાંથી એક પણ ફરિયાદ નથી આવી. ૩૦ થી ૪૫ વરસની મા બનવાની વય ધરાવતી કેટલીક સ્ત્રીઓએ પણ એમ કહ્યું હતું કે અમને ઓપરેશન કરાવવાની ફરજ પાડવામાં નથી આવી.
ઘણાં કેસમાં એવું બને છે કે ગામનો ઊંટવૈદ મહિલા દર્દીને પેથોલોજિસ્ટ પાસે અથવા સોનોગ્રાફી સેંટરમાં મોકલે છે, જેઓ પછી સર્જરીની સલાહ આપે છે. ગામડાંથી શહેર સુધી એક અમંગળ કડી પ્રવર્તે છે, જે દર્દીઓને ડૉક્ટરોની દયા પર છોડી દે છે.
માનુનીઓ અને એમાંય ખાસ કરીને ગામડાંની સ્ત્રીઓ સ્વેંચ્છાથી હિસ્ટરેક્ટમી કરાવે છે એનું કારણ બીજુ છે. એમના માટે ગર્ભાશય 'બાળક ઉછેરવાની થૈલી' અથવા 'એક ત્રાસદાયક અંગ'થી વિશેષ કાંઈ નથી. ગર્ભાશયને કારણે એમણે અનિચ્છનીય ગર્ભાવસ્થામાંથી પસાર થવું પડે છે અને દર મહિને માસિક ધર્મની યાતના સહેવી પડે છે. ૩૦ થી ૫૫ વરસની ઘણી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં બાથરૃમ કે જાજરૃ નથી અને અમારે નહાવા પણ ગામના તળાવ કે નદી પર જવું પડે છે. એટલે માસિક આવે ત્યારે મહિનાના પાંચ દિવસ અમારા માટે બહુ જ ત્રાસદાયક બની રહે છે. વળી, ગામડાંની સ્ત્રીઓને સેનિટરી પેડ વાપરવાનું પણ પરવડતું નથી.
બીજુ, પુરૃષો નસબંદીનું ઓપરેશન કરાવવાનું કે ગર્ભનિરોધક સાધનો વાપરવાનું પસંદ ન કરતા હોવાથી ગામડાંની સ્ત્રીઓ સતત ગર્ભવતી થવાના ભય હેઠળ જીવે છે. એટલે તેઓ એકવાર પોતાનો પરિવાર પુરો થઈ ગયા બાદ આ ઝંઝટમાંથી છુટકારો મેળવવા તલપાપડ હોય છે.
ડોંગીતરાઈ ગામની દેવકી બાઈ (૩૭)ને પૈડુમાં દુખાવો રહેતો હતો અને ચાર-પાંચ વરસથી એને માસિક પણ અનિયમિત આવતું હતું. એટલે એણે એપ્રિલમાં ઓપરેશન કરાવીને ગર્ભાશય કઢાવી લીધું. હાસ્ડા ગામની સોનિયા ચેલક પાસે આરએસબીવાયનું સ્માર્ટ કાર્ડ હતું. એટલે એને પણ આ વિકલ્પ સહેલો લાગ્યો. ત્રીસીની સોનિયા ૫ બાળકોની મા બની ચુકી છે અને એના પતિ મજુર છે. એણે પાડોશની સ્ત્રીઓએ ઓપરેશન કરાવ્યા હોવાનું જાણ્યું એટલે પોતે પણ એજ વિકલ્પ પસંદ કર્યો. અલબત્ત, કોઈ આ મહિલાઓને ગર્ભાશય કાઢી નખાવવાની હોર્મોન્સના અસંતુલન જેવી સાઈડ-ઈફેક્ટસ વિશે સમજાવતું નથી. ઓપરેશન બાદ સ્ત્રીઓ નબળાઈ લાગતી હોવાનું સ્વીકારે છે પણ તેઓ ગર્ભાશય રાખીને એને લીધે ઊભી થતી જટિલ મુશ્કેલીઓ કરતા નબળાઈ જેવી મામૂલી તકલીફ સહન કરવા તૈયાર છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved